પ્રકરણ: ૧૫ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી

— વનલતા અમસ્તી જ બોલી હતી પણ લાવણ્ય પકડાઈ ગઈ હતી. હા, અત્યારે તો મૈત્રીના બધા જ વિકલ્પો એ બાદ કરે છે. પ્રેમલને, વિશ્વનાથને અને ગઈ કાલે આગિયાની જેમ ઝબકી ગયેલા અતુલ દેસાઈને. — એ સહુને માયાના આંગણાની ઓલી ગમ રાખવાની આડોડાઈ કરે છે. દીપક સામે બદલો લઈ ન શકી, હવે જાત સામે બદલો લેવા બેઠી છે…

કલ્પના પણ નહોતી કે સૂરતના અધિવેશનમાં દીપકને મળવાનું થશે. દીપકના સસરાએ ખર્ચ પેટે પચીસ હજારનું દાન આપ્યું હતું. દીપકે લખી આપેલું ભાષણ એનાં સાસુજી ઉચ્ચારોની થોડીક ભૂલો સાથે ઝડપથી વાંચી ગયાં હતાં. કેવો વિરોધાભાસ! સ્ત્રીને પુરુષ-સમોવડી ઠરાવવા માટેના પ્રયત્નોમાં સ્ત્રી સ્વાવલંબી નહિ!

પત્નીના નામે પતિ પૈસા આપે એ તો જાણે સમજ્યાં, એ ફરજ બજાવે છે, કેમ કે આર્થિક નિયંત્રણ એની પાસે છે. પણ ભાષણ પુરુષ લખી આપે એ કેવું? જો તમારામાં બૌદ્ધિક યોગ્યતા ન હોય તો કઈ સમાનતા જોઈએ છે?

બાળકને જન્મ આપવાની પીડા તો પુરુષને ફાળવી શકાય તેમ નથી. એક માત્ર શ્રી અરવિંદે એવી કલ્પના કરી છે કે આ મૈથુની સૃષ્ટિમાંથી મનુષ્ય ઉન્નયન કરશે અને માત્ર સંકલ્પ દ્વારા શરીર ધારણ કરી શકશે.

એમ થાય તો મોટી સિદ્ધિ કહેવાય એમાં લાવણ્યને શંકા નથી. પણ પોતે એ દિવસની કેમ રાહ જોતી નથી? એણે એક વાર જાહેરમાં કહેલું: પોતે એ અશરીરી સિદ્ધિઓની સૃષ્ટિમાં જવાને બદલે લાગણીઓની ખેંચતાણવાળા આ પીડામય પ્રત્યક્ષ સંસારમાં રહેવાનું પસંદ કરશે.

કોઈકની યાદમાં તમારી ઊંઘ ઊડી જાય, કોઈકે તમારી પાસે મિલન માગીને બદલામાં વિરહ આપ્યો હોય, અને પછી વધુ સારી વ્યક્તિઓ સાથેના મિલનનું સ્વપ્ન દુર્લભ બની જાય અને પછી પોતાના પ્રેમની કિંમત સમજાવા લાગે. શું ખોટું છે એ અનુભવ્યા પછી જ ખ્યાલ આવે કે શું મેળવવાનું હતું. તમારે કશુંય ગુમાવવાનું ન હોય તો સંવેદના જાગે શેનાથી? અને સંવેદના વિના તમને ખ્યાલ આવે કેવી રીતે કે તમે જીવો છો…

સંમેલનમાં ઘણું જોયું, સાંભળ્યું. પણ એથી લાવણ્યના વિચારોમાં કશો ફેર ન પડ્યો… સ્ત્રી વેઠતી આવી છે એ સાચું. પણ પ્રેમની પરીક્ષામાં તો સ્ત્રી અને પુરુષ બંને તવાય છે, બંને એકમેકને ચાહવાની સ્પર્ધા કરે છે. પ્રેમ એ કોઈ એક જાતિનો વિશેષાધિકાર નથી.

‘સમાન સખ્યની ભૂમિકા’ વિશેની બેઠકની ચર્ચા ખુલ્લી મુકાતાં વનલતાના આગ્રહથી એ બોલવા ઊભી થઈ હતી. એણે અગાઉના વક્તાઓનો વિરોધ કર્યા વિના જ કહેલું: જીવનનો મારો અનુભવ મર્યાદિત છે. પણ આજ સુધી મેં સાહિત્યનો અભ્યાસ કર્યો છે, એ મૂડીના જોરે બોલવા ઊભી થઈ છું.

તમારામાંથી ઘણીબધી બહેનોએ પુરુષની વિરુદ્ધ વિચારવામાં જે વખત બગાડ્યો છે એ મેં સાહિત્ય અને કળાના આસ્વાદ પાછળ રોકયો છે. તેથી કહી શકું કે પ્રેમને જો તમે ઉત્સર્ગ કહેતાં હો તો એમાં પુરુષ એક ડગલું આગળ રહ્યો છે.

યાદ કરી જુઓ: ભારતમાં નારીમુક્તિના આંદોલનના પ્રણેતાઓ કોણ હતા? મહાત્મા ગાંધી અને મહર્ષિ કર્વેના પ્રદાનને બાદ કરીને સરવૈયું કાઢી જુઓ! મારી આગળનાં વક્તાબહેન બહુ અસરકારક બોલ્યાં. તમે એમને તાલીઓથી નવાજીને યોગ્ય કદર કરી.

એમનો મુખ્ય મુદ્દો શો હતો? સ્ત્રીનાં ઉઘાડાં અંગોની જાહેરાત દ્વારા કમાણી કરતા પુરુષમાનસની એમણે ઝાટકણી કાઢી નાખી. ભવિષ્યમાં પણ એમ થશે, થવું જોઈએ પણ મને બીજે છેડેથી મુદ્દો તપાસવાનું મન થયું. પુરુષનું વેપારી માનસ કેમ સફળ થાય છે? સ્ત્રી પોતાનાં અંગોની શોભાની કિંમત ઉપજાવવાનો ઉત્સાહ ધરાવે છે માટે. સ્ત્રીને પોતાની લજ્જા વેચવાનો બાધ નથી માટે. આપણે ત્યાં જે કંઈ સામાજિક વિષમતાઓ અને અસંગતિઓ પ્રવર્તે છે એ માટે એકલો પુરુષ દોષિત નથી.

મારે આપને પૂછવું છે: સ્ત્રીમુક્તિના આંદોલનમાં નર્યો પુરુષવિરોધ ચગાવીને આપણે શું સિદ્ધ કરવું છે? પુરુષને સતત ધિક્કાર્યો કરીશું તો આપણે કુંઠિત થઈ જઈશું. સ્ત્રી પુરુષ-સમોવડી બને એ તો યોગ્ય છે પણ પુરુષને વામણો બનાવવા જતાં સમાન સખ્યનો ખ્યાલ પણ વામણો બની જશે. બીજાની રેખાને ટૂંકાવીને તમારી રેખાને મોટી સાબિત કરવાને બદલે જાતે વિસ્તરવાની નીતિ વધુ ફળદાયી નીવડશે.

સભાએ લાવણ્યને તાળીઓથી વધાવી લીધી હતી. આશ્ચર્ય! આ મહિલાઓ કેવી છે કે બે પરસ્પર વિરોધી મંતવ્યોને એકસરખા હર્ષોલ્લાસથી વધાવી લે છે!

વનલતા એની જગ્યાએથી ઊભી થઈ ગઈ હતી. થોડાંક ડગલાં સામે ચાલીને મંચ પરથી ઊતરતી લાવણ્યને ભેટી પડી હતી, સખીને અકારણ ભેટવા માટે પણ એ તૈયાર હતી, અને અત્યારે તો એ એના સૂચનથી ઊભી થઈ ધાર્યા કરતાં પણ સારું બોલી હતી: એ માશીને ત્યાંથી સારા સમાચાર સાથે આવી હતી. આજે એ પુરુષજાતિની સૌથી મોટી પક્ષકાર હતી.

લાવણ્ય વનલતાની પકડમાંથી છૂટે એ પહેલાં બેત્રણ વખત એનું મુખ કેમેરાના ફલેશથી ઝબકી ઊઠ્યું હતું.

‘મે આઈ ટેક યોર કલોઝઅપ? એક છબિ જરા નજીકથી!’ એ અતુલ દેસાઈ હતા. ‘આપણે અમદાવાદમાં પળવાર માટે મળ્યાં હતાં, અને તમે વિનોદ ખાતર મને અહીં આવવા કહેલું! યાદ હોય તો —’

‘યાદ કેમ ન હોય? ભૂલવા જેવું પણ કેટલુંક ભૂલી શકાતું નથી, જ્યારે તમારી સાથેની મુલાકાતમાં તો પ્રસન્નતાની છાલક હતી.’

પ્રસન્નતાની છાલક! અતુલ દેસાઈ વિચારમાં પડી ગયા.

‘હું સમજ્યો છું ત્યાં સુધી તમે મારામાં કશો અંગત રસ લીધો ન હતો. હું સાચો છું.’

‘હા, પણ એથી શું? અંગત રસ ન લઈ શકું તેથી તમારા વ્યક્તિત્વમાં રહેલા ચાહવા યોગ્ય તત્ત્વને ઓળખવાની તટસ્થતા પણ દાખવી ન શકું?’

અતુલ દેસાઈ ફરી મૂંઝાયા. ‘ચાહવા યોગ્ય તત્ત્વ’ અને ‘તટસ્થતા’ એક સાથે હોઈ શકે? આ તો કોઈક અદ્ભુત યુવતી લાગે છે.

એક વધુ ફોટોગ્રાફ લઈને, એનું વ્યાખ્યાન બિરદાવીને અતુલ દેસાઈએ સરનામું માગ્યું, બની શકે તો હસ્તાક્ષરમાં —

એ મેળવીને અતુલ દેસાઈ ખીલી ઊઠ્યા:

‘તમારા તો અક્ષર પણ —’

‘સુન્દર છે!’ — પૂર્તિ વનલતાએ કરી.

‘અહીંથી ખસવાની ઇચ્છા તો થતી નથી પણ એક મુલાકાત છે. વિવેક ખાતર પણ જવું જોઈએ. કદાચ ને ટિકિટની તારીખ બદલાવી શકું ને તમને મળવા આવી ચઢું તો એટલો અવિવેક —’

‘માફ!’ — જવાબ લાવણ્ય વતી વનલતાએ આપ્યો. અને અતુલ દેસાઈ અદશ્ય થાય એ પહેલાં જ પોતાની વાત શરૂ કરી દીધી:

વિનોદ સી. એ. છે. અમેરિકાનો નાગરિક થયેલો છે. ત્યાંના સુંદર અને સમૃદ્ધ ગણાતા રાજ્ય કેલિફોર્નિયામાં સ્થાયી થયેલો છે. ગોળ જુદો પણ જ્ઞાતિ એક. મળવાનું જ બાકી હતું.

પહેલાં વનલતાનો આગ્રહ હતો કે મુલાકાત દરમિયાન લાવણ્ય સાથે રહે. પોતે કોઈ કારણે શરમાઈ જાય કે ડઘાઈ જાય તો લાવણ્ય બાજી સંભાળી લે. પણ એ સંમત ન થઈ: ‘તારાં માશી છે, એમની દીકરી છે, પછી મારી શી જરૂર છે? અને સંમેલનમાં આવી છું તો એક બેઠક શા માટે છોડું?’

વનલતા ખોટું લગાડવાને બદલે મલકાતાં બોલી:

‘અમારી મુલાકાતમાં હાજર ન રહેવાનું સાચું કારણ તું છુપાવે છે. ભલે. એ મારા હિતમાં હોવાથી સ્વીકારી લઉં છું. મુલાકાત પૂરી થઈ જતાં હું તુરત સભામાં આવી જઈશ. મારા માટે જગા રાખશે.’

‘એ સિવાય પણ સભામાં જગા રહેશે, નિરાંતે અવાજે.’

વનલતાને કશો સંકોચ નડ્યો નહીં. એની માશીની દીકરી સાથે હતી જ. એ સહેજ નીચી અને ઓછી આકર્ષક, જ્યારે લાવણ્ય તો કોઈ તપસ્વીનું પણ ધ્યાન ખેંચે એવી. વિનોદ એને જોતાં જ વિમાસણમાં મુકાઈ જાય અને હજી વિકલ્પને અવકાશ છે એમ માનીને મને તરત સ્પષ્ટ જવાબ ન આપે તો?

હવે સો ટકા હા થઈ ગઈ છે. અમદાવાદ ફોન જોડાતાં પણ વાર ન થઈ. બધી ઔપચારિકતાઓ વિશે વાત થઈ ગઈ. મધુકરભાઈ અને જમુનાબેન વિનોદના કુટુંબને જ નહીં, એના આખા કુળને ઓળખે છે. પત્રવ્યવહાર પણ ખરો.

એ લોકો થોડાંક રૂઢિચુસ્ત, પણ બીજી ચિંતા નહીં. પંદરેક વરસ પહેલાં વિનોદના પિતાશ્રી મધુકરભાઈ સાથે એક જ વિભાગમાં નોકરી કરતા હતા. પછી એ નોકરી છોડીને અમેરિકા ગયા. ટચુકડી જાહેરાત વાંચ્યા પછી રીતસર તપાસ કરી તો જાણવા મળ્યું કે આ વિનોદ તો એમના સહકાર્યકરનો જ દીકરો છે. ગ્રહો મળતા હતા. રૂપ પણ ગમ્યું.

વનલતાના કહેવા મુજબ ‘ચાલશે.’ વિનોદનો અભિપ્રાય હતો: ‘બી પ્લસ કહેવાય. બાંધો પણ એવો છે કે લગ્ન પછી સ્થૂલતા વધે નહીં.’

એના શબ્દો બધાને ગમ્યા છે એ જોઈને એને વધુ બોલવાનું મન થયું: ‘જેમને બહુ રૂપાળી પત્ની હોય છે એ લોકો મોટે ભાગે દહેશતમાં જીવતા હોય છે. અમારે ત્યાંના સમાજમાં પાર્ટી અને પિક્નિક વિના તો ચાલે જ નહીં. એક આંખે ચાહો અને બીજી આંખે રખેવાળી કરો એ આપણને ફાવે નહીં.’

વિનોદે છૂટા પડતાં પહેલાં કહેલું: ‘કોઈક ભાગ્યશાળીને જ જ્ઞાતિની, ઓળખીતા કુટુંબની અને શિક્ષિત તેમ જ વિશ્વાસપાત્ર કન્યા મળતી હોય છે.’ — સાંભળતાં વનલતાને લાગ્યું નહોતું કે વિનોદ જુનવાણી છે. અમેરિકામાં રહે એ આધુનિક તો હોય જ. આ તો અનુભવની વાણી હશે.

બસ, હવે સારું મૂરત મળે એટલી વાર. બેંકમાં એકાદ કલાક કામ છે. પછી પાછો વિનોદ હાજર થઈ જશે. એણે માશીને ત્યાં જમવાનું આમંત્રણ સ્વીકારી લીધું છે. લાવણ્યને પણ લઈ જવાની છે, બોલ આવે છે ને?

વાત ચાલતી હતી ત્યાં દીપક આવ્યો, અભિનંદન આપવા, આમંત્રણ લઈને. એના સસરા લાવણ્યના ભાષણ પર ખૂબ ખુશ છે. સવિતા પણ અહીં છે. એણે પણ આગ્રહ પૂર્વક કહ્યું છે કે વિદૂષીને ઘેર લઈ આવજો.

લાવણ્ય દીપક કે વનલતા કોઈની સાથે જવાને બદલે બધી પ્રતિનિધિ મહિલાઓ સાથે રસોડે જમવા માગતી હતી. વનલતાએ હઠાગ્રહ છોડી દીધો પણ દીપકે લાચારીથી કહ્યું: મારી બેબીને જોવા પણ નહીં આવો?

લાવણ્ય નિરુત્તર. ભલે. વનલતાને એની માશીને ત્યાં ઉતારીને એ દીપકના સાસરે ગઈ.

‘સવિતા, જો કોણ આવ્યું છે?’

દીકરીને ખોળામાં લઈને સવિતા બેઠી હતી. સવિતાએ ઔપચારિક શબ્દોમાં આવકાર આપ્યો. લાવણ્યની નજર બાળકી પર હતી. દોઢેક માસ થયો હશે. સસલાના બચ્ચા જેવી લાગે છે! પણ આમ કેમ?

કાચની આંખે જાણે સ્થિર તાકી રહી છે. નાના બાળકની આંખો તો ભારે ચંચળ હોય છે. દીદીનો શામસુંદર નાનો હતો ત્યારે પોતાના ખોળામાં જ ઊછર્યો છે ને! એની આંખો ત્યારે કેવી ચંચળ હતી? આપણે ઈચ્છતાં રહીએ અને એ તો કોણ જાણે ક્યાંનું ક્યાં જોયા કરે, અગમનિગમ… જ્યારે આ બાળકી તો —

પાસે બેસતાં લાવણ્યે સવિતાને બાળકીનું નામ પૂછ્યું.

‘નામ તો નથી પાડ્યું પણ અમે બધાં ગમ્મતમાં પ્રતિમા કહીએ છીએ. પ્રતિમા જેવી સ્થિર અને શાન્ત રહે છે તેથી.’ — સવિતા હસવા મથી પણ એની ગંભીરતા હાસ્યની આડે આવી.

પ્રતિમાને તેડવાનું લાવણ્યને બરાબર ફાવ્યું નહીં. ચંપાનાં ફૂલની ઢગલી ખોળામાં મૂકી હોય એવું લાગ્યું. એક નવજાત શિશુને પહેલી વાર તેડવાનો આનંદ હોય છે, એ જાગતાંની સાથે જ શમી ગયો, બાળકને રમાડવા જતાં જાતે રમવાનો ઉમંગ જાગે છે એ ઓસરી ગયો. શું આના સ્નાયુઓ બરાબર કામ કરતા નહીં હોય? પૂછું? ખોટું તો નહીં લાગે? પ્રશ્ન બીજા શબ્દોમાં પ્રગટ થયો:

‘રડે છે?’

‘બહુ ધીમે. ઊંઘમાં હોઈએ તો આપણને સંભળાય જ નહીં, એ છે એનો ખ્યાલ આપણે જ રાખવો પડે.’ — દીપક બોલ્યો, સવિતા તાકી રહી.

‘ડૉકટર શું કહે છે?’

‘અમારા ફેમિલી ડૉકટરને કશી ચિંતા નથી. એમને ચિંતા હતી સવિતાની અને મારી મમ્મીની મનોદશાની. કેમ કે એમને બંનેને જોશીઓએ દીકરાની આશા બંધાવી હતી.’ — કહેતાં દીપક હસી પડ્યો.

‘એમાં હસવા જેવું શું છે?’ — સવિતાના ઠપકામાં રોષ પણ હતો.

‘ડૉકટરે બીજું કંઈ નથી કહ્યું? આના હાથપગનું હલન-ચલન —’

લાવણ્યના પ્રશ્નોથી સવિતાને નવાઈ લાગી. આ તો ડૉકટર કરતાંય ડાહી થવા જાય છે! કહ્યું છે ડૉકટરે કે સમય જતાં બધું સરખું થઈ જશે. શક્તિ વધે પછી ચંચળતા આવે. એકાદ મહિનો રાહ જોવા કહ્યું છે.

‘નિષ્ણાત ડૉકટરને બતાવ્યા પછી પણ રાહ તો જોઈ શકાય.’ — લાવણ્ય સ્વગત બોલતી હોય એમ ધીમેથી ગણગણી. એથી વળી સવિતાને એના માટે લાગણી થઈ. હૂંફ મળી. મહિલા અધિવેશનના વાતાવરણની એને પણ કંઈક અસર થઈ હતી. બોલી:

‘બેબીને બદલે બાબો હોત તો તમારાં માબાપે આટલી રાહ જોઈ હોત?’

‘તારી વાત ખોટી નથી. પણ આ બાબતે તારાં માબાપનું માનસ પણ ક્યાં જુદું છે? તું કહેતી હોય તો બેત્રણ દિવસમાં જ મુંબઈ જઈએ. બોલ, ટિકિટ કરાવી લઉં?’

‘એટલે? તમે ધારો છો કે હું ના પાડીશ? બાપ થયા છે તે —’

લાવણ્યને સવિતાનું વર્તન અકળ લાગ્યું. કદાચ બેબીની આ દશાની અસર હશે.

ત્યાં લાવણ્યને બહાર બોલાવવામાં આવી. બેઠકખંડમાં જાણે કે એનો સન્માન-સમારંભ યોજાયો હતો. સવિતાનાં કુટુંબીજનો સાહિત્ય અને સંસ્કારની પ્રવૃત્તિઓમાં ઊંડો રસ ધરાવતાં હોય એ રીતે વાત કરવા લાગ્યાં. પણ એમની પસંદગીનાં પુસ્તકો અને લેખકો લાવણ્યની રુચિથી જોજન દૂરનાં હતાં.

માત્ર મનોરંજન આપતી કૃતિઓમાં લાવણ્યને રસ નહોતો. પણ એ અંગે અહીં વિવાદ કરવામાં ઔચિત્ય નહોતું. એણે જે કંઈ કહ્યું એથી બધાં આભાં બની ગયાં. પણ લાવણ્યે પ્રશંસાના બદલામાં પ્રશંસા ન કરતાં, નમ્રતાથી કહ્યું: આ અધિવેશન માટે આપે આપેલા પચીસ હજારના દાન કરતાં પ્રતિમાને મુંબઈ લઈ જઈને સારવાર કરાવવામાં આવે એનું મૂલ્ય મારે મન વધુ છે. હું અહીં ફરીથી આવું એ પહેલાં ઇચ્છું કે પ્રતિમા સ્વસ્થ થઈ ગઈ હોય. છૂટાં પડતાં એણે દીપકને સલાહ આપી: બેબીને સાચવવામાં સવિતાને મદદ કરજે, નહીં તો એનો સ્વભાવ પહેલાં જેવો નહીં રહે.

દીપકે મૌન પાળ્યું હતું. લાવણ્યે એને કહ્યું: ‘દીપક, યાદ છે? એકવાર આપણે બેએક ચર્ચાસભામાં ગયેલાં? વ્યક્તિવાદ વિરુદ્ધ સમષ્ટિવાદને લગતો કંઈક વિષય હતો? ત્યારે તેં કુટુબભાવનું ભારે સમર્થન કર્યું હતું. બ્રેડલીનું અવતરણ ટાંક્યું હતું: ‘માણસ માણસ જ રહેતો નથી, જો તે સામાજિક નથી હોતો, પણ જો તે સામાજિક કરતાં કાંઈ વિશેષ ન બને તો તે પશુ કરતાં બહુ ઊંચે ચડી શકતો નથી.’

સવિતાના પિતાશ્રીની આંખોમાં ચમક આવી હતી. એમણે વત્સલ ભાવે લાવણ્ય સામે જોયું હતું. બધાં ઊઠ્યાં ત્યારે એ બોલ્યા હતા: ‘હું પણ સવિતા અને દીપકને કહું છું કે શુભમાં શ્રદ્ધા રાખો. પ્રાકૃત પરિબળોથી ડઘાઈ ન જાઓ, અતિપ્રાકૃતનો મહિમા કરો. ‘પ્રાઈમસી ઑફ ધી સુપરનેચરલ ઑવર ધી નેચરલ’ સ્વીકારીને જીવવું એ તો આસ્તિકતાની પહેલી શરત છે.’

પછી તો લાવણ્યના પીએચ. ડી.ના વિષયની ચર્ચા શરૂ થઈ. ‘ઉધાર જમાનો અને સર્જનાત્મક આભિગમ.’ — એમાં સર્જનાત્મક અભિગમ એટલે માત્ર રૂપાનો ઉત્કર્ષ નહીં. સિંઘસાહેબ માને છે કે જીવન પ્રત્યે વિધાયક દષ્ટિ હોય તો જ રૂપાનો ઉત્કર્ષ સત્ત્વશીલ નીવડે. સર્વગ્રાસી વિતૃષ્ણાના કવિ બોદલેરે પણ ‘પોયેટિક હેલ્થ’ પર ભાર મૂક્યો છે….

સિંઘસાહેબ ઇચ્છે છે કે કવયિત્રી તરીકે લાવણ્ય પોતે પણ આ ‘પોયેટિક હેલ્થ’ની ઉપાસક બને…

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.