પ્રકરણ: ૧૪ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી
સિંઘ દંપતી વિશે વાત કરતી બંને બહેનપણીઓ ચાલ્યા કરત, પણ રિક્ષા મળતાં બેસી ગઈ. સૂરતમાં વનલતાએ જે મુરતિયાને મળવાનું છે એને વિશે મધુકરભાઈ પાસેથી કેટલીક વીગતો સમજી લેવાની છે. એ તો ઠીક પણ અત્યારથી જ એ લાવણ્યને પણ એ અદીઠ યુવક વિશે પૂછવા લાગી છે! કેવો હશે?
કદાચ કોઈ યુવતી પોતાની કલ્પનાના પુરુષ વિશે વાત કરી શકે પણ વનલતા તો એના પુરુષની કલ્પના પણ સખી પાસે કરાવવા ઈચ્છે છે!
એકલી પડતાં લાવણ્યે સ્વાધ્યાયમાં મન પરોવ્યું. સિંઘસાહેબની દષ્ટિએ સર્જનાત્મકને હંમેશાં વિધેયાત્મક માનવા જઈએ તો સૌન્દર્યશાસ્ત્રના પ્રશ્નો ઊભા ન થાય?
પ્રેમલનાં ચિત્રોની જ વાત કરો ને! પોતાને જે ચિત્ર સૌથી વધુ ગમ્યું હતું એ તો ભયનો પ્રભાવ જગવતું હતું. ચિત્રના કેનવાસમાં બચેલા અવકાશ પર ઘેરા રંગનું ખૂંખાર આક્રમણ હતું. અતિ અલ્પ એવા પ્રકાશને અંધકારના સજાતીય રંગોએ આંતર્યો હતો. એ ચિત્ર જોતાની સાથે જ પોતે રોમાંચ અનુભવ્યો હતો. — લાવણ્યને બરાબર યાદ છે… શું એ રોમાંચને આનંદ કહી ન શકાય? એ ચિત્ર સિંઘસાહેબને બતાવીને પૂછવું જોઈએ: આ ચિત્રને આપ સર્જનાત્મક કહેશો કે નહીં?
પ્રેમલ માટે વનલતાએ બ્લેક કૉફી મૂકી હતી. લાવણ્યને પૂછ્યું. એ થોડુંક દૂધ લેશે, ઇલાયચીવાળું.
બેઠકખંડ ફરીથી હર્યોભર્યો બની ગયો હતો. દક્ષિણ બાજુએ પડેલા સોફામાં લંબાવીને પ્રેમલ અંગ્રેજી સામયિક વાંચતો હતો. એની સામે જોયા વિના લાવણ્ય એના એક ચિત્ર વિશે વિચારી રહી હતી. અગિયાર વાગ્યે સૂવાની તૈયારી કરીને બહાર આવેલી.
વનલતાએ પ્રેમલને સરખા બેસવાની સૂચના આપી. ‘ગરબડ ન જોઈએ.’ કહીને પ્રેમલે સામયિકનું પાનું ફેરવ્યું. ‘આને કૉફી ચઢી લાગે છે!’ — કહીને વનલતાએ મૉર્નિગ એલાર્મ અંગે લાવણ્યને પૂછ્યું: કેટલા વાગ્યે જાગીશું?
‘મારે એલાર્મની જરૂર નથી. હું પાંચ વાગ્યે જાગી જઈશ. સ્નાન કરી તૈયાર થઈને તને જગાડીશ. સાતની ગાડી છે. સવા છએ અહીંથી નીકળીશું તો નહીં ચાલે? રિક્ષા તો તરત મળી જશે ને?’
‘પપ્પા વહેલા જાગે છે. મૂકવા આવશે. એમ તો પ્રેમલ પણ મુશ્કેલીમાં જરૂર મદદ કરે. નેપોલિયન ઘોડા પર ઊંઘી શકતો હતો. પ્રેમલ વહેલી સવારે કાર ચલાવતાં ઊંઘી શકે છે. તને જાગતા ડ્રાઈવરનો આગ્રહ ન હોય તો —’ વનલતાને થયું કે પોતે નાહક ભાઈને ગુસ્સે કરી રહી છે. એ રાજી થાય એ રીતે વાતનું વહેણ બદલ્યું: પ્રેમલ વર્તનથી જેવો બરછટ દેખાય છે એવો હકીકતમાં છે નહીં.’ — આ ઉદ્ગારથી કશો ફેર પડ્યો નહીં. પ્રેમલે સામયિકમાંથી નજર ઊંચકી નહીં. નશીલી દવાઓ લઈને રચેલી કૃતિઓ વિશેનો એ લેખ હતો. લાવણ્યે ‘ગુડ નાઈટ’ કહેવા માટે પ્રેમલની સામે જોયું. અને પછી એ સાંભળે એ રીતે વનલતાને કહ્યું:
‘પ્રતિભાશાળી કલાકારો થોડાક ઍબનોર્મલ તો હોવાના જ.’ — લાવણ્યના ઉદ્ગારનો જવાબ આપ્યા વિના પ્રેમલ વાંચતો રહ્યો.
સંમેલન પછીની ખરીદી અંગે વાતો કરતાં કરતાં બહેનપણીઓ ઊંઘી ગઈ. લાવણ્યને ઊંઘ આવતાં થોડીક વાર થઈ હતી છતાં એ સંકલ્પ પ્રમાણે પાંચેક વાગ્યે જાગી ગઈ. એ સ્નાન કરીને નીકળતી હતી ત્યાં એણે રસોડામાં લાઈટ જોઈ. કદાચ જમુનાબેન ઊઠી ગયાં હશે, ચાનાસ્તો તૈયાર કરતાં હશે, એમ ધારીને ટૂવાલ વીંટેલા વેશે જ એ તરફ ડોકિયું કરવા ગઈ. પ્રેમલ પાણી પીને પાછો ફરી રહ્યો હતો. થોડુંક અંતર રહી ગયું, નહીં તો અથડાઈ પડત. એને માટે પણ આ દશ્ય અણધાર્યું હતું. આંખોની આળસને સ્થાને સ્ફૂર્તિ આવી ગઈ. ઉજાગરો દર્પણ બન્યો. એમાં લાવણ્યની તાઝગીભરી કાયાની છબિ ઝિલાઈ, મધ્યાહ્નના આકાશમાં સવારનો સૂર્ય એના સાતેય અશ્વ સાથે સાકાર થયો…
બંને સાવધાનીપૂર્વક પોતપોતાની દિશામાં વળી ગયાં હતાં. લાવણ્યે સાડી હાથમાં પકડી ત્યારે હૃદયના ધબકારા વધી ગયા જેવું લાગ્યું. વનલતાને જગાડ્યા પછી જ એણે છાતી પરથી ટુવાલ ખસેડ્યો. પાંચેક મિનિટમાં સવારનું વાતાવરણ ફરીથી શીતળ બની ગયું. બારી બહારના ફૂલછોડે એમની હાજરી પુરાવી.
ડોલ અને બારણાંનો અવાજ ઓછો હોય એમ વનલતાએ બાથનો ફુવારો ચાલુ કર્યો. જમુનાબેન અને મધુકરભાઈને જગાડવા માટે આટલો અવાજ પૂરતો હતો. ચા પીને પ્રેમલે મમ્મીની રજા લઈ વાહનની ચાવી શોધી કાઢી. એમ લાગે છે કે એ આખી રાત ઊંઘ્યો નહીં હોય. અત્યારે સીધો સ્ટુડિયો પર જશે? ગુલમહોર કે કર્ણિકાર? એ નામ રાખવા અંગે પૂછતો હતો.
સ્ટુડિયોનું નામ કર્ણિકાર અને ઘરનું નામ ગુલમહોર રાખી શકાય. વાત કરવી હતી. પગથિયાં ઊતરીને પણ એને એકબે વાક્ય કહી શકત, પણ લાવણ્યે સંયમપૂર્વક મૌન પાળ્યું. એને બીક હતી કે વનલતા એકબે શબ્દનો પણ અવળો અર્થ કર્યા વિના નહીં રહે.
સ્ટેશને મૂકવા આવેલા મધુકરભાઈએ સુખરૂપ પ્રવાસની શુભેચ્છા આપી, વિનોદને મળવાનું થાય તો ફોન કરવા જણાવ્યું. ગયા.
‘તારી સગાઈની વાતમાં પપ્પા ધાર્યા કરતાં ઓછો રસ લેતા હોય એવું કેમ લાગે છે?’
‘હું પરણીને ઊપડી જવાની ને ઘર ખાલી થઈ જવાનું! પપ્પાની ઇચ્છા હતી અને મમ્મીની તો હઠ હતી કે પ્રેમલની વહુ ઘર સંભાળી લે પછી જ મારો પ્રશ્ન હાથમાં લેવો. પણ પછી સગાંવહાલાંના ઠપકા સાંભળવા વારો આવ્યો. એમ પણ કહેવા માંડ્યું: લોકો દીકરા કરતાં ચાર ચાર વરસ નાની દીકરીઓને પહેલાં પરણાવી દે છે તો તમારે તો ફક્ત બે વરસ નાની છે. આ એક પ્રસંગ તો ઉકેલી દો!’
‘ચાલો ઉકેલી દઈએ. વિનોદના એકબે ગુણ હુંય શોધી આપીશ અને જરૂર લાગતાં તારી વકીલાત કરીશ….’
‘એ તો તું કરવાની જ પણ હું તારા કે પ્રેમલ માટે કશું કરી શકતી નથી. પપ્પા-મમ્મીનો ઠપકો સાંભળીનેય —’
‘ઠપકો? કઈ બાબતે?’
‘એ બંને માને છે કે તને અને પ્રેમલને નજીક લાવી લગ્નના નિર્ણય સુધી પહોંચાડવાની ભૂમિકા હું અદા કરતી નથી.’
‘કદાચ એ સાચું પણ હોય!’ — કહેતાં લાવણ્ય હસી પડી. વનલતા ભોંઠી પડી. થોડી વાર એ અંગે વિચાર કરતી હોય એમ લાવણ્ય બેસી રહી. પછી બારી બહાર જોઈને બોલી: ‘બે વ્યક્તિઓને નજીક લાવવામાં ત્રીજી વ્યક્તિના ફાળા વિશે તારાં મમ્મી-પપ્પા વધારે પડતાં આશાવાદી કહેવાય. મને નવાઈ એ વાતની લાગે છે કે એ મારી સાથે સીધી વાત કેમ કરતાં નથી?’
‘એમને બીક હશે. એમ પૂછવાથી તને ખોટું લાગી જાય. અને તું અમારે ત્યાં આવતી બંધ થઈ જાય તો?’
‘તને શું લાગે છે?’
‘મને? સાચું કહું? તું મારી ભાભી હોય એ મને ખૂબ ગમે.’ — વનલતા લાવણ્યના પ્રશ્નનો ભળતો જ જવાબ આપી રહી હતી. પણ લાવણ્યે એને બોલવા દીધી — મમ્મી-પપ્પાનું વલણ તો તું જાણે જ છે. કદાચ પ્રેમલ પણ તને ઊંડે ઊંડે ઝંખે છે. પણ હું તને કેમ આગ્રહ નથી કરતી એ કહું? પપ્પા અને પ્રેમલ વચ્ચે દેખાય છે એથી ઘણું વધારે અંતર છે.
નાનપણમાં પ્રેમલ અભ્યાસમાં ઘણો સારો હતો. બધા વિષયો એને ફાવતા. પપ્પાની ઇચ્છા પ્રમાણે ક્ષેત્ર પસંદ કરીને એ એમાં જરૂર સફળ થયો હોત. પણ એ એક પછી એક આંચકા આપતો ગયો. પપ્પા કંઈ ને કંઈ આશ્વાસન શોધીને સ્વસ્થ રહેવા પ્રયત્ન કરતા રહ્યા. તને કદાચ ખબર નહીં હોય કે પ્રેમલનાં કેટલાંક ચિત્રો એમને જરાય ગમતાં નથી. એ માને છે કે પ્રેમલ ચિત્રકાર તરીકેની પોતાની પ્રતિભા વેડફે છે, તો બીજી બાજુ આવાં ચિત્રોથી પણ એને રાષ્ટ્રીય સન્માન મળે એમ ઇચ્છે છે.
ક્યારેક નિર્ણાયકોને સરખા ઉત્તર ન આપીને કે એમને સામેથી અટપટા પ્રશ્નો કરીને પ્રેમલે પુરસ્કૃત થવાની તક ગુમાવી હશે. એય સમજ્યાં પણ પ્રેમલની અનિયમિતતા અને ખાણીપીણીની કુટેવો અને વ્યસનો વિશે પણ પપ્પાને અંદેશો છે. મમ્મી બચાવ કરે તેથી શું વળે?
એકવાર પોલીસ કેસ થયેલો. જિંદગીમાં કદી લાંચ ન લેનાર પપ્પાએ દારૂનો એ કેસ કઢાવી નાખવા માટે પોલીસને લાંચ આપેલી. પણ એથી પ્રેમલમાં કામચલાઉ નમ્રતા પણ નહોતી આવી. એ દિવસોમાં પપ્પાને પ્રેમલ પ્રત્યે ઊંડો અણગમો જાગ્યો હતો.
દિવસો સુધી એમણે અમારા બધાંની સાથે પણ મૌન પાળેલું. અને એક સવારે મમ્મીને ચિઠ્ઠી લખીને પંદર દિવસ માટે હરદ્વાર જતા રહેલા. તારો મારી સાથે સંપર્ક વધ્યો છે ત્યારથી એમની મનોદશા બદલાઈ છે. બંને એવું માનતાં થયાં છે કે તું પ્રેમલને પસંદ કરે તો એને આસાનીથી સંભાળી શકે.’
લાવણ્ય બારી બહાર વધુ ને વધુ દૂર તાકી રહી હતી. પળવાર માટે એ દ્રવી ઊઠી: વડીલો ધારે છે એવી પોતે હોત તો કેવું સારું!
વનલતાએ એનો હાથ પકડી, એની નજીક સરકતાં કહ્યું:
‘મારાં પપ્પા-મમ્મી એમ માની બેઠાં છે કેમ કે બુદ્ધિશાળી હોવા છતાં એ એમના યુગમાં જીવે છે, અને મારી જેમ તને ઓળખતાં નથી.’
‘તું મને ઓળખે છે, લતા? એમ હોય તો સારું. ક્યારેક હું મારે વિશે તને પૂછી શકું!’
‘આવી ગંભીર વાતમાંય તું ગમ્મત કરી શકે એ સારું છે. જો હું તને સમજતી હોઉં તો તું બાંધછોડ કરીને જૂના જમાનાની પતિવ્રતા તરીકે જીવે એવી સ્ત્રી નથી જ. પ્રેમલ ઇચ્છે એ રીતે તું વર્તે ખરી? તમારાં વ્યક્તિત્વ ટકરાય કે નહીં?’
‘કોણ જાણે! અત્યાર સુધી તો અમારાં વ્યકિતત્વ ટકરાયાં નથી. જેનો અનુભવ નથી એને વિશે નકારાત્મક અનુમાન કરી લેવું? અને એ પણ સામી વ્યક્તિને અન્યાય થાય એ રીતે? હું એનું અનુમાન નથી કરતી લતા, કેમ કે તું ધારે છે એવી અપેક્ષા હું નથી સેવતી.
પ્રેમલ વિશે કે બીજા કોઈ પણ પુરુષ વિશે મારે જાગ્રતપણે હમણાં વિચાર કરવો જ નથી. દીપક સાથે અધૂરો રહેલો સંબંધ જ હજી અકળ છે ત્યાં નવી શરૂઆત ક્યાં કરું? હું તારાં મમ્મી-પપ્પાને મારું વલણ જરૂર સમજાવી શકી હોત. ને જો પ્રેમલ ઇચ્છતો ન હોય તો એમણે એના લગ્નના પ્રશ્ને રસ લેવો ન જોઈએ. આપણે જેની બહુ ચિન્તા કરીએ છીએ એને જાણેઅજાણે ઉતારી પાડીએ છીએ… મને લાગે છે કે આપણે પ્રેમલને બદલે તારી વાત કરીશું તો સમય સુખરૂપ પસાર થશે.’
વનલતા તાકી રહી. કેવી છે આ છોકરી! છોકરી? હા, એક પળમાં છોકરી, બીજી પળમાં યુવતી. પુખ્ત સ્ત્રીની અવસ્થા તો જાણે આને માટે નિર્માઈ જ ન હોય! ‘લાવણ્ય!’
લાવણ્ય પ્રેમલને ભૂલવા જતાં એને સ્પષ્ટપણે યાદ કરી બેઠી હતી. વહેલી સવારે એની અનીંદર આંખો! ગઈ સાંજનો અજંપો રાતના ઉજાગરે ઘૂંટાઈને સ્થિર થયો હશે, ત્યાં પોતે અણધાર્યા સ્વરૂપે એની લગોલગ પહોંચી ગઈ હતી.
પ્રેમલની ચેતના એની આંખોમાં ઝબકી ઊઠી હતી. એકાએક વિદ્યુત-પ્રવાહ વધી જતાં બલ્બ ઝગમગી ઊઠે છે તેમ… આ ઉપમા જરા યાંત્રિક લાગે છે પ્રેમલ જેવા કલાકાર માટે. એ ક્ષણે ક્ષણાર્ધ માટે એ એવો તો જીવંત થઈ ઊઠ્યો હતો કે સામેથી ખસી જવામાં પોતે સહેજ પણ વિલંબ કર્યો હોત, ચાલી જવા પહેલાં ખમચાઈ હોત તો એ પવનની જેમ ભેટી પડ્યો હોત. અને એમ થયું હોત તો?
એનાથી અલગ રહેવા માટે મારી પાસે કોઈ વિશિષ્ટ શક્તિ હોત ખરી? સંકલ્પની શક્તિ અસ્તિત્વના વેવલેન્થની બહાર રહીને નિર્ણાયક બની શકે? કે પછી જેને આપણે સંકલ્પ કહીએ છીએ એ વાસ્તવમાં વિકલ્પના અભાવે જાગેલી ગ્રંથિ છે?
‘લાવણ્ય! કેમ બોલી નહીં? શું વિચારે છે?’
‘જે સમજી શકતી નથી એ.’
‘તું સમજી ન શકે એવું પણ કશુંક છે ખરું!’
‘હા, મારી પોતાની જ સંવેદના, એ સંવેદનાનો અનુભવ કરનાર હું પોતે.’
લાવણ્ય પોતાની સંવેદનાથી પણ જાતને જુદી પાડીને જોઈ શકતી હશે? આ બધું વધારે પડતું ન કહેવાય? શું એની જરૂરિયાતો શમી ગઈ હશે?
‘શું તારે મારી જેમ સુખી થવું નથી?’
‘તારી જેમ એટલે? તને ખાતરી છે કે લગ્ન થવાની સાથે જ સુખ તારી મુઠ્ઠીમાં આવી જશે?’
‘જરૂર. લગ્ન પછી હું મારી ધારણા પ્રમાણે સુખી થઈ શકીશ. બધા જ્યોતિષીઓ પણ એમ જ કહે છે.’
‘જ્યોતિષીઓ કહેતા હોય તો મારાથી ના પાડી ન શકાય.’
‘તું દાઢમાં બોલે છે —’
‘ના, ગંભીરતાથી કહું છું. વિચારી વિચારીને જીવવાનો મને શોખ નથી. ટાળી ટળી ન શકે એવી ટેવ છે. તારી જેમ મને પણ જ્યોતિષીઓ અને વડીલોમાં પૂરેપૂરી શ્રદ્ધા હોત તો મારો ઘણો ભાર હળવો થઈ જાત.’
‘સાચે જ? આ બધાને પહેલાં તું અંધશ્રદ્ધા નહોતી કહેતી?’
‘શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાની કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ સર્વ સુલભ નથી. પ્રત્યક્ષ પ્રમાણે કે તર્ક દ્વારા સાબિત કરી શકાય એટલું જ વૈજ્ઞાનિક? એ ધોરણે તો શારીરિક ખેંચાણ જ પ્રેમનું નિદર્શન બની શકે.’
‘નિદર્શન એટલે —’
‘ઈલસ્ટ્રેસન, તું પણ વિશ્વનાથની જેમ પૂછવા લાગી —’
‘એ ભલો તને યાદ આવ્યો!’
‘કેમ યાદ કરવા જેવો નથી?’
‘કેમ નહીં? મારી મમ્મીએ તો એકવાર મારે માટે કહેલું પણ ખરું, આપણી નાતનો હોત તો કાઢી નાખવા જેવો નહોતો —’
‘પણ એને તારામાં રસ પડયો ન હોત તો?’
‘એ શક્ય ખરું?’
‘કેમ? એને પોતાની પસંદગી જેવું કંઈ હશે જ નહીં? સુખી થવાના તારા ખ્યાલથી એનો ખ્યાલ જુદો ન હોય? વનલતા, આ સંસાર કંઈ અમસ્તો સંકુલ થયો નથી. પ્રેમલનાં ચિત્રો મને ગમે છે કેમ કે અસ્તિત્વની સંકુલતાને સ્વીકારે છે. સૃષ્ટિને વ્યાખ્યામાં બાંધી દઈને કેનવાસ પાસે જતો નથી.
ગઈ કાલે હું સિંઘસાહેબ સાથે સહમત નહોતી થઈ શકતી કેમ કે એમને સત્યની એક જ બાજુનું સર્જનાત્મક નિરૂપણ જોઈએ છે, બાકીનું એમણે બાદ કરી દેવું છે.’
‘બાદબાકી એ એકલા જ કરે છે કે તું પણ?’