|

ધ ફાધર (વાર્તા) ~ બીયોનસન બ્યુસ્ટન (Bjørnstjerne Bjørnson) – નોર્વેના નોબલ પારિતોષિક વિજેતા સર્જક ~ અનુવાદ: સ્વાતિ  મહેતા

થોર્ડ ઓવગસ પોતાના વિસ્તારમાં ખૂબ ધનાઢય અને વગવાળો હતો. ઊંચો અને ધીર ગંભીર પ્રક્રૃતિનો થોર્ડ એક દિવસ ચર્ચના પાદરીના રૂમમાં આવી ચડ્યો.

‘મારે ત્યાં પુત્ર જન્મ્યો છે. મારે એનું બેપ્ટિઝમ (નામ પાડી બાળકને ખ્રિસ્તી ધર્મમાં સામેલ કરવાની વિધિ) કરાવવું છે.’

‘એનું નામ શું રાખીશું?’

‘કિન’, મારા પિતાના નામ પરથી.’

‘થોર્ડ જેમને ઓળખતો હતો એવા ગામના પ્રતિષ્ઠિત સંબંધીઓ આ વખતે આશીર્વાદ આપવા હાજર રહેશે.’ એમ પણ એણે જણાવ્યું.’

‘આ સિવાય બીજું કંઇ?’ પાદરીએ ઊંચે જોઇ એને પૂછ્યું.

એ થોડો ખચકાયો પછી બોલ્યો..

‘એ બાળકનું બેપ્ટિઝમ હું જાતે જ કરવા માગું છું.’

‘આવતા શનિવારે બપોરે બાર વાગ્યે.’

‘આ સિવાય બીજું કંઈ?’ પાદરીએ પૂછ્યું.

‘આ સિવાય બીજું કંઈ નહીં’ પોતાની ટોપી સરખી કરી એણે જવા માટે ડગ ભર્યા.

પાદરીએ ઊભા થઇ થોર્ડ પાસે જઇને એનો હાથ હાથમાં લઈ ખિન્નતાથી એની સાથે નજર મેળવી ‘ઇશ્વર કરે ને આ બાળક તારા જીવનમાં આશીર્વાદ બની રહો.’

બરાબર સોળ વર્ષ પછી થોર્ડ ફરી પાદરીની સામે ઊભો હતો એ જ અભ્યાસખંડમાં.

‘ખરેખર તેં તારી જાતને ખૂબ સાચવી છે. તારી ઉંમર જરા પણ વર્તાતી નથી. તું જરા પણ બદલાયો નથી’.

‘કારણકે મને કોઇ તકલીફ નથી.’ થોર્ડે જવાબ આપ્યો.

પાદરીએ ક્શો જવાબ ન આપ્યો. થોડીવાર રહીને પૂછ્યું, ‘સાંજના સમયે અહીં આવવાનું કોઇ ખાસ કારણ?’

‘કારણકે આવતીકાલે મારા દીકરાનું કન્ફર્મેશન છે.’ (ખિસ્તી ધર્મમાં બેપ્ટિઝમ પછી સામેલ કરવાની વિધિ)

‘હા, એ હોંશિયાર છોકરો છે.’

આવતીકાલે ચર્ચમાં એ આવે ત્યારે એ કેટ્લામાં નંબર પર હશે તે જાણ્યા વગર હું પૈસા ચૂકવીશ નહીં.’ એણે વિચાર્યુ.

‘એ પહેલા નંબર પર હશે.’

‘હા, તો બરાબર’.

‘આ સિવાય તારે માટે બીજુ કંઇ હું કરી શકું?’ થોર્ડ સાથે આંખ મેળવી એણે પૂછ્યું.

‘ના, બીજું કંઇ નહીં.’

થોર્ડ બહાર ગયો.

બીજા આઠ વર્ષ પસાર થઇ ગયાં. એક દિવસ પાદરીના અભ્યાસખંડની બહાર કંઇક અવાજ સંભળાયો. થોડા માણસો એ તરફ આવી રહ્યા હતા. થોર્ડ સૌથી આગળ હતો. એ સૌથી પહેલો રૂમમાં દાખલ થયો. પાદરીએ એને જોયો, ઓળખી ગયા.

‘થોર્ડ, આજે તું યોગ્ય સમયે જ આવ્યો છે.’

મારા દીકરાના લગ્નની જાહેરાત આ ચર્ચમાં થાય તેવી વિનંતી કરવા આવ્યો છું. આ મારી બાજુમાં ઊભો છે. ને ગુડમંડની દીકરી કરેન સ્ટોરલ્ડીન સાથે એ લગ્ન કરવાનો છે.

‘હા, આ વિસ્તારનો એ તો સૌથી શ્રીમંત માણસ છે.’ પાદરીએ કહ્યું.

‘હા, કહે છે ખરાં બધાં’,  હાથથી એણે વાળ સરખાં કર્યા.

પાદરી ખૂબ ઊંડા વિચારમાં હોય એમ થોડો સમય બેસી રહ્યા. પછી ચોપડામાં નામ નોંધ્યાં. એણે કશી બીજી વાત કરી નહીં. પેલા લોકોએ નીચે સહી કરી. ત્રણ નોટ એણે ટેબલ પર મૂકી.

‘હું એક જ લઇશ’, પાદરીએ કહ્યું.

‘એ મને ખબર છે, પણ આ મારો એકનો એક દીકરો છે. એને માટે મારે બધું ખૂબ સારી રીતે કરવું છે.’

પાદરીએ પૈસા લઈ લીધા.

‘થોર્ડ, તારા દીકરાને માટે આજે અહીં તું ત્રીજીવાર આવ્યો છે.’

‘હા, પણ મારે એને માટે જે કંઈ કરવાનું હતું તે બધું કામ થઈ ગયું છે.’ એણે પાદરીની વિદાય લીધીને બહાર નીકળ્યો. બધાં એની પાછળ બહાર નીકળ્યાં.

પંદર દિવસ પછી પિતા પુત્ર એક દિવસ લગ્નની તૈયારી માટે સ્ટોરલ્ડિનને ત્યાં જવા નીકળ્યા. તળાવનું પાણી સ્થિર હતું, દિવસ પણ શાંત હતો.

‘આ સીટ બરાબર નથી લાગતી’ પુત્રએ કહ્યું. એ સીટ સરખી કરવા પોતાની જગ્યા પર ઊભો થયો. બરાબર તે જ વખતે જે પાટિયા પર એ ઊભો હતો એ પાટિયું એનાં પગ નીચેથી સરી પડ્યું. એનો હાથ છૂટી ગયો. એ જોરમાં ચીસ પાડી ઊઠ્યો ને પાટિયા પરથી નીચે પડી ગયો.

‘હલેસું પકડી લે…’ પિતાએ જોરમાં બૂમ પાડી.

હાથમાંનું હલેસું પકડી એ લગભગ ઉછળી પડ્યો. બે ત્રણ પ્રયત્ન કર્યા પછી એ જાણે અચેતન થઈ ગયો.

‘જરા થોભ’ પિતાએ બૂમ પાડી ને દીકરાની દિશામાં બોટ હંકારવા માંડી. એ જાણે ગબડી પડ્યો. પિતા તરફ નજર માંડી જોઈ રહ્યો, ઉથલી પડ્યો ને પાણીમાં ડૂબી ગયો.

થોર્ડ એ માની જ ન શક્યો. બોટ સ્થિર ઊભી રાખી ને જ્યાં પોતાનો દીકરો ગરકાવ થઈ ગયો હતો ત્યાં સ્થિર નજરે જોયા કર્યું. જાણે થોડી જ વારમાં એ સપાટી પર બહાર ન આવવાનો હોય. પાણીમાં થોડા પરપોટા ઉઠ્યા. ફરી પાછા થોડાં વધારે પરપોટા થયા, ફરી જોરમાં એક મોટો પરપોટો થયો ને તળાવ પાછું અરીસા જેવું લીસું ને ચમકતું થઈ ગયું.

કશું પણ ખાધાપીધા વગર ત્રણ દિવસ ને રાત જ્યાં દીકરો ડૂબ્યો હતો ત્યાં બોટમાં ગોળગોળ ફરતા બાપને લોકોએ જોયો. પોતાના પુત્રના દેહને શોધવા એણે આખું તળાવ ખૂંદી નાંખ્યું હતું. ત્રીજે દિવસે સવારે એને દીકરાનો દેહ મળ્યો. પોતાના હાથમાં ઊંચકીને એ ટેકરી પર આવેલાં ખેતર તરફ ગયો.

બરાબર એક વર્ષ પછી પાનખરની એક સાંજે પાદરીએ કોઈના પગલાંનો અવાજ સાંભળ્યો. કોઈ ખૂબ ધીરેથી દરવાજો ખોલવાની કોશિષ કરતું હતું. પાદરીએ દરવાજો ખોલ્યો. સફેદ વાળવાળો- ઊંચો, પાતળો, શરીરેથી વાંકો વળી ગયેલો એક માણસ અંદર આવ્યો. પાદરીએ થોડીવાર એના તરફ જોયા કર્યુ પછી એણે ઓળખ્યો. એ થોર્ડ હતો.

‘તું આટલો મોડો? ક્યાં ચાલવા નીકળ્યો છે?’ એની સામે સ્તબ્ધ થઈ ઊભા રહ્યાં.

‘ઓહ, હા, થોડું મોડું થયું છે.’ એ ખુરશી પર બેસી ગયો.

પાદરી પણ એની સામે બેઠા. ઘણીવાર સુધી બંને જણ ચૂપચાપ બેસી રહ્યા. છેવટે થોર્ડ બોલ્યો- મારી પાસે જે કંઈ છે, કે જે કંઈ મને વારસામાં મળ્યું છે તે બધું મારે મારા દીકરાના નામે ગરીબોમાં વહેંચવું છે.

એ ઊભો થયો. એણે ટેબલ પર થોડા પૈસા મૂક્યા. પાછો જગ્યા પર બેસી ગયો. પાદરીએ પૈસા ગણ્યાં.

‘આ તો ખૂબ બધાં પૈસા છે.’

‘આજે મેં મારું ખેતર વેચી નાંખ્યુ છે. એમાંથી મળેલી રકમના આવ્યા છે આ.’

પાદરી લાંબો સમય ચૂપ બેસી રહ્યા. છેવટે પૂછ્યું: થોર્ડ હવે તું શું કરવા માંગે છે?

‘કંઈ પૂણ્યનું કામ. ‘

થોર્ડ નીચી નજરે બેસી રહ્યો. પાદરીએ એના તરફ જોયા કર્યું. પછી ખૂબ જ મૃદુતાથી પાદરીએ થોર્ડને કહ્યું, ‘મને લાગે છે કે  તારો દીકરો છેવટે તારે માટે આશીર્વાદ બનીને આવ્યો.’

‘હા, મને પણ એવું જ લાગે છે.’ એણે ઊંચે જોઈને કહ્યું.

આંખમાંથી આંસુના બે મોટા બુંદ એના ગાલ પર સરી પડ્યાં.

– સ્વાતિ મહેતા (સુરત)
~ સંપર્ક:
+91 98980 20082

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. એક પિતાની પુત્ર પ્રત્યેની લાગણીને આલેખતી સરસ વાર્તા, સરસ અનુવાદ.

  2. સુંદર વાર્તા. યથોચિત અનુવાદ. અભિનંદન.