મ્યુનિક શહેરની જોવાલાયક જગાઓ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:40 ~ ઉત્કર્ષ મઝુમદાર
અહીંથી થોડેક આગળ ચાલો કે આવે બાપનીયે બાપ એવી વિક્ટ્યૂએલિયન માર્કેટ એટલે કે ફૂડ માર્કેટ.
![]()
અસલમાં મેરી ચોકમાં આવેલું આ બજાર એટલું વિશાળ થવા લાગ્યું કે પછી એ માર્કેટને વર્તમાન સ્થળે ખસેડવી પડી. આજે અહીં આવેલા એકસો ને ચાલીસથી વધુ ખુમચાઓ અને દુકાનોમાં તાજા શાકભાજી ઉપરાંત મરીમસાલા, ખાવાનાનાં વિવિધ સ્ટોલ્સ, જ્યાં સૂપથી લઈ ને પ્રીટ્ઝલ અને ફલાફલ સુદ્ધાં મળે. બેકરી, ફૂલ, ફળફળાદિ અને રેસ્ટૉરન્ટ્સ સુદ્ધાં અહીં છે. અહીં લગભગ બધું જ મળે.
આ બજારની નામના સર્વત્ર કેટલી ફેલાઈ છે, તેનું એક ઉદાહરણ: 2009માં યુએસએના ન્યુયોર્ક ટાઈમ્સ અખબારમાં એક લેખ છપાયેલો કે અહીં ખાવા ન્યૂયોર્કથી પ્લેનમાં આવો તોય પૈસા વસુલ છે.
પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું અહીં તુલાભરણ થાય છે. તરહ તરહના દિવસો ઉજવાય છે, જેમ કે માળીઓનો દિવસ, બ્રુઅર્સના દિવસ. અહીં કામ કરતી સ્ત્રીઓના નૃત્યોનો દિવસ પણ ઉજવાય છે.
સૌથી સારી વાત મને એ લાગી કે અહીંના નાગરિકોએ અહીંના સ્થાનિક લોકગાયકો અને કોમેડીઅન્સના શિલ્પો મૂક્યાં છે ને એની નીચે પાણી પીવાના ફુવારા. મને એલઆઇસીનું સૂત્ર યાદ આવી ગયું. ‘જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી’.
આ કલાકારોએ જીવતાંજીવ તો પ્રેક્ષકોનું મનોરંજન કર્યું પણ હવે લોકોના પ્રેમથી ઊભા કરાયેલા સ્મારકોનાં પાણીના ફુવારાથી મૃત્યુ બાદ પણ લોકોની પ્યાસ બુઝાવે છે.

આખી માર્કેટને આને લીધે એક આગવી ઓળખ મળી, રોનક મળી ને બીજાથી નોખી છે તેવું ગૌરવ પણ મળ્યું. અનુકરણ કરવા જેવું આ કાર્ય છે એવું તમને લાગે છે ને? તો કરો પહેલ.
અહીં એક બીજી નવાઈની વાત દેખાઈ અને તે એક વાંસડો. જે સફેદ અને ભૂરી પટ્ટીઓથી રંગાયેલો હતો. તેની ફરતે વિવિધ આકૃતિઓ ટીંગાડેલી હતી. કોઈક તરત બોલ્યું કે…
“આ છે શું.?”
નિશ્ચિન્ત બોલી, “મુઝે ઠીક સે યાદ નહિ પર મૈને મુંબઈમેં મેરી સ્કૂલમેં યા ઇન્ટરસ્કૂલ ડાન્સ કોમ્પિટિશનમેં યે દેખા હૈ. વો ભી વ્હાઇટ એન્ડ બ્લુ રંગ કા હોતા થા ઔર ઉસકે ઇર્દગિર્દ ડાન્સ હોતા થા. પર જ્યાદા કુછ પતા નહિ હૈ.”
કોઈકે મારી તરફ જોઈને તરત કહ્યું, “આપણા સર્વજ્ઞ સહદેવને પૂછો.”
મેં કહ્યું “ના તો હું સર્વજ્ઞ છું, ના સહદેવ છું. હું તો ફક્ત ઉત્પ્રેરક છું.”
વળી કોઈ બોલ્યું “ગુજરાતીમાં બોલ ને ભાઈ, સરળ ગુજરાતીમાં.”
“ગુજરાતીમાં તો બોલ્યો. ઠીક છે હવે સરળ ગુજરાતીમાં કહું છું હું કેટલિસ્ટ છું.”
“સરળ ગુજરાતીમાં બોલ્યો તો કેવું સમજાયું.”
મેં ખુલાસો કર્યો, “સર્વજ્ઞ તો આ ઇન્ટરનેટ છે. તેમાંથી શોધીને હું જણાવું છું.” પછી મેં માહિતી કાઢીને એમને પીરસી.
“જર્મનીમાં આને ‘માઈબામ’ કહે છે ને આપણે કહીશું એને ‘મેપોલ’. મેપોલ એટલે લાંબો વાંસડો. યુરોપની પ્રાચીન સંસ્કૃતિનો આ ભાગ છે, ઉત્સવ છે ને પહેલી મેના રોજ આ ઉજવાય છે. એની આસપાસ નૃત્ય કરાય છે. ખાસ કરીને મોટે ભાગે જર્મનભાષી દેશોમાં આ ઉજવાય છે. ખ્રિસ્તી ધર્મના આગમન પહેલાની ‘પેગન સંસ્કૃતિ’નો આ ભાગ છે.
બાવેરિયા પ્રાંતના ગામડાઓમાં આ વિશેષ કરીને ધામધૂમથી ઉજવાય છે. સામાન્ય રીતે બાવેરિયન રંગો સફેદ અને ભૂરા રંગથી આ લાકડાના થાંબલાને રંગી, ઉપર સ્થાનિક હસ્તકલા ચિન્હોથી એને સજાવાય છે.
એક ગમ્મતની વાત એ છે કે બાવેરિયાના આ ગામો પહેલી મેની રાહ નથી જોતા. અઠવાડિયા અગાઉ આની સ્થાપના કરી દેવાય છે. પછી ગામ લોકો વારા કાઢીને આની દિવસ રાત ચોકી કરે કારણ કે આજુબાજુના ગામના યુવાનો એને ચોરવા આવે.
જો પરગામના યુવાનો આ ચોરી જાય તો પહેલી મેના દિવસે પેલા આખા ગામને બીયર માટે નોતરું દેવું પડે ને પછી સાથે મળીને બધા મિજબાની માણે. આ મેપોલ કાં તો મેં મહિનાની આખરમાં કાઢી નંખાય અથવા તો વર્ષભર રખાય છે.
“વાહ રસ પડે એવી વાત છે. જે લોકો ચોકી કરવામાં નિષ્ફળ જાય એમને માથે તો પસ્તાળ પડતી હશે. વર્ષભર એમને સાંભળવું પડતું હશે. નામોશી મળે તે જુદું” અમારામાંથી કોઈએ પ્રતિક્રિયા આપી.
“રસ પડે એવી બીજી વાત પણ છે. 1962 સુધી આ માર્કેટમાં મેપોલ ન હતો. તત્કાલીન મેયરે એક નુક્તેચીની કરતાં કહ્યું કે “આપણું મ્યુનિક લાખોની વસ્તીવાળા શહેર તરીકે ઓળખાય છે અને આપણા નગરમાં મેપોલ ન હોય એ કેવું લાગે? અને બસ લોકોને આ વાત ખટકી ગઈ. તેમણે મેપોલ ઊભો કરવાનું વિચાર્યું અને અહીંના બીયર ઉત્પાદકોએ આના માટે ફાળો આપ્યો.
મે 1962માં પહેલીવાર અહીં મેપોલ નંખાયો. જોકે ત્યાર પછી ઘણા મેપોલ બદલાયા છે. બીયરના પીપડા લઇ જતું ઘોડાગાડું, ઓક્ટોબરફેસ્ટના દ્રશ્યોઃ, બિયર પીરસતી સ્ત્રીઓ, નૃત્ય કરતા કારીગરો, મ્યુનિકના ધ્વજના ચિત્રો ઇત્યાદિ અહીં ટીંગાડાયા છે. આ માર્કેટની ટુર પણ હોય છે બોલો. એમાં એની ખાસિયતો, ખાદ્યસામગ્રીઓ ચખાડાય ને માહિતી અપાય.”
પશ્ચિમના દેશો પાસેથી આ માર્કેટિંગ આપણે શીખવું જોઈએ. પૈસા પણ રળે અને પ્રવાસીઓમાં એનો મહિમા પણ વધારે. આપણે ત્યાં મુંબઈમાં ક્રાફર્ડ માર્કેટ અને તેના આસપાસની આવી ટુર શરુ કરવી જોઈએ. પૈસા પણ મળે, રોજગારી પણ ઉત્પન્ન થાય અને એ વિસ્તારની ખાસિયતો પણ ઉજાગર થાય.
“વિન વિન સિચ્યુએશન ફોર ઓલ.” વ્યવહારકુશળ નિશ્ચિંતે નુક્તેચીની કરતાં કહ્યું. વાત તો ખરી એની. આપણાં દેશ પાસે કેટકેટલું અપાર વૈવિધ્ય છે. ફક્ત આપણને એમાંથી પૈસા રળતા આવડતું નથી. અમારી સવારી અહીંથી આગળ વધી ને પહોંચી કિંગ્સ સ્કવેર યાને કૉનીગ્સપ્લાત્ઝ.

કિંગ ચોક એ મ્યુનિકનો જે મ્યુઝિયમ વિસ્તાર છે ત્યાં આવેલો છે. યુરોપિઅન નિઓકલાસીસીસમ શૈલીમાં 19મી સદીમાં એ બંધાયેલો. અહીં પ્રોપિલિએન ગેટ, ગ્લાયપટોથેક અને સ્ટેટ એન્ટિક્વિટીય મ્યુઝિયમ આવેલા છે. આ તાર ને મકાનો લુડવીંગ પ્રથમના કહેવાથી બંધાયા.
પ્રોપિલિએન ગેટ: સન 1862માં બંધાયેલ આ દરવાજો એક્રોપોલિસ ઓફ એથન્સના ભવ્ય દરવાજાની યાદ અપાવે છે. લુડવીંગ પ્રથમનો બીજા નંબરનો દીકરો ઓટો ગ્રીસનો રાજા બનેલો તેની યાદગીરી રૂપે એ બાંધવામાં આવ્યો છે. જર્મન રાજકુળનું ગ્રીક પર શાસન? જી હા જેને આમાં રસ હોય તે નેટ પર જઈ માહિતી મેળવી શકે છે.
ગ્લાયપટોથેક: પ્રોપિલિએન ગેટની ડાબી બાજુએ આવેલું છે. ગ્લાયપટોથેક એ ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે શિલ્પ. પ્રાચીન ગ્રીસની યાદમાં આ મકાનો બંધાયા. રાજાને અહીં જર્મન એથેન્સ ખડું કરવું હતું. જ્યાં પ્રાચીન ગ્રીક સંસ્કૃતિ લોકોને યાદ રહે, કદી વિસરાય નહિ. નામ પ્રમાણે અહીં શિલ્પો રાખવામાં આવ્યા છે એ પણ માત્ર પ્રાચીન એટલે કે 650 બીસી થી લઈને 550 એડી સુધીના જ.

આ ખુબસુરત મ્યુઝિયમ જગતનું એકમાત્ર મ્યુઝિયમ છે જ્યાં માત્ર શિલ્પો પ્રદર્શિત કરાયા છે. આ મ્યુઝિયમની એક ખાસિયત એ છે કે આ શિલ્પો કાચની દીવાલ પાછળ ઢંકાયેલા નથી પરંતુ લાંબી પરસાળમાં લાંબા ટેબલ પર ગોઠવાયેલા છે જેથી મુલાકાતી એને ચારેકોરથી બરાબર જોઈ શકે.

ઘણા શિલ્પો ખુલ્લામાં છે. મ્યુનિકનું આ જૂનામાં જૂનું મ્યુઝિયમ છે.
સ્ટેટ કલેક્શન ઓફ એન્ટિક્વિટીઝ: પ્રોપિલિએન ગેટની જમણી બાજુએ અને ગ્લાયપટોથેકની સામે બાજુએ આવેલું છે એક બીજું મ્યુઝિયમ- સ્ટેટ કલેક્શન ઓફ એન્ટિક્વિટીઝ. અહીં ગ્રીક, રોમન અને એથરુંરિયાનો અમૂલ્ય ખજાનો પ્રદર્શિત કરાયો છે.

વાચકને વિચાર થશે કે આ રાજાઓ રાજ્યનું ધન આમ જ નાખી દેતા હશે? તો જણાવીએ કે લુડવીંગે આ બધું પોતાની અંગત મૂડી ખર્ચીને બનાવ્યું.
આના ટિકિટના દર એકદમ ઓછા છે. રવિવારે તો માત્ર એક યુરો. કમનસીબે અમે આ મ્યુઝિયમ જોઈ શક્યા નહિ કારણ કે એની મરમ્મત ચાલુ હોવાને કારણે બંધ હતું. બહારથી તો બહારથી આ આખુંય વિશાળ અને ભવ્ય સંકુલ જોવા મળ્યું તેનો સંતોષ છે.
સેન્ટ પીટર ચર્ચથી ચાલીને માત્ર પાંચ મિનિટમાં અમે પહોંચી ગયા ‘ફ્રાઉનકિરશે’ એટલે કે ‘કેથરિડલ ઓફ અવર ડિયર લેડી’.

જૂના શહેરમાં મકાનોની ઊંચાઈ પર લગાવેલી મર્યાદાને લીધે (કાયદા અનુસાર જૂના શહેરની અંદર કોઈપણ મકાનની ઊંચાઈ આ બે ટાવરથી ઊંચી ન હોવી જોઈએ.)
એના કાંદાના આકાર ધરાવતા બે ટાવર દૂરથી પણ દ્રષ્ટિગોચર થાય છે. પાસે પથ્થરની ખાણ ન હોવાથી ને પૈસાની પણ ખેંચ હોવાથી લાલ ઈંટથી આ ચર્ચનું બાંધકામ થયું. એની વિશાળતા એ બાબત પરથી જણાશે કે અસલમાં અહીં અંદર વીસ હજાર વ્યક્તિઓને ઊભા રહેવાની સગવડ હતી.
અહીંનું એક આગવું આકર્ષણ છે, જે બીજા વિશ્વ યુદ્ધના બોમ્બમારા પછી પણ બચી ગયું એ છે ‘શયતાનનું પગલું.’ દંતકથા મુજબ દરવાજા ઉપર શયતાન આવી કુતુહલથી આ બારી વગરના ચર્ચને બંધાતું જોઈ રહ્યો ને ઉપાલંભ કરતો મરક્યો હતો. કાળા ચિન્હવાળી એ પગલાંની છાપ હજી પણ જોઈ શકાય છે.

બીજા વિવરણ અનુસાર શયતાને મકાન બાંધનાર સાથે સોદો કર્યો અને એવું નક્કી થયું કે આ ચર્ચમાં એકે બારી નહિ રાખવાની. જોકે ચતુર બાંધનારે એક યુક્તિ કરી શયતાનને છેતર્યો. એણે સ્થંભોની ગોઠવણી એવી રીતે કરી કે એ જ્યાં ઊભો હતો ત્યાંથી એકે બારી દેખાય નહિ. જયારે એને ખબર પડી કે એ છેતરાયો છે ત્યારે અંદર આવીને બધું ખેદાનમેદાન કરવા માંગતો હતો પણ એ અંદર દાખલ થઇ શકે તેમ ન હતો કારણ કે ચર્ચ અભિષિક્ત થઈને પવિત્ર થઇ ગયું હતું. ધુંઆપુંઆ થઇને એ પોતાના પગ પછાડવા લાગ્યો જેને લીધે એના પગલાંની છાપ ત્યાં દરવાજે પડી ગઈ.
ઊભા રહો… હજી ત્રીજું વર્ઝન પણ છે. જે અનુસાર પવન પર સવાર થઈને શયતાન આવ્યો અને ચર્ચને બંધાયેલું જોઈ એનો પિત્તો સાતમા આસમાને ગયો. રોષમાં ને રોષમાં એ ત્યાંથી પવનને લીધા વગર જતો રહ્યો. ત્યારથી પવન ત્યાં ઘુમરાયા કરે છે ને શયતાનના આવવાની વાટ જુએ છે. છે ને રસિક વાત? લાગે ને કે આપણે ત્યાં પણ આવી દંતકથાઓ પુષ્કળ છે?
અહીં આવેલા બે ટાવરમાંથી દક્ષિણ તરફના ટાવરમાં ઉપર જવાની છૂટ છે ત્યાંથી ઠેઠ ઉપર જઈને તમે મ્યુનિક અને આલ્પ્સના દર્શન કરી શકો છો. ઉત્તર તરફનું ટાવર કેમ લોકો માટે બંધ છે? કારણ કે ત્યાં જર્મની વિદેશી જાસૂસી સેવાનું રેડિયો રીલે સ્ટેશન છે.
(ક્રમશ:)