બીએમડબલ્યુ વર્લ્ડ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:38 ~ ઉત્કર્ષ મઝુમદાર
જો તમારે માત્ર બીએમડબલ્યુ વર્લ્ડની મુલાકાત લેવી હોય તો તેને માટે ટિકિટ લેવાની જરૂર ન હતી. પરંતુ જો એની ફેક્ટરી અને મ્યુઝિયમની મુલાકાત લેવી હોય તો તેને માટે ટિકિટ લેવી જરૂરી હતી.
કંડક્ટેડ ટુરની ટિકિટ માટે એટલો બધો ધસારો હોય છે કે છેલ્લી ઘડીએ તો તમને ટિકિટ મળે જ નહિ. એટલે છેલ્લી ઘડીએ તમારા ગ્રુપમાંથી કોઈનું મન બદલાય ને કહે કે હું પણ આ ટુર લઈશ, તો તે શકય નથી. અરે થોડાક દિવસો પહેલા પણ નહિ, મહિના અગાઉથી એનું આરક્ષણ કરાવી લેવું પડે.
નસીબજોગે અમારો કેપ્ટને, જે ગાડીઓનો શોખીન હતો ને આ બધી જાણકારી રાખતો હતો, એણે તો અમને જર્મની આવવા નીકળીએ એના મહિના અગાઉ જ પૂછી લીધેલું ને ચેતવી દીધા હતા કે ના પાડીને પછી વિચાર બદલશો તો ટુરથી હાથ ધોવા પડશે. જર્મનીમાં રહેતા એના મિત્ર દ્વારા અમે હિન્દુસ્તાનથી નીકળીએ એ અગાઉ જ ટિકિટ ખરીદી લીધી હતી.
અમે વહેલા પહોંચી ગયા હતા એટલે આજુબાજુની વસ્તુ જોવાનો સમય હતો. સૌ પ્રથમ તો આખા સંકુલનું સ્થાપત્ય જ બેનમૂન હતું. એ જોઈને જ તમે આભા બની જાવ. કાર તો પછીની વાત છે.
કોમ્પ્યુટરની, ટેક્નોલોજીની સહાય વગર આવી ડિઝાઇન સંભવી જ ન શકે એ નક્કી હતું. કાર સીજેનો વિષય. એના વિષે હું કઈ કહું એ ઉચિત પણ ન લાગે. એટલે મેં સીજેને અગાઉથી જ વિનંતી કરી હતી કે આના વિષે તારે કહેવાનું છે. એ તરત જ તૈયાર થઇ ગયો, એના મનગમતા વિષય પર બોલવા. તો રમતની લાઈવ કોમેટરી વખતે જેમ કહેવાય છે કે ‘ઓવર ટુ ડીકી’ એમ ‘ઓવર ટુ સીજે.’
“થૅન્ક્સ કલાકાર, આપણી ગાઇડેડ શરૂ થાય એ પહેલા તમને આ કાર કમાણીનો ઇતિહાસ જણાવી દઉં. જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. લક્ઝરી કાર્સ બનાવવા માટે જાણીતી આ કંપની સન 1916માં સ્થપાયેલી, મૂળ તો એરક્રાફ્ટ એન્જિન્સના ઉત્પાદન માટે.”
![]()
“અચ્છા?”
“1917થી 1918 અને પછી 1933થી 1945 લશ્કરી વિમાનના એન્જિન્સ બનાવ્યાં.”
નિશ્ચિન્ત કહે, “યુ આર સેયિંગ ઈટ મેન્યુફેક્ચર્ડ મોટરસાઇકલ્સ? વ્હેન વોઝ ઈટ?”
“આમ તો 1921થી મોટરસાઇકલ્સના એન્જિન્સ બનાવવાનું શરુ કર્યું પણ બીજી કંપનીઓ માટે 1923માં પોતાની મોટરબાઈક બનાવી જે મોટેરાં બ્રાન્ડ હેઠળ વેચાય છે.”
“તો કાર બનાવવાની ક્યારથી શરુ કર્યું?” હીનાએ પૂછ્યું
“સન 1928થી. જયારે એણે એક કાર બનાવતી કંપની ખરીદી. બીજા વિશ્વ યુદ્ધ સુધી લક્ઝરી કાર્સ, સ્પોર્ટ્સ કાર્સ, બાઈક બનાવવાનું ચાલુ રાખ્યું.
યુદ્ધ દરમ્યાન કાર્સનું ઉત્પાદન બંધ કરવું પડ્યું અને અનિચ્છાએ પણ કોન્સન્ત્રશાના કેદીઓ પાસે ફરજીયાત મજૂરી કરાવવી પડી. એરક્રાફ્ટ્સના એન્જિન્સનું ઉત્પાદન કરવું પડ્યું. યુદ્ધ દરમ્યાન એની ફેક્ટરી ઉપર જબરદસ્ત બોમ્બાર્ડિંગ થયું અને યુદ્ધ પછી તો કાર, પ્લેનના એન્જિન બનાવવા પર બંધી આવી ગઈ.”
“તો પછી કંપની ટકી કેવી રીતે?” મેં પૂછ્યું.
“રસોઈના વાસણો અને સાઇકલ્સ બનાવીને. સન 1948માં મોટરસાઈક્લસ અને 1952માં કાર્સનું ઉત્પાદન શરુ કરવાની અનુમતિ મળી. તો પણ આર્થિક પરિસ્થિતિ કથળતી જતી હતી. તે ત્યાં સુધી કે પ્રતિસ્પર્ધી કાર કંપની ‘ડાઈમેર બેન્ઝ’ લગભગ એને ખરીદવાની તૈયારીમાં હતી; પણ એ તો કંપનીના નસીબ સારા કે ક્વોન્ટ નામના બે ભાઈઓએ એમાં મોટું રોકાણ કર્યું ને BMW 7000 મોડેલે કંપનીને તારી દીધી.

BMWની એક વિશિષ્ટતા છે, એની આર્ટ કાર્સ. 1975માં શિલ્પી કલદારને રેસિન્ગ કાર પેઇન્ટ કરવા કહ્યું ને પછી વિશ્વના જુદા જુદા કલાકારો પાસે કુલ્લે મળીને ઓગણીસ ગાડીઓ પેઇન્ટ કરાવી.”
સીજેની વાત પતી અને અમારી ટુરનો સમય થઇ ગયો. ગાઈડે અમને ચેતવ્યા કે યાદ રહે આ ટુરમાં તમારે અઢીથી ત્રણ કલાક ચાલવું પડશે. આ વાતની અમને ખબર હતી એટલે અમે તૈયાર હતા. શરૂઆતથી લઈને છેક છેલ્લે સુધીની સમગ્ર પ્રક્રિયા અમને દેખાડાઈ. નવી ટેક્નોલોજીએ પ્રોડકશનમા કેવી સમૂળી ક્રાંતિ આણી છે એ સમજાયું. મોટા ભાગની વસ્તુ હવે કોમ્પ્યુટર સંચાલિત છે.

મને સૌથી વધારે જે વસ્તુએ આકર્ષિત કર્યો એ હતી કારની બોડી પર કરાતો રંગ. મેં પૂછ્યું કે એસેમ્બલીથી લઈને પેટર્નમાં, તમે કારનો રંગ કેવી રીતે નક્કી કરો. કારણ કે કોઈને લાલ રંગની, તો કોઈને કાળા રંગની, તો કોઈને લીલા રંગની ગાડી જોઈતી હોય.
જવાબમાં ગાઈડે કહ્યું, “દરેક બોડી ફ્રેમને એક નંબર આપવામાં આવે છે. કલર અને અન્ય ડેટા એમાં નાખવામાં આવે છે. જેવી ફ્રેમ રંગ માટે આવે કે સ્કેનર ડેટા વાંચીને રંગની કાર્ટરીજનું ચયન કરે (આપણા પ્રિન્ટરમાં જેમ અલગ અલગ રંગની કાર્ટરીજ આવે એમ). આને લીધે રંગોનો બગાડ પણ ઓછો થાય ને જોઈતો રંગ લાગી જાય.”

અમે આ પ્રત્યક્ષ નિહાળ્યું. ચાર પાંચને કાળો રંગ થયા બાદ નવી આવતી ફ્રેમને લાલ અથવા લીલો રંગ થાતો.
ટુર સમાપ્ત થઈ ત્યારે અમને કહેવામાં આવ્યું કે કે અમે કેટલાં કિલોમીટર ચાલ્યાં. અને અચાનક અમને એનો થાક લાગવો મહેસુસ થયો. અમને હવે કકડીને ભૂખ લાગી હતી તેથી ત્યાં જ આવેલા કેફેટેરિયામાં લંચ લીધું. આરામ કરી ખાઈપીને તાજામાજા થયા પછી અમે ત્યાં જ મુકાયેલી કાર્સ જોઈ અને મોટરસાઇકલ્સ પણ જોઈ.
ખાસ વાત એ હતી કે એ અસંખ્ય બાઈક્સ પર બેસી તમે ફોટા પણ લઇ શકો. મેં મારી વર્ષોની અપૂર્ણ ઈચ્છા ને પુરી કરવાની તક ઝડપી. પણ હાય રે! મારા શરીરે મને સાથ ન આપ્યો. એ આડું ફાટ્યું. એટલું બધું અક્કડ થઈ ગયું હતું કે હું એના પર બેસી જ ન શક્યો. બાજુમાં ઊભા રહી ફોટા પડાવવાનો અર્થ ન હતો. મેં કહ્યું હું બેસી ન શક્યો તો કઈ નહિ, નિશ્ચિન્ત જો બેસી શકે તો રંગ રહી જાય.

પહેલા તો નિશ્ચિન્તે આનાકાની કરી એને પણ થયું એ નહિ બેસી શકે. પણ પછી હિમ્મત કરીને એ બેસી શકી. સીજેએ એનો સરસ ફોટો લઇ લીધો જે એણે એના ફેસબુક પેજ પર મુક્યો. એને ઘણી બધી લાઇક્સ અને કોમેન્ટ આવી.
અહીંનું બધું જોવાનું પતાવી હવે અમે મ્યુઝિયમ જોવા તૈયાર થઇ ગયા. મ્યુઝિયમ બાજુના મકાનમાં હતું.
વિશાળ ચાંદીના રંગવાળું, સલાડ બાઉલ જેવું આ મ્યુઝિયમ નવેસરથી તૈયાર થઈને 2008માં ખુલ્લું મુકાયું. BMWનો નેવું વર્ષનો ઇતિહાસ અહીં સમાવાયો છે. જે તમને ઉપરથી ગોળાકારે ઉતરતાં ઉતરતાં જોવા મળે છે.
સાત વિભાગમાં વિભાજીત આ પ્રદર્શનમાં એમની ગાડીઓ પણ મૂકી છે. 50ના દાયકાની ઇસેટ બબલ કાર મને ગમી ગઈ.

ને બીજી ગમી તે લાલ રંગની સેક્સી દેખાતી એમ 1 હોમેજ રોડસ્ટર, જે લોબીમાં મુકાઈ હતી.
પાછા મુખ્ય મકાનમાં આવતા હતા ત્યારે ઝરમર વરસાદ પડી રહ્યો હતો. જોકે અમને વાંધો ન આવ્યો. સારું થયું અમે અહીં આવ્યા. સમસ્ત અનુભવ આલ્હાદક રહ્યો. જોકે થાક પણ એટલો જ લાગેલો.
ગાડી મુખ્ય મકાનના બેઝમેન્ટમાં જ્યાં મફત પાર્કિંગની સગવડ મળેલી ત્યાં મુકેલી તે ત્યાંથી અમે બહારથી જ ઓલમ્પિયન પાર્ક જોઈ) અમે એ વિસ્તારના બે-ત્રણ ચક્કર મારી એપાર્ટમેન્ટમાં પાછા ફર્યા.
રાતનું ભોજન ગઈકાલવાળી રેસ્ટોરન્ટમાંથી જ બંધાવીને લઇ આવ્યાં ને ગોદડું ઓઢીને સૂઈ ગયા. અમે એટલા બધા થાકીને ઠુસ થઇ જતાં કે સીધા સવારે જ ઉઠતાં.
(ક્રમશ:)