“સીન્ડ્રેલાની ખોવાયેલી મોજડી!” અને “…ને, ત્યારથી આકાશ મરી ગયું….!” – કાવ્યો ~ જયશ્રી વિનુ મરચંટ
૧. સીન્ડ્રેલાની ખોવાયેલી મોજડી!
રાજાના દૂતો
સીંન્ડ્રેલાની દૈવી કાચની મોજડી
તાસકમાં મૂકી
ઘેર ઘેર ફરીને
શોધી રહ્યા છે
મહીં બંધબેસતા
પગની માલકિનને.
મને બીક લાગે છે
પગ લાંબો કરતાં,
રખેને અપરમાતા
વચમાં પગ લાંબો કરી,
રાજાના દૂતને
ગબડાવી નાખે
ને તાસકમાંની
એ એક દૈવી કાચની મોજડી
પડે જમીન પર
અને થઈ જાય ચૂરચૂર…..!
સીંન્ડ્રેલા પાસે તો
બીજી મોજડી હતી
પણ, હું..?
મારી બીજી મોજડી
ખોઈ બેઠી છું….!
– જયશ્રી વિનુ મરચંટ
૨. ને, ત્યારથી આકાશ મરી ગયું….!
એક દિવસ..
એક દિવસ, આકાશ જન્મ્યું..!
આકાશ જન્મ્યું, ને, પછી, એને અચાનક કૂંપળ ફૂટી..!
કૂંપળ ફૂટી ને એમાંથી એને પાંખો ફૂટી…!
પાંખો ફૂટી, ને ઊડવા માંડ્યું, આકાશ આખું…!
આકાશ આખું ફરફર, ફરફર..!
ફરફર, ફરફર, ભમી આવતું પાંચેય ખંડ ને સાત સમંદર!
સાત સમંદર ને વળી પાછું બ્રહ્માંડ આખું..!
બ્રહ્માંડ આખું, ઊડીઊડીને, ફરીફરીને થાક્યું આકાશ..!
થાક્યું આકાશ ને પછી, થંભીને, પોરો ખતું આખું આકાશ…!
આખું આકાશ વિસ્મયથી જુએ..”અહીંથીયે દેખાતું આખું બ્રહ્માંડ..!”
“આખું બ્રહ્માંડ, ભમીભમી, ઊડીઊડી, થાકીથાકીને જોયું તે આ જ બ્રહ્માંડ..!”
જોયું તે આ જ બ્રહ્માંડ, ને પછી, ગુસ્સાથી અચાનક,
અચાનક જ, કાપીને ફેંકી દીધી પોતાની પાંખો..!
પોતાની પાંખો ફેંકી શું દીધી, ત્યાં ને ત્યાં જ…!
ત્યાં ને ત્યાં જ, આકાશ, બસ, મરી ગયું..!
મરી ગયું, આકાશ ત્યારથી…!
ને, અંતે, ત્યારથી આકાશ મરી ગયું….!
– જયશ્રી વિનુ મરચંટ
(“ગુર્જરી ડાયજેસ્ટ”ના સૌજન્યથી)
બંને કાવ્યો અનોખાં. અપૂર્વ અનુભવ થાય એવાં.
બંને કાવ્યો અનોખાં છે.પ્રથમ કાવ્યની વક્રોકિત તથા બીજા કાવ્યની કલ્પના અપૂર્વ. જયશ્રીબેન,અભિનંદન.