પ્રકરણ: ૧૧ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી
ગાંધીયુગનાં મૂલ્યોથી જીવનસંઘર્ષ ખેલી ચૂકેલાં માતાપિતાએ સીંચેલી ભાવનાની મૂડીથી પોતે જીવે છે પણ એની મદદથી શારદાને કેવી રીતે સાજી કરવી? જે સમાજને પોતે આરાધ્યદેવ માને છે એણે જ શારદાને એની આપકમાઈની ઊંચાઈએથી પટકી ને! એને માટે શું કરું તો એ પાપગ્રંથિમાંથી મુક્ત થાય? સંઘર્ષ કરીને શક્તિ પાછી મેળવવાનું તો શારદા માટે શક્ય જ નથી.
દીપકના લગ્નપ્રસંગે પોતે પ્રસન્ન રહી શકી કેમ કે અનાસક્તિની જડીબુટ્ટી એને ગળગૂથીમાં જ સાંપડી હતી…
શારદા કોઈ એક અપવાદરૂપ યુવતી ન હતી. આ સંક્રાન્તિકાળની અનેક યુવતીઓની પ્રતિનિધિ હતી. માએ એને પી.ટી.સી. કરાવીને નોકરીએ વળગાડી એની સાથે માની લીધું હતું કે હવે શારદાનો પ્રશ્ન સહેલાઈથી ઊકલી જશે. હવેના સમયમાં મુરતિયા કમાતી કન્યાને શોધતા આવશે.
શારદાએ ફિક્કા સ્મિત સાથે કહેલું: ‘મારી માની ધારણા સાચી પડી, એકના બે આવ્યા!’ અને પછી એ જે રીતે હસી પડી હતી એમાં ગાંડપણની કિનારી ચમકી ઊઠી હતી. બીજી ક્ષણે એનું મોં રડું રડું થઈ ગયું હતું.
એકાએક હાથ પકડી લઈને બોલી હતી: ‘દીદી, જૂના જમાનામાં સોળ વરસની ઉંમરે દીકરીને પરણાવીને સાસરે વળાવી દેવાનો રિવાજ હતો. આપણે બધાં ભણતાં ગયાં ને એ રિવાજોની નિંદા કરતાં ગયાં. બધા જૂના રિવાજોને કુરિવાજોમાં ખપાવી નિબંધો લખ્યા, ચર્ચાસભાઓ ગજવી.
એ ખરું કે એમાં કંઈક ઓશિયાળો થઈને જીવવું પડતું હતું પણ એમાં આવું દુ:ખ તો નહોતું. તમે તો કવિતા-વાર્તા લખો છો. હું મરી જાઉં તો મારે વિશે લખશો ને? લખો તો એમાં મને સાવ નિર્દોષ તો ન જ ચીતરતાં. અસાવધાન રહેવું, બીજા પર વધુ પડતો વિશ્વાસ રાખવો, અને આ ગુનો હું પોતે ક્યાં કરું છું? બીજું કોઈક કરાવે છે એમ માનીને સામા માણસને છૂટ લેવા દેવી, ઉપવાસીને જેમ પ્રસાદનો બાધ નથી હોતો તેમ —
અસાવધાની તો ખરી જ પણ પુરુષપ્રધાન સમાજનું પરિસ્થિતિજન્ય દુર્ભાગ્ય… શારદા મારી સાથેની વાતમાં નિખાલસતાનો અતિરેક કરતી હતી. પણ એમાં રહેલી સચ્ચાઈ મને ભોંકાતી હતી. શું કુંવારી કન્યાના ચિત્ત પર એની કલ્પનાના અણદીઠ પુરુષ સિવાય બીજા કોઈની છાયા પડતી જ નથી? અભાવની તીવ્રતાની ક્ષણે શું એ સ્વર્ગ-નરકની સરહદે નથી જીવતી? પતિવ્રતા થવું કદાચ સહેલું હશે, આત્મવ્રતા થવું અઘરું છે.
શારદાના જીવનમાં આવેલી આપત્તિ લાવણ્ય માટે દીવાદાંડી બની શકે. જાતને નથી લાંગરવી એવી હઠ સાથે કિનારાથી ક્યાં સુધી દૂર રહી શકાશે? એ વહાણ વહાણ શેનું જે ક્યાંય પહોંચવાનું જ ન હોય? એ પ્રેમ પ્રેમ શેનો જે પોતાના અસ્તિત્વની સરહદ ઓળંગે જ નહીં? એ જો આત્મરતિ અથવા અહંકાર…
શારદાની બદલી માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.
એની રાજીખુશીના સમાચાર સાથે લલિતા પાછી આવી જાય છે. ઘરનું કામ પરવારી રોજની ટેવ મુજબ એ દીદી સાથે બેસવા આવી જાય છે. પુસ્તકના પાનાનો છેડો વાળીને એ લલિતા સામે જુએ છે. શારદાની જગ્યાએ લલિતાને કલ્પીને એ મનોમન પ્રશ્ન કરે છે: એ પરિસ્થિતિમાં શું કરે આ છોકરી?
‘શાક બનાવી દીધું, ભાખરીનો લોટ બાંધી દીધો, દૂધ ગરમ કરી દીધું. બસ હવે આપણે છુટ્ટાં!’ જાણે મોટું વેકેશન મળ્યું હોય એમ લલિતા બોલી – ‘કરશે બાકીની કડાકૂટ નાનકી, આપણે નોકરી સાથે આટલું કરીએ છીએ એ ઓછું છે?’
જવાબની અપેક્ષા વિના આમતેમ નજર કરીને એ નવું વાચન શોધવા લાગી. લાવણ્ય પર આવેલો વનલતાનો પત્ર પડ્યો હતો. એ એણે ગઈ કાલે જ વાંચી લીધો હતો. દીદીના અંગત પત્રો ન વંચાય એવું લલિતા માનતી નથી. એને મહિલામંડળવાળી વાતમાં રસ પડ્યો છે. સૂરતમાં એનું અધિવેશન ભરાય છે તો દીદીએ જરૂર ભાગ લેવો જોઈએ. પોતાને તો કોણ મોકલે? અને એમાં જઈને પોતે કરેય શું?
સ્ત્રીઓનાં ભાષણ સાંભળતાં એને અચૂક ઊંઘ આવે છે. હા, દીદી જેવું કોઈક બોલનાર હોય તો વચ્ચે વચ્ચે તાલીઓ પાડવા પોતે જાગે ખરી! એણે સલાહ આપી: દીદી તમે જાઓ અને નર્મદની નગરીને જગાડી આવો. કુંવારી કન્યાઓની સમસ્યાવાળી બેઠકમાં અચૂક બોલજો.
જોકે લલિતા પોતાને સમસ્યારૂપ નથી માનતી. લાવણ્ય અને વનલતાનો દાખલો આપીને માબાપને નચિંત કરે છે: એકાદ વરસ વહેલાંમોડાં પરણ્યાં તો શું બગડી જવાનું હતું?
પછી એને થોડી વાર પહેલાંનો પ્રસંગ યાદ આવી ગયો. એ લલ્લુભાઈને દુકાને ચા આપવા ગઈ હતી. એક કારકુન જેવા લાગતા ભાઈ એમની દીકરીને રમકડાં અપાવવા આવ્યા હતા. લલિતાને બેબલી ગમી ગઈ હતી: ‘શું નામ તારું?’
બેબલી ગંભીરતાથી બોલી હતી: ‘સમસ્યા!’ સાંભળીને લલિતા હસી પડી હતી. સમસ્યા? આવું તે નામ પડાતું હશે?
પેલા કારકુન ભાઈએ ખુલાસો કરેલો. એનું નામ તો પાડેલું જિજ્ઞાસા પણ એ અમારે ત્યાં પાંચમી છે તેથી દાદાજી એને ગમ્મતમાં સમસ્યા કહે છે. પછી તો બધાંને જિજ્ઞાસા બોલવા કરતાં સમસ્યા બોલવાનું સહેલું લાગવા માંડ્યું.
— કહેવા જતાં લલિતા લાવણ્ય કરતાં વધુ હસી. ‘પછી શું નક્કી કર્યું? જવું છે અધિવેશનમાં? મને રસ પડે ખરો? તમે પપ્પાને ભલામણ કરો તો ના ન પાડે. ત્યાં શું શું થશે? સાંસ્કૃતિક કાર્યક્રમો, સૂરતી ભોજન – એ બધું તો હશે જ ને?’
‘જરૂર, પણ ભાર મુકાશે પુરુષ જાતિ દ્વારા થતા શોષણ પર. તારે આવવું હોય તો હું લલ્લુભાઈને ભલામણ કરવા તૈયાર છું, પણ એ અધિવેશનમાં ભાગ લીધા પછી તારો લગ્નનો ઉત્સાહ પહેલાં જેટલો ટકી રહેશે કે કેમ એ પ્રશ્ન છે.’
‘તો મારે નથી આવવું. લગ્ન પહેલાં મારે પુરુષ-સમોવડી નથી બનવું. તમે જઈ આવો, સવાયાં છો.’
‘કોણ કોનાથી સવાયું છે એની તો કેમ ખબર પડે? મનની તસવીરો ઝડપી શકાતી નથી. અને એવું તો ન જ કહી શકાય કે સ્ત્રીની મોટાઈ એવા અસંતોષના પ્રમાણમાં હોય છે —’
‘તો શું ત્યાં માત્ર અસંતોષ વ્યક્ત થશે?’
‘ના, કેટલીક ભાવનાશાળી મહિલાઓ એકવીસમી સદીમાં પગ મૂકવાની પૂર્વતૈયારી કરવા માર્ગદર્શન પણ આપશે. જે સપનાં એ એમના જીવનમાં સાકાર કરી શકી નહીં હોય એ પછીની પેઢીને વારસામાં આપીને પોતાનો અજંપો ઓછો કરશે.’
‘એટલે? તમે સ્વગત બોલવાને બદલે મને સમજાવો.’
‘આ બધાં મંડળો જાગૃતિ લાવવાનું, વધારવાનું કામ કરી શકે! પણ માત્ર ભાષણ કે ઠરાવથી સુધારો અમલમાં મૂકી ન શકે. એ એક કપરું કામ છે કેમ કે સુધારો એટલે પ્રત્યક્ષ થયેલું પરિણામ, માત્ર નારાબાજીનાં નહીં.
જીવનનાં સર્વક્ષેત્રે સ્ત્રીની સમાનતા માટેની નારાબાજીમાં ભાગ લેતી સન્નારીઓ ઘરમાં એમની દીકરીઓ સાથે કેવી રીતે વર્તે છે એની તપાસ થાય તો હકીકત જાણીને એમના પર દયા આવે.
નાનીમોટી દરેક વાતે એ ઘરમાં દીકરીના ભોગે દીકરાની તરફેણ કરશે. પતિની આર્થિક સત્તાથી દબાતી રહેશે. પણ ઘરનાં પગથિયાં ઊતરી મંચનાં પગથિયાં ચઢશે એટલામાં એમનાં વાણીવિચાર બદલાઈ જશે, સમગ્ર પુરુષજાતિ સામે મોરચો માંડવાની જવાબદારી એમની એકલાંની જ હોય એમ બોલવા માંડશે.’
આ સાંભળીને લલિતા મૂંઝાઈ ગઈ. શું મહિલા-સંમેલન પુરુષોનો વિરોધ કરવા મળતું હશે? પોતે તો પુરુષની વિરોધી નથી, વરરાજાનો વેશ પહેરીને આવનારની રાહ જોઈને બેઠી છે. કેવો પુરુષ પોતાને ગમે એની એક આછીપાતળી રૂપરેખા પણ એની પાસે છે.
એ જરાક દેખાવડો હોય તો સારો, અને ઘરનો સુખી તો હોવો જ જોઈએ. નોકરીની કડાકૂટ જાય. અરે, એ કહેશે તો નોકરીય કરીશું. એક વાર સગાઈ થઈ જાય ને લગ્નનું મૂરત જોવાઈ જાય પછી તો જખ મારે છે… પણ દીદી તો એમના લગ્નની વાત કદી કરતાં જ નથી. પૂછીએ તો હસી કાઢે છે. શું એમણે કુંવારાં રહેવાનું નક્કી કર્યું છે?
કહે છે કે જીવનમાં મોટું કામ કરવું હોય તો એકલાં રહેવું જોઈએ, મધર ટેરેસાની જેમ. અમુક પ્રેમકથાઓમાં પણ બીજાનું ભલું ઇચ્છીને એકલાં રહેનાર પાત્રો આવે છે.
દીદીને એવું પાત્ર માનવા જતાં લલિતાને હસવું આવી ગયું. લાવણ્યે એની સામે નજર કરી લઈને આગળ વાંચવા માંડ્યું. લલિતાએ ચોપડીમાં ડોકિયું કર્યું. અંગ્રેજી! સાયંસ એન્ડ હ્યુમન વેલ્યુઝ! આવું ભારેખમ વાચન કરતાં જેમને આનંદ આવતો હોય એમને એકલાં રહેવામાં શું વીતવાનું હતું?
કદાચ એમને કોઈક યુવકે દગો દીધો હોય, એથી બીજા યુવકો સામે અણગમો જાગ્યો હોય… પોતે જાણે છે ત્યારથી તો એમણે કોઈ યુવક અંગે લાગણીથી વાત કરી નથી, કે એમના પર કોઈનો પ્રેમપત્ર આવ્યો નથી. આ બરાબર ન કહેવાય:
‘દીદી, તમે પરણતાં કેમ નથી? મોટાં થતાં જશો તેમ પસંદગીપાત્ર પુરુષોની સંખ્યા ઘટતી નહીં જાય? તમને પુરુષ જાતિ માટે અણગમો હોય એવું તો લાગતું નથી. તમે એમ. એ., બી. એડ્. થયેલાં છો, દેખાવડાં છો, સારું કમાઓ છો, બીજા કોઈને ખાતર નોકરી કરવી પડે એવી જવાબદારી નથી. તમે એક ટચુકડી જાહેરખબર આપો તો પંદર દિવસમાં તમારા લગ્નનું ગોઠવાઈ જાય, તો પછી —’
‘મેં નક્કી કર્યું છે કે લલિતાની સગાઈ ન થાય ત્યાં સુધી મારે પોતાને વિશે કશું વિચારવું જ નહીં!’
‘પણ મારે તો નાતમાં જ પરણવાનું છે અને નાતમાં તો ભણેલા છોકરાઓને કાતરા ખાઈ ગયા હોય એમ કોઈ સરખો દેખાતો જ નથી. જ્યારે તમે તો નાતજાતમાં માનતાં જ નથી. તમને તો કોઈક અમેરિકાવાળો પણ મળી આવે. શું કામ મોં ફેરવીને બેઠાં છો? શું બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી છે?’
બ્રહ્મચર્યનું પાલન શક્ય છે?
કઈ ક્ષણે ક્યા પુરુષમાં મન લાગે, કશું કહેવાય નહીં. પ્રેમલનાં કેટલાંક ચિત્રોમાં પશુન્યાયનું આલેખન છે. એક દિવસ બીજા ચિત્રકારોની હાજરીમાં એ લગ્નસંસ્થા અંગે બોલવા લાગેલો.
માણસે લગ્નનો રિવાજ ઊભો કરીને એના પર લાગણીના લપેડા કર્યા છે. એક કુદરતી આવેગને બંધનમાં નાખ્યો છે. એની બજાર કિંમત ઊભી કરી છે. એની ક્રૂરતા તો જુઓ! નાના નાના અનેક પાડાઓને એ મરવા દેશે અને એકાદને ખીલે બાંધી ભેંશો દવરાવવાના પૈસા લેશે! મોટા ભાગના વાછરડાઓને ખસી કરી બળદ બનાવી દેશે અને એકાદને જ આખલા તરીકે રખડવા દેશે. હવે વળી કૃત્રિમ બીજદાનની પદ્ધતિ શોધી કાઢી છે… માણસે પ્રકૃતિ પર વધુ પડતો વિજય મેળવી લીધો છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે હવે પ્રકૃતિ સંગઠિત થઈને મનુષ્યજાતિ સામે બદલો લેશે. હું એ દિવસની રાહ જોઉં છું.
બ્રહ્મચર્ય કુદરતી નથી – પ્રેમલ માને છે. – એ આદર્શ પણ ન હોઈ શકે. તમે મનુષ્યની ઊર્જાને ડબ્બામાં પૂરી દો તો શું પરિણામ આવે? પ્રેમલની દલીલોમાં નર્યો ભૌતિકવાદ વ્યક્ત થાય છે. પણ એ દંભી નથી, કે નથી આળસુ.
‘કેમ બોલ્યાં નહીં, દીદી? તમે પ્રતિજ્ઞા તો નથી લીધી ને?’
‘સાચું બોલવાની ટેવ હોવા છતાં સદા સાચું બોલવાની પ્રતિજ્ઞા લેવાની પણ મારામાં શક્તિ નથી તો બ્રહ્મચર્યનું પાલન તો એથીયે કપરું છે. કેટલાક લોકો નૈષ્ઠિક બ્રહ્મચર્યનો દાવો કરે છે. સ્વપ્નમાં પણ કોઈનો સંગ થવો ન જોઈએ. એ લોકો એમના મનને કેવી રીતે શૂન્ય કરી શકતા હશે એ હું જાણી શકી નથી. પણ લલિતા, તું આ બધી પળોજણમાં શા માટે પડે છે? તારે પરણવું છે તો પરણી જા ને!’
‘કહી દીધું – પરણી જા, પણ કોને પરણું? લાવો તમને પરણી જાઉં!’ લલિતા બોલતાં તો બોલી ગઈ પણ પછી શરમાઈ ગઈ. શારદા સાથે આ રીતે વાત કરવાની ટેવ પડી હતી એથી આજે દીદી આગળ જીભ છુટ્ટી થઈ ગઈ. પછી પસ્તાઈ નીચું જોઈ ગઈ. લાવણ્યને એની દયા આવી.
સમજી શકાય એમ છે આ મનોદશા. પોતે દીપકનો વિચ્છેદ અનુભવતી હતી ત્યારે થોડા દિવસ પોતે જ પોતાની મનોદશાને ક્યાં સમજી શકતી હતી?
નીચેથી નાની બહેન મિતા ટહુકવા લાગી. લલિતાએ જવું પડ્યું.
લાવણ્યને વિચાર આવ્યો: પ્રેમ હોય તો બ્રહ્મચર્ય સહજ બને. દીપક સાથેના સાહચર્યમાં ક્યારેય એવો વિકાર નહોતો જાગ્યો કે અવશ બની જવાય… મન વર્તમાનની સરહદો ઓળંગી જાય છે:
રાતના પારિજાતનો પમરાટ હજી શમ્યો નથી ત્યાં મધુમાલતી ખીલી છે. સૂર્યે જગતને અજવાળ્યું છે પણ હજી પોતાના પ્રવેશ પૂર્વેનો છેલ્લો પટ દૂર કર્યો નથી. દીપક એના બૂટની દોરી સરખી કરવા નીચે બેઠો છે. પોતે પાસે જ ઊભી છે. બરાબર પૂર્વ દિશાને અભિમુખ. આંબાની ડાળે બેઠેલો મોર એકાએક ઊડે છે અને પીંછાંથી મંજરીઓને કંપાવતો એની સુગંધનું મોજું આ બાજુ વાળતો ખેતરને શેઢે ચારો ચરતી ઢેલ પાસે ઊતરે છે. બીજી જ ક્ષણે કળા કરે છે. એનું આખું અસ્તિત્વ પીંછાંના રંગે ઝબકી ઊઠે છે.
લાવણ્ય જાણે છે. મોરની કામનાનો આવેગ આ રીતે રંગરૂપે વ્યક્ત થાય છે. હજી ઢેલ એની સામે જોતી નથી, ત્યાં લાવણ્યને એના પગની પાની પર દીપકની આંગળીઓનો સ્પર્શ વરતાય છે. એકાદ મૂળ સીંચાય અને ગુલાબની પાંદડીઓમાં ચેતન આવે તેમ લાવણ્યને આખી સૃષ્ટિ મોરની કળા જેવી સુંદર લાગે છે. એ સુંદરતાને શ્વાસમાં લેવા એ પગ ઉપાડે છે. પળવારના વિલંબ પછી ઊભો થયેલો દીપક સાથે થઈ જાય છે.
આ સ્મૃતિ છે કે કલ્પના? સ્મૃતિ તો છે જ પણ સમય જતાં સ્મૃતિને કલ્પનાનો સહચાર જોઈએ છે…
ભૂત-ભવિષ્યમાંથી મન વાળી લઈને લાવણ્ય વનલતાને પત્ર લખવા બેઠી:
પ્રિય વનલતા,
સૂરત અધિવેશનમાં જવાની ઇચ્છા થતી નથી. તું મને આગ્રહ ન કરે તો સારું. જગત સાથેનો મારો સંબંધ મનુષ્ય તરીકેનો છે, માત્ર સ્ત્રી તરીકેનો નહીં. વળી, મને થયેલ અન્યાય સામે કોઈ મંડળ લડે એ મારા સ્વાભિમાનને અનુકૂળ નથી. પણ જેમને મદદ લેવા સામે વાંધો ન હોય એમને માટે આવાં મંડળ હોવાં જોઈએ.
તું જઈ આવ. તારે તો ત્યાં માસીનું ઘર છે. ભાષણોમાં કંટાળો આવે તો તું તારે એમને ત્યાં જઈને ઊંઘી જજે, સપનાં જોજે.
સૂરત માટે મને પક્ષપાત ખરો. ત્યાં મેં એક સાંજ દીપક સાથે ગાળેલી એ બધું ફરી યાદ આવ્યા વિના રહે નહીં. એમાંથી વળી ભવિષ્ય વિશે કલ્પનાઓ આવે માટે સ્મરણ અને કલ્પનાની ખેંચતાણમાં સપડાવું નથી. મેં ક્યાંક વાંચ્યું હતું કે ભગ્નપ્રણય યુવતીઓ પુરુષ જાતિની દુશ્મન થઈ જાય છે.
મને કેમ એમ થતું નહીં હોય? શું મારામાં જડતા આવી ગઈ હશે? એમ હોય તોય સ્ત્રી, પુરુષ કે એમના સંસારને કશું નુકસાન થવાનું નથી.
મળવાનું થશે ત્યારે તને શારદાની વીતકકથા કહીશ. એના એ એક દાખલા પરથી પણ મારે પુરુષ-જાતિની વિરુદ્ધ એકાદ ભાષણ કરવા સૂરતના મહિલા -સંમેલનમાં આવવું જોઈએ. છતાં કોણ જાણે કેમ હું ઉશ્કેરાતી નથી.
પ્રશ્ન થાય છે: બરાબર એવા જ અનુભવમાં મુકાયા વિના હું શારદાની મનોદશા કેવી રીતે સમજી શકું? કોણ શું નકારે છે, શું સ્વીકારે છે, જાત સાથે છૂપી સમજૂતી કરી લે છે કે કેમ એ બધું આપણે ત્રીજી વ્યક્તિ તરીકે કેવી રીતે સમજી શકીએ?
તું અધિવેશનમાંથી પાછી આવે પછી લખજે. ચોથા શનિ-રવિએ હું ત્યાં આવવા ધારું છું.
પરદેશી મુરતિયાઓની રસપ્રદ વિગતો તને જાણવા મળો એવી શુભેચ્છા સાથે, બા-બાપુજી અને પ્રેમલને યાદ.
પત્ર મળતાં જ વનલતાએ તાર કર્યો. એનો અર્થ હતો: તારે ખાતર નહીં, મારે ખાતર આવ. તારી ટિકિટ પણ કરાવી લીધી છે, ભોજન-ઉતારા માટે જરૂરી રકમ ભરી દીધી છે.
લાવણ્ય સૂરત જશે જાણીને લલિતાએ પહેલાં ખુશી દાખવી, મારા માટે શું લાવશો વગેરે પૂછીને લાડ કર્યા. પછી એકાએક ઢીલી થઈ ગઈ. ‘અમારે તો બસ ક્યાંય જવાનું જ નહીં. માબાપે નોકરી કરવાની છૂટ આપી પણ હજી ક્યાંય એકલા જવા ન દે. કહે છે કે છાપ બગડી જાય તો પછી સગાઈ ન થાય. આ મોટાં થયાં એ જ ગુનો!’
‘ચાલ, લલ્લુકાકાને વાત કરીએ. એ મારી વાત નહીં ટાળે.’
‘એ હા પાડશે તો મા ના પાડશે. એ તમારું માન નહીં રાખે. રહેવા દો. આમેય મારા આવવાથી અધિવેશન કે મને ખાસ ફાયદો નહીં થાય અને ખર્ચ થશે એ વધારામાં.’ — એક મિનિટમાં લલિતાએ મન મનાવી લીધું હતું. આપણા ભાગ્યમાં સ્ત્રીનો અવતાર હતો પછી બીજું થાય શું?
(ક્રમશ:)