મૂરઝાયેલું કમળ ખીલ્યું (વાર્તા) ~ શ્વેતા તલાટી, વડોદરા
એક પ્રાથમિક શાળામાં માઈક પર પ્રાર્થના હોલમાં જવા માટે સૂચનાઓ અપાઈ રહી હતી. અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ લાઈનમાં વારાફરતી દાદરથી પ્રાર્થના હોલમાં આવતાં હતાં અને વર્ગ શિક્ષિકાઓ ધ્યાન રાખીને બધાં લાઈનમાં જ આવે એવું ધ્યાન રાખતી હતી.
સામસામે બેઉ તરફ દાદરા હતા અને વચ્ચે નાની ઓશરી જેવું હતું, જેમાંથી પસાર થઈને સૌ વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ થોડાં ઝડપથી પ્રાર્થના હોલમાં જતાં હતાં.
અચાનક જ ચોથા ક્લાસનો એક વિદ્યાર્થી કમલ, સામેના દાદરેથી ઊતરતી એક નાની છોકરી લ્યુસી સાથે અથડાયો. તે સાથે જ તે ગુસ્સે થઈ ગયો અને એટલા જોરથી તે છોકરીને તેણે ધક્કો માર્યો કે તે પડી ગઈ અને તેને ઘણું વાગ્યું. તે રડવા લાગી.શિક્ષકો પણ જોતાં રહી ગયાં. બંનેની વર્ગ શિક્ષિકાઓ તેમને જુદી જુદી બાજુ લઈ ગઈ અને બીજાં બધાં લાઈનમાં જઈને ગોઠવાવાં લાગ્યાં. K.G.ની વર્ગ શિક્ષિકા લ્યુસીને ચૂપ કરાવવાં લાગી અને ચોથા ધોરણની વર્ગ શિક્ષિકા કમલને લડવા લાગી. પ્રાર્થનાનો સમય પૂરો થઈ ગયો હતો. એક પછી એક વર્ગો પછી શાળાનો સમય પણ પૂરો થયો અને બધાં ઘરે ગયા.
લ્યુસીએ આ વાત તેના માતા-પિતાને કરી અને પછી પ્રિન્સિપાલ સુધી પહોંચી. નાની એવી વાત વધી ગઈ હતી.
લ્યુસીના માતા-પિતાની સામે જ આચાર્યશ્રીએ ચોથા ધોરણની વર્ગ શિક્ષિકાને કેબિનમાં બોલાવી અને તેમની સામે જ ઘણી વાતચીત થઈ. વર્ગ શિક્ષિકાએ કહ્યું કે “કમલ ખૂબ જ ગુસ્સાવાળો છોકરો છે અને વર્ગનો સૌથી વધુ તોફાની છોકરો છે. બધાં સાથે એને બોલાચાલી અને ઝઘડાઓ થાય છે.” કમલના માતા-પિતાને બીજે દિવસે શાળામાં બોલાવવા માટે ડાયરીમાં નોટ લખવાનું કહી આચાર્યશ્રીએ વર્ગ શિક્ષિકાને ક્લાસમાં પાછી મોકલી અને લ્યુસીના માતાપિતાને સાંત્વના આપીને ઘેર મોકલી આપ્યા.
બીજે દિવસે કમલના માતા-પિતા આવ્યાં. વર્ગ શિક્ષિકા સાથે વાત થઈ. તેણે ઘણી વાત કરી અને આચાર્ય પણ ઘણા જ ગુસ્સે થઈ ગયા હતા તેમ જણાવ્યું. તેમને પણ ઠપકો આપવામાં આવ્યો. વર્ગ શિક્ષિકાએ કમલની વર્તણુકની ઘણી ફરિયાદો કરી. માતા પિતાની સામે જ કમલને કહેવામાં આવ્યું કે ‘એક warning આપીએ છીએ. હવે ફરી આવું થશે તો થોડા દિવસ માટે શાળામાંથી કાઢી મૂકવામાં આવશે.’
ઘરે ગયા પછી કમલની મા, કિરણ ખૂબ રડી પડી અને પિતા પ્રકાશનો ગુસ્સો પણ કિરણ પર ઉતર્યો. બાળકોનો બધો જ વાંક માતાને માથે જ મારવાની જૂની પ્રથા છે. માતાને જ કહેવામાં આવે છે કે ‘આ તારી જ કેળવણી છે અને તેં જ બાળકને બગાડ્યું છે.’ ભલેને, પછી સંતાન બંનેનું હોય! સ્કૂલ પછી કમલ જેવો ઘેર આવ્યો કે તેના પપ્પા તેના પર તૂટી પડ્યા અને બે-ત્રણ થપ્પડ પણ મારી દીધી. છતાં તેમનો ગુસ્સો શાંત નહોતો થયો. કિરણે પણ કમલની સાથે જરાય વાત ન કરી. પ્રકાશનું ગુસ્સામાં બબડવાનું ચાલુ જ હતું.“ તારી ફરિયાદ પડોશમાં, ઘરમાં નાની બેનને પજવવાનું, પેલા દિવસે મારી ઓફિસમાંથી પેલા અંકલ આવેલા ત્યારે પણ તે ધમાલ કરેલી અને સ્કૂલમાં આચાર્ય સુધી વાત પહોંચી ગઈ છે. તારું શું કરવું એ સમજણ પડતી નથી અને તારે શું કરવું છે એ પણ સમજણ પડતી નથી.”
કમલ પણ રૂમમાં જઈ ખાધા પીધા વગર જ સૂઈ ગયો. સાંજે પણ રૂમમાંથી બહાર ના નીકળ્યો ત્યારે કિરણનો જીવ ના રહ્યો. તે તેના રૂમમાં ગઈ અને એને જમવા માટે બહાર લઈ આવી. કમલ ચૂપચાપ કંઈ બોલ્યા વગર જમ્યો અને પાછો રૂમમાં ચાલ્યો ગયો. આ બાબતની અસર આખા ઘરનાં ખૂણે ખૂણામાં દેખાતી હતી. ઉદાસ ચહેરે બેઠો બેઠો રૂમમાં કમલ વિચારતો હતો કે ‘બધાં પોતાના માબાપને કેટલા પ્યારાં અને દુલારા છે અને હું જ કેમ અળખામણો છું?’
પિતાના ગુસ્સા અને માતાના મૌનની અસર બે-ત્રણ દિવસ રહી પછી તો કમલ પાછો હતો તેવો ને તેવો જ.
એક અઠવાડિયા પછી કિરણની બહેન રોશની તેના ડોક્ટર પતિ સૂરજ અને એના બંને દીકરાઓ આદિત્ય અને ઉદિત સાથે તેમને ત્યાં રહેવા આવી. તેમને એક દિવસ બપોરે લગ્નમાં જવાનું હતું અને એક દિવસ મેડિકલ કોન્ફરન્સ હતી. તેથી બપોર પછી સાંજે બધાં ભેગા થયા ત્યારે બધાં છોકરાઓ ભેગાં હતાં અને કમલે બધાંને પજવવાનું શરૂ કર્યું. ઉદીતે એક રમત લીધી તો કમલે તે ખેંચી લીધી. પછી આદિત્યે દડો લીધો તો તે પણ ઝૂંટવી લીધો અને વારાફરતી બધાંને દડાથી મારવાનું શરૂ કર્યું. છોકરાઓ “અમને આપ, અમને આપ” કરીને ખેંચાખેંચી કરવા લાગ્યા. છેવટે કંટાળીને તેની નાની બેન કાવ્યા અને માસીનો નાનો ઉદીત રડવા લાગ્યા. ના રમે કે ના કોઈને રમવા દે. ઓરડાની બહારથી ડો. સૂરજ કમલનું વર્તન ધ્યાનથી જોઈ રહ્યા હતા. ત્યારે સાથે રમવાને બદલે બધાંને પજવવામાં કમલનું વર્તન ખૂબ જ નોંધનીય હતું.
સૂતી વખતે તેમણે રોશનીને કહ્યું ‘મને લાગે છે કે કમલને કોઈ સારા મનોચિકિત્સક કે મનોવૈજ્ઞાનિક ની જરૂર છે, જે તેના મનનાં પ્રશ્નોને ધ્યાનથી સાંભળે અને તેમના માર્ગદર્શનથી તેના પ્રશ્નોનો ઉકેલ લાવી શકે. Counselling Sessions થી તેની યોગ્ય સારવાર કરે. રોશનીએ સૂરજની વાત ધ્યાનથી સાંભળીને તરત જ કહ્યું કે “મને પણ એવું જ લાગે છે પણ આ વાત કિરણને કહેવી શી રીતે? શરીરમાં જો કોઈ પ્રોબ્લેમ હોય તો લોકો કહેતાં કે દવા કરાવતાં અચકાતાં નથી. પણ મનને થોડી પણ તકલીફ હોય તો લોકો જલ્દીથી જણાવતાં નથી. ઘણીવાર તો મન અસ્વસ્થ હોવાના લીધે અને વધારે પડતા તનાવ અને ડિપ્રેશન વગેરેને લીધે શરીરમાં બીમારીઓ જેવી કે ઉચ્ચ રક્તચાપ, મધુ પ્રમેહ વગેરે થઈ શકે છે તેથી માનસિક સારવાર પણ સમયથી કરવી એટલી જ જરૂરી છે જેટલી શારીરિક બીમારીઓની. બંનેએ નક્કી કર્યું કે થોડી કુનેહપૂર્વક તેઓ કિરણને વાત કરશે.
બીજે દિવસે ડોક્ટરોની કોન્ફરન્સ હોવાને લીધે રાત્રે જમતી વખતે જ બધાં ભેગા થઈ શક્યાં. રોશની અને કિરણ પણ દિવસ દરમિયાન વ્યસ્ત હતાં રાતનાં જમવાના ટેબલ પર બધાં ભેગા થયા ત્યારે કમલે થોડી ધમાલ કરી. આદિત્ય તેની પાસેની ખુરશીમાં બેઠેલો, તો, કમલ તેની થાળી ખેંચી લે તો ક્યારેક પોતાની થાળીમાંથી તેની થાળીમાં કોઈ આઈટમ ફેંકે. જુદીજુદી રીતે તેને પજવે. ના પોતે શાંતિથી જમે કે એને જમવા દે. પ્રકાશે ગુસ્સાથી કમલ સામે જોયું પણ તેના તોફાન બંધ ન થયા તેથી બધાંની સામે પ્રકાશ તેના પર ગુસ્સે થયા.
કમલની ધમાલ અને ઘરનું વાતાવરણ જોઈ રોશનીને તક મળી. તેણે કહ્યું – “કિરણ, ખરાબ ના લગાડીશ પણ કાલેય સૂરજે જોયું કે કમલ જે રીતે બધાંને પજવતો હતો તે બહુ સામાન્ય ન લાગ્યું. અમને લાગે છે કે તેને કોઈ સારા મનોચિકિત્સકની જરૂર છે. આ રોજરોજનો કકળાટ….” પણ એટલી વાત સાંભળતાં જ કિરણ ખૂબ ગુસ્સે થઈ ગઈ. પ્રકાશ પણ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને ફરી કોઈ વખત પણ પોતાના દીકરાને પાગલ ન કહેવાનું જણાવ્યું. તેઓએ તેમને સમજાવવા પ્રયત્ન કર્યો કે “ઘણીવાર કોઈ માનસિક તકલીફની યોગ્ય સમયે સારવાર કરવામાં આવે તો તે ઠીક થઈ જાય છે. અમે તે પાગલ છે તેવું નથી કહી રહ્યાં . પણ એમનો ગુસ્સો તો સાતમા આસમાને હતો. તેઓ આ બાબત સ્વીકારવા તૈયાર જ ન હતાં.
બીજા દિવસે સવારે રોશની અને સૂરજ મનમાં ભાર સાથે છોકરાંઓને લઈને પાછાં વળ્યાં. પોતાના ઘરે પહોંચીને તેમણે કિરણની સાથે ફોન પર થોડી વાત કરી કે “તેમને ત્યાં મજા આવી વગેરે” પણ કિરણ નો જવાબ હં…હં… એટલો જ હતો. પછી થોડા થોડા દિવસે તેઓ ફોન કરતાં પણ કિરણ અને પ્રકાશ કાં તો ફોન ના ઉપાડતા અથવા તો હમણાં વ્યસ્ત છીએ એમ કહી દેતાં. તેથી રોશનીએ પણ ફોન કરવાનો બંધ કરી દીધો. સંબંધ ઘણો ઓછો થઈ ગયો.
રોશની અને સૂરજના ગયા પછી બીજે દિવસે કિરણ અને પ્રકાશે કમલને સારું એવું લેક્ચર આપેલું. કોઈ આવે ત્યારે કેવું વર્તન કરાય? તેના લીધે તેમને ઘણું સાંભળવું પડે છે વગેરે.. પ્રકાશ કમલ માટે એક વિડીયો ગેઈમ લઈ આવ્યા જેથી એમાં તે વ્યસ્ત રહે અને નાની બહેનને ન પજવે પણ તેમાં પણ તે મોટેભાગે લડાઈની રમતો વધારે રમતો અને તેના હાવભાવમાં, વર્તણૂંકમાં ગુસ્સો જ વધારે દેખાતો. ગમે તેટલું સમજાવે તોય તેની વર્તણૂંક થોડા સમય માટે બદલાતી પછી હતો તેવો ને તેવો જ. દરેક વાલી અને શિક્ષકની મિટિંગમાં વર્ગ શિક્ષિકા કિરણ અને પ્રકાશને કહેતી કે “તેની ખૂબ જ ફરિયાદો છે. જે તેની પાસે બેસે કે આગળ પાછળ બેસે તેને તે હેરાન પરેશાન કરી મૂકે છે ખાસ કરીને તે છોકરીઓને વધારે પજવે છે. તેને છોકરીઓ પ્રત્યે આટલો ગુસ્સો કેમ છે તે નથી સમજાતું?… વગેરે ” જ્યારે તેની સાથે પ્રકાશ બહાર જાય ત્યારે ત્યાંથી આવી અને કોઈ વખત શાળાની મિટિંગમાં જાય ત્યારે ત્યાંથી પરત ફરી ખાસ કરીને તેના પર ગુસ્સે થવાનું થતું જ.
દરેક મિટિંગમાં વર્ગ-શિક્ષકની ટકોર અને ફરિયાદોથી પ્રકાશે શાળાની P T.M. માં જવાનું પણ બંધ કરી દીધેલું. બધાં બાળકોનાં મમ્મી-પપ્પા તેની સાથે ન રમવાનું કહેતાં. મોટાભાગનાં બાળકો તેનો માર ખાઈ ચૂકેલાં હતાં.
એક દિવસ તે નીચે એકલો એકલો જ રમવા ચાલ્યો ગયો. ઘરની નીચેના ગાર્ડન તરફ જતો હતો ને તે વખતે બે નાની છોકરીઓ સાયકલની સ્પર્ધાની રમત રમતી હતી. કમલ ચાલતો જતો હતો અને પાછળથી પૂર ઝડપમાં બે સાયકલ નીકળી અને તેમાંથી એક સાયકલનું ગવંડર તેને ખભે સહેજ અડી ગયું. સાયકલની વધારે ઝડપ હોવાના લીધે તેને વાગ્યા જેવું લાગ્યું. પછી તો પૂછવું જ શું? પાછળથી જ સાયકલનું કેરિયર પકડીને તેણે તે છોકરીને પછાડી દીધી. ઝડપની હરીફાઈના કારણે સાયકલની ઝડપ વધુ હોવાના લીધે એ સાયકલ પરથી પડવાથી તે છોકરીને ઘણું જ વાગ્યું. હાથમાં છોલાવાથી ચામડી ઉખડી ગઈ. લોહી નીકળ્યું અને પગમાં ફેક્ચર થઈ ગયું. જોર જોરથી તે રડવા લાગી. તેનાં રડવાના અવાજથી બધાં ભેગા થઈ ગયાં. એક છોકરી તેની મમ્મીને બોલાવી લાવી. તેની મમ્મી તરત જ ગાડીની પાછલી સીટમાં સુવાડી તેને ડોક્ટર પાસે લઈ ગઈ હાથમાં ડ્રેસિંગ કર્યું અને પગમાં પાટો આવ્યો.
એ રાત્રે જ એ છોકરીના પપ્પા રીતસરના ઝગડવાના ઇરાદાથી આવ્યા. ગુસ્સામાં હોય તે સ્વાભાવિક છે તેમણે કહ્યું કે “તેને એક રૂમમાં જ પૂરી રાખવો જોઈએ. આ છોકરો કોઈની સાથે રમી શકે કે મળી શકે તેમ છે જ નહીં . કાવ્યા રોજ રમવા આવે છે અને બધાં સાથે હળી મળીને રમે છે પણ કમલ સાથે રમવા કોઈ તૈયાર થતું નથી અને ખરેખર કમલ કોઈની સાથે બરાબર રીતે રમતો જ નથી.” વાત ઘણી વધી ગઈ હતી.
કમલના માતા પિતા કંઈ બોલી શકે તેમ ન હતું સફાઈમાં એટલું કહેવા ગયાં કે “નાનો છોકરો છે, ભૂલમાં થઈ જાય ક્યારેક તો આપણે તો સહુ મોટાં છીએ. માફ કરી દો.” પણ પેલી છોકરીના પપ્પા ખૂબ જ ગુસ્સામાં હતા. તેમણે કહ્યું કે “એપાર્ટમેન્ટમાં ઘણાં નાનાં છોકરા/ છોકરીઓ છે. ઘણાં આનાથી પણ નાના છે પણ આના જેવું કોઈ જ નથી. બધાં સાથે મળીને ઘરની અંદરની અને બહારની રમતો પણ રમે છે. પણ માત્ર કમલની જ કેમ માથાકૂટ છે? તેનું મગજ જ ખરાબ છે.” આ વાત તેના પિતાને હાડોહાડ લાગી ગઈ.
આખી રાત તેમને ઊંઘ ન આવી. હોલમાં આંટા મારતા રહ્યા. રહીરહીને સાંજનું એ દ્રશ્ય ફરી ફરી તેમની આંખો સામે આવતું હતું. તેમના સાઢુએ એક ડોક્ટર તરીકે જોઈ વિચારીને સારી ભાષામાં કહેલી વાત તેમને વિચારવા જેવી લાગી. અને પ્રકાશને યાદ આવ્યું કે કમલ પહેલાં આટલો તોફાની ન હતો. આ બધું છેલ્લા લગભગ ચારેક વર્ષથી શરૂ થયું અને દિવસે દિવસે વધવા લાગ્યું. આખી રાત કમલનું જન્મથી હમણાં સુધીનું વર્તન વિચારતો રહ્યો હતો. આમને આમ સવારના ચાર વાગી ગયા હતા.પલંગમાં જઈ સૂવાની કોશિશ કરી અને વિચારતા વિચારતા તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર ના પડી.
બીજે દિવસે રોજના સમયે તૈયાર થઈ પ્રકાશ ઓફિસ જવા નીકળ્યો. ઓફિસે પહોંચી કામ શરૂ કર્યું પણ કામમાં મન લાગતું ન હતું . ઊંઘ પણ પૂરી ના થવાના લીધે વારેવારે બગાસા આવતા હતા અને મન પણ શાંત ન હોવાના લીધે મોં પર અસ્વસ્થતા દેખાઈ આવતી હતી. વ્યથિત મન જોઈ ઓફિસમાં સાથે કામ કરતા એક તેના સારા મિત્ર ચિરાગે પ્રકાશના ખભા પર હાથ મૂકીને પૂછ્યું “શું છે પ્રકાશ, આજે આટલો ઉદાસ કેમ?’” અને ખભા પર હુંફાળો હાથ પડતાં તરત જ એની આંખમાં પાણી આવી ગયા. મન દુઃખી હોય અને કોઈ પ્રેમથી પૂછે તો આંખ ભીની થઈ જાય તે સ્વાભાવિક છે.
તેણે ચિરાગને કહ્યું “આપણે કેન્ટીનમાં જઈને બેસીએ.” કેન્ટીનમાં પહોંચીને પ્રકાશે વાત શરૂ કરી કે “ચિરાગ, હું મારા પુત્ર કમલના વર્તનથી ખૂબ જ હેરાન થઈ ગયો છું. સૂઝતું જ નથી કે શું કરવું? અમારી ઉછેરમાં ક્યાં ભૂલ થઈ છે? તેની ખબર પડતી નથી.” અને તેણે સૂરજ અને રોશની આવ્યા ત્યારની વાત અને આગલા દિવસે એપાર્ટમેન્ટમાં બનેલી વાત કરી અને મન હળવું કર્યું. માથું દુખતું હતું તેથી ચા મંગાવી અને ચા પીતાં પીતાં વાત આગળ ચાલી.
ચિરાગે સલાહ આપી- ” જો દોસ્ત, Don’t mind પણ ક્યારેક કોઈ સારા મનોચિકિત્સકની સલાહ લેવામાં કોઈ અડચણ નથી. ક્યારેક મા બાપ હોવા છતાં આપણે પોતાના છોકરાઓની ભાવનાઓ ન સમજી શકીએ તેવું બને અને આપણું જ બાળક ક્યારેક પોતાના મનની વાત – પરેશાની આપણને નહીં પણ કોઈ ત્રીજી વ્યક્તિથી કહે તેવું પણ બને. ક્યારેક ખૂબ જ લાગણીથી બંધાયેલી વ્યક્તિઓ કરતાં બહારની વ્યક્તિ વધારે સારું કામ કરી શકે છે. કોઈ સારી અને સમજદાર ઉંમરલાયક વ્યક્તિની પણ સલાહ લેવાય. એવું વિચાર કે હમણાં તેનો ઉપાય કરવામાં નહીં આવે તો સમસ્યા વધતી જશે અને મોટો થશે તો બધું વધી જશે. શરીરમાં કોઈ તકલીફ થાય તો ડોક્ટર પાસે જઈએ છીએ ને તેવું મનને પણ કોઈ તકલીફ થઈ શકે છે. એમાં તે વસ્તુ ખરાબ છે. તેવું કેમ માની લેવું? તેની પણ દવા કરાવવાથી તેનો યોગ્ય ઉપચાર કરવાથી તે ઠીક થઈ જાય.” પ્રકાશ તેની વાત સાથે સહમત થયો પછી બીજા દિવસ માટે તેણે રજા માટે અરજી મૂકી દીધી.
ઘરે જઈને તેણે કિરણને બધી વાત કરી અને બંને મળીને નક્કી કર્યું કે કાલે તેઓ સાથે મનોચિકિત્સક પાસે જશે. જલ્દી જ જમીને પ્રકાશ સૂઈ ગયો.
એક નિર્ણય પર પહોંચ્યા પછી મનને ઠંડક વળી હતી તેથી તે આરામથી સૂઈ ગયો. બીજે દિવસે સવારે આઠ વાગી ગયા હતા પણ ઓફિસ જવાનું ન હોવાથી કિરણે તેને ઉઠાડ્યો પણ ન હતો. ઊઠીને નિત્યક્રમ પતાવી કલાકમાં જ તે લેપટોપ પર સારા મનોચિકિત્સકનું સરનામું અને ફોન નંબર શોધવા બેસી ગયો અને એકનો સાંજે સમય લઇ લીધો.
કાવ્યાને તેની શાળાની બહેનપણીનું ઘર જે રસ્તામાં પડતું હતું ત્યાં મૂકીને તેઓ કમલને લઈને ડોક્ટરે આપેલા સમય મુજબ પાંચ વાગ્યે તેમની પાસે પહોંચી ગયા. કમલને બહાર જ બેસાડી તેઓ કેબિનમાં ગયા. તેમણે ડોક્ટરને બધી વાત કરી. પછી તેઓ બહાર બેઠા અને કમલને અંદર મોકલ્યો. ડોક્ટરને જોઈને તે ખૂબ જ સજાગ થઈ ગયો. પોતાની કોઈ વાત બતાવવા તે તૈયાર જ નહોતો અને કોઈ વાતનો બરાબર જવાબ પણ આપતો ન હતો. નિરાશ થઈ ડોક્ટરે તેને બહાર મોકલ્યો. પ્રકાશ અને કિરણને અંદર બોલાવ્યા અને કહ્યું કે “ઘણીવાર આવું થાય છે. પણ મારી સાથે એક સાયકોલોજીસ્ટ બહેન ‘ડો. રાધિકા’ કામ કરે છે. બધાંની સાથે વાત કરવામાં તેઓ ખૂબ જ હોંશિયાર છે અને રમત રમતમાં બાળકોની મનની વાત કઢાવી લે છે. એ પછી તેને બરાબર રીતે સારવાર અને સંભાળ આપવામાં આવે તો તે ઠીક થઈ પણ જાય છે.
ડો. રાધિકાએ દસ દિવસ પછીનો સમય આપ્યો. તે દિવસે શનિવાર હોવાથી પ્રકાશ અને કમલને પણ ઓફિસ ને શાળામાં અડધો જ દિવસ જવાનું હતું. દસ દિવસ પછી ફરી ત્રણેય ગયા. વચ્ચેના દસ દિવસમાં કમલનું વર્તન એવું જ હતું. કશો ફરક નહીં .ડો. રાધિકાએ પહેલેથી જ બધી માહિતી લઈને ફાઈલ તૈયાર કરી રાખેલી. ધીમેધીમે વિશ્વાસમાં લઈ ડો.રાધિકાજીના Counselling Sessions શરૂ થયાં.
ડો.રાધિકાજીએ કહ્યું કે “હું તારી ફ્રેન્ડ છું. મને નાનાં છોકરાંઓ ખૂબ જ ગમે છે. હું ડોક્ટર નથી એ તો પેલા અંકલ ડોક્ટર છે. અને તું ક્યાં બીમાર છો? તને કંઈ તાવ આવ્યો છે? મેં તો તને મારી સાથે રમવા બોલાવ્યો છે. મારી સાથે કોઈ રમતું નથી. બધાં કહે છે કે “હું મોટી થઈ ગઈ છું તેથી હવે મારાથી ન રમાય.” પણ મને રમવું ખૂબ ગમે છે. આજથી તું મારો પાક્કો દોસ્ત.” કમલ ધ્યાનથી તેની વાતો સાંભળતો હતો. તેના ગુસ્સા ને આક્રોશના ભાવ ધીમે ધીમે બદલાવા માંડ્યા. તેના મોઢા પર ખુશીનો ભાવ જણાયો અને આંખોમાં ચમક. હોઠ કશું બોલવા માટે ખુલ્યા પણ પાછા બંધ થઈ ગયા. ડો. રાધિકાને થયું થોડા સમય પછી પણ પોતાની તકલીફ શેર કરશે ખરો.
ડો. રાધિકાએ એક રમત કાઢી. તેમાં તેના પરિવાર પ્રમાણે જ મેમ્બરના અલગ અલગ મોહરા હતા . એક સુંદર લંબચોરસ ખાનાવાળો ડબ્બો હતો, જેના ઢાંકણાનો ભાગ પણ થોડો ઊંડો હતો અને ઊંડા ઢાંકણામાં અંદરની બાજુ બે ભાગ બનેલા હતા એક ભાગમાં બેઠક રૂમ જેમાં નાના નાના સોફા ખુરશીઓ, બીજા ભાગમાં ડાઇનિંગ ટેબલ, નીચેના ડબ્બામાં એક બેડરૂમ અને બીજા ભાગમાં નાનો બગીચાનો બાંકડો-ઝાડ વગેરે એ પ્રમાણે પારિવારિક રમત હતી. ડો. રાધિકાએ એ રમતનો સુંદર ડબ્બો ખોલીને મહોરાં ગોઠવતાં કહ્યું – “જો આ તું અને આ તારું સ્વસ્થ કુટુંબ.”
ત્યારે કમલ બોલ્યો – “ના, અસ્વસ્થ.” ડો. રાધિકાએ જાણે સાંભળ્યું જ ન હોય તે આગળ વધી. “તમે બધાં અહીં સોફા પર બેસીને ટીવી જુઓ અને આ તમારું જમવાનું ટેબલ. પછી ક્યારેક અહીં ગાર્ડનમાં જાવ અને બધાં સાથે સાથે ખૂબ મજા કરો.”
ત્યારે કમલ બોલ્યો -“અમે મજા નથી કરતાં. એમાંથી એક આ મારી બહેનને કાઢી નાખો. તેના આવ્યા પછી બધું બગડી ગયું.”
ડો. રાધિકાને હતું કે તે પોતાના મનની વાત કહે પણ એપોઇન્ટમેન્ટનો સમય પતી ગયો હતો. તેણે તે રમતનું બોક્સ બંધ કરી દીધું. કમલને કહ્યું કે “પંદર દિવસ પછી ફરી મારી સાથે રમવા આવીશ. તને ગમે તેવી રમત રમીશું.” કમલને બહાર મોકલી માતા-પિતાને બોલાવ્યા અને એમને ટૂંકાણમાં સમજાવ્યું કે અમુક રીતે તેમનાં વર્તનમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. કમલના મનમાં શું ચાલે છે? તેનો થોડો ઘણ અંદાજ તેને આવી ગયો હતો.
ઘરે જઈને આજે કિરણે કમલને પૂછ્યું – ‘ તારે શું જમવું છે? આજે તારી પસંદગીનું જમવાનું બનાવીએ! પ્રકાશે તેને બહુ વખતે ખોળામાં બેસાડ્યો અને કિરણે એક હાથથી કાવ્યા અને બીજા હાથથી કમલને જમાડ્યો. કિરણે બહુ વખત પછી કમલને આવી મમતાભરી નજરથી જોયો. ધીમે ધીમે કિરણ અને પ્રકાશ પોતાનાં બોલવા પર અને વર્તન પર ધ્યાન આપવા લાગ્યાં. નાનીનાની વાતોમાં લડતાં પહેલાં વિચારવા લાગ્યાં. રોજ થોડોથોડો આવી રીતે પોતાના વર્તનમાં ફેરફાર કરવાથી થોડો કમલમાં પણ ફર્ક થવા લાગ્યો.
બીજે દિવસે જ્યારે કાવ્યાએ વિડીયો ગેઈમ લેવા જીદ કરી ત્યારે પહેલી વખત કિરણે કહ્યું કે “ભાઈ રમે છે ને? રમવાનું પૂરું થશે પછી તે આપશે. તેની રમત અધૂરી હોય તો તેને પણ સારું ન લાગે ને?” આ વાત કમલને ગમી ગઈ. પોતાને થોડું મહત્વ મળ્યાનો તેને અહેસાસ થયો. અને મમ્મીની સામે તેણે ગેઈમ રમતારમતા ઝડપથી જોયું જાણે કે આભાર માનતો હોય. રોજ થોડો થોડો આવી રીતે ફરક થવા લાગ્યો. મા બાપનું વર્તન અને ઘરનું વાતાવરણ થોડું બદલાયું હતું પણ છતાંય નાની બેન માટેનો તેનો ગુસ્સો યથાવત હતા.
પંદર દિવસ પછી ડો. રાધિકા પાસે ગયાં ત્યારે તરત જ ડો.રાધિકાએ તેને કહ્યું – ” અરે, મારો ખાસ દોસ્ત આવી ગયો. ચાલો, આપણે રમીએ.” કમલને તેની વાતોમાં એક પોતીકાપણું લાગ્યું. ડો. રાધિકા તેની પ્રેમ તરસી આંખો ઓળખી ગઈ હતી. પરિવારની રમતનું બોક્સ કાઢી તેની સાથે રમતાંરમતાં તે બોલતી હતી – ” હવે બધાં સોફા પર બેઠાં , ટીવી જોવા અને પછી બોલી- ” મારો મોટો ભાઈ મને બહુ ગમે છે. તે કાવ્યાને ક્યારેય પૂછ્યું છે કે તું તેને ગમે છે કે નહીં? હું નાની હતી ત્યારે જ્યારે મારાં મમ્મી પપ્પા મારાં પર ગુસ્સે થઈ જતાં ત્યારે તે હંમેશા મારો પક્ષ લેતો અને તેના પર ગુસ્સે થાય તો હું તેનો. તારે ક્યારેય એવું બન્યું છે કે તારા મમ્મી પપ્પા તારા પર ગુસ્સે થાય તો કાવ્યાને ન ગમે?”
કમલે યાદ કરીને કહ્યું કે “તે નીચે રમવા ના ગઈ હોય હોય કે સૂઈ ના ગઈ હોય તો કોઈ વાર કહે છે કે ભાઈ પર ગુસ્સો ન કરો” અને ડો. રાધિકાને તો તક મળી ગઈ. તે તરત જ બોલી “એટલે કે કાવ્યાને તો તું બહુ ગમે છે. તને કાવ્યા કેમ નથી ગમતી? તે કેટલી પ્યારી છે! તેં ક્યારેય તેની સાથે રમવાની કોશિશ નથી કરી?”
કમલે જવાબમાં કહ્યું કે “પહેલાં તો તે બહુ નાની હતી. મારી સાથે મારી ગમતી રમતો રમતાં તેને આવડતું જ નહોતું. પણ પછી તો તે ઘણું બધું શીખી ગઈ છે. પણ મોટેભાગે તે તેની બહેનપણીઓ સાથે રમે છે. તેને મારી સાથે રમવું નથી ગમતું. ત્યારે ડો. રાધિકાએ કહ્યું કે “આજે તેની સાથે રમીને જોઈશ કે તેને આવડે છે કે નહીં? તું તો તેનો મોટો ભાઈ છું ને? એને બરાબર ન આવડતું હોય તો શીખવાડજે.”
તેણે રક્ષાબંધનનો અર્થ પણ સમજાવ્યો અને ફરી પંદર દિવસ પછી આવવાનું કહી તેને બહાર મોકલ્યો. પ્રકાશ અને કિરણને બોલાવી વાત કરી . દસ દિવસ પછી ફરી સવારના સમયે જ્યારે કમલ સ્કૂલે હોય ત્યારે તેમને એકલાં જ આવવાનું કહ્યું.
ડો. રાધિકાની વાતોની થોડી અસર કમલ પર થઈ હતી. જતી વખતે બારીમાંથી બહાર જોવાના બદલે તે નાની બહેનને જોતો રહ્યો અને વિચારતો રહ્યો -‘સાચે, સારી છે મારી બેન. મમ્મી પપ્પા લડે પણ તેણે તો ક્યારેય મારા પર ગુસ્સે થવાનું નથી કહ્યું. તે તો હું પજવું છું અને તે જોરજોરથી રડી પડે છે, તો તેઓ જાતે જ આવી જાય છે,. ક્યારેક જ ફરિયાદ કરી છે કે ‘મેં તેનું રમકડું ખેંચી લીધું.” કાવ્યાએ વચ્ચે બારીમાંથી અંદર નજર કરી ભાઈ સામે જોયું ત્યારે કમલે તેને એક હળવું સ્મિત આપ્યું અને સામે કાવ્યાએ પણ. એવું લાગતું હતું કે સારા સકારાત્મક ભાવની આપ લેને પણ જાણે ઘણો સમય વીતી ગયો હતો.
કમલ વિચારતો હતો કે ‘રાધિકા આન્ટીએ મને કાવ્યાની સાથે રમવાનું કહ્યું છે પણ તેને બોલાવું કેવી રીતે? તેની સાથે વાત કર્યે પણ ઘણો સમય વીતી ગયો છે. કાલ સુધી તો હું તેની સાથે કેવી રીતે વર્ત્યો હતો? અને હવે અચાનક મમ્મી જોશે તો શું કહેશે? કાવ્યાને કેવું લાગશે? કે હું તેને બોલાવીને થોડીવાર પછી મારીશ તો નહીં?’
બીજા દિવસે કિરણને ઘરનો થોડો સામાન લેવા જવાનું હતું. ઘરની કામવાળીને બેઉ છોકરાંઓનું ધ્યાન રાખવાનું કહીને, એ ચૂપચાપ જ નીકળી ગઈ હતી. પ્રકાશ ઓફિસમાં હતા. કામવાળી એનું કામ કરતી હતી ત્યારે કમલ કાવ્યાના રૂમમાં ગયો અને પૂછ્યું-“ કાવ્યા, હું તારો મોટો ભાઈ છું પણ તને હું બહુ પજવુ છું તો હું તને નથી ગમતોને?”
કાવ્યાએ તેના મીઠા અવાજમાં કહ્યું-“ ભાઈ, તમે મને બહુ ગમો છો. અમે નીચે રમીએ છીએ ત્યારે અમી અને કુંજન બહુ ઝઘડે છે અને અમારી ક્લાસમાં પેલા જોડકા છોકરાઓ છે તે પણ ઝઘડે છે પણ તમે જરા વધારે તોફાની છો.”
પછી તેણે કાવ્યાને પૂછ્યું કે “તું મારી સાથે રમીશ?” તો કાવ્યાએ હા પાડી અને બંને રમવા માંડ્યાં. એટલાંમાં કિરણ પણ ઘેર આવી ગઈ. પણ ઘરમાં કોઈ અવાજ નહીં, કે ન તો ટીવી ચાલું હતું. તે કમલના રૂમ તરફ ગઈ તો તે ત્યાં નહોતો એટલે તે સીધી જ કાવ્યાના રૂમ તરફ દોડી થોડીવારમાંપણ જરા દૂરથી જ તેના પગ અટકી ગયા.
રૂમની અંદરનું દ્રશ્ય જોઈ તેની આંખમાં ખુશીના આંસુ આવી ગયા અને તે રસોડા તરફ વળી ગઈ. કંઈ તેનાં અવાજથી છોકરાઓ રમતાંરમતાં અટકી ના જાય. દૂધ ગરમ કરતાં કરતાં અને શાક સમારતાં સમારતાં એક ખુશીનું ગીત તેનાં હોઠો વચ્ચેથી સરખી રહ્યું હતું –
“આજના દિવસમાં છે કંઈ ખાસ ખાસ;
આજે હર અહેસાસ લાગે ખાસ ખાસ.
ભીંત, બારી, બારણાં ક્યાં છે નવા?
તોય ઘર લાગે જુદું ને પાસ પાસ.
છે સંબંધોમાં સરસ કંઈ શ્વાસ શ્વાસ.”
છોકરાંઓ હજુ સાથે રમતમાં મશગુલ હતાં. કિરણને આજે બગીચામાં જઈને છોડને પાણી પાતી વખતે ફૂલ, પત્તાં, ડાળી બધું મોહક લાગ્યું. તેને થયું કે તેણે ઘણાં દિવસે બગીચાનાં ફૂલ, છોડ બધું ધ્યાનથી જોઈ રહી છે!
પ્રકાશનો પણ ઘરે આવવાનો ટાઈમ થઈ જ ગયો હતો. તે આતુરતાથી રાહ જોવા લાગી. જેવો ગાડીનો અવાજ સંભળાયો કે તેણે તરત જ દોડીને બારણું ખોલી દીધું. એ ડોરબેલ વગાડે અને તેના અવાજથી છોકરાઓ રમતાંરમતાં બહાર આવી જાય તો? અને પ્રકાશને તેમને રમતાં દેખાડવાનો લહાવો જતો રહે તો? ધીરેથી બારણું ખોલી જાણે પ્રકાશનો હાથ પકડી અને પોતાના મોઢા પર આંગળી મૂકી કાવ્યાના રૂમની તરફ પ્રકાશને લઈ જવા લાગી. બંને ત્યાં ઊભાંઊભાં બેઉ બાળકોને રમતાં જોવા લાગ્યાં. ખુશ થતાં તેણે કિરણ સાથે બેસીને ચા પીધી અને મિત્ર ચિરાગથી ફોન પર ખુશી વ્યક્ત કરી કે તેમને આજે કમલના વર્તનમાં કંઈક ફરક દેખાયો અને લાગ્યું કે તે ધીમે ધીમે સામાન્ય થશે. બીજા સાત દિવસ ઠીક ઠાક ગયા. કમલ નીચે રમવા જતો નહોતો અને શાળાથી આવીને લેસન કર્યા પછી બાકીનો સમય ટીવી અને વિડીયો ગેમ્સમાં કાઢતો હતો. કાવ્યાને પજવવાનું એકદમ સદંતર બંધ તો કેવી રીતે થાય? બધી જ વસ્તુ-પરિસ્થિતિ સામાન્ય થતાં સમય તો લાગે ને? થોડો ફર્ક હતો. હવે રોજ અડધો એક કલાક બેઉ સાથે રમતાં થયાં હતાં.
દસ દિવસ પછી કિરણ અને પ્રકાશ ડો.રાધિકાને મળવા ગયા. બે સેશનમાં તેની કમલ સાથે જે વાતચીત થઈ તેની તેણે નોંધ લીધેલી તે વિષે તેણે ટૂંકાણમાં કિરણ અને પ્રકાશને કહ્યું. કમલના મનની મૂંઝવણ વિષે જાણ કરી અને કહ્યું કે “કમલ હજી એટલો મોટો નથી થયો કે બીજું બાળક આવ્યા પછી તેના તરફ ખૂબ જ ઓછું ધ્યાન આપવામાં આવે. તેને વાતેવાતે લડવામાં આવે. મોટા બાળકને એવું લાગે કે મા બાપનો પ્રેમ અને બધું વહેંચાઈ ગયું અને એનાથી આટલો ગુસ્સો, ઈર્ષ્યા ઉદ્ ભવે અને શરીરમાં આવા રસાયણો ઉત્પન્ન થાય એની માટે મા બાપ કેટલા જવાબદાર?” દસ વર્ષથી નીચેના બાળકો માટે આવી મનની તકલીફોને લઈને મળતી હોમિયોપોથી દવાઓ આપવાનું તેમણે સૂચવ્યું, જેથી તેનું મન શાંત રહે તથા મનનો અને શરીરનો ઉત્પાત ઓછો થાય.
ઘરે પાછા આવતાં બંનેએ એકબીજાથી વાત ન કરી. બેઉ પોતપોતાનાં વર્તન વિશે વિચારતાં હતાં. ગજબની શાંતિ હતી ગાડીમાં ટેપરેકોર્ડર પણ શરૂ કરવાનું તેઓ ભૂલી ગયેલા અને બંનેની આંખો ભીની હતી. તેમને થયું કે કમલના વર્તન પાછળ ક્યાંક તેઓ તો જવાબદાર નહોતાં? ઘરે જઈને પણ બેઉ સાવ ચુપચાપ રહ્યાં. કિરણ પોતાના ઘરના કામમાં લાગી ગઈ.
અચાનક કમલ રસોડામાં પાણી પીવા આવ્યો અને કિરણના વિચારની તંદ્રા તૂટી. તેના ગાલ પર હાથ ફેરવતાં ફેરવતાં કિરણે પૂછ્યું – ” શું કર્યું બેટા તે આજે? ચાલ, મારી પાસે ઊભો રહે. હું કામ કરતાં કરતાં તારી સાથે વાતો કરું.” કમલને ખૂબ જ નવાઈ લાગી. કિરણે તેની સાથે શાળાની, મિત્રોની અને આડી અવળી ઘણી વાતો કરી. રોજ તે ફક્ત શાળાનું લેસન કરાવતી અને તે પણ ખૂબ કડકાઇથી.
કમલે જ્યારે કહ્યું કે “મારે કોઈ મિત્ર નથી,” ત્યારે કિરણે હાથ લંબાવીને કહ્યું કે “friends!” અને કમલના સકારાત્મક અભિગમ જોઈ તે ખુશ થઈ. તેણે કહ્યું-“ આજથી આપણે સારા મિત્રો. હું તારી સાથે રોજ રમીશ, વાતો કરીશ.“
કમલે કહ્યું -“પણ તમે તો મમ્મી છો .ઘરના કામમાં જ તમારો સમય નીકળી જાય છે. તમારે મને અને કાવ્યાને લેસન કરાવવાનું હોય, બહારથી સામાન લાવવાનો હોય, રસોઈ કરવાની હોય. તમે મને ક્યાંથી ટાઈમ આપશો?”
કિરણે કહ્યું – ” હું મારું એક ટાઈમ ટેબલ બનાવી દઈશ. જેવું તમારે શાળામાં હોય છે. મારાં બધાં જ બહારના કામના પિરિયડ તમે શાળામાં હો તે સમયમાં મૂકી દઈશ અને પછીનો સમય કાવ્યા નીચે રમવા જાય ત્યારે હું તારી સાથે ઘરમાં રમીશ. કમલને ખૂબ સારું લાગ્યું. ધીમે ધીમે ઘરમાં વાતાવરણ બદલાવા લાગ્યું . વાતાવરણ સાનુકૂળ થવાથી તેના વિચારો પર પણ તેની અસર પડી અને તે શાંત અને સાધારણ થવા લાગ્યો. તેના કારણે તેની એકાગ્રતામાં, શાળામાં તેના વર્તનમાં, ઘરનાં વર્તનમાં, ભણવામાં અને બધામાં ફેર પડવા લાગ્યો. પપ્પાની સામે હંમેશા મોઢું ચડેલું રાખતો એ કમલ હવે એટલો ગુસ્સામાં નહોતો દેખાતો.
પ્રકાશ પણ રોજે ઓફિસેથી આવી છોકરાઓને આજુબાજુ બેસાડી બેઉ બાળકોને શાળામાં વિતાવેલા સમય અંગે, લેસન માટે પૂછતો અને સમય આપતો થયો. પંદર દિવસ પછી ફરી ડો. રાધિકા પાસે જવાનો સમય થઈ ગયો હતો. આજે બધાં સાથે ગયાં. પાછળની સીટ પર કાવ્યા અને કમલના વાતો કરવાનો અવાજ આવતો હતો. આગળના કાચમાંથી પ્રકાશે જોયું તો બેઉને વાતો કરતા જોઈ મુખ પર મલકાટ છવાઈ ગયો અને તેણે કિરણ સામે જોઈ પાછળ જોવા ઈશારો કર્યો. ડો. રાધિકાની ઓફિસ આવી ગઈ.
કમલ જલ્દીથી ડો. રાધિકાની કેબિન તરફ ગયો અને બીજા ત્રણેય બહાર બેઠા ડો. રાધિકાએ ખૂબ જ હસતાં હસતાં તેને આવકાર્યો .”આવી ગયો મારો ખાસ દોસ્ત? શું કર્યુ આટલા બધા દિવસ? મને યાદ કરી હતી કે નહીં? આજે મારો વાતો કરવાનો મૂડ છે. ચાલ, આપણે ખૂબ વાતો કરીએ. તું બતાવ કે કેવું ચાલે છે તારું ભણવાનું? કાવ્યા સાથે રમે છે કે નહીં?” અને કમલ હસતા હસતા સાંભળતો રહ્યો. પછી રાધિકાએ અચાનક પૂછ્યું – “જેને બહેન ન હોય તેને રાખડી કોણ બાંધતું હશે? બેન હોય તો રક્ષાબંધન, ભાઈબીજ બધું મનાવવાની કેટલી મજા આવે? અને એકબીજા સાથે રમવાની પણ મજા આવે.”
ત્યારે કમલ બોલ્યો – “આ બધું તો બરાબર છે પણ વર્ગમાં બધાંનાં મમ્મી પપ્પા કહે છે કે તમે બધાં હજી નાનાં છો પણ મારાં મમ્મી પપ્પા મને કહે છે કે હું મોટો થઈ ગયો છું. જ્યાં સુધી નાની બહેન નહોતી આવી ત્યાં સુધી હું નાનો હતો. પણ તેના આવ્યા પછી હું અચાનક જ મોટો થઈ ગયો. મને જ લડે કે તું મોટો છું તારે ધ્યાન રાખવાનું. મારા બધા જ ગમતા રમકડાં પણ જો કાવ્યાને જોઈએ મારે તેને આપી દેવાના અને કહે કે તું મોટો છું એટલે તારે આપી દેવાનું. મારી પાસે મારું કશું જ ના રહ્યું. ના મારા મમ્મીપપ્પા, ના મારા રમકડાં. બધું જ વહેંચાઈ ગયું. મને તો રોજ રાતે રડવું આવતું હતુ.”
રાધિકાએ કહ્યું, “અચ્છા? તેં આવું કદી મમ્મીપપ્પાને કહ્યું હતું ખરું?”
“કોને કહું અને કેવી રીતે? મારી સ્કૂલમાં ટીચર કહે કે આટલી નાની ઉંમરમાં આટલી ધમાલ? આવું શેતાન મગજ? પણ ઘરે મમ્મી પપ્પા કહે કે તું આટલો મોટો થઈ ગયો છે અને હજી તોફાન કરે છે! મારા ક્લાસનાં અનેક સ્ટુડન્ટોના મોટા ભાઈબહેનો એમને રિસેસમાં મળવા આવે તો એમને નાનાં જ કહે! મને સમજાતું નથી કે હું મોટો છું કે નાનો? ઘેર આવું તો કાવ્યા માટે મારે જ મારુમ બધું આપી દેવાનું કારણ મમ્મી-પપ્પા કહે તુ મોટો છે…!”કમલનાં શબ્દોમાં ગુસ્સો વર્તાતો હતો. અવાજ હજી મોટો ને મોટો થતો જતો હતો પણ અચાનક જ તે રડી પડ્યો અને ઘણું રડ્યો.
પાંચ મિનિટ રડી લીધા પછી તે શાંત થયો. ત્યારે ડો. રાધિકાએ તેના હાથ તેના ખભા પર હાથ મૂકીને કહ્યું કે “જો કમલ, તું નાનો છે પણ કાવ્યાથી તો ચાર વર્ષ મોટો ને? તારા મમ્મી પપ્પાનો મતલબ એવો હતો કે તું તેનાથી મોટો. તારી બુદ્ધિ, સમજ બધું કાવ્યાથી તો વધારે ને? તું નવ વર્ષનો અને કાવ્યા ચાર વર્ષની. તે એક વર્ષની હોય ત્યારે તું છ વર્ષનો હતો ને? તેને તો ત્યારે તે પણ ખબર નથી પડતી કે મોઢામાં શું નંખાય અને શું ના નંખાય? એને કંઈ ખબર જ ન પડતી હોય તો શું કરીએ? નાના હોય ત્યારે ખૂબ સંભાળ રાખવી પડે.” ડૉ. રાધિકાને બધી ગડ બેસવા લાગી હતી. રાધિકાએ આ જ વાત પ્રકાશ અને કિરણને કહી અને સાથે સલાહ આપી કે તેઓ ખાસ કમલ માટે થઈને કોઈ પ્રસંગની ઉજવણી કરે.
કમલનો દસમો જન્મદિવસ આવવાનો હતો ને પ્રકાશે અને કિરણે તેની માટે જોરદાર ઉજવણી કરવાનું વિચાર્યું. એપાર્ટમેન્ટના બધાં છોકરા છોકરીઓને આમંત્રણ આપવા તેઓ જાતે ગયાં .પેલી છોકરીને ત્યાં પણ ગયા, જેને કમલને લીધે ઘણું વાગ્યું હતું. તેમણે બધાંને ખાતરી આપી કે કમલ કોઈને નુકસાન નહીં પહોંચાડે. અમે ધ્યાન રાખીશું .એટલે ચોક્કસ મોકલશો. નીચે કોઈની સાથે રમવા નહોતો જતો પરંતુ ઘરમાં એકલો એકલો દિવાલની મદદથી દડાને કેચ કરવાની રમત અને ક્રિકેટ રમતો. તેથી બેટ તેને ભેટમાં આપવા માટે ખરીદ્યું અને ખૂબ જ સુંદર રીતે પેકિંગ કરાવ્યું. આગલા બે દિવસ પહેલાથી તેઓ વ્યવસ્થામાં લાગી ગયાં હતાં .રૂમના ડેકોરેશનથી માંડીને ખાવા પીવાની વ્યવસ્થાનું એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને સોંપી દીધેલું, જે લગભગ ૫૦ – ૬૦ લોકોનું જમણ બનાવવા તૈયાર હતા.
સ્ટાફના લોકો ઉપરાંત કિરણે બે દિવસ પહેલાં રોશનીને પણ ફોન કર્યો. ઘણા મહિના પછી રોશનીને ફોન લગાડ્યો હતો. ફોન તો લગાડ્યો પણ અને કેવી રીતે વાત શરૂ કરવી તેની વિમાસણ હતી. કશું ખોટું કર્યાની ભાવનાથી કિરણ તો બીજી બાજુ તે જ ભાવથી રોશની પણ પીડાતી હતી. હળવેકથી માફી માંગી કિરણે વાત શરૂ કરી અને આગળ ચલાવી.
કિરણે કહ્યું-“ હું ઘણા દિવસથી ફોન કરવાનું વિચારતી હતી પણ રહી જતું હતું. કમલનો દસમો જન્મદિવસ છે અને તમારે લોકોને આવવાનું જ છે. એક દિવસ શાળા અને ઓફિસમાં રજા પાડી દેજો.” ખૂબ જ આગ્રહ પૂર્વક અને ભાવભીનું આમંત્રણ આપ્યું. બગડેલો સંબંધ સુધારવાનો અવસર બેઉ બહેનો છોડવા માંગતી નહોતી? લાગણી તો હતી જ. બેઉ બહેનો એકબીજાને યાદ પણ ખૂબ કરતી હતી. બસ યોગ્ય અવસરની રાહ જોતી હતી. ફોન પર બંનેએ ઘણી વાતો કરી. અગાઉનું બધું જ ભૂલીને જાણે કંઈ બન્યું જ ના હોય. જ્યારે ફોન મૂક્યો બંનેની આંખોમાં પાણી હતા અને હૃદયમાં શાંતિ અને સમાધાનનો સંતોષ હતો.
સાંજે રોશનીએ સૂરજને બધી વાત કરી. ખૂબ જ આગ્રહ પૂર્વક અને ભાવભીનું આમંત્રણ આપ્યું છે તેમ વાત કરી પણ સૂરજ ગુસ્સે થઈ ગયો. છોકરાંઓને ત્યાં લઈ જવા માટે સ્પષ્ટ ના પાડી અને કહ્યું “મારો તો સવાલ જ નથી કે ત્યાં ફરી પગ મૂકું.” રોશની ત્યારે કશું ના બોલી. હજી એક દિવસ બાકી હતો. કિરણ અને પ્રકાશે જે વર્તન કરેલું તે જોતાં સૂરજનો ગુસ્સો પણ વ્યાજબી હતો.
રોશનીને થયું કે તે કિરણને કહે કે “પ્રકાશ સૂરજને ફોન કરીને આગ્રહ કરે તો સારું.” પણ પછી થયું કે વાત ઊમરાની બહાર જશે. તેથી હું જ સૂરજને સાંજે સમજાવીશ.
બીજી બાજુ કિરણે પ્રકાશને કહ્યું કે “તેણે રોશનીથી વાત કરી અને આમંત્રણ આપ્યું છે.” પ્રકાશ ખુશ થયો કે સારું થયું.આખરે સૂરજની વાત સાચી પડી હતી હવે કમલમાં ખાસ કરીને ઘણો જ ફરક હતો.
પ્રકાશે કહ્યું કે “હું પણ એક વખત સૂરજથી વાત કરી લઉં. Time is Sponge. સમયની સાથે ઘાવ હળવો થઈ જતો હોય છે. અને આખરે તો સૂરજની વાત સાચી જ પડી ને? પ્રકાશે સૂરજને ફોન લગાડ્યો પણ સૂરજનો પ્રતિભાવ બરાબર ન હતો. છતાંય પ્રકાશે વાત ચાલુ રાખી અને ખૂબ સરસ રીતે વાત કરી એટલે સૂરજનો ગુસ્સો પણ ઓગળી ગયો અને છેવટે બધાં સાથે જન્મદિવસની ઉજવણી માટે આવવા તૈયાર થયાં.
કમલ જન્મદિવસે સવારથી જ ખૂબ જ આનંદમાં અને ઉત્સાહમાં હતો. શાળાની બેગમાં ચોકલેટની થેલી મૂકાઈ ગઈ હતી. નવો ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગયો હતો ચોકલેટ વહેંચતી વખતે તેના મુખ પર દર વખતે જેવા ભાવ હોય છે તેનાથી અલગ જ ભાવ હતા. મંદ મંદ હસતા તેના મુખ સામે તેની વર્ગ શિક્ષિકા જોઈ રહી હતી. શિક્ષિકાને તેણે ‘ગુડ મોર્નિંગ મે’મ’ કહી મુખ પર એક નિર્દોષ સ્મિત સાથે ચોકલેટ આપી.
શાળાનો સમય પત્યા પછી કમલ ઘરે આવ્યો. કિરણે તેની ભાવતી વાનગીઓ તૈયાર રાખી હતી. સાંજની પાર્ટી માટે હોલ શણગારાતો હતો. તે આનંદપૂર્વક બધું નિહાળી રહ્યો હતો. ઘરમાં ને મનમાં ખુશીનો માહોલ હોય તો સમયને જતા ક્યાં વાર લાગે? ઉજવણીનો સમય આવી ગયો. ધીમે ધીમે બધાં મહેમાનો આવવા લાગ્યા. કમલ બધાંને ધ્યાનપૂર્વક જોતો હતો. બધાં બાળકો આનંદમાં હતા. અને કમલને શુભેચ્છાઓ પાઠવતાં હતાં.
એક છોકરાથી કમલનો હાથ જરા વધારે જોરથી દબાઈ ગયો. તરત જ કમલના મુખ પરના હાવભાવ બદલાઈ ગયા. પણ તે જ વખતે શરબતના ગ્લાસ લઈ કિરણ રૂમમાં આવી અને તેનું ધ્યાન ગયું. તે તરત જ કમલને પકડીને બીજા ઓરડામાં લઈ ગઈ અને સમજાવ્યું કે ‘આજે તારો જન્મદિવસ છે. બધાંની સાથે શાંતિથી વાતો કર અને રમ. કોઈના પર ગુસ્સે ના થઈશ. અમે ખૂબ જ વિનંતી કરી અને તેમને બોલાવ્યાં છે અને બધાંનાં મા-બાપને કહ્યું છે કમલ જરાય તોફાન નહીં કરે.’
તે બહાર જઈ પાછો રમવા લાગ્યો. પછી કેક કાપી અને ભેટ- સોગાતની આપ-લે થઈ. ઘણા બધા ફોટા પાડ્યા, સંગીત ખુરશી વગેરે રમતો રમ્યાં, ડાન્સ કર્યો અને પછી બધાંએ સાથે જમણ લીધું . આઈસ્ક્રીમ ખાધો ને ખૂબ મજા કરીને બધાં છૂટાં પડ્યાં, દિવસ ઘણી સારી રીતે પસાર થયો હતો. રોશની અને સૂરજ પણ બાળકો સાથે પાછાં જવા નીકળ્યાં , ત્યારે પહેલાની બધી વાતોનો રંજ ક્યાંય ઓગળી ગયો હતો. કમલ બધાએ આપેલી ભેટ જોવામાં વ્યસ્ત થઈ ગયો હતો. કિરણ અને પ્રકાશને આજે કમલના વર્તનથી ખૂબ જ આનંદ અને સંતોષ હતા.
કિરણ સૂતાં પહેલાં કમલના રૂમમાં ગઈ અને તેને કહ્યું કે “તુ ભલે, આજે એક વરસ મોટો થયો છે, પણ અમારા માટે તું નાનો જ છે. ” કમલ પણ ઘણો ખુશ હતો.
બીજે દિવસે સાંજે એપાર્ટમેન્ટના બે-ત્રણ છોકરાઓ કમલને રમવા માટે બોલાવવા આવ્યા ત્યારે કમલ સહેજ ખચકાયો. કોઈની સાથે રમવાની તેને ટેવ જ નહોતી. પણ કિરણ તેને અંદરના રૂમમાં લઈ ગઈ અને સમજાવ્યો. કમલ રમવા માટે જવા માંડ્યો હતો.
એક દિવસ રમતા રમતા એક છોકરાથી તેને બોલ વાગી ગયો અને તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો. જેનાથી બોલ વાગી ગયો હતો તેને તે બેટથી મારવાનો જ હતો પણ તે જ વખતે પ્રકાશ ઓફિસેથી આવતા તેણે ફટાફટ ગાડીમાંથી ઉતરીને તેનો હાથ પકડી લીધો અને ઝડપથી પકડીને ગાડીમાં બેસાડી દીધો. ગાડી પાર્ક કરી પકડીને, ઉપર લઈ ગયો ત્યારે લિફ્ટમાં સાથે ત્રીજું કોઈ ન હતું. તેથી લિફ્ટમાં જ પ્રકાશે બોલવાનું શરૂ કરી દીધું – તેને બેટ વાગી જાત તો શું થાત? હોસ્પિટલમાં લઈ જવો પડત. બેટ કેટલું ભારે છે, તને ખબર છે ને? અને પાછા બધાં તારી સાથે બોલવાનું અને રમવાનું બંધ કરી દેત. ”ઘરે જતાં જ કિરણને પૂછ્યું કે “દવાઓ બરાબર યાદ કરીને નિયમિત રીતે તે આપે છે કે નહીં, એ પણ પૂછીને કન્ફર્મ કરી લીધું
ડો. રાધિકા પાસે હવે પંદર દિવસના બદલે મહિનામાં એક વાર જતાં. તેની હવે ક્યારે તારીખ છે તે પણ પ્રકાશે ચકાસ્યું અને વિચાર્યું કે આ વખતે થોડા વહેલા જઈને જન્મદિવસની અને આ વાત ભૂલ્યા વગર કહેશે. ડો. રાધિકાની વાત કમલ વધારે સારી રીતે સમજી શકતો હતો.
*****
બે વર્ષ પછી કમલ છઠ્ઠા ધોરણમાં શાળાના પાંચેય સેક્શનમાં પ્રથમ ક્રમાંકે આવ્યો હતો. વાર્ષિક મહોત્સવ વખતે તેને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું. માઈકમાં પ્રથમ નંબરના વિદ્યાર્થી તરીકે કમલનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે કિરણ અને પ્રકાશની ખુશીનો પાર ન રહ્યો. હવે કમલ સાતમામાં આવી ગયો હતો. બાર વર્ષ – ત્રણ મહિનાનો.
સાતમામાં એક નવા વિદ્યાર્થીએ દાખલો લીધો હતો. તેના પપ્પા બદલી થઈને આવેલા તેથી એ એક ( સાહિલ) વર્ગમાં નવો દેખાતો હતો અને એટલા માટે તેનું કોઈ મિત્ર પણ ન હતું. શહેર, ઘર, શાળા, શિક્ષકો બધું જ નવું નવું હતું. ઘરની આજુબાજુ પણ કોઈ દોસ્ત નહોતા થયા. તેથી તે સહજ રીતે વર્તન નહોતો કરી શકતો. કમલ તેને જોયા કરતો હતો.
ત્રણેક દિવસ પછી કમલ તેની પાસે ગયો અને તેને મિત્ર બનાવ્યો.તેઓ સારા દોસ્ત થઈ ગયા. એક દિવસ તે ખૂબ જ શાંત લાગતો હતો ત્યારે કમલે તેને ઉદાસીના કારણ વિષે પૂછ્યું અને સાહિલે કહ્યું કે તેના મમ્મી પપ્પાને તેના કરતા તેનો નાનો ભાઈ સાગર ખૂબ વધારે ગમે છે. તેઓ હંમેશાં એને જ વધારે મહત્વ આપે છે.
કમલે પૂછ્યું કે “તારો નાનો ભાઈ કયા ધોરણમાં છે?” ત્યારે સાગરે જવાબ આપ્યો કે “ત્રીજા ધોરણમાં છે. આજે સવારે સ્કૂલે આવતી વખતે તેના મોજાં મળતા ન હતા તો તેમણે તેને મારા બીજી જોડી મોજા આપી દીધા. મેં કહ્યું કે હું કાલે શું પહેરીશ? તેને મારા મોજા કેમ આપો છો? પણ તેઓ મારા પર જ ગુસ્સે થયા. તેને તો કોઈ દિવસ કોઈ કશું કહે જ નહીં.”
કમલને પોતાની પહેલાની વાતો યાદ આવી. એણે થોડીવાર વિચાર કરીને કહ્યું – “જો, આજે તારા મોજાં ના આપી દેત તો તેને મોડું ના થઈ જાત? મે’મ પણ એને લડત. બધા વિદ્યાર્થીઓ વચ્ચે તેને સાંભળવું પડત. નવી શાળા છે અને એના માટે પણ બધું નવું જ છે ને? બધાં વચ્ચે મોડા પહોંચવામાં અને ઠપકો સાંભળવામાં તેને કેવું લાગત? એના લીધે તને પણ મોડું થાત! મારી વાત બરાબર નીકળે છે કે નહીં! ક્યારેક મોડું થતું હોય અને સમય ઓછો હોય ત્યારે આવું કરવું પડે. આપણે નાના છીએ તેથી આપણે એમને સમજવામાં ભૂલ કરીએ છીએ. આજથી તું તારા મમ્મી પપ્પા તારી માટે કેટલું કરે છે અને કેટલું ધ્યાન રાખે છે એના પર નજર રાખીશ તો ખ્યાલ આવી જશે.”
બીજા દિવસે સાહિલે કહ્યું-” દોસ્ત, તારી વાત સાચી હતી.” અને કમલે તેને હળવું સ્મિત આપ્યું.
એક દિવસ માઈક પર પ્રાર્થના હોલમાં જવા માટે સૂચનાઓ અપાઈ રહી હતી. અલગઅલગ વર્ગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ લાઈનમાં વારાફરતી દાદરથી પ્રાર્થના હોલમાં આવતાં હતાં અને વર્ગ શિક્ષિકાઓ ધ્યાન રાખીને બધાં લાઈનમાં જ આવે એવું ધ્યાન રાખતી હતી.
અચાનક જ કમલ સામેના દાદરેથી ઊતરતી લ્યુસીને અથડાયો. લ્યુસી ખૂબ જ ડરી ગઈ. તેને થયું કે ફરી કમલ તેને ધક્કો મારશે અને ખૂબ વાગશે પણ કમલ જાણે કંઈ બન્યું જ ના હોય તેમ આગળ વધી ગયો. ચોથા ધોરણની વર્ગ શિક્ષિકા પણ ત્યાં જ ઊભી હતી, એ જોતી જ રહી ગઈ!
કમલ હવે ખીલેલો રહેતો હતો અને એને લીધે એની આસપાસ રહેતાં બધાં જ…!
– શ્વેતા તલાટી, વડોદરા
બાળમનની વ્થથાઓનું સુંદર આલેખન. લખાણ ઘણુ લાંબુ થયું.