આમંત્રિત (નવલકથા) ~ પ્રીતિ સેનગુપ્તા ~ પ્રકરણ:5
જૅકિ
ન્યૂયોર્ક શહેરનાં જે અપાર્ટમેન્ટમાં રૂમો સારા હોય, ક્યારેક મોટા કહી શકાય તેવા પણ હોય, ત્યારે પણ રસોડાંમાં બહુ કચાશ કરેલી લાગતી. ઇમારતોના બાંધનારા જાણે એવો સંદેશો ના આપતા હોય કે, કોઈએ ઘરમાં રસોઈ કરવી જ ના જોઈએ!
યુવાન વર્ગ તો સાચે જ ઘરે કશું બનાવતો ના હોય. નીચે ઊતરતાં જ ઘણીયે ખાણીપીણીની જગ્યાઓ આખા રસ્તે મળી જાય – નાનાં કાફેથી માંડીને ફૅન્સી રૅસ્ટૉરાં. રોજ રાતે શહેરના કોઈપણ રસ્તે નીકળો, તો મોડે સુધી લોકો ખાતા બેઠેલા દેખાય. પણ કેટલાંય યુવાનો અને યુવતીઓ, આખો દિવસ કામ કર્યા પછી ઑફિસોમાંથી નીકળીને, અમુક પૉપ્યુલર જગ્યાઓ ઉપર ભેગાં થતાં દેખાય. વધુ તો, બધાં હાથમાં એક-એક ડ્રિન્ક લઈને ઊભેલાં જ હોય.
ક્યારે અને ક્યાં જઈને કશું ખાતાં પણ હશે?, એમ પ્રશ્ન થતો રહે. એ પણ દેખીતું હતું કે આ વર્ગ આવા અલ્પજીવી, ઉપરછલ્લા લાગતા આનંદમાં આવક વેડફતો હશે, અને બચતનું તો કોઈ નામ જ નહીં.
તોયે સચિન ઘણી વાર ગર્વથી કહેતો, “ન્યૂયોર્ક શહેરની તે કાંઈ વાત થાય?” શરૂઆતમાં જૅકિ એની મજાક કરતી, “હા, હા, તું તો જાણે ફ્રાન્સના ‘લુઈ ચૌદમા’ની જેમ અહીંનો રાજા”. પછીથી, આવી રાત્રીચર્યા જ નહીં, પણ ન્યૂયોર્કનાં બીજાં કેટલાંયે પાસાં જોયા અને સમજ્યા. પછી તો એ પણ એવું કહેતી થઈ ગઈ હતી. ત્યારે બંને સાથે ગર્વ કરતાં ન્યૂયોર્ક શહેર માટે!
એટલું સારું હતું કે બહાર જઈને આમ ડ્રિન્ક લેવાની કે ખાધું-ના ખાધું કરવાની એ બંનેની રોજની ટેવ ન હતી. ઉપરાંત, જૅકિના અપાર્ટમેન્ટમાં રસોડું સરસ હતું. બહુ જ મોટું ન હતું, તોયે મૉડર્ન સાધનો અને સ્ટાઈલિશ ગોઠવણીને લીધે એનો વપરાશ કરવો સહેલો હતો.
કોઈ શનિવારે, ખાસ તો જો વરસાદ કે બરફ જેવું હોય ત્યારે, બહાર જવાને બદલે, જૅકિ પોતે જ ડિનર બનાવતી. ક્યારેક ફ્રેન્ચ કે ઇટાલિયન, ને ક્યારેક ઇન્ડિયન.
પોન્ડિચેરીમાં રહેતાં, ઘેર રસોઈ કરવા આવતાં બહેનની પાસેથી, બહુ શોખથી એ કેટલીક ઇન્ડિયન વાનગીઓ શીખી ગઈ હતી. એની મા પણ નવાઈ પામતી, કે નાનપણમાં આવો શોખ જૅકિને ક્યાંથી લાગ્યો! હવે ન્યૂયોર્કમાં એને એ બધું સચિનને માટે બનાવવાનો ચાન્સ મળ્યો હતો. અલબત્ત, એના બનાવેલા ઇન્ડિયન ખાવાનાનો સ્વાદ રહેતો એનો પોતાનો મૌલિક જ!
આજના આ શનિવારને માટે એમ વાત થયેલી કે સચિન આવે પછી નીચે રિવરસાઇડ પાર્કમાં થોડું ચાલીશું. જૅકિને એ પાર્ક-પરિસર બહુ ગમતો. ટ્રાફિકથી બિઝી રહેતા મોટા રસ્તા પરથી, પચીસેક પગથિયાં લઈને નીચે ઊતર્યા પછી, પાર્કના પહોળા, મુખ્ય પથની બંને બાજુએ સળંગ ખૂબ જૂનાં, ઊંચાં અને ઘટાદાર વૃક્ષ હતાં. આ દેખાવ હંમેશાં જૅકિને પૅરિસ શહેરમાંના કુદરતી પરિસરોની યાદ અપાવતો.
ઉપરાંત, અહીં એક તરફ શહેરને સંતાડી દેતી પ્રચુર વનસ્પતિ હતી, ને બીજી તરફ હતી ઍટલાન્ટિકની દિશામાં વહેતી હડસન જેવી નદી.
આ પાર્કમાં જો ક્યારેક ભીડ થતી હોય તો તે ઉનાળાના શનિ-રવિના દિવસોમાં. અનેક કુટુંબો ત્યાં પિકનિક કરવા, લીલા ઘાસ પર સૂતાં સૂતાં તડકો માણવા, અને કેટલાક યુવાનો દ્વારા અંગત ઉત્સાહથી શરૂ કરી દેવાયેલું સંગીત સાંભળવા પહોંચી જાય.
આજે શનિવાર તો હતો, પણ તે પાનખર ઋતુનો. હવામાં હવે સહેજ ઠંડક રહેતી હતી, ને તડકો પણ નરમ થઈ ગયો હતો. આજે આ વિશાળ ચલનપથ શાંત, અને ખાલી હોવાનો.
થોડે આગળ ગયા પછી પગથિયાં લઈને ફરી પાછાં મોટા રસ્તા પર આવી જવાય. પછી નજીકના બ્રૉડવે અથવા કોલમ્બસ એવન્યૂ કહેવાતા મોટા માર્ગો પર તો ઘણી રૅસ્ટૉરાં હતી. શનિવારે સાંજે જમનારાંની ભીડ બધે જ હોય, પણ સાતેક વાગ્યે પહોંચી જઈએ તો ટેબલ મળતાં બહુ વાર ના લાગે, એવો જૅકિનો ખ્યાલ હતો.
સાંજને માટે વિચાર કરતાં કરતાં જૅકિ શું પહેરવું તે પણ વિચારતી હતી. ઋતુ પ્રમાણે રંગ પહેરવા એને ગમતા. ભપકો જરા પણ નહીં, સાદું જ પહેરે, પણ સ્ટાઇલ એવી કળાત્મક કે એ શોભી જ ઊઠે.
સચિને જૅકિને, એણે આપેલી પાર્ટીમાં, પહેલીવાર જોઈ ત્યારે જ એને લાગ્યું હતું કે આ છોકરી બહુ ગ્રેસફુલ છે. એ દિવસે જૅકિએ આછા બદામી રંગનું ફ્રોક પહેર્યું હતું. લગભગ એ જ રંગનાં બુટ્ટી અને કંઠી હાથીદાંતનાં હશે, એમ સચિને ધાર્યું હતું. જૅકિની ત્વચા પણ જાણે એવા જ રંગની હતી – બદામના દૂધ જેવી, સચિનને સૂઝ્યું હતું. સાથે જ એમાં ચમકાટ હતો. સચિનને તો જૅકિને સ્પર્શ કર્યા વગર એની ત્વચામાં ઉષ્મા પણ લાગેલી.
એના વાળ સઘન અને લાંબા હતા. તે ય અસાધારણ રંગના હતા. ઘેરા બ્રાઉન. તાકીને તો ના જોવાય, પણ સચિનને ખ્યાલ તો આવેલો જ કે જૅકિની આંખોનો રંગ પણ વાળની જેમ ઘેરો બ્રાઉન હતો. અંગ્રેજીમાં જે ‘બ્રુનેટ’ કહેવાય તેવી આ બ્યુટિ હતી.
સારું છે કે ઘણી અમેરિકન છોકરીઓની જેમ જૅકિના વાળ પીળાશ પડતા, કે આપણને ઊપટી ગયેલો લાગે તેવા રંગના ‘બ્લૉન્ડ’ ન હતા. આપોઆપ સચિનને આવો વિચાર આવી ગયેલો. ખલિલની નજર એના પર ગયેલી, એણે પૂછેલું, “દેખાવડી છે, નહીં? સ્વભાવ પણ એવો જ સરસ છે.”
પાર્ટીમાંથી સચિન અને ખલિલ સાથે જ નીકળેલા. જૅકિને થૅન્ક્સ કહેલ, પણ ફોન નંબરની આપ-લે થઈ ન હતી. સચિને મનમાં થોડો પસ્તાવો કર્યા કરેલો. બનવાજોગે થોડા જ દિવસ પછી એક નાની સ્પૅનિશ કાફેના બહાર મૂકેલા ટેબલ પર એકલો બેસીને સચિન ઑફીસનું કામ કરતો કરતો કૉફી પીતો હતો. ત્યાં કોઈએ પાસે આવીને એને ‘હલો’ કહ્યું. એણે ઊંચું જોયું તો એ જૅકિ હતી. વાહ, એક જ વાર મળ્યાં હતાં, ને એ ઓળખી ગઈ? પણ સચિનને બહુ ગમ્યું કે એ ઓળખી ગઈ હતી. તરત એણે જૅકિને પોતાની સાથે બેસીને કંઇક જમવાનું આમંત્રણ આપ્યું.
“મેં હમણાં જ સૅન્ડવિચ ખાધી, પણ તારી સાથે કૉફી લઈ શકું,” જૅકિએ કહ્યું.
બંનેના અપાર્ટમેન્ટ શહેરના વૅસ્ટ સાઇડ એરિયામાં થોડે થોડે અંતરે જ હતા. સચિનના અપાર્ટમેન્ટમાંથી નદી દેખાતી ન હતી, પણ એ હતો શાંત અને સરસ રહેવાસી પરિસરમાં.
બંને સંમત થયાં કે આ એરિયામાં રહેવામાં જ મઝા હતી, ને શહેરનો આ સૌથી વધારે આકર્ષક એરિયા હતો. વાતવાતમાં જૅકિએ રિવરસાઇડ પાર્કનો ઉલ્લેખ કરેલો. સચિને કહેલું કે એ ત્યાં કદી ગયો જ નથી.
એ રીતે ફરી મળવાનું નિમિત્ત ઊભું થયેલું.
આમ લાગે, કે કેવી સહજ રીતે; પણ મળવાની ઈચ્છા બંનેને હતી, તે સ્પષ્ટ હતું. અને એ કાફેમાંથી છૂટાં પડતાં પહેલાં બંનેએ ફોન નંબરની આપ-લે કરી લીધેલી.
અધીરો ના લાગે એમ, પાંચેક દિવસ પછી સચિને જૅકિને ફોન કરેલો. ને ત્યારે મળવા માટે રાહ જોઈ ન હતી, તરત જ મળવાનું નક્કી કરેલું. “પહેલાં અપાર્ટમેન્ટ પર આવજે, સાથે એકાદ ડ્રિંક લઈશું, પછી નીચે રિવરસાઇડ પાર્કમાં જઈશું”, જૅકિએ સૂચવેલું.
ફૂલનો ગુચ્છ લઈને સચિને બેલ મારતી વખતે બારણા પર ‘જ્ઝૅક્લિન’ નામ જોયું. આ કોણ છે? ખોટા અપાર્ટમેન્ટ પર આવી ગયો? સચિન વધારે મુંઝાય તે પહેલાં બારણું ખુલ્યું, ને એ ખોલનાર જૅકિ જ હતી.
“ઓહો, ફરી કશું પણ લાવવાની જરૂર નહતી.”
“ ફરી એટલે?”
“ કેમ, એ પાર્ટીમાં તું ને ખલિલ આવ્યા ત્યારે ખલિલ વાઇનની બૉટલ લાવેલો, અને તું ફૂલ લાવેલો કે નહીં? ભૂલી ગયો? એ સાંજે આકાશ વાદળિયું હતું, એટલે તું લાવ્યો હતો એ જાંબલી જેવાં ઑર્કિડ ફૂલ યોગ્ય હતાં. પણ આજના દિવસને માટે આ આછા કેસરી અને મરૂન મિનિ-કાર્નેશન એકદમ યોગ્ય છે. જો, બાલ્કનિમાંથી બહાર જો. ઝાડનાં પાંદડાં આ જ રંગોનાં થઈ ગયાં છેને?”
જૅકિના વ્યક્તિત્વની વિશેષતાઓ સ્વાભાવિક રીતે જ છતી થવા માંડી હતી. ને હજી તો જૅકિનાં જીવન, કુટુંબ, કૅરિયર વિષે સચિનને કશી જાણ પણ થઈ ન હતી. એણે બારણા પર લખેલા નામ વિષે પૂછ્યું, એમાંથી જાણવાની થોડી શરૂઆત થઈ.
જેમ મળતાં ગયાં તેમ જૅકિ વધારે વાત કરતી ગઈ. સીધું જ હતું એનું જીવન, અને મા-બાપ સાથેની નિકટતાવાળું હતું. સચિનને લાગતું હતું, કે કેવી નસીબદાર હતી જૅકિ.
પોતાને વિષે એ ખાસ કશું હજી કહેવા માંડ્યો ન હતો. એને પોતાના કુટુંબ વિષે વિચારવું પણ હંમેશાં અઘરું લાગતું હતું. એણે નોંધ્યું હતું, કે જૅકિ એને કશું પૂછતી ન હતી. જાણે એ સમજી શકતી હતી, કે નહીં કહેવાનું પણ કોઈ કારણ હશે, અને જ્યારે ઠીક લાગશે ત્યારે સચિન વધારે વાત કરશે. એના સ્વભાવમાંનું ઊંડાણ સચિનથી છૂપું રહ્યું ન હતું. એ સમજ્યો હતો, કે વિશિષ્ટ તો હતી જ આ છોકરી.
જૅકિને મળ્યા પછી થોડા મહિનાઓમાં જ સચિન એના પાપાને ફરીથી પોતાના જીવનમાં પામવા નસીબદાર થયો હતો. એ પછીથી જૅકિને મળવા માટે સચિનની પાસે સાવ ઓછો સમય રહેતો. એની કંપની ખૂબ ગમતી હતી, પણ પાપાને માટે મનમાં નક્કી કરેલા સમયમાં સચિન જરા પણ ઘટાડો કરવા માગતો ન હતો. હજી હમણાં તો નહીં જ. પાપાને ઘરમાં મૂકીને ક્યાંય બહાર જવા માટે એણે ફક્ત શનિવારની સાંજ રાખેલી, ને તે પણ દર અઠવાડિયે શક્ય ના પણ બનતું.
વળી, જૅકિ સાથેના પરિચયની કોઈ વ્યાખ્યા હજી બંધાઈ નહતી. કહેવું જ હોય તો, બંને વચ્ચે ‘સાધારણ ઓળખાણ’ થઈ હતી, એમ કહી શકાય. પરસ્પર માટે બંને કોઈ રીતે બંધાયેલાં ન હતાં. જૅકિ બીજા મિત્રો કરવા મુક્ત હતી, એ સચિન સમજતો હતો, પણ એ વિચારથી એ મનમાં પીડાતો પણ હતો.
આ જ શું જૅકિ માટેના પ્રેમની શરૂઆત હશે? પણ એ પ્રશ્નનો જવાબ શોધવા માટે એને પોતાની અંદર હજી ઊતરવું ન હતું.
સચિનના સંદર્ભમાં એ પ્રશ્ન જૅકિને પણ થતો, પણ એના જવાબનું ઈંગિત સચિન તરફથી હજી ક્યારેય મળ્યું ન હતું.
મળ્યાને એક-સવા વર્ષ થયા પછીના એ શનિવારે પાનખર ઋતુ પૂરી થવામાં હતી. પાંદડાં સૂકાઈને ખરવા માંડેલાં, ને હજી ઝાડ પર રહ્યાં હતાં તેમનો રંગ પણ હવે ઘેરો થવા માંડેલો. એમની સાથેના રંગ-મેળમાં, જૅકિએ કથ્થાઈ રંગનું સ્કર્ટ અને બ્લાઉઝ પસંદ કર્યાં. કાનમાં અને ગળામાં તારામંડળ નંગનાં ઘરેણાં પહેર્યાં. પર્સ અને સૅન્ડલ પણ મૅચિંગમાં હતાં. સચિનને આવકારવા એ પૂરેપૂરી તૈયાર હતી.
રિવાજ એવો હતો કે સાંજના સાડા પાંચેક સુધીમાં સચિન આવી જતો. હજી તો પાંચ પણ વાગ્યા ન હતા, એટલે એ અધીરી બની ન હતી. બહારનું દૃશ્ય માણવા એ બાલ્કનીમાં ગઈ, ને ત્યાં જ અંદર એનો ફોન વાગ્યો. “બોલ, સચિન, શું કહે છે?”, એણે સ્વાભાવિક રીતે પૂછ્યું.
સચિન જરાક અચકાતો લાગ્યો. એની વાત સાંભળ્યા પછી, એવી જ સ્વાભાવિકતાથી જૅકિએ ‘ચાલ તો, આવજે’ કહ્યું.
ફોન મૂક્યા પછી થોડી પળો માટે એ જરા ઝંખવાઈ ગઈ, પણ કૈંક વિચાર્યા પછી સૅન્ડલ કાઢ્યાં, પર્સ બૅડરૂમમાં મૂકી આવી અને પોતાની સી.ડી. ની થપ્પી જોવા માંડી.
‘હા, પર્ફેક્ટ. કશો વાંધો નથી. હું થોડી વાર વાઈન લઈને બાલ્કનીમાં બેસીને સાંજની સુંદરતા માણીશ, અને પછી મારી ફૅવરિટ અને ફૅબ્યુલસ જોસેફિન બેકરને સાંભળીશ’, જૅકિએ મનમાં જરા પણ ઓછું આવવા દીધા વગર, પોતાને માટે સાંજનો પ્રોગ્રામ બનાવી દીધો હતો.
એણે વાઈનની એક બૉટલ હાથમાં લીધી, ને એને ખોલવા જતી હતી ત્યાં જ ફરી ફોન વાગ્યો. સચિનનો પ્રોગ્રામ બદલાયો લાગે છે, કહેતાં એણે ફોન ઉપાડ્યો.
લાઈન પર ઉત્સાહથી એની ફ્રેન્ડ કૅમિલ એકસામટું બોલતી હતી, “જૅકિ, હમણાં ને હમણાં તું અહીં આવી જા. હા, છેલ્લી ઘડીએ તને કહું છું, પણ કેમ, તે પૂછવા ના રહે. તરત નીકળી જ આવ. તું ફ્રી છેને? વન્ડરફુલ. આપણે બધાં સાથે જમીશું.”
“ વાત શું છે, એ તો કહે, કૅમિલ. બધાં એટલે કોણ?”
હવે કૅમિલનો હસબંડ રૉલ્ફ લાઈન પર આવ્યો. એ જૅકિનો કલીગ હતો. વાત એમ હતી કે રૉલ્ફનો કઝીન ફ્રાન્સથી ન્યૂયોર્ક ફરવા આવેલો. આજે એ બધાંને સરસ કંઇક બનાવીને ઘેર જ જમવું હતું.
રૉલ્ફ કહે, “જો, જૅકિ, કઝીન પૉલ રિયલ ફ્રેન્ચ વાઈન લેતો આવ્યો છે. સાથે આપણી ફૅવરિટ અને ફૅબ્યુલસ જોસેફિન બેકરને સાંભળીશું. પૉલ તો અમેરિકન ખાવાનાંથી અને અમેરિકન સંગીતથી આટલાંમાં જ કંટાળી ગયો છે! તું જલદી આવી જા.”
અરે, આ કેવો યોગાનુયોગ! એ ઘેર બેસીને બહુ શોખથી જે સાંભળવાની હતી તે જ રૉલ્ફ અને કૅમિલ સાંભળવા માગતાં હતાં. એને હસવું આવી ગયું – ખરેખર, ફ્રેન્ચ લોકોને બધું ફ્રેન્ચ જ કેવું સૌથી ઉત્તમ લાગતું હોય છે! અને અમેરિકાની હળવી મજાક કરવામાં એમને ઘણી મઝા આવતી હતી, પણ એ લોકો ભૂલી ગયેલાં, કે જોસેફિન બેકર હતી તો એક અમેરિકન. ઓગણીસ વર્ષની ઉંમરે એ ફ્રાન્સ ગયેલી, ને ત્યાં જ પરણીને પછીથી ફ્રેન્ચ નાગરિક બનેલી. જોકે ફ્રાન્સમાં જ એ ખૂબ મશહૂર જાઝ સિન્ગર અને ડાન્સર પણ બની, એ ય સાચું. એથી જ એ ફ્રેન્ચ જ ગણાઈ જતી હશે.
વીસેક મિનિટમાં જૅકિ મિત્રો સાથે હતી. જોસેફિનને સાંભળતાં સાંભળતાં એણે કહ્યું, “ખબર છે ને, કે જોસેફિન એમ કહેતી કે એનાં બે પ્રેમ-સ્થાનો છે – પોતાનો દેશ અમેરિકા અને પૅરિસ. હું જરાક ફેરફાર કરીને કહી શકું, કે મારાં બે પ્રિય શહેર છે – પૅરિસ અને ન્યૂયોર્ક.”
(ક્રમશ:)