હજી ઓકટોબરફેસ્ટમાં જ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:37 ~ ઉત્કર્ષ મઝુમદાર
અમારો બીયર ખતમ થઇ ગયો હતો બીજો બીયર અહીં જ પીવાનો કોઈ અર્થ ન હતો. અમે તો અહીંનો અનુભવ માણવા આવ્યા હતા એટલે બીજા ટેન્ટમાં નસીબ અજમાવવા નીકળ્યા. પણ જતા જતા અહીંના ટેન્ટની અંદરનું વાતાવરણ જોવા અંદર જવા ગયા ત્યાં દરવાજા પર ઉભેલ દરવાને નિશ્ચિન્તના હાથમાં રહેલ પાણીની બોટલ જોતા એવું મોઢું બગાડ્યું ને ધુતકારી કાઢ્યા… પાણીની બોટલ જોઈને આવી પ્રતિક્રિયા આવે એ પહેલીવાર જોયું.
ખેર, બીજા ટેન્ટમાં જતા પહેલા મને આખા બટાટાની કાતરીનો એક સ્ટોલ દેખાયો ને મારુ મન લલચાયું. નસીબ પાધરું તે નિશ્ચિન્તે ના ન પાડી. જુદા પ્રકારની એ સ્વાદિષ્ટ ચીજ ખાતા ખાતા અમે બીજા ટેન્ટમાં દાખલ થયા.
અંદર ફરતા ફરતા અમને બેસવાની જગા તો ન મળી પણ તેઓએ નાના ઊંચા ટેબલ્સ રાખ્યા હતા ત્યાં તમે ઊભા ઊભા બીયર પી શકો. અમે ત્યાં ગોઠવાઈ ગયા ને બીયરનો ઓર્ડર આપ્યો. આ વખતે ઓર્ડર લેનારી યુવતી હતી.
અહીં વધારે મજા આવી કારણ કે અંદરનું વાતાવરણ એકદમ જુદું હતું. લાઈવ બેન્ડ પોતાની સુરાવલી વહાવી રહ્યું હતું. ચહલપહલ હતી. લોકોના ઠહાકા હવામાં ગુંજી રહ્યા હતા. સેલ્સગર્લ વિવિધ વસ્તુઓ વેચવા ચક્કર લગાવતી હતી. વાતાવરણ વધારે આનંદી લાગતું હતું.
અચાનક અમે જોયું કે એક યુવાન બેન્ચ પર ઊભો થઇ ગયો હતો ને આખો મગ એકીશ્વાસે ગટગટાવી જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ને એની ટોળકીના લોકો એને પ્રોત્સાહિત કરી રહ્યા હતાં. એ સફળ થયો ને જબરદસ્ત ચિચિયારીથી આખો ટેન્ટ ગાજી ઉઠ્યો. માત્ર એની ટોળકીવાળા જ નહિ બીજા બઘા પણ એને બિરદાવવા તાળીઓ પાડી રહ્યા હતા.
અમે જોયું કે આવા પ્રયત્નો થોડા થોડા વખતે જુદી જુદી જગ્યાએથી થઇ રહ્યા હતા. માત્ર પુરુષો જ નહિ. યુવતીઓ પણ આ કરવા જોડાઈ રહી હતી.
એમાંની એક બે સફળ પણ થઇ. બધા સફળ નહોતા થતા કારણ એક લિટર બીયર એકી શ્વાસે ગટગટાવી જવો એ કંઈ આસાન કામ ન હતું. અસફળ થનાર વ્યક્તિઓને પણ તાળીઓ મળતી એમના પ્રયત્ન માટે.
મેં ટોઇલેટનું ચક્કર પણ માર્યું ને ટેન્ટમાં અંદર બધે આંટો પણ માર્યો. બીયરના મગ જ્યાં ભરાતા હતા એ કાઉન્ટર પણ જોઈ આવ્યો. શું ફટાફટ મગ ભરાતા હતા! કહે છે કે અનુભવી ભરનારો દોઢ સેકેન્ડમાં આખો મગ ભરી દેતો હોય છે.
વેઇટરોની આવનજાવન સતત ચાલુ જ હતી. એક બાજુ પીધેલા મગ ધોવા માટે જતા હતા તો બીજી બાજુ નવા મગ ભરાતા જતા હતા! મઝા પડી ગઈ બધું જોવાની. એક વાત કહી દઉં કે આખા જર્મનીમાં હાર્ડ લીકરનું એટલું ચલણ નથી જેટલું બીયર અને વાઈનનું છે. ભોજનમાં વાઈન તો હોય જ.
બીજો માસ એટલે કે લિટરનો બીયર ખતમ કરીને અમે બહાર નીકળ્યા. મેળામાં આંટો માર્યો ને પછી ત્રીજા ટેન્ટમાં ઘુસ્યા. અહીંયા અમારા નસીબે છેવટે સાથ દીધો ને અમને બેસવાની જગા મળી ગઈ કારણ કે આ બધી રિઝર્વડ જગા હતી.
તો અમે કેવી રીતે ત્યાં બેસી શક્યા? કારણ કે રિઝર્વેશન કલાક પછી શરુ થતું હતું એટલે જે ટોળકી આવવાની હોય તે માત્ર કલાક માટે શું કામ બેસે એટલે એ જગા ખાલી હતી. અમને કલાકથી વધારે સમય લાગવાનો ન હતો. બેઠા એટલે એટલું સારું લાગ્યું કે વાત ન પૂછો.
આગલા ટેન્ટમાં કલાક ઊભા રહીને થાકી ગયા હતા. આ પણ નઝારો સરસ હતો. લાઈવ બેન્ડ વાગી રહ્યું હતું. અમે આસપાસનું વાતાવરણ ઝીલી રહ્યા હતા. અહીં અમે ફ્રેન્ચ ફ્રાઈસ મંગાવ્યા. બીયર ને એવું આચરકુચર ખાઈને જ પેટ ભરાઈ ગયુ હતું. આખરે ત્રીજો મગ પણ પૂરો થયો ને અમે બહાર નીકળ્યા.
હવે ચોથા ટેન્ટમાં જવાનું? હોય કંઈ? હવે વધારે બીયર પીવાના હોશ ન હતા. અમારે પીને કઈ ઊલટી નહોતી કરવી કે નહોતું લથડિયાં ખાતા ખાતા ચાલવું. બધાના ઉપહાસનું કેન્દ્ર થોડું બનવું’તું?
હવે ઓક્ટોબરફેસ્ટને અલવિદા કહેવાનો સમય આવી ગયો હતો. સમય બચશે તો સાંજની રોનક જોવા પછી આવશું એવું વિચારી અમે ત્યાંથી હેવરસેક લઈને નીકળ્યા.
સંભવ છે ફરી વાર નહિ આવી શકાય એ વિચારથી હું થોડો નાસીપાસ થઇ ગયોઃ પણ મ્યુનિકમાં એટલું બધું ત્રણ દિવસમાં જોવાનું હતું જે રહી જાય ને બીયર હૉલ તો બીજે આવવાના જ હતા ને.
એક બીજું જાણવા જેવું જેની અમને પાછળથી ખબર પડી તે એ કે સન ૨૦૧૦માં ઓક્તોબર્ફેસ્તને બસ્સો વર્ષ પુરા થયા તો સ્વાભાવિક છે એની યાદમાં કંઈ કરવું પડે. તો આયોજકોએ મેદાનના દક્ષિણ છેડે ઐતિહાસિક ઓક્ટોબરફેસ્ટનું આયોજન કર્યું ને જૂની પરંપરા જીવિત કરી.

બીયરના બે નાના ટેન્ટ પણ ઊભા કર્યા જેથી મુખ્ય તંબુઓમાં જગા ન મળે તો તમે અહી આવી શકો. જેને અદ્ભુત પ્રતિસાદ મળ્યો તેથી આને કાયમી બનાવવામાં આવ્યું. આને ‘ઓલ્ડ ઓકટોબરફેસ્ટ’ નામ આપવામાં આવ્યું. અલબત્ત અહીં દાખલ થવાની ફી રખાઈ ૪ યુરોઝ જેથી ‘રાઇડ્સ’ તમે ૧.૫૦ યુરોઝમાં માણી શકો.
અમારે ઉતારે પાછા ફરતા રસ્તામાં અમે બે ચાર જણને ઊલટીઓ કરતા જોયા તેમ છતાં કહેવા દો કે આટઆટલા માણસો હતા પણ સ્ત્રીઓની છેડતીના એકે બનાવ અમે જોયા નહિ. એને માટે તંત્ર ને લોકોને સલામ કરવી ઘટે. અણછાજતી એકે ઘટના કે મારામારી કે ગાળાગાળીના પણ કોઈ બનાવ નહિ. ક્યા બાત હૈ મ્યુનિક!

સેંકડો લોકોને અમે ફેસ્ટના ગ્રાઉન્ડ તરફ જતા જોયા. એમાં આબાલવૃદ્ધ, સ્ત્રી પુરુષ બધા હતા ને ઘણા પારંપારિક પહેરવેશમાં આનંદથી વાતો કરતા જઈ રહ્યા હતા. કોઈ એકલદોકલ વ્યક્તિ દેખાઈ જ નહિ.
અમારા એપાર્ટમેન્ટ પર પહોંચતા અમને કલાક થયો કારણ કે અમે આરામથી ચાલેલા. કશે પહોંચવાની ઉતાવળ ન હતી. બધા એટલા થાકી ગયા હતા કે વાત ન પૂછો એટલે ડિનર માટે બહાર જવાની તો કોઈ સંભાવના જ ન હતી છતાંય હું ને કેપ્ટન ગલીને નાકે આવેલી એક સારી રેસ્ટોરંટમાં જગાનું પૂછવા નીકળ્યા.
એ તો ચોકા બ્લોક ફૂલ હતી ને કહેવામાં આવ્યું કે બીજા દોઢેક કલાક સુધી પત્તો ખાય એમ નથી. એટલે બાજુમાં આવેલી એક બીજી રેસ્ટોરંટમાં ગયા તો ત્યાં તો માત્ર ટેક અવે જ અપાતું હતું. અમે પીઝાનો ઓર્ડર આપ્યો ને પાર્સલ લઇ એપાર્ટમેન્ટ પર આવ્યા ને ખાઈ ને સીધા ઘોંટી ગયા કે વહેલી પડજો સવાર.
બીજા દિવસની તાજગીભરી સવાર પડી. અમે રાબેતા મુજબ વહેલા ઊઠી ગયા હતા. નાસ્તોપાણી કરીને તૈયાર થઈને ગાડી લઈને નીકળી પડ્યા આજના જોવાલાયક એક સ્થળે જવા. એ જગાનું નામ હતું બવેરિયન મોટર વર્કસ.
તમે વિચારશો આવી નામ સાંભળ્યું ન હોય એવી જગ્યાએ શું કામ જવું હશે પણ તમને એમ કહીએ કે અમે બીએમડબ્લ્યુની મુલાકાતે જવાના છીએ તો પણ બત્તી ના થઇ? તો ફોડ પાડીને કહી દઉં કે અમે મ્યૂનિકમાં આવેલી જગવિખ્યાત કાર બનાવતી બીએમડબલ્યુ ફેક્ટરીની મુલાકાતે જઈ રહ્યા છીએ તો તો વાઉ એવો ઉદ્દગાર નીકળશે ને.?
અમારી કાર દોડી રહી હતી મ્યુનિક શહેરના મખમલી રસ્તા ઉપર ને અમારે જવાનું હતું ઓલમ્પિક પાર્ક નજીક આવેલ ‘બીએમડબલ્યુ વેલ્ટ‘ એટલે કે બીએમડબલ્યુ વર્લ્ડ તરફ.
કોઈ કહેશે હવે પૈસા ખરચીને ત્યાં શું જોવા જવાનું? વાત તો ખરી, પહેલા હું પણ એ જ મતનો હતો કારણ કે આપણા રામને કારમાં મુદ્દલે રસ નહિ. કોઈ મોંઘામાં મોંઘી કારથી પણ પ્રભાવિત થયો ન હતો. રાખવી પડે અને ચલાવવી પડે એટલે ચલાવી પણ પછી ડ્રાઈવર રાખી લીધો હતો.
આની મુલાકાત લેવાની ઝાઝી ઈચ્છા ન હતી પણ અમારા લીડરની તીવ્ર ઈચ્છા હતી એટલે મેં હા ભણેલી. પણ આ મુલાકાત પછી મારુ મંતવ્ય બદલાઈ જવાનું હતું એ નક્કી.
(ક્રમશ:)