પ્રકરણ: ૯ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી
પ્રેમલની ઇચ્છા અત્યારે જ જમીનના દલાલને મળી લેવાની હતી. એ ઉપરાંત વકીલની સલાહ પણ લેવી હતી. દલાલને મળ્યો, પણ એના કારકુને જરૂરી કાગળ બતાવ્યા. લાવણ્યને એથી સંતોષ થયો. દત્તાવેજ કરવા માટે વકીલને મળવા જતાં પહેલાં, આ કાર્યવાહી માટે જરૂરી માહિતી મેળવવા માગતો હોય એમ પ્રેમલ બોલ્યો:
‘તમે હમણાં ભગવાનનો ઉલ્લેખ કરેલો. પેલા જીપવાળા સાથેની વાતમાં. શું સાચે જ તમે ભગવાનમાં માનો છો?’
‘માણસમાં માનવા માટે ભગવાનનો આધાર લેવાથી સુવિધા રહે છે. પેલું સૂત્ર જાણો છો ને?
“વૉટ યુ આર ઈઝ ગોડ્સ ગીફટ ટુ યુ! વૉટ યુ મેઈક ઑફ યોર સેલ્ફ ઈઝ યોર ગીફટ ટુ ગોડ.” તમે જે કંઈ છો એ તમને મળેલો ઈશ્વરીય ઉપહાર છે. તમે સાધેલો માનવીય વિકાસ એ તમે ઈશ્વરને ધરેલો અર્ધ્ય છે. જોકે મને “ઈશ્વર” અને “ભગવાન” કરતાં “પરમાત્મા” શબ્દ વધુ અર્થ સમર્પક લાગે છે.’
‘અર્થ સમર્પક એટલે?’ — પ્રેમલે જિજ્ઞાસાથી પૂછ્યું.
‘સટલ! જેમાં અર્થની સૂક્ષ્મતા વ્યક્ત થાય.’
‘સમજ્યો. પણ ઈશ્વર કે પરમાત્મા વિશે હું કશું સમજતો નથી. તમે સમજાવી શકો તો મારે એનું ચિત્ર દોરવું છે.’
‘એ સમજણનો નહીં, અનુભવનો વિષય છે. તમે સૃષ્ટિનું કોઈપણ ચિત્ર દોરીને એમાં પરમાત્માને પ્રત્યક્ષ કરી શકો.’
‘આ તો રસ પડે એવી વાત છે. આજે રોકાવાનાં છો?’ — પ્રેમલે સિગારેટ સળગાવી.
‘કેવો રફ માણસ છે! પૂછે છે: રોકાવાનાં છો? બીજો કોઈ હોય તો આગ્રહ કરે. કહે: તમારે કામ તો હશે જ પણ મને આશા છે કે આજનો દિવસ રોકાશો. અને મને આભારી કરશો!’ — વનલતા બોલી.
‘એમ ચીપી ચીપીને બોલતાં મને ન ફાવે, કદાચ લાવણ્યને પણ ન ગમે. હું આવું છું. તમે રિક્ષામાં ઘેર પહોંચી જાઓ. હું આવું એ પહેલાં બધાંને મારી સાથે સંમત કરી દો.’
પ્રેમલથી છૂટાં પડ્યાં પછી લાવણ્યને યાદ આવ્યું. લલિતાએ સાડી મંગાવી છે. નોકરી મળી છે ને!
સાડીની પસંદગી દરમિયાન બહેનપણીઓને જમીન અંગે તટસ્થ ચર્ચાવિચારણાની તક મળી, જે ઘેર પહોંચ્યા પછી પણ ચાલુ રહી. લાવણ્ય સ્પષ્ટ હતી: કોઈ કાનૂની ગૂંચ ન હોય તો જમીન ખરીદવામાં વાંધો શો છે? પેલાં ઉંદરિયાની વાત નહિ કરીએ તો આપણું વર્ણન સાંભળીને અંકલ સંમત થઈ જશે.
‘એ બધી જવાબદારી હવે તારા માથે. હું કંઈ નહીં બોલું. પ્રેમલના હિતમાં તને યોગ્ય લાગે તેમ કરજે.’
‘પ્રેમલના હિતમાં કે તટસ્થપણે? આમાં વ્યક્તિગત હિત-અહિતનો પ્રશ્ન ક્યાંથી આવ્યો? એક ચિત્રકાર પોતાની બચતમાંથી આ પ્રકારની જમીન ખરીદે અને ત્યાં સ્ટુડિયો બનાવે એના ઔચિત્ય વિશે હું અભિપ્રાય આપીશ. બાકી, કેટલાંક લોકો તો એરકંડિશન્ડ બેડરૂમમાં પણ ડરે છે અને ખરાબ સપનાં ન આવે એ માટે પણ દવાની ગોળીઓ લે છે.’
‘તો તો સારાં સપનાં માટે પણ ગોળીઓ મળતી હશે!’
‘તમારી કલ્પના ઉત્તેજિત થાય એ માટે પણ ગોળીઓ મળે છે. એ અંગે પ્રેમલ વધુ જાણે છે.’
‘એ અંગે પપ્પા-મમ્મી આગળ વાત ન કરતી.’
‘હું જૂઠું તો નથી બોલતી પણ મૌન પાળી શકું છું.’
‘અહીં મૌન પાળ્યે નહીં ચાલે. તારે પ્રેમલના નિર્ણયનો બચાવ કરવો પડશે.’
‘બચાવ? હું તટસ્થ અભિપ્રાય આપી શકું, જો તમારા જેવાં આત્મીયજનોને એની જરૂર લાગતી હોય તો પણ બચાવ શા માટે? અને એ પણ પ્રેમલની કક્ષાના રાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા ચિત્રકારના નિર્ણયનો બચાવ?
વનલતા, મને નવાઈ લાગે છે. પુખ્ત થયેલા અને પોતાના પગ પર ઊભેલા સંતાનને પણ માબાપ સ્વતંત્ર પણે નિર્ણય લેતાં કેમ રોકતાં હશે? ઊલટાનું રાજી થવું જોઈએ. પશ્ચિમમાં અને આપણામાં આ જ ફેર છે. સામાન્ય ભારતીયની તો વાત જ જવા દો. આપણો શિક્ષિત સમાજ પણ માન્યતા પ્રમાણે જીવતો નથી.’
‘એ બધી ડાહી ડાહી વાતો જવા દે. એ અંગે ક્યારેક લેખ લખજે. આજે પ્રેમલનો પ્રશ્ન ઉકેલતી જા. અમે ઠરાવ્યું છે કે આ બાબતે તારો અભિપ્રાય છેવટનો ગણવો.’
‘કેમ? હું કંઈ ત્યાં જઈને ચિત્રો બનાવવા બેસવાની નથી. કામ પ્રેમલે કરવાનું છે, તેથી એણે જ એના ભવિષ્યનો આલેખ તૈયાર કરવાનો છે.’
‘એના ભવિષ્યમાં તને સહેજે રસ નથી?’ — વનલતાએ અવાજમાં મૃદુતા લાવતાં કહ્યું.
‘તું શું કહેવા માગે છે, વનલતા?’
‘તને પ્રેમલ માટે સૉફટ કૉર્નર નથી?’
‘મને એની ચિત્રકળા માટે, ચિત્રકાર તરીકેની પ્રતિભા માટે સૉફટ કૉર્નર છે.’
‘એ ખરું પણ પ્રેમલમાં તને —’
‘આ પ્રશ્ન તું તારી મેળે પૂછે છે કે બીજા કોઈની સલાહથી?’
‘કહીશ ક્યારેક, તું તારે જવાબ આપ ને!’
‘જવાબ આપવાને બદલે હું અહીં આવવાનું ઓછું કરી દઈશ. હું અહીં આવું છું માત્ર તને મળવા. કોઈની સાથે વ્યક્તિગત સંબંધ વિકસાવવાની લાલચથી નથી આવતી.’
‘તો પછી પ્રેમલના પ્રદર્શનના ઉદ્ઘાટન પછી રાત્રે તું પાર્ટીમાં કેમ ગઈ હતી? બીજે દિવસ સવારે મને જે સંદેશો આપતી ગઈ હતી —’
લાવણ્ય લમણે હાથ દઈને બેસી રહી:
‘એમાં તને મારો સ્વાર્થ દેખાયો? મૂરખ! પ્રેમલ તારો ભાઈ નથી? હું તારા ભાઈનું હિત ન ઈચ્છું? અને એક પ્રતિભાશાળી કલાકારનું ભલું ન ઈચ્છું? વ્યક્તિગત સ્વાર્થ હોય તો જ હું બીજામાં રસ લઉં એવી છું?’
‘તું ઉદાર છે, માનવતાવાદી છે એ બધુંય ખરું. પણ એટલું કહે કે પેલી પાર્ટીમાં પ્રેમલ ન હોત તો તું ગઈ હોત ખરી?’
‘એમાં જવાની મારી ફરજ હતી. જે ઉદ્ઘાટન-સમારંભનું મેં સંચાલન કર્યું હતું એની પૂર્ણાહૂતિ એ પાર્ટી સાથે થતી હતી.’
‘એ ખરું પણ જો કોઈ અંગત મિત્ર સાથે ન હોય તો પાર્ટીમાં અજાણ્યા પુરુષોની બીક ન લાગે?’
‘એકાદ વાર એવી પાર્ટીમાં જઈને ખાતરી કરી જો.’
‘ના યાર, હું તો સીધી મારા લગ્નની પાર્ટીમાં જ જઈશ. ત્યાં સુધી અજાણ્યા લોકોની આંખે ચઢવું જ નથી. સપનાંની પણ જાહેર સમીક્ષા નથી કરવી. સગાઈ થાય ત્યાં સુધી પરદાનશીન રહેવું છે. સાંભળ્યું છે કે અમેરિકાથી જે મુરતિયા અહીં કન્યા શોધવા આવે છે એ વધુ રૂઢિચુસ્ત હોય છે.’
લાવણ્ય મલકાઈ. જમુનાબેન નાસ્તાનું પૂછવા આવ્યાં.
‘હવે સીધું જમવાનું જ રાખીએ તો?’
‘ના લાવણ્ય, મને તો કકળીને ભૂખ લાગી છે. કોણ જાણે પપ્પા ને પ્રેમલ ક્યારે આવશે? મમ્મી શીરો બનાવ!’
જમુનાબેન રસોડામાં ગયાં. થોડી વારમાં જ શેકાતા શીરાની સુગંધ ધસી આવી.
‘લગ્ન પહેલાં જ જાડી થઈ જશે આવું ખાઈ ખાઈને!’
‘કેમ તું ડાયેટિંગ કરે છે? લગ્ન સુધી તું આવી નમણી ને નાજુક રહેવા માગે છે?’
‘લગ્ન? હમણાં લગ્ન વિશે વિચાર આવે છે જ કોને?’
‘કોને તે મને!’ – કહેતાં વનલતા લાવણ્યની નજીક સરકી અને એને બાથમાં લઈ એના ગળા પાસે ભીના હોઠ મૂક્યા એની હડપચી પકડીને બોલી:
‘મને યોગ્ય મુરતિયો નહીં મળે તો પછી હું તારી સાથે મૈત્રીકરાર કરી લઈશ.’
‘મૈત્રી અને કરાર એ બે શબ્દ પરસ્પર વિરોધી છે. એનો સમાસ થઈ ન શકે. મારી વાત સમજાય છે?’
ત્યાં જમુનાબેન નાસ્તો લઈ આવ્યાં. થોડી વારમાં મધુકરભાઈ પણ વકીલને ત્યાંથી આવી પહોંચ્યા. એ એમના આવકવેરાના કામે ગયા હતા. ટેકસ-પ્લાનિંગના પ્રશ્નો વિશે ચર્ચા કરવા લાગ્યા. જમુનાબેન કે વનલતા કોઈને એમાં રસ ન પડ્યો. લાવણ્ય તટસ્થ ભાવે સાંભળતી રહી.
છાપામાં આવેલો એક સચિત્ર લેખ જોઈને વનલતા વચ્ચે પૂછી બેઠી:
‘પપ્પા, તમે અમૃતસરનું સુવર્ણમંદિર તો નહોતા જોઈ શક્યા ને?’
અશાંત પરિસ્થિતિને કારણે મધુકરભાઈ અને જમુનાબેન ચંદીગઢથી જ પાછાં વળી ગયેલાં. પણ લાવણ્ય શાળામાં ભણતી હતી ત્યારે જઈ આવી છે. યાદ આવ્યું એ બધું કહી બતાવ્યું. બાકીનું છાપાવાળો ફોટોગ્રાફ સામે રાખીને સમજાવ્યું. એ સાંભળીને મધુકરભાઈ રાજી થયા. થોડીવાર રહીને પ્રશ્ન કર્યો:
‘તમને લાગે છે બધું શમી જશે?’
‘રાજકીય ઉકેલ શોધવો પડશે. – પોલીટિકલ સોલ્યુશન. માત્ર પોલીસ એકશનથી જ ઉકેલ આવવાનો હોત તો વહેલો આવી ગયો હોત. બ્લ્યુસ્ટાર ઑપરેશન સફળ થયું લાગતું નથી. ઈન્દિરાજીની હત્યા થઈ તે દિવસ હું ઊકળી ઊઠી હતી. આજે લાગે છે કે એ શહાદત પણ ફળદાયી નીવડી નથી.’
— લાવણ્યનો જવાબ મધુકરભાઈ કે જમનાબેનને ગમ્યો નહીં. એમની એવી તીવ્ર ઇચ્છા હતી કે આ ક્ષણે જ પંજાબનો પ્રશ્ન ઊકલી જાય અને આતંકવાદીઓ શરણે આવીને રાષ્ટ્રધર્મ સ્વીકારી લે.
‘જેટલો આપણે સ્વીકારીએ છીએ એટલો જ કે વધારે? શું આપણે સો ટકા રાષ્ટ્રીય છીએ ખરાં? આપે અગાઉ ટાઈમ્સમાં એક ચર્ચાપત્ર લખેલું. મેં વાંચેલું. ગુજરાતને અને ગુજરાતીઓને થઈ રહેલા અન્યાય વિશે આપે એમાં ઘણી ફરિયાદો કરેલી.’
‘એમ કરવાનું તાત્કાલિક કારણ હું જાણું છું. બાપુજી આશા લઈને બેઠા હતા કે આ વરસે પ્રેમલને જરૂર રાષ્ટ્રીય પુરસ્કાર મળશે. એમ ન થયું અને બાપુજીએ માની લીધું કે ગુજરાતીઓને ફરી એક વાર અન્યાય થયો છે. એની સામે લડત આપવી જોઈએ.’ વનલતા જરાય શેહશરમ રાખ્યા વિના બોલી ગઈ.
‘પ્રેમલનો પ્રત્યાઘાત શો હતો?’
‘કોને ખબર? બને ત્યાં સુધી એ બાપુજી સાથે વિવાદમાં ઊતરતો નથી. ઘેર હોય છે જ ક્યારે કે ઊતરે? આ તો વળી હમણાં હમણાંથી જમીનના પ્રશ્ને એમની વચ્ચે બેત્રણ વાર લાંબી વાતચીત થઈ. બાકી તો પ્રેમલને મન ઘર એટલે લૉજિંગ ઍન્ડ બૉર્ડિંગ!’
જમુનાબેને દીકરી સામે આંખો કાઢી. આવડી મોટી થઈને સગા ભાઈની છાપ બગાડે છે? મૂરખી! — વગર કહ્યે ઘણું બધું સૂચવાઈ ગયું.
બરાબર એ જ ક્ષણે પ્રેમલનું આગમન થયું. એથી પણ વનલતા ખોટી સાબિત થઈ. જમુનાબેને મોટે ઉપાડે દીકરા પ્રત્યે વાત્સલ્ય દાખવવા માંડ્યું. એ જોઈ પ્રેમલ સમજી ગયો કે મમ્મી લાવણ્યના હૃદયમાં મારા માટે સદ્ભાવ જગાવવા મથી રહ્યાં છે! પરંતુ એ જાણતાં નથી કે અતિશયોક્તિથી લાવણ્ય અકળાઈ ઊઠશે. ચિત્રના રંગની ઝાંય જરાક પણ વધી ગઈ હોય તો એનું ધ્યાન ખેંચાયા વિના રહેતું નથી. તો અહીં —
જમનાબેન રસોડામાં ગયાં. વનલતા એમને મદદ કરવા નહીં પણ અહીં બેસી રહીને કંટાળી હતી તેથી અંદર ગઈ. મધુકરભાઈએ અનુકૂળ જવાબની અપેક્ષા સાથે જમીન અંગે પૂછ્યું. પ્રેમલ વિજેતાની અદાથી બોલ્યો:
‘વકીલ કહે છે કે દસ્તાવેજ થઈ શકે તેમ છે. જૂની-નવી શરતોનો પ્રશ્ન હવે રહેતો નથી કેમ કે અગાઉ ખરીદનારે જ એને એન. એ. કરાવેલી છે. તેથી ત્યાં સ્ટુડિયો બંધાવવાની કાર્યવાહી પણ જલદી શરૂ થઈ શકશે.’
‘તને સ્ટુડિયોની કેમ આટલી બધી ઉતાવળ છે? પહેલાં જીવનમાં ઠરીઠામ થવાનું કેમ વિચારતો નથી?’
‘તમે ઠરીઠામ થવાનો જે અર્થ કરો છો એ હું સમજું છું. કદાચ એમાં સુખ હશે પણ આનંદ હશે જ એની ખાતરી નથી. હું કેનવાસ પર કામ કરતો હોઉં છું ત્યારે તમને ઠરીઠામ થયેલો નથી લાગતો? સર્જનપ્રક્રિયાથી વધુ જકડી રાખનારું બીજું કોઈ બંધન હશે ખરું?’
‘હવે પ્રક્રિયા-બક્રિયાની વાત છોડીને પેલી જમીનમાં મૂડી રોકાણ કરવા અંગે —’ વનલતા પાછી વચ્ચે આવીને ઊભી રહી હતી.
‘જો લતા, મારે માટે આ મૂડીરોકાણ કરવાનો નહીં, શ્વાસ લેવાનો પ્રશ્ન છે. મને એ જગા ગમી ગઈ છે. હું એનો બંધાણી બની ગયો છું. સાચું કહેજે તને —’
વનલતાએ જવાબ આપવાને બદલે લાવણ્ય સામે જોયું: ‘આમ શું નીચું જોઈને બેસી રહી છે? બોલી નાખ ને!’
‘મારી પાસે પૈસા હોય તો હું પણ એવી જગા ખરીદીને ત્યાં ઢીંગલીઓ બનાવવાનું કારખાનું શરૂ કરું.’
‘તું મને ઢીંગલી કહે છે? જાતે કમાય છે અને નારીમુક્તિ અંગે થોડીક દલીલો કરી જાણે છે તેથી —’
‘નારીમુક્તિ તો ખરી જ પણ ફક્ત નારીમુક્તિ નહીં, માનવ-મુક્તિ, સહન કરનાર મનુષ્યના છેડેથી – સમજાય છે હું શું કહું છું તે?’
‘વધુ સમજવાનું તને અભિમાન છે. પણ યાદ રાખજે આ વનલતા શું કહેતી હતી. છેવટે તો સમાજ આપણી બંનેની સરખી માવજત કરશે. પણ તને મારી આ વાત અત્યારે નહીં સમજાય. કેમકે તને પ્રતીકોમાં રસ છે, મૂળ વસ્તુઓમાં નહીં.’
‘હવે પછી લફારો કરજો, પહેલાં જમી લો.’ — જમુનાબેન કંટાળ્યાં હતાં છતાં એમના અવાજમાં કડવાશ નહોતી, કાળજી લેવાનો હક હતો.
ભોજનના ટેબલ પર સમાધાન થયું. લાવણ્યે પેલા જીપવાળા કરમશીનો અભિપ્રાય જણાવ્યો અને કહ્યું કે પ્રેમલ ઈચ્છે છે એવી મોકળાશ અને શાંતિ ત્યાં ક્યાં સુધી રહેશે એ એક પ્રશ્ન છે. આપ જાણતા જ હશો. છેલ્લી સદીમાં લંડનની વસ્તી કેમ ઘટી? શહેરની ગીચ વસ્તી અને પ્રદૂષણથી કંટાળેલા લોકો દૂર રહેવા નીકળી ગયા.
મધુકરભાઈ સંમત થયા. અસલામતિનો જે ભય હતો એ લાવણ્યની વાતોથી નાબૂદ થઈ ગયો. બીજે પક્ષે પ્રેમલ પણ ઉતાવળ ન કરવા સંમત થયો. મધુકરભાઈના આવકવેરાના વકીલને મળવામાં પણ એમને વાંધો નહોતો.
પોતાના અભિપ્રાયની અસર જોઈને લાવણ્યને આનંદ થયો, આશ્ચર્ય પણ. મધુકરભાઈના સખત વાંધા અંગેનો વનલતાનો ભય ખોટો હતો? જમ્યા પછી એના ખંડમાં આરામ કરતાં લાવણ્યે કહ્યું: ‘અતિ સ્નેહ: પાપશંકી.’ તારા પપ્પાને પ્રેમલ માટે વધુ પડતી લાગણી છે. એમાંથી આ ચિંતા જાગતી હશે.
વનલતાએ જરા માંડીને વાત કરી. પ્રેમલ અને પોતે નાનાં હતાં ત્યારથી એ આ ચિંતા કરતા આવ્યા છે. પ્રેમલ શું થશે? વનલતાને કેવું ઘર મળશે? કેવો વર મળશે? પ્રેમલ કોઈ વાર પરીક્ષામાં બેપાંચ ટકા વધારે લાવે તો એ એને માટે ખાસ ભેટ લઈ આવતા જ્યારે મને ચોકલેટ કે બહુ બહુ તો આઈસ્ક્રીમ.
પહેલાં એમની ઇચ્છા હતી કે પ્રેમલ મોટો અધિકારી બને, આઈ. એસ. એસ. અધિકારી. પણ પિતાજીની સરકારી નોકરી પ્રેમલે જોઈ હતી. એણે ગ્રેજ્યુએટ થતાં પહેલાં જ નકકી કર્યુ હતું કે પાનબીડીનો ગલ્લો ચલાવીશ પણ સરકારી નોકરી તો નહીં જ કરું.
એ ડિસ્ટિકશન સાથે ગ્રેજ્યુએટ થયો હતો. પિતાજી એને એમ. બી. એ. થવા સંમત કરી શક્યા હતા. એડમિશન મુશ્કેલ હોય છે પણ પ્રેમલનું નામ પહેલા દશમાં હતું. એને એટલાથી જ સંતોષ થયો અને એણે ચિત્રકાર સિવાય બીજું કશું જ નહીં થવાનો નિર્ણય કરી લીધો. એથી પપ્પાને ઊંડો આઘાત લાગ્યો હતો. પણ ધીરે ધીરે ઠપકો આપવાનું બંધ કરીને પ્રેમલની સર્જકતા વખાણવા લાગ્યા.
જેમને ત્યાં શિક્ષિત અને સુંદર કન્યાઓ હતી એમની સમક્ષ ઉત્સાહી કલા-સમીક્ષકની હેસિયતથી પપ્પા પ્રેમલનાં ચિત્રોની ખૂબીઓ વર્ણવતા. પણ એની ઊલટી અસર પડતી.
બેએક વર્ષ પ્રેમલ આ ખેલ જોતો રહ્યો. કદાચ ત્યારે એને વાંધો ન હતો. સામાજિક રીતે લગ્નનું ગોઠવાઈ ગયું હોત તો એ ઘેર આવવા-જવામાં નિયમિત થઈ ગયો હોત. એકબે બાળકો થઈ ગયાં હોત ને પપ્પા-મમ્મીને નિવૃત્તિની પ્રવૃત્તિ મળી ગઈ હોત. વડીલોને મૂડી કરતાં વ્યાજ વહાલું હોય છે.
ખેર, કોણ જાણે ક્યાંથી પેલી શ્રીમંત વિધવા ભટકાઈ – અંજના શર્મા! લાવણ્ય, તું ભલે પ્રેમલને પરણે નહીં પણ એ અપ્સરાની આંખો અને પાંખોમાંથી તો મારા ભાઈને છોડાવી આપ. જરૂર લાગે તો અભિનય કરીને પણ —
‘અંજના શર્મા એક વિદુષી સન્નારી છે. એ સંપત્તિનો દુરુપયોગ નથી કરતી. કલાઓને પ્રોત્સાહન આપે છે. એ પ્રેમલના શોનું ઉદ્ઘાટન કરે એમાં કશું ખોટું નથી. શક્ય છે કે એના રસ અને મારી રુચિમાં કશું અતર ન હોય.’
‘ઉંમરનું અંતર મહત્ત્વનું નથી?’ — વનલતાને ખાતરી થઈ ચૂકી હતી કે પપ્પા-મમ્મીને લાવણ્યમાં બરાબર રસ પડ્યો છે. પહેલાં એમને જ્ઞાતિનો આગ્રહ હતો. લાવણ્યને કશુંય નહીં પૂછે. પણ લાવણ્ય હજી દીપકે આપેલા આઘાતમાંથી બહાર આવી લાગતી નથી.
કરવું શું? સંપર્ક વધે એવી યુક્તિઓ! હા, બરાબર, સિંઘસાહેબને ત્યાં હું શા માટે સાથે જાઉં? પ્રેમલને જ કહું. મૂકી આવશે. એ હજી ઘરમાંથી નીકળી ગયો નથી એ પણ એક શુભ ચિહ્ન છે.
‘પ્રેમલ! તું નીકળતો હોય તો લાવણ્યને સિંઘસાહેબને ત્યાં મૂકતો જશે?’
‘ખુશીથી. પણ જો પેલો વિશ્વનાથ મારા સ્કૂટર પાછળ એને જોઈ ગયો તો પીછો કર્યા વિના રહેશે નહીં.’
બધાં હસી પડ્યાં. એ વિશ્વનાથને જ નહીં એનાં માતા-પિતાને પણ જાણતાં હતાં. ઘરમાં કન્યા વસાવવાની એમની અભિલાષા વિશે એમના સ્વમુખે સાંભળી ચૂક્યાં હતાં.
પણ બિચારો વિશ્વનાથ! લાવણ્ય કે વનલતા – બેમાંથી એકેયને એનામાં હજી રસ પડ્યો નથી.
(ક્રમશ:)