વસંતોત્સવ ~ ભૌતિક સાવલિયા

હવે તો હેમંતનો (ઋતુ) હોંકારો પણ ન હતો . વાતાવરણમાંની ખુશ્બુ પોતે ઓઢેલા શિશિરઋતુના કપડાં માંથી પણ ધીમે – ધીમે બહાર આવી રહી હતી. પક્ષીઓ પોતાના સુંદર મજાનાં માળાઓ માંથી સુંદર મજાનાં આકાશના વાદળોમાં વિહરવા નીકળી પડ્યા હતા. પેલા ખાખરાના છોડ પણ જાણે બાળપણનો ઉંબરો ઓળંગીને ઉત્સાહિત જુવાનીના કેસરિયા દિવસો ગાળવા તૈયાર થઈ ચૂક્યા હતા. પોતાના ખીલવાની મોસમમાં એક નવા જ પ્રકારનો રંગમાં સ્નાન કરવા જાણે કે તત્પર હતા.

ખાખરાના ઝાડની સામે જ ગુલાબનો છોડ હતો. દર વરસે, મોસમ પ્રમાણે એમાં ગુલાબ આવતાં, કરમાતાં અને ખરી જતાં. આજે પણ, કાયમની જેમ આકાશ તરફ, ઉર્ધ્વગામી એક ડાળી પર ગુલાબી ગુલાબે એની પાંખડીઓની આંખો ખોલી. પવનનો એક ઝોંકો આવ્યો અને ડાળી હલી તો એમ લાગ્યું કે અધખુલેલી પાંખડીઓ કંઈક શોધી રહી છે. અને પવન થંભી જતાં એમ લાગ્યું કે ગુલાબે નજર ઝૂકાવી દીધી છે! ઝૂકેલી એ નજર જોતાં એમ લાગે કે ગુલાબ અધખુલી આંખે દીવાસ્વપ્ન જોઈને મ્હાલી રહ્યું છે!

એ સપનામાં કદાચ,  એક સમયે, એક સુંદર ગુલાબી હાથ ગુલાબને પણ લજ્જા આવે એટલી કોમળતાથી એ ગુલાબને સ્પર્શી રહ્યો હતો એની વાતને તો યાદ નહીં કરતું હોયને?  જાણે કે એ ગુલાબ આજે પેલા હાથના સ્પર્શથી જ રતાશ પકડતું હોય એવું અદ્ભુત, નયનરમય દ્રશ્ય હતું. ગુલાબ એ કોમળ હાથોના સ્પર્શ કરનારની આંખોમાં કઇંક વાંચતું હોય એવી રીતે ધ્યાનથી પોતાની ડોક ઊંચી કરીને, એને સ્પર્શનારની આંખો સામે જુએ છે . પણ આ ચાહતને અધૂરી જ રહેવા દેવી હોય, જાણે આ પ્રીતથી પોતાને જલન થતી હોય એમ સુરજનો તડકો બંનેની વચ્ચે આવે છે. ગુલાબની આંખો અંજાય જાય છે અને ન જોઈ શકાતું હોવા છતાં ગુસ્સાભરી, તડકાથી લાલ બનેલા ગુલાબી રંગની નજરે સુરજ સામે જુએ છે.  પણ એ લાલ રંગમાં પહેલા જેવી, શરમ અને પ્રેમના સંયોજનથી શોભતી, એક સુંદરીના ગાલોની રતાશ હવે નહોતી. એ મુગ્ધ સુંદરી સાથે ગુલાબને અપાર પ્રેમ હતો. એ નવયૌવના હતી શિવાંગી. શિવાંગી રોજ આવતી અને ગુલાબ સાથે અટખેલીઓ કરતી ત્યારે ગુલાબનો ચહેરો હસુ, હસુ થઈ જતો ..!. શિવાંગીની મુગ્ધતામાં મોહકતા ઠસોઠસ ભરી હતી એનું સાક્ષી દર મોસમમાં ઊગતું આ ગુલાબ હતું. આજે પણ એ અબોલ ફૂલ, શિવાંગીની વાતો યાદ કરીને હિજરાતું હોય બાગમાં, એવું  લાગતું હતું. 

‘અહા … એ પણ શું દિવસો હતા..!’ એવી યાદોમાં ગુલાબ લહેરાતું હતું..! ફરી ક્યારે એ દિવસો આવશે..એની આરતમાં એકલું-અટૂલું પડી ગયેલું ગુલાબ, વધુ એકલવાયું લાગતું હતું.  
****
“ઑ શિવાંગી, ત્યાં શું ઊભી છે? અહિયાં આવ.” પાછળથી હલકો એવો અવાજ આવ્યો.

“એ આવી…!” શિવાંગીએ પ્રત્યુતર વાળ્યો.

શિવાંગી જેવી પેલા પુષ્પ પરથી ધ્યાન હટાવી પાછળ ફરી કે પોતે પહેરેલા ચાંદની જેવા સફેદ કપડાં એકા-એક પચરંગી બની ગયા. આ કોઈ ચમત્કાર ન હતો. આ તો ધૂળેટીનો તહેવાર હતો. હોલી હૈ ભઈ હોલી હૈ…..બુરા ન માનો હોલી હૈ ….ના નાદ સાથે એક ટોળકી શિવાંગી પર રંગોનો વરસાદ કરવા ત્રાટકી.

હોળીના એ રંગોથી બચવા શિવાંગીએ વ્યર્થ પ્રયત્નો કર્યા . પણ એ પ્રયત્નો જ્યારે કર્યા , ત્યારે હવામાં માથું ફેરવતા વસંતઋતુની માફક એના છૂટા વાળ આમ-તેમ ફાંગોળાયા એ કઈ એક અલગ વસંતથી ઓછું તો ન જ હતું.

એ ટોળકીએ રંગ લગાવ્યા બાદ શિવાંગીએ પણ બધાને રંગ લગાવ્યો અને બધાં હસી મજાક સાથે હોળી રમવા લાગ્યા.
એટલામાં બધાંની નજર ચૂકવી, શિવાંગીના પગ બીજી દિશા તરફ ઉપડે છે. રંગોની થાળી માથી થોડો રંગ લઈને આગળ જાય છે. થોડે દૂર વૃક્ષ પાસે સફેદ કુર્તામાં ઉભેલા એક વ્યક્તિને પાછળથી જ બંને ગાલો પર શિવાંગી રંગ લગાવે છે. રંગ લગાવતા સમયે એના ચહેરાની મુસ્કાન પણ ગુલાબના ફૂલોના બગીચાથી ઓછી રંગીન ન હતી.

Hey sweet heart. Happy Holi …..My dear …..

Shivangi said: Thanks my jan….

એ હતો અનંત.

શિવાંગી : “ક્યાં આટલા બધા વિચારોમાં ખોવાય ગ્યાં છો તમે?”

અનંત : “ક્યાંય નહી. જોને, આપણાં જૂના દિવસો યાદ કરતોતો. આજ થી 2 વર્ષ પહેલાં, આ જ દિવસે આપણે બંને મળ્યાં હતાં ને આજે બંને સાથે છીએ. જીવન કઈ પળે રંગ બદલે છે, એની કોઈ આગાહી કરી શકતું નથી! આ કુદરતમાં વેરાયેલા અનેક રંગો સમી કેવી રંગીન રચના છે આ જીવન!”

શિવાંગી : “હા,અનંત એ પહેલી મુલાકાત પછી આપણને એક કરવામાં કુદરતનો ઘણો બધો હાથ છે.”

એટલી વાત પછી અનંતે શિવાંગીને એની વધુ નજીક બોલાવી અને પોતાની બંને બાહોથી બનાવેલ ઘર માં શમાવી લીધી.

 બે વર્ષ પહેલા આજના દિવસે જ શિવાંગી અને અનંતની પહેલી મુલાકાત થઈ હતી. અનંત એક શ્રીમંત ઘરનો છોકરો હતો. પણ સંસ્કારોથી સર્વગુણ સંપન્ન. શિવાંગી પણ એક સારા સંસ્કારી ઘરની પણ પરિસ્થિતીમાં મધ્યમ વર્ગની છોકરી હતી. પણ એના પપ્પાની ઈચ્છા શિવાંગીને ખૂબ ભણાવવાની હતી. શિવાંગી માસ્ટર સુધી ભણી. આગળ ભણવા માટે પપ્પાની પરવાનગી તો હતી જ. P. hd. માટે કાનપુર જવું પડ્યું. ત્રણ વર્ષ કાનપુરમાં અભ્યાસ કર્યો. કાનપુરથી પોતાનો Ph.d. નો અભયાસ પૂર્ણ કરી પોતાના વતન પાછી આવી.

એક ફૅમિલી ફંકશનમાં શિવાંગીને જવાનું થયેલું. આમ તો શિવાંગી પહેલાથી જ અભ્યાસ માટે બહાર હોવાથી કોઈને ખાસ ઓળખતી નહોતી . એટલે જ એનાં પપ્પાએ કહ્યું કે પ્રસંગે બહાર જશે તો બધાંને ઓળખતી થશે..

જે ફંકશનમાં શિવાંગી જવાની હતી એ ફંકશનના મુખ્ય અતિથિ કહીએ તો પણ ખોટું ન કહેવાય એ અનંત અને એનો પરિવાર હતો.

બસ, એ ફંકશનમાં જ અનંતના “અનંત” તાર શિવાંગીની પાંખ સાથે જોડાઈ ગયા.

શિવાંગી અને અનંત બંને સોફ્ટડ્રિંક સ્ટોલ પાસે મળ્યાં હતાં. અમુક ઘટનાઓ ક્યારે ઘટે એનો સમય અને સ્થળ જાણે પહેલેથી જ નક્કી હોય, એમ જ આ બંનેની મુલાકાત પણ થઈ હતી. અને બસ, ત્યાંથી પ્રણયની શરૂઆત થઈ. થોડા સમય સુધી તો બેઉએ ઘરનાં લોકોને કશું કહ્યું નહીં. બંને પોતાના તરફથી તૈયાર હોય ત્યારે જ પરિવારના સદસ્યોને કહેવાનું નક્કી જે કર્યું હતું.

એક દિવસ બન્નેએ પોતપોતાના પરિવારના સભ્યોને એમનાં પરિચય અને પ્રણયની વાત કરી. જોકે આ દરમિયાન શિવાંગીના લગ્નની વાત બીજે ચાલતી જ હતી. છતાં પણ અનંતને
નાપસંદ કરવાનું કોઈ સચોટ કારણ ન હોવાથી અને શિવાંગીની ઈચ્છા હોવાથી બન્નેનાં લગ્ન નક્કી થઈ ગયાં. શિવાંગી કહેતી કે આ દરમિયાન પરિસ્થિતિને પાર પાડવામાં ભગવાને એમની ખૂબ મદદ કરેલી.

અનંત એક IT કંપનીમાં બેંગલુરુ જોબ કરતો હતો.. એટલે લગ્ન નક્કી થયાં પછી પોતે પોતાની જોબ માટે પાછો બેંગલુરુ જતો રહ્યો.

લગ્નની તારીખ આવી. લગ્ન થઈ ગયા. આ દરમિયાન શિવાંગી અનંતના ઘરનાં નાનાં-મોટાં લોકો બધાં સાથે હળીમળી ગઈ.

લગ્ન થયા પછી, પોતપોતાનાં કામના લીધે, એકાદ વર્ષ સુધી તેઓ હનીમુન પર જઈ ન શક્યાં. આ સમય દરમિયાન, સમય મળતાં, શિવાંગી બાગમાં ગુલાબના  જાણે ખાસ મળવા જતી હોય એમ જરુર જતી અને એનાં મનગમતાં એ ગુલાબના છોડ સાથે વાતો કરતી અને ગુલાબ ખીલ્યું હોય તો એને છોડ પર જ ચૂમી લેતી. શિવાંગીના આ સ્પર્શથી ગુલાબની પાંખડીઓ હસતી હોય એમ ઝૂમી ઊઠતી!

વરસેક પછી, બંનેએ હનીમુન પર મનાલી જવાનું નક્કી કર્યું.  ત્યાંના આહ્લાદક, હિમઆચ્છાદિત પહાડો, અને એની નીરવ શાંતિમાં, બેઉના મન અને શરીરમાં  પ્રેમના રંગીન ખળભળાટનો મહાસાગર ઉછળતો હતો. અને ઉપર નજર કરો તો બરફથી ઢંકાયેલા પર્વતો સફેદ રંગનો  દરબાર સજાવી, સ્થિતપ્રજ્ઞ મહારાજ સમા બેઠાં હતાં. નિસર્ગનાં નજારાનો જલસો બેઉએ મનભરીને ત્યાં માણ્યો. બંનેએ સમયની સંગીન રંગીનીઓમાં પોતાની જાતને ઓગાળી દીધી હતી.

તે દિવસે, શિવાંગીના ખોળામાં માથું મૂકીને સૂતેલા અનંતની નજર આકાશ તરફ હતી. એ કઇંક અલગ લાગણીના દરિયામાં તરતો હોય એવો ભાસ એને થઈ રહ્યો હતો. એનું જીવન સંપૂર્ણ બની ગયું હતું અને સુખનો સાગર એના મનમાં હિલોળે ચડ્યો હોય એવી સંતૃપ્તિ એના મુખ પર હતી. શિવાંગી અનંતના માથામાં હાથ ફેરવતી હતી અને અનંતને એ શીતળ વાતવરણમાં  હૂંફનો અહેસાસ કરાવ્યો. બેઉ એકમેકમાં એવાં ભળી ગયા હતાં,  જાણે કે બધાં જ રંગો ભેગાં થઈને, શ્વેતતાના સમંદરમાં એકાકાર થઈ જતાં હોય!  ખૂબ સરસ એ દિવસો હતાં. કોઈ એકાદ દિવસ, અનંતથી ભવિષ્યની થોડી પણ ચિંતા થઈ જાય તો શિવાંગી અનંતને અગાધ પ્રેમના સાગરમાં ગળાડૂબ ડૂબાડી દેતી. તો ક્યારેક અનંતને ઈશ્વર પર અગાધ વિશ્વાસ રાખવા કહેતી. શિવાંગીના શબ્દો, એનો પ્રેમ, અનંત માટે સંજીવનીનું કામ કરતાં અને એ ફરી  સ્વસ્થ થઈ જતો.

પોતાનો મનાલી પ્રવાસ પૂર્ણ કરી બંને ત્યાંથી ઘેર આવવા નીકળ્યાં. કારમાં પણ શિવાંગી અનંતના ખભા પર માથું ઢાળીને બેઠી હતી. બેઉ એકમેકમાં ઓતપ્રોત થઈને વાતચીત કરતાં શાંતિથી જતાં  હતાં કે એટલામાં ધુમ્મસના કારણે સામેથી બેકાબૂ થઈ આવતી ટ્રક અનંત જોઈ શક્યો નહીં. વિધાતાની કરામત સામે કોઈ કઈ કરી શક્યું નહીં. શિવાંગી અને અનંત, બ્રહ્માંડનાં અનંત પ્રવાસમાં લીન થઈ ગયા.
*****
આ વાતને આજે ત્રણ વર્ષ થઈ ચૂક્યા છે. શિવાંગી આ બાગમાં આવી નથી. એ ગુલાબ, મોસમ આવતાં ખીલે તો છે, પણ એ હવે હસતું નથી.  એને જોઈને એવું લાગે કે આ એકલું અટુલું ગુલાબ, વસંત સાથે વેર બાંધીને બેઠું છે!  વસંત આવે છે, દર વર્ષે, અને ઈચ્છા ન હોવા છતાંયે, કુદરતને આધીન થઈને ગુલાબને પરાણે ખીલવું પડે છે, દર વર્ષે! અને કરમાઈને ખરી જવું પડે છે, દર વર્ષે! ખરી જાય છે ત્યારે  એની પાંખડીઓ પર એક, “હાશ, છૂટ્યાં!” એવું દેખાય છે! શિવાંગી ક્યારે પાછી ફરશે, એની રાહ જોતાં, ગુલાબનો ખીલવાનો અને ખરી જવાનો કાળક્રમ સતત ચાલ્યા કરે છે!  જેટલીવાર એ ફરી ઊગે છે, ત્યારે એમ જ થાય કે એ શિવાંગીના સ્પર્શની રાહ જુએ છે!  શિવાંગીની રાહ જોતાંજોતાં આજે પણ એનું નિઃશબ્દ હ્રદય એ સ્પર્શની મધુરપને વગોળ્યા કરે છે. આ રાહ અનંત સુધી વિસ્તરેલી છે એવું એને કુદરત ક્યારે સમજાવશે?

(@ કલ્પવૃત : સૃષ્ટિ અકલ્પનીય છે. આપણે ધારેલું બધું થઈ શકતું નથી. એનો મતલબ એમ નથી કે પછીની જિંદગી માં કશું નથી . કુદરતે બનાવેલી કોઈ વસ્તુ કે પરિસ્થિતિ ક્યારેય ખોટી કે વ્યર્થ હોતી નથી. એની પાછળનું કારણ જાણવામાં વ્યર્થ પ્રયત્નો કરવા કરતાં આગળ આપેલી જિંદગીનો મર્મ સમજી એને પ્રસાદ સમજી જીવનને સાર્થક કરવું એટલું જ માનવીના હાથમાં છે.)

@ Bhautik B. Savaliya

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.