|

માતૃદિન નિમિત્તે – થોડાં શેર

‘મા’ મને ‘ટી પોઝિટિવ’ આવે જ ને!
ચાહ ને ચા બેય તારાથી મળે.

બાળકો જો”ભૂખ ઓછી છે,” કહે,
તે પછી ‘મા’ રોટલી મો….ટી વણે.

એટલે ચોખ્ખી ક્ષમા તારી હશે!
આંસુથી ધોયા પછી આપે મને.

આંસુ એના એટલે રાત્રે નીકળે,
સૌ જુએ એ પાછું ‘મા’ને ક્યાં ગમે!

વાત ઘરનાં ખર્ચની પપ્પા કરે,
જાતને ‘મા’ હાંસિયે જો રાખશે.

કોઈને આપ્યાં વગર ‘મા’ખાય છે?
તોય ‘ગમ’ એ એકલી ખાતી મળે.

“દીકરા સોગંદ છે મારા,”કહે,
વાત ‘માની’ દીકરો માની જશે.

શ્રેષ્ઠ આઈ.સી.યુ માનો ગર્ભ છે,
ક્યાંય બીજે આ વ્યવસ્થા ના મળે.
~ રક્ષા શાહ

આસમાની રંગના સપના મઢાવી બાંધતી,
આંખમાં વાવી બતાવે જિંદગીના બાગ તું.

હોય અવતારી ભલે પણ મા વગર અવતાર ના,
જગ જુદેરી જાત તારી, પૂજવાનું સ્થાન તું.
~ “ખફા” – રમેશ મારૂ

સઘળે પહોંચવા જ તેં એને ઘડી હશે,
નક્કી મા એ ઈશ તારી આંખડી હશે.

કે જન્મ આપતાં પહેલાં જ દીકરી તને ,
મા કોણ જાણે કેટલાં યુદ્ધો લડી હશે ?

માનો પિતાને રોટલો જો ઘર તણો તમે,
મા એ ચૂલા તણી ખરેખર તાવડી હશે.

બીવે છે ત્યાં જતા હજી યમરાજ આજ પણ,
રક્ષાની તુજ જે ઘરે મા લાકડી હશે.

હા, એટલે ઝળહળે છે ચૌદ લોકમાં,
નક્કી, તું મા દરેક ધરની દીવડી હશે.

કે આવે છે હજી એમાં મમતાની હુંફ મા,
કેવાં તે વ્હાલથી વણેલી ગોદડી હશે.

તોયે ન ચુકવી શકું તારું હું ઋણ મા,
મારી ત્વચાની તુજ ચરણે ચાખડી હશે.

મંદિર સુધી તું એને પણ દોરી જજે ભલા,
એ માનતામાં તારી જે મંદિર ચડી હશે.
~ શૈલેષ પંડ્યા નિશેષ

માડી મને કહેને હું શું કરું તો ગમશે?
આપ્યું તને વચન લે કહેશે જે માનવાનો.
~ રશ્મિ જાગીરદાર (અમેરિકા)

રાહે બેઠી છું મા, તારો કાગળ આવે,
કોરી આંખો ભીની થઇ ગઈ, ઝાકળ આવે.

સૂકી ધરતી છે મારા જીવનની, માડી!
હેતે સરભર, તારા જેવું વાદળ આવે.

ઝંખી યુગોથી ત્યારે સૂરત ભાળી મા,
બાંધી રાખું માને, એવી સાંકળ આવે.

ક્યાં છુપાવી છે પ્રભુ, મારી જીવનમૂડી?
મા નહીં તો મા જેવું એક જણ આગળ આવે.

આગળ પાછળ ફરતી, ચિંતા કાયમ કરતી,
બૂરી નજરું ભાગે,લઈને કાજળ આવે.
~ ભારતી વોરા

Leave a Reply to Ramesh MaruCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. ખૂબ ખૂબ આભાર હિતેનસર અને ટીમ ‘ આપનું આંગણું ‘