અધૂરો પ્રશ્ન (વાર્તા) ~ ઉમા પરમાર
અમારી બ્રાન્ચ ઑફિસમાં સવારથી જ ભારે ચહલ-પહલ મચી હતી. હું તો રોજની જેમ જ સાડા નવે દાખલ થયો બેંકમાં. પહેલાં તો સમજાયું નહીં પણ તરત મેં અમારાં ઓલ-ઇન-વન સ્ટાફ એવાં નવીનને પૂછ્યું, ‘અલા, આ બધી શાની ધમાલ છે, હેં?’
ત્યારે એણે યાદ અપાવ્યું, ‘કેમ સાહેબ, ભૂલી ગયાં? સાંજે જતી વખતે તો યાદ અપાવેલું કે નવાં બ્રાન્ચ મેનેજર આવી રહ્યાં છે.’
બરાબર યાદ આવ્યું. પણ તેમાં બેંકમાં સાફસફાઇ ને બધું જ વ્યવસ્થિત ગોઠવાતું જતું હતું તેની મને નવાઈ લાગી. હું તો મારી ખુરશી ખેંચી બેઠો ને જોયું તો ટૅબલ ચકાચક ‘ને મારી આંખો એ જોઈને ચક!
આમ તો મારાં ટૅબલને કોઈ હાથ અડાડે જ નહીં, કારણ મારી મૂકેલ વસ્તુ કોઈને મળે જ નહીં. મને લાગ્યું કે નવીને ફાઈલો બરાબર ગોઠવીને મૂકેલી.
‘નવીન, આ બધું તે કર્યું? અલા, હવે હું શોધીશ તો મને કંઈ નહીં મળે.’ હું જોરથી હસતાં બોલ્યો.
એટલામાં તો બરાબર તૈયાર થઈને ગીતાબેન મોટાં બુકૅ સાથે અંદર આવ્યાં, મોટાં ડેસ્કનાં ખૂણે બુકૅ મૂકી મારી બાજુની ખુરશી પર ભારે કાયા સાથે હાશ કરીને ગોઠવાયાં.
કશેક ધમણ ચાલતું હોય તેવી તેમની છાતી ચાલી રહી હતી, જેને મેં નજરઅંદાજ કરી પૂછ્યું, ‘ગીતાબેન, આ બુકૅ પેલાં નવાં બ્રાન્ચ મેનેજર માટે લાવ્યાં કે?’
હા બોલવાની જગ્યાએ એમણે ડોકું હલાવ્યું. ધીમેધીમે બીજાં સ્ટાફની આવન થતી હતી. મારાં સિવાય બધાં જ સરસ તૈયાર થઈને આવ્યાં હતાં. હું જ એક થોડાં ઇસ્ત્રી વગરનાં કપડાંમાં દેખાઈ રહ્યો હતો. મનમાં થયું પણ ખરું કે આટલું બધું તે શું સ્વાગતમાં તૈયાર થવાનું? જેવાં છો તેવાં જ દેખાવાનું. આ લોકો તો આજે છે, કાલે બદલી થાય એટલે ચાલ્યા જાય. પણ આપણે તો બધાં અહીંનાં અહીં જ રહેવાનાં છે.
‘નવીન, ચા લઈ આવને ભાઈ, તો કંઈ આગળ કામ ચાલશે’ રમેશકાકાએ બૂમ પાડી. બેંકમાં લોકોની અવર-જવર વધી રહી હતી. સૌ કામમાં વ્યસ્ત થઈ ગયાં. ગીતાબેનની ગરમ ચા પર તર બાઝી ગઈ, જે એમને બિલકુલ નહોતી ગમતી. એમણે મોઢું બગાડી એને દૂર કરી ચાનો ઘૂંટ પીધો.
મને કોણ જાણે કેમ સિગારેટ પીવાનું મન થયું. કેશિયર દિનેશ એની રૂપિયાની થોકડી અને નોટ ગણવાનાં મશીન વચ્ચે ખોવાયો. નવીન નાનાં-નાનાં કામો કરતો દેખાયો. રીટા જે લૉન વિભાગમાં હતી તે હજુ દેખાઈ નહોતી.
હું મારી સામે કૉમ્પ્યુટર પર ફરી રહેલાં ચકરડાંને જોઈ રહ્યો. ખૂણામાં રાખેલાં ડેસ્ક પર એસીનું પાણી પડી રહ્યું હતું, જેનું બે-ત્રણ જણાંએ ધ્યાન દોર્યું. હું ઊભો થવાં ગયો, ને ગીતાબેન બબડ્યાં, ‘જોજો રાજુભાઇ, તમે બહાર આંટો મારતાં હોવ ને પેલાં નવાં મેનેજર આવી ન જાય!’
એની ટકોર પર બધાં હસી પડ્યાં, મારાં સિવાય. હું હવા નીકળેલાં ટાયરની જેમ બેસી ગયો.
‘સાલું, આ તો નવાં સાહેબ આવવાનાં છે કે હિટલર?’ હું બોલી ઊઠયો.
‘અરે, એ જ તો મોંકાણ છે કે આ સાહેબ નથી મૅડમ છે. ને અમે તો સાંભળ્યું છે કે બહુ સ્ટ્રિક્ટ છે, એટલે તો પહેલાં દિવસથી જ થોડી ઇમ્પ્રેસન સારી પડે એની તૈયારી કરીએ છે.’ ગીતાબેન જવાબ આપતાં બોલ્યાં. આસિ. મેનૅજર સુભાષે હામી પુરાવી.
એટલામાં ઝડપથી દરવાજો ખોલીને રીટા દાખલ થઈ ને બોલી, ‘મૅડમ આવી ગયા છે. મેં બહાર ગાડીમાંથી એમને ઉતરતાં જોયાં.’ પ્રશ્નાર્થવાળો મારો ચહેરો જોતાં એ બોલી, ‘હું એમને બીજી બ્રાંચમાં મળી છું.’
… અને સાચે દરવાજો ખુલ્યો અને એક પરિચિત પરફ્યુમની સુગંધ અંદર ધસી આવી ‘ને પાછળ મૅડમ.
‘ગુડ મોર્નિંગ મૅડમ’ સુભાષ આગળ થતાં બોલ્યો. એમણે ઘડી-બેઘડી બધાં પર નજર નાંખી. ‘ગુડ મોર્નિંગ’ જવાબ આપી સીધાં જ સુભાષે દોરેલ એમની કૅબિન તરફ વળી ગયાં. સુભાષ એમની કૅબિનમાંથી બહાર આવી ચૂપચાપ ફાઇલ લઈ ફરી અંદર ગયો. ગીતાબેને લાવીને મૂકેલો સુંદર ગુલદસ્તો ખૂણામાંથી બૂમ પાડી રહ્યો હતો. મેં એ તરફ બધાનું ધ્યાન દોર્યું. બધાં બુકૅ લઈ એમની પાસે પહોંચ્યાં.
‘વેલકમ છે મૅડમ, અમારી બ્રાન્ચમાં.’
‘આપણી..’ એમણે સુધાર્યું. જોકે મને આવી અપેક્ષા નહોતી પણ એણે મારાં તરફ નજર ન કરી.
‘આની કોઈ જરૂર નહોતી. એનીવૅ, થેંક્સ. હું જરૂર પડે તમને બોલાવીશ.’
એનાં બોલવામાં બહાર જવાનો ઈશારો હતો. બધાં ચૂપચાપ બહાર આવી યથાસ્થાને ગોઠવાયાં.
‘અકડુ લાગે છે.’
‘મેં તો પહેલાં જ કીધું હતું કે ફિડબૅક સારાં નથી.’
‘આપણે તો હસવા જોઈએ ભાઈ, મસ્તી કરતાં રહીએ તો જ કામ થાય.’ મારી આસપાસ ગુસપુસ ચાલુ થઈ ગઈ હતી. બે ચોટલાં-બે ટકલા ભેગાં થઈને કોઈ તોફાની હવામાન વિશે વાતો કરી રહ્યાં હતાં જાણે! ને હું? આભાને જોઈને આભો તો થઈ જ ગયો હતો સાથે સૂન્ન પણ!
દિલોદિમાગમાં હલચલ મચી હતી. એ અહીં? એણે મને ઓળખ્યો જ નહીં? કે પછી જાણીજોઇને? આજે સવારથી ઊભી થયેલી ગેસ્ટ્રીક ટ્રબલની જેમ સવાલો હેરાન કરતાં હતાં. હવે કામ તો કેમ થાય? મારો મન પરોવવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો. ફરી પેલી સિગારેટ મનમાં સળગી. હ્રદયમાંથી ઊઠેલો અદ્રશ્ય ધુમાડો હું જોઈ રહ્યો.
મૅડમે વારાફરતી બધાનો વારો પાડ્યો હતો. હું મારો વારો આવે એની રાહ જોતો બેચેન બેસી રહ્યો. હું બચી ગયો એવું લાગ્યું. સાંજે સાડા પાંચે બધાં જવા માટે નીકળ્યાં. હું પણ બેગ લઈ ઊભો થયો.
‘રાજુભાઇ, મેડમ બોલાવે છે.’ – નવીન
‘પત્યું… લો, તમારો તો છેલ્લે નંબર લાગ્યો ને!’ – ગીતાબેન
હું કેબિનમાં ઘૂસ્યો. ‘આવતીકાલે આ કામોને પ્રાથમિક્તા આપીને પૂરાં કરવા.’ એણે ઊંચું જોયાં વગર મારાં હાથમાં કામનું લિસ્ટ થમાવી દીધું.
ફરી વગર બોલ્યે ‘તમે જઈ શકો છો’નો ગર્ભિત ઈશારો.
હું, વિચાર, યાદ, ગડમથલ, ઑફિસ બધેથી બહાર નીકળવા તરફડતો હતો. પણ ના… કદાચ હવે છટકવું શક્ય નહોતું લાગતું. ઑટો પકડી સીધો ઘરે.
દીવાલ પર ટાંગેલી સ્મિતમઢી, મારાં દીકરા અજયની તસવીર હું જોઈ રહ્યો. સંગીતા ચૂપચાપ ચા ટેબલ પર મૂકી, પોતાનો કપ લઈને સામે બેઠી. એ મૂંગી-મૂંગી જાણે દિનચર્યા બોલી રહી હતી- રોજની જેમ અને હું સાંભળી રહ્યો હતો- રોજની જેમ… જોકે, હું સદેહે વર્તમાનમાં અને ‘અ-દેહે’ ભૂતકાળમાં ક્યારે પહોંચ્યો તે હું જ નહોતો જાણતો!
****
‘રાજુ, આ વખતે મારું પેપર હાઇ-ક્લાસ ગયું છે, અને જો સારું રિઝલ્ટ આવશે તો મોટી બહેન વિભા કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ લઈ મને મળવા આવશે એવું કીધું છે.’ આભા કૉલેજનાં પેસેજમાં ચાલતાં બોલી.
‘અરે હા, આ વખતે આવે ત્યારે મળવા લઈ આવજે. દર વખતે બારોબાર જતી રહે છે હૉસ્ટેલથી. મેં તો ફક્ત એની વાતો જ સાંભળી છે.’ હું એની વાતો સાંભળી એને જોવાં-મળવા આતુર હતો. હા પાડીને આભા ગઈ.
ગર્લ્સ હૉસ્ટેલમાં રહેતી આભા આ શહેર અને કૉલેજમાં નવી જ હતી. બે-ત્રણ મહિનામાં તો મારી સાથે ખાસ દોસ્તી થઈ ગઈ હતી. આભાની લાગણીઓ ધીમે-ધીમે વેલની જેમ મારાં પર વીંટળાતી જતી હતી. મને પણ એ ગમતી તો હતી જ. પણ હું કંઈ જ્યોતિષી થોડો હતો કે મારું ભવિષ્ય જોઈ શકું?
રિઝલ્ટ આવ્યાનાં એક દિવસ બાદ વિભા આવી, આભાને મળવા. બસ, તે ઘડી, તે દિવસ… મારી આભા તરફી ગમવાની લાગણી હાંસિયામાં ધકેલાતી જતી હતી, મારી જાણ બહાર.
વિભા શું વિચારે છે તે હું ક્યાં વિચારતો હતો? મને તો એ વધુને વધુ ગમવા લાગી હતી અને એ પ્રેમ કહો કે બીજું કંઈ તે છાનુછપનું દિલમાં ઊગી રહ્યું હતું. મનોમન જ મારાં દિલમાં અને જીવનમાં વિભાનું સ્થાન પ્રેમિકા તરીકે મેં કોતરી દીધું. આભાની સ્કૅનર નજરથી આ છાનું ન રહ્યું.
એ વેલ તરફની અજાણતાં થયેલી ઉપેક્ષા એનાં સમગ્ર અસ્તિત્વને ઝંઝોડી જશે એવી તો મને ક્યાંથી ખબર હોય? પણ, અજાણતાં જ હું વિભા તરફની લાગણી આભા સામે વ્યક્ત કરી બેઠો. અને પરિણામ? વિભાની લાગણી હું ક્યારેય જાણી ન શક્યો.
રિઝલ્ટ આવ્યાં પછી સાવ ટૂંકા ગાળામાં જ બે વાત એકસાથે બની ગઈ. આભાએ કૉલેજ અને શહેર છોડી દીધાં અને વિભાનાં ક્યાંક લગ્ન નક્કી થઈ ગયાં એવું જાણવા મળ્યું. ખૂબ પાછળથી એક કૉમન મિત્ર દ્વારાં ખબર પડી કે આભા મને કેટલું ચાહતી હતી!
મન અચાનક જ દુઃખ અનુભવવા લાગ્યું. આભાએ મને કંઈ કહ્યું કેમ નહીં? ‘ને હું ગાંડો વિભા માટેની લાગણી એની જ સામે જાહેર કરી બેઠો! કદાચ એ સહન નહીં કરી શકી હોય? વિભા પણ મને ચાહતી હશે? શું એણે વિભાને જાણીજોઇને નહીં કીધું હોય? કે કીધું હશે? એણે ફરી ક્યારેય મળવા માટે પ્રયત્ન કેમ ન કર્યો? કે પછી…?
કાનખજુરાનાં પગોની જેમ અસંખ્ય સવાલો હતાં જેનાં કોઈ જવાબો નહોતાં. તે સમય જ એવો હતો. કોઈનો સંપર્ક એટલો આસાન ક્યાં હતો? કંઈ કેટલીય વાર ગર્લ્સ હૉસ્ટેલનાં આંટાફેરાં કર્યા, જેથી કંઈ ભાળ મળે, પણ પરિણામ શૂન્ય!
આખરે સમયનાં નિયત ચોકઠામાં આપોઆપ ગોઠવાતો ગયો. માતા-પિતાએ શોધેલ કન્યા સંગીતા સાથે પરણી ગયો, ચૂપચાપ… ફરિયાદ શાની કરવી? કોને કરવી? જે વાત હું જાણતો નથી તેનાં માટે જિંદગી સામે અફસોસ પણ શું કરવો?
‘આવ્યાં ત્યારનાં અહીં સોફે બેસી વિચાર્યા કરો છો. ખાવાનું પીરસ્યું છે, ચાલો હવે.’ સંગીતાની બૂમે હું જાણે મારાં જ દેહમાં પ્રવેશતો હોઉં એમ વર્તમાનમાં પ્રવેશ્યો. ઊભો થયો. રાત આખી એક સામાન્ય રાતની જેમ પસાર થવી જોઈએ, પણ ન થઈ!
અને હવે અચાનક આટલાં વર્ષે આભા અહીં છે તો વિભા…? મન તો ઘણું થાય છે કે અબઘડી પૂછી લઉં કે તું કેમ છે? ‘ને વિભા? પણ, એણે જે રીતે અજાણ્યાં હોવાનો નકાબ પહેર્યો છે તેને કેમ ખેંચાય? ખેર! હવે એ બધી વાતોનો શું અર્થ? મન વગર કારણે જાણે દિશાવિહીન થઈ દોડતું હતું. જિંદગી આવો અણધાર્યો વળાંક લેશે એવી મને કલ્પના નહોતી!
મને ઑફિસની જગ્યાએ કોઈ બાગમાં જઈને બેસવાનું મન થયું, પણ આભા આવ્યાનાં બીજે જ દિવસે હું ઑફિસમાંથી ગુલ? ના, ના… તો કદાચ એ મારાં મનમાં ચાલતાં વિચારોને સ્કૅન કરી લે. ત્યારે કરેલાં તેમ જ વળી! એની આંખો મોટું સ્કૅનર જ તો કહી શકાય. ન છૂટકે હું ઑફિસમાં પ્રવેશ્યો. આ બધી ગડમથલમાં મૅડમે(?) સોંપેલું કામ તો થયું જ નહોતું, હવે?
મને થયું એ જાણીજોઇને લોકોની સામે ફજેત કરશે કે કેમ? પણ મારાં સદનસીબે આ કામ એણે કૅબિનમાં બોલાવી કર્યું.
‘મિ. રાજુ, દરેક કામ એનાં સમયે પૂરાં થવાં જોઈએ. તમને સોંપેલું કામ તમે પૂરું કરી શક્યાં નથી. મને કારણ જાણવામાં રસ નથી, જે હોય તે. સાંજ સુધી કામ પતાવી દેવું. તમે જઈ શકો છો.’
આ વખતે સ્પષ્ટ આદેશ હતો. હું સીધો બહાર. મારી ખુરશી પર ગોઠવાયો. આટલાં વર્ષો વીતી ગયાં. ત્યારે ખબર ન પડી તો હવે જાણીને શું કરવું છે?
બાજુમાં બેઠેલા ગીતાબેનને સમજાયું કે મૅડમે મારો ઊધડો લીધો લાગે છે. તેથી એ સ્વગત બબડવા લાગ્યા, ‘એ તો બધાં સાથે જ આવું કરે છે. આવી રીતે તો કંઈ કામ થાય? થોડું પ્રેમથી વર્તવું જોઈએ ને. છોડો, કોણ એનાં જેવુ થાય? આપણે ટાઈમ પર કામ કરી દેવાનું, બીજું શું?’
કૉલેજ પૂરી કર્યા બાદ, ક્લાર્કની પરીક્ષા ત્રીજા પ્રયત્ને પાસ કરેલી. વર્ષો પહેલાં, નોકરીએ લાગ્યો ત્યારે અન્ય બ્રાંચમાં મૂક્યો હતો. એક-બે વખત જરૂરી કામ માટે અહીં આવવાનું થયેલું ત્યારે જ નક્કી કરેલું કે શક્ય બને તો આ બ્રાંચમાં કામ કરવું છે. અહીં આવવા માટે મારે ન છૂટકે નીતિ વિરુદ્ધ જઈને થોડાં પૈસા દાબવા પડેલાં. ઉપર સુધી એડીચોટીનું જોર લગાવી અહીં આવ્યો હતો.
મારાં લગ્ન પછી ચાર વર્ષે દીકરાનો જન્મ થયો. સમય જતાં ખબર પડી કે જે દીકરાનાં મારી જિંદગીમાં હોવામાત્રથી મારો થાક, ઉદાસી, તણાવ બધું જ દૂર થઈ જતું હતું તે પોતે જ જિંદગીથી દૂર થઈ જવાની તૈયારીમાં હતો. તેનો સાથ લાંબો નથી હવે એ પચાવવું ઘણું મુશ્કેલ હતું. કેવી કમનસીબી!
ઘરને, મારાં દીકરાને મારી જરૂર હતી. શક્ય એટલું બધું કરવાં છતાં એક દિવસ એ કેન્સર સામેનો જંગ હારી ગયો ને અમે જીવન. અમારાં તો બન્નેનાં જીવનમાં જાણે જિંદગી જેવું કશું બચ્યું જ નહોતું. જે હતું તે ધબકતું રહેતું યંત્ર જાણે! છતાં સંગીતા મારી જવાબદારી હતી.
અમારી વચ્ચે કદાચ પ્રેમ નહોતો. પણ એક મૂક સમજણ અને આદર સ્થાપિત થયો હતો પરસ્પર. એનું નિમિત્ત પણ દીકરો જ હતો ને! હવે જ્યારે એ નથી ત્યારે એની રિક્તતાની પૂર્તિ એની યાદ અને એકબીજાનાં સથવારે જ કરવાની હતી.
કામમાં મન લાગ્યું જ નહીં. છતાં જેમતેમ કામ પૂરું કર્યું. સતત ચાર-પાંચ દિવસ આવું ચાલ્યું. મને લાગ્યું હું હવે અહીં કામ નહીં કરી શકું. મન સતત વિચારોનાં વમળમાં ઘૂમરાતું હતું.
ગીતાબેન, રીટા, નવીન, સુભાષ, રમેશકાકા બધાં માટે હું રહસ્યમય વ્યક્તિ બનતો જતો હતો. એ લોકોએ મને આ રીતે કદી જોયો નહોતો. રાત-દિવસનાં એકધારા વિચારને અંતે, ધીમે રહી મેં બદલી માટે લખી જ નાખ્યું!
મહિનાનાં અંત સુધી તો કોઈ જવાબ આવી જ જશે એવું મેં ધાર્યું. હવે હું ઝડપથી મારાં કામ પૂરાં કરવાં પર ધ્યાન આપવા લાગ્યો. ક્યારેક હું બધાંની નજર ચોરીને કૅબિનમાં જોવાં કોશિશ કરતો. કદાચ એ અંદરથી મને જોતી હશે? કોને ખબર? એ મને જોઈને એકદમ શૉક્ડ થઈ ગઈ હશે, નહીં? એવું હું વિચારતો. પણ, એનો ચહેરો જોઈને એવું ક્યાં લાગતું હતું?
ફરી વિભા વિશે પૂછવાનાં વિચાર પર બ્રેક લગાવી. છેલ્લે-છેલ્લે તો આભાનો સામનો કરવાથી બચવા હું બે દિવસ રજા પર ઊતરી ગયો.
બે દિવસ પછી ઑફિસ આવતાં જ બે વાત એકસાથે બની ગઈ. એક તો મહિનો પૂરો થતાં આભા હેડ બ્રાંચમાં જતી રહી હતી. નવીને ચાનો કપ મૂકતાં જણાવ્યું કે, મૅડમ તો ડેપ્યુટેશન પર આવેલાં ને મારાં હાથમાં કવર મૂકી ગયો.
હેડઑફિસમાંથી આવેલું કવર હતું. હું એની ખાલી કૅબિન તરફ અને પછી મારાં હાથમાં રહેલાં મારી બદલીનાં લેટરને જોઈ રહ્યો!
***