પ્રકરણ: ૮ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી

પણ લાવણ્ય પ્રેમલને પસંદ કરે ખરી? અને પ્રેમલ લાવણ્યને વફાદાર રહે? ગયા વર્ષે એણે જે ત્રણ ચિત્ર-પ્રદર્શનો કરેલાં એ ત્રણેયનું ઉદ્ઘાટન શ્રીમતી અંજના શર્માના હાથે કેમ કરાવેલું? સહચાર માટેની એ જાહેર છૂટ હતી કે બીજું કંઈ?

શ્રીમતી શર્મા વિધવા છે. બાર વર્ષની દીકરીને ભણવા પરદેશ મોકલી છે! સંપત્તિનો સદુપયોગ કરવા કલાકારોને પ્રોત્સાહન આપે છે. સંગીતકારો અને ચિત્રકારો એમની સાથે સંપર્ક રાખે એવું કંઈને કંઈ એ ગોઠવતાં રહે છે. પોતાનાથી બારેક વર્ષ નાના પ્રેમલને એ ‘બુલ’ કહે છે. પ્રેમલ એમને બુલબુલ કહે છે.

પપ્પા-મમ્મીને પસંદ નથી કે એમનો દીકરો આવી સ્ત્રીઓ સાથે સંપર્ક રાખે. વગોવણી થાય. એ તો ઠીક પણ ચારિત્ર્ય —

ચારિત્ર્ય વિશેના પ્રેમલના ખ્યાલો જુદા જ છે. એ કહે છે: ચારિત્ર્ય એટલે પ્રામાણિકતા, દંભ વિનાની સચ્ચાઈ. બે વ્યક્તિઓના સહચારથી ખંડિત થઈ જાય એવા ચારિત્ર્યમાં મને રસ નથી. હું કલાકાર છું, મારે સહૃદય તો જોઈએ જ.

લાવણ્ય જેવી સહૃદય મળે તો? એ જમીન જોવા આવે અને બેઉ પક્ષ વચ્ચે સુમેળ સધાય તો?

પણ હું પ્રેમલ વિશે લાવણ્યને અંધારામાં તો ન જ રાખી શકું.

જોકે એ કંઈ બાઘી નથી. કદાચ પ્રેમલ વિશે મારા કરતાં પણ વધુ જાણતી હોય. ખ્યાલ આવી જશે, કોને કોનામાં કેટલો રસ છે —

લાવણ્ય રવિવારની વહેલી સવારે આવી ગઈ. મોટી બહેન સાથે સાંજે અમદાવાદ આવી હતી.

પ્રેમલ મોડો જાગ્યો હોવાથી હજી તૈયાર થયો નહોતો, ત્યાં એણે સાંભળ્યું કે વનલતા અને લાવણ્ય જમીન જોવા જાય છે. એ જેવો હતો એવો જ સાથે નીકળવા તૈયાર હતો પણ વનલતાએ એને દસ મિનિટ આપી.

મધુકરભાઈ મલકાયા. પ્રેમલ સાથે હોય પછી લાવણ્ય એની નજરે જ બધું જુએ ને! ભલે. ભગવાનની કૃપા હશે તો આમાંથી પણ કશુંક સારું નીપજી આવશે. એ ભગવાનનું નામ બોલ્યા નહીં. કદાચને પ્રેમલ કહી દે: તમે માયા છોડી શકશો પણ અંધશ્રદ્ધા નહીં છોડી શકો.

ઝટપટ તૈયાર થઈને પ્રેમલે નોકરને રિક્ષા લેવા મોકલ્યો. રિક્ષામાં પહેલાં કોણ બેસે? વનલતા અને લાવણ્યની દ્વિધા જોઈને પ્રેમલ પહેલાં બેસી ગયો.

ઈન્કમટેકસ પાસેથી જીપ ભાડે મળી જશે.

માર્ચનો પહેલો રવિવાર હતો. બે દિવસથી ઉત્તર દિશાએથી ઠંડો પવન વાતો હતો. દેવદારુ દ્રુમોની કુંપળોના દૂધની સુગંધ હવામાં ભળી હોય એવી કલ્પના કરીને લાવણ્ય કાલિદાસના મેઘદૂતની પંક્તિઓના સ્મરણે ચઢી હતી.

વનલતા સમજી કે પ્રેમલની હાજરીને કારણે લાવણ્ય સંકોચ અનુભવે છે. ઈન્કમટેકસથી બારેક કિલોમીટરનો પાકો રસ્તો પૂરો થયો. કાચો રસ્તો શરૂ થયો એની સાથે જ જીપ ઊભી રહી. ‘આવા રસ્તે વાહન ચલાવવામાં જોખમ છે.’ ડ્રાઈવરે નીચે ઊતરીને બીડી સળગાવી.

પ્રેમલે આગળના રસ્તાનું વર્ણન કર્યું તોપણ જીપવાળો આનાકાની કરતો રહ્યો.

એટલે? તારે એમ કહેવું છે કે અહીંથી બેઅઢી કિલોમીટર આમને ચલાવીને લઈ જાઉં?

‘મને ચાલવામાં વાંધો નથી પણ મારે સમજવું છે કે જીપવાળા ભાઈ કેમ ના પાડે છે? એમને વધુ પૈસા જોઈએ છે?’

‘ના બેન. મને એક જોશીએ કહ્યું છે કે હમણાં ખાડા-ટેકરાથી સંભાળવું.’- એમ કહેતાં જીપવાળો નીચું જોઈ ગયો. એ કાં તો ગમ્મત કરવા માગતો હતો, કાં તો જૂઠું બોલતો હતો.

‘મારા માટે આ અઠવાડિયું સારું છે. લાવો, જીપ હું ચલાવું. તમે નિરાંતે પાછળ બેસો.’

જીપવાળો કંઈ બોલે એ પહેલાં તો લાવણ્યે સ્ટીઅરિંગ પર હાથ મૂકી દીધો હતો. સાડીના પાલવનો છેડો કેડ ફરતે વીંટીને કમરમાં ખોસ્યો અને જીપ ચાલુ કરી. ડ્રાઈવરે અનિચ્છાએ પાછળ બેસવું પડ્યું.

લાવણ્ય નિરાંતે જીપ ચલાવતી હતી. વનલતાએ શીખવાની ઇચ્છા જાહેર કરી. ‘તારે ઘોડેસવારી શીખવાની જરૂર છે.’ કહીને લાવણ્ય મલકાઈ. ‘પછી એક અમેરિકન ઘોડો ખરીદી લેજે.’

વનલતાએ ન સમજવાનો ડોળ કર્યો. એ પ્રેમલની આમન્યા રાખતી હતી. જીપને બ્રેક વાગી. રસ્તાની ધારે દરમાંથી સાપ જેવું કશુંક ડોકાતું લાગ્યું. અવાજ માત્રથી અદશ્ય થઈ ગયું. એ અંગે લાવણ્યે કશી વાત કરી નહીં. ખેતર આવી ગયું હતું. હવે સીધો ઢાળ શરૂ થતો હતો. લાવણ્યે જીપ વાળીને ઊભી રાખી. હવે જીપવાળામાં હિંમત જાગી: ‘કહેતાં હો તો ગાડી છેક નીચે લઈ લઉં.’

‘એ સહેલું છે પણ તમને ખાતરી છે કે આ રેતાળ રસ્તે જીપ સીધા ચઢાણમાં ફસાશે નહીં?’

‘ટ્રેકટર હોય તો ચઢી જાય. હું મૂળ ખેડૂત છું. જીપ નવી નવી રાખી છે. જાણકાર રિક્ષાનો છું. આવું ભાડું કરતો નથી પણ આ બે લેડીઝને જોઈને ના પાડી શક્યો નહીં.’

‘તમે ખેડૂત છો એ જાણીને આનંદ થયો. અમારે અહીં ડ્રાઈવર કરતાં ખેડૂતની જ વધુ જરૂર હતી. આ જમીન ખરીદવી છે. ચાલો, જોઈને સલાહ આપો.’ કહેતાં પ્રેમલ કોઈનીય રાહ જોયા વિના આગળ વધી ગયો.

લાવણ્ય ચારે બાજુના દશ્ય પર નજર કરતી સમગ્ર વાતાવરણને અનુભવી રહી હતી. તડકો હમણાં સુધી પ્રકૃતિને વહાલ કરતો હતો, હવે પોતાનો રુઆબ દાખવવા લાગ્યો છે! જાણે કે એ કબૂલ કરાવવા માગે છે કે આ બધું સચરાચર મારા તાબામાં છે.

લાવણ્યે ગોગલ્સ કાઢીને હાથમાં રાખ્યાં. વનલતાને આગળ કરી: તડકો છે પણ હૂંફાળો લાગે છે, દઝાડતો નથી.’

‘મને એટલી તો ખબર પડે જ છે કે આ ચાંદની નથી, તડકો છે. ચાલ ઉતાવળી, પ્રેમલ તો કોણ જાણે કેટલે પહોંચી ગયો?’

‘નજીક છે, પેલી ભેખડની પાછળ. હમણાં આપમેળે દેખાશે. તું નીચે નજર રાખીને ચાલ. કાંટોબાંટો કે એરુબેરુ -’ એટલું કહેતાં તો એ ઊભી રહી ગઈ. બાજુના ઝાંખરા નીચેનાં પાંદડાં ખખડતાં હતાં. સ્થિર થઈ ધ્યાનથી જોયું: કાળો નાગ જતો હતો. ઝાંખરા વચ્ચેની જગામાં માત્ર એનો એક વેંત જેટલો ભાગ જ ખુલ્લો દેખાતો હતો.

નાગની ચામડી પર સૂર્યનાં કિરણો પરાવર્તન પામતાં હતાં, કીકીની કાળાશ સુધી પહોંચતાં હતાં. શું થોડા વખત પહેલાં જ એણે કાંચળી ઉતારી નાખી હશે? આ એ જ નાગ હશે જેનું ડોકું થોડી વાર પહેલાં જીપ ચલાવતાં દેખાઈને તુરત અદશ્ય થઈ ગયું હતું? આ અંગે વનલતા સભાન નથી. એને વાત કરવા જેવી ખરી? પ્રેમલ તો જાણતો જ હશે: આવી અવાવરુ જગાએ એરુ તો હોય જ.

વનલતાને કહેવા જતાં એના મનમાં પૂર્વગ્રહ બંધાઈ જશે. આપણે ભણીગણીને જીવસૃષ્ટિ-સમતુલાની વાર્તા કરીએ છીએ પણ અન્ય જીવો સાથેનો સહવાસ સ્વીકારી શકતાં નથી. જાણીએ છીએ કે બધા સાપ ઝેરી નથી હોતા, પણ એમ માનીને નિર્ભય રહી શકતાં નથી. જોકે હમણાં દેખાયો એ નાગ તો ઝેરી હોય છે જ….

એક આછો રોમાંચ થયો. લાવણ્ય સમજી શકી નહીં કે એમાં ભય હતો કે આનંદ? ભીતર કશો સંચાર જરૂર થયો છે. રેતની નીચે ઊંડે જાણે કે જળનો સંચાર….

પ્રેમલ પાછો વળીને બે ડગલાં સામે આવ્યો હતો. વનલતા વિમાસણમાં મુકાઈ ગઈ હતી. અહીં એવું શું જોવું જેને વખાણી શકાય? પાંત્રીસ હજારમાં તો એક એરકંડિશન્ડ ઓરડો તૈયાર કરીને એમાં નિરાંતે ચિત્રો દોરી શકાય. કહું? ના. પહેલાં લાવણ્યને બોલવા દઈશ.

‘પ્રેમલ, તમે અહીં બાંધકામ તો કરાવશો જ ને? પાણીની સપાટી અને આ ઝાડઝાંખરાંનો ખ્યાલ રાખીને —’

‘હા, એકદંડિયો નાનકડો બંગલો બંધાવીશ જેથી પૂરની પરિસ્થિતિમાં પણ અહીં રહી શકાય. મારાં પેરન્ટસને એ જોઈને ખાતરી થશે કે અહીં રહેનારને પાણીથી કે પ્રાણીથી કશી બીક રાખવા જેવું નથી.’

‘ભાઈ, તારા એકદંડિયા મહેલમાં કોઈ પદ્મિની રહેવા આવશે ખરી?’ વનલતા ગંભીરતાથી બોલી.

‘ચિત્રકારને પદ્મિનીની નહીં, પદ્મિનીના પ્રતિબિંબની બલ્કે પદ્મિનીની કલ્પનાની જરૂર હોય છે. હું ભલો ને મારી એકલતા ભલી. બાકી અતિથિઓને આવકારીશું – આકાશના ઉપરણા નીચે સંધ્યાની જાજમ પાથરીને, હા, માત્ર સવારે મારે ઊંઘવાની જરૂર રહે છે, મોડે સુધી.’

‘તું ઊંઘતો ને ઊંઘતો રહેવાનો ને અતિથિ વિદાય થઈ જશે.’

‘જેવું અતિથિનું ભાગ્ય!’ પ્રેમલ પૂર્વવત્ ગંભીરતાથી બોલ્યો. અહીં કંઈ જાહેર અતિથિગૃહ તો નથી જ બાંધવું. ટાવરની ટોચે એક નાનકડો વીસ બાય ત્રીસનો વર્કશોપ બંધાવીશ અને નીચે એથી બેવડો.

અહીં જે ઝાંખરાં છે એમાંથી કેટલાંક ઝાડ થશે. મેં રાજસ્થાનના રણમાં આકડાનું ઝાડ જોયેલું. કેવું ભવ્ય! અહીં ગુલાબ જેવાં થોડાંક કાંટાળાં ફૂલ ઉગાડવાનો પણ ખ્યાલ છે. સભ્યતાનાં પ્રદૂષણોથી છૂટવા માટે જ મેં આ જગા પસંદ કરી છે. મેં જમીનના દલાલને લગભગ આવી જ જમીન શોધવા જણાવ્યું હતું. ફેર એટલો જ છે કે આ જરા નીચાણમાં છે. મેં ટેકરી કલ્પેલી. હવે જેવી છે તેવી આ જગા ગમે છે. આના અસલ સ્વરૂપને હું જાળવીશ.’

લાવણ્યને પ્રેમલના ઉદ્ગારો ગમતા હતા. બલ્કે એ આ જગાએ બદલાતી ઋતુઓને પણ અનુભવવા લાગી હતી. કહે:

‘ચોમાસામાં નદી બે કાંઠે વહેતી હોય ત્યારે તો અહીં ઊભાં ઊભાં જ આપણી પાનીઓ ભીની થઈ જાય. પગની નીચેની રેતી ધોવાતી જાય. જાણે ઊભાં ઊભાં ચાલતાં ન હોઈએ? ખોટું કહું છું, વનલતા?’

‘સાવ સાચું. અને તેથી તો મારાં મમ્મી-પપ્પા ડરે છે. પૈસા પડી જવાની બીક કરતાંય વધુતો એમને કુદરતી આપત્તિઓ અને જીવજંતુઓની બીક રહે છે. એમને ડર છે કે —’

‘એમણે શા માટે ડરવું જોઈએ? પ્રેમલને ડર નથી પછી? જો ભારતીયો ડર્યા હોત તો એમની આરણ્યક સંસ્કૃતિ વિકસી જ ન હોત. હમણાં મેં સજીવ ખેતીના પ્રયોગો વિશે એક પુસ્તક વાંચેલું. ત્યાં તમામ જીવજંતુને સાપ-સાપોલિયાંને સ્થાન છે. એ બધા જીવોએ માણસ જાતિ સાથે દુશ્મનાવટ રાખી હોત તો આપણે આટલે સુધી પહોંચ્યાં હોત ખરાં?’

‘જોકે મારું દૃષ્ટિબિન્દુ આવું ઉપયોગિતાવાદી નથી. પ્રૅગ્મેટિઝમમાં મને રસ નથી. આ જગા મને ગમે છે કેમ કે અહીં નિરાંતે ઊર્જા ઉલેચી શકાશે. શહેરની રૂંધામણમાં આપણી અડધી ઊર્જા તો આપોઆપ નાશ પામતી હોય છે. ત્યાં ઘોંઘાટ અને ધૂણીની ગંદકી છે. જ્યારે અહીં તો —’

પ્રેમલનું અધૂરું વાક્ય જીપવાળાએ પૂરું કર્યું: બધું જ ગંદું છે. ક્યાં પહેલાંની હરીભરી સાબરમતી ને કયાં અત્યારનાં આ ઉજજડ વાંઘાં? પહેલાં અહીં સક્કરટેટી અને બટાકાનું વાવેતર થતું. હવે કાંટા ઊગે છે. શું સાહેબ, કેટલામાં મળે છે આ જમીન?’

‘પાંત્રીસ હજારમાં, દસ્તાવેજના ખર્ચ સાથે.’

‘કિંમત તો વાજબી છે પણ જરા દસ્તાવેજ-બસ્તાવેજ જાતે જોઈ લેજો. માલિકીહકના લોચા ન હોય. બાકી પાંત્રીસ હજારમાં તો આનાથી અડધી જમીન પણ ન મળે.’

‘સિવાય કે કશાક વહેમવાળી હોય!’ — કહેતાં પ્રેમલ હસી પડ્યો. એણે આ રીતે પપ્પાના ચાળા પાડ્યા એ વનલતાને ગમ્યું નહીં. જીપવાળાએ ગોગલ્સ ચઢાવ્યાં. સૌની આગળ થયો. એની પાછળ પાછળ સૌએ આંટો લગાવ્યો. કાચી માટીના કિનારા ક્યાંક ક્યાંક નમી ગયેલા હતા. કેમ ધસી પડતા નહીં હોય? કુદરતની કેટકેટલી સમતુલાઓ અકળ હોય છે!

જીપવાળો એવા નિર્ણય પર આવ્યો હતો કે આ જગા જરૂર વહેમવાળી હશે, તેથી જ સસ્તી મળે છે. રાખી લેવી. કર્મકાંડ કરાવી લઈએ એટલે પત્યું. પણ કાયદાની બારી રહેવા ન દેવી. આ જમીન નવી શરતની તો નથી ને?

‘એ વળી શું?’ પ્રેમલ મૂંઝાયો, ‘નવી શરત’ પર ગુસ્સે થયો.

જીપવાળો હસી પડ્યો: ‘એનુંય થઈ પડે મારા સાહેબ! પહેલાં નવી શરતની જમીનને જૂની શરતમાં નંખાવવી પડે. થોડોક ખર્ચ થાય. મહેસૂલ ખાતાના સાહેબોને રાજી કરવા પડે. તમને લાંચ આપવામાં તો વાંધો નથી ને?’

એ પછી ઊભા રહી, બીડી સળગાવી એણે એક રમૂજી દાખલો આપ્યો. લાંચ આપવાની ના પાડનાર ખેડૂત પર ગુસ્સે થઈને એક તલાટીએ પેલા ખેડૂતની આંગળીઓ કરડી ખાધી હતી.

પ્રેમલને એ તલાટીમાં રસ ન પડ્યો. એને જમીનનો દલાલ યાદ આવ્યો. એણે બધી જ જવાબદારી માથે લીધી હતી. એણે તો કાગળ જોયા જ હશે ને? દલાલનું નામ જાણતાં લાવણ્યે એને મળવાની ઇચ્છા જણાવી.

‘તમે મળીને શું કરશો?’ — પ્રેમલને આશ્ચર્ય થયું.

‘પ્રશ્નો પૂછીશ. મને ઊલટતપાસ કરતાં આવડે છે. જો આ જમીન ખરીદવામાં કશી કાનૂની ગૂંચ નહીં હોય તો હું ને વનલતા અંકલને ભલામણ કરીશું, મનાવી લઈશું.’

‘ઓ. કે. ચાલો!’ — પ્રેમલ અણધાર્યા વેગથી ઊપડ્યો. દરમાંથી બહાર ધસી આવેલો ઉંદર એના પગ નીચે આવતાં આવતાં રહી ગયો. એ ખમચાયો નહીં. વનલતા લાવણ્યને બાઝી પડી. જીપવાળો હસ્યો. ઉંદરિયું જોવા ઊભો હોય એમ બીડીની છેલ્લી ફૂંક લઈને એને બૂટથી હોલવી ખોંખારો ખાધો. પછી બોલવા માંડ્યું.

એણે આ જગાએ ભાડે આવીને કંઈ ભૂલ કરી નથી. ઘેટાં-બકરાંની જેમ જીપમાં પંદર પેસેન્જર પૂરવાને બદલે આવાં બેત્રણ ભણેલાંગણેલાં મુસાફરો લઈ જઈએ તો કશુંક શીખવાનું મળે. બે પૈસા કમાશે તો પોતે પણ આજુબાજુમાં જમીન ખરીદશે અને આ ભણેલાં માણસને ભેગો થવા આવશે. એના ધારવા મુજબ અમદાવાદ-ગાંધીનગર વચ્ચેનો હાઈવે જ નહીં, સાબરમતીથી ચિલોડા સુધીનો નદીકિનારો પણ થોડાં વરસમાં મકાનોથી ખીચોખીચ થઈ જશે.

શું આ કિનારો પણ ખીચોખીચ થઈ જશે? — જીપમાં બેઠા પછી પણ વાત ચાલુ રહી એ પ્રેમલને ગમ્યું નહીં. એણે અકળાઈને કહ્યું: ‘શું આડેધડ બોલ્યે રાખો છો? તમારા કે મારા જીવનમાં તો અહીં એકાંત જ હશે.’

‘તમારું એકાંત ઘેરાઈ જશે તો પછી ક્યાં જશો કલાકાર?’ — સામે બેઠેલી લાવણ્યે સસ્મિત પૂછ્યું. એ પ્રેમલને ગમ્યું.

‘એકાન્ત કરતાંય વધુ તો હું ઝંખું છું મોકળાશ, પ્રદૂષણ વગરની મોકળાશ. એમ તો અહીં નજીકમાં એક નાનકડું ગામ પણ છે. સાતઆઠ ઘર હશે, કેરીના ઝૂમખા જેવાં. પહેલીવાર હું મિત્રો સાથે અહીં ચાલતો આવેલો. પાછા વળતાં એ બાજુનો રસ્તો લીધેલો. પાણી પીધેલું. પાછળથી કોઈ કે કહેલું કે ત્યાં દેશી દારૂ પણ મળે છે.’

‘એ તો મુખ્ય કારણ નથી ને આ જગા પસંદ કરવાનું?’ — વનલતાએ પૂછ્યું.

જીપવાળો હસ્યો:

‘બેન, દારૂ ક્યાં મળતો નથી? આ અમે એની હેરાફેરીમાં પડીએ તો જોત-જોતામાં માલેતુજાર થઈ જઈએ. પણ એકાદવાર પકડાઈ જઈએ તો પાછા તળિયાઝાટક!’

થોડીવાર રહીને ગિયર બદલીને જીપવાળાએ કહ્યું કે સંપૂર્ણ દારૂબંધીના કાયદા પછી કેવી રીતે દારૂનો ગ્રામોદ્યોગ વધતો ચાલ્યો. અહીં આમ જ થાય. સરકાર લઘુઉદ્યોગ અને ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપવા માગે છે ને! જે કંઈ થઈ રહ્યું છે એ એની નીતિને અનુરૂપ છે.

‘તમે તો ભારે જાણતલ લાગો છો! લો સિગારેટ પીઓ.’ — પ્રેમલે ધરેલી સિગારેટ કશી આનાકાની વિના લેતાં જીપવાળાએ દીવાસળીને એક લસરકે સળગાવી અને એક લાંબી ફૂંક લીધા પછી જ કહ્યું:

‘પાંચ પાંચ વરસ અમદાવાદમાં રિક્ષા ચલાવી છે, સાહેબ! પછી જાણતલ થયા વિના ચાલે? મને તો રિક્ષા ફાવી ગઈ હતી. ભાતભાતનાં પેસેન્જર! કદી કંટાળો ન આવે. પણ મારા એક મિત્રે આ જીપ ખરીદી ને એને ભારે અકસ્માત થયો. એનો એક પગ ભાંગી ગયો. એણે તો આ જીપ સસ્તામાં વેચી મારવી હતી પણ મેં એને રોક્યો. અકસ્માતવાળી ગાડી હું ખરીદીશ.

જેમ વરકન્યા બંનેની કુંડળીમાં મંગળનો દોષ હોય તો નભી જાય છે તેમ મને થયું કે હુંય અભાગિયો ને આ જીપ પણ – મેં બીડું ઝડપ્યું. ગામમાં ખેતી છે. પેલો મિત્ર દેખરેખ રાખે છે. એ બાજુનું ભાડું મળે ત્યારે હું પણ ઘેર જઈ ખેતર પર નજર કરતો આવું છું. હપ્તા ભર્યા પછી જે નફો રહેશે એ બે જણા વહેંચી લઈશું. આજકાલ સારું ચાલે છે. તમારા જેવાની મહેરબાનીથી —’

‘મહેરબાની ભગવાનની.’ લાવણ્ય બોલી. પ્રેમલે ભાડું ચૂકવ્યું. પ્રેમલે નામ પૂછ્યું. ‘કરમશી —’ એનો ભાઈ યુનિવર્સિટીમાં પટાવાળો છે. એ પરણેલો છે. પોતે રાંડેલો છે. બાળલગ્ન થયેલાં. નાતમાં કન્યાઓની ખોટ છે. ખર્ચ કરતાંય — પ્રેમલ અને વનલતા આગળ નીકળી ગયાં હતાં.

લાવણ્ય ક્યાં સુધી એકલી ઊભી રહે? નામ-સરનામું નોંધીને ચાલવા લાગી. કરમશી જોઈ રહ્યો. એણે જીવનમાં જાણે પહેલી સવાર જોઈ હતી. શું આવી રૂપાળી, આવી પ્રેમાળ, આવી નમ્ર યુવતીઓ હોય છે? એ બહેને આ જીપ ચલાવી છે. હવે આને કદાપિ અકસ્માત ન નડે.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.