‘નિજાલય’ થી ~ સુરેન્દ્ર કડિયા
કવિ પરિચયઃ (સુરેન્દ્ર કડિયા વતન : તા. માલપુર, જિ.અરવલ્લી અભ્યાસ : બી.એસ.સી.(ગણિતશાસ્ત્ર) કારકિર્દી: કોમ્પ્યુટર સ્પેશ્યાલિસ્ટ તરીકે, રિલાયન્સ, અમદાવાદમાં 13 વરસ અને એસ.બી.એસ., એસ.બી.આઈ.માં 20 વરસ. ઓક્ટો.2015માં નિવૃત્ત. અમદાવાદમાં સેટલ્ડ. ગઝલસંગ્રહ: “નિજાલય”, 1995માં અકાદમી ની સહાયથી. ત્યાર બાદ છૂટક રચનાઓ ઘણાં ગુજરાતી સામયિકોમાં પ્રકાશિત.)
૧. “થઈ શકે છે…..!”
કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે
જો હવામાં તીર પાછું જઇ શકે છે
તું શું જાણે રેતના ઘરનો મહિમા ?
એક મોજું એક ક્ષણ તો રહી શકે છે !
હું કિનારે સ્થિર ઊભો રહી વિચારું
આ નદીનો અર્થ કેવો વહી શકે છે !
કાળજું કંપે નહીં જો વૃક્ષનું તો
તું ખરેલું એક પીંછું લઈ શકે છે
જ્યાં લગી આ મીણબત્તી હો સળગતી
તુંય તારી આપવીતી કહી શકે છે
~ સુરેન્દ્ર કડિયા
૨. “એમ લાગે….!”
અડાબીડ આંખો ગુલાબોથી પ્રોતું હશે એમ લાગે
તને કોઈ પડદો હટાવીને જોતું હશે એમ લાગે
અનર્ગળ આ દરિયો આ આંસુ,, નદીઓ, ને વર્ષાના પાણી
પરાપૂર્વથી કોઈ પૃથ્વીને ધોતું હશે એમ લાગે
સડેડાટ ગઝલોની ગઝલો વછૂટે છે ક્યાંથી, વિચારો
નિરાકારમાં કોઈ ખુદને જ ખોતું હશે એમ લાગે
હશે મારી ભીતર ડૂબેલી એ નગરી ને એનીયે ભીતર
સુદામાની આંખો સતત કોઈ લોતું હશે એમ લાગે
અમે એક વરસાદી પગલામાં આખો ઉમેર્યો છે શ્રાવણ
અને એ જ પગલાથી આંગણ પલળતું હશે એમ લાગે
– સુરેન્દ્ર કડિયા
૩. “નદી નામનો માણસ…!”
આ નદી નામનો માણસ…!
માણસ? નદી નામનો માણસ?
હા, ભઈ, નદી નામનો માણસ.
એ માણસમાં આવ્યું પૂર
કે બાંધો પુલ હવે ઘેઘૂર
કે માણસ ઓળંગીને જાય મળી માણસને
કહે છે કે વર્ષો પહેલાં નદી નામનો માણસ
નાનું ઝરણું થઈ વહેતો’તો
સૌને કલકલ, કલકલ ભાષામાં કંઈ મનગમતું કહેતો’તો
પણ આ બે કાંઠાની માલિકીનો લોભ, ન એને થોભ
પરાણે એને નદી બનાવી બેઠો
ને માણસ અવાવરુ ને ઊંડા જળમાં જઈ બેઠો તે બેઠો
હવે તો નદી નામનો માણસ
મોટો બંધ બનીને, છતી આંખે અંધ બનીને
વહેણ બધું અટકાવે
ઉપર ઉપર વાસ ડૂબાડે, નીચે નીચે વાસ ઉજાડે
જઈને કોણ હવે સમજાવે
કે, ભઈ, નદી નામના માણસ
તું ખુદને કાં અટકાવે, તું ખુદને કાં અટકાવે….!!
– સુરેન્દ્ર કડિયા
સમર્થ કવિની સમૃદ્ધ કવિતાઓ
અદ્ભુત