બે કાવ્યો (૧) નયા ઘર (૨) નહીં મિલેંગે ~ અમિતાભ ~ ભાવાનુવાદઃ જયશ્રી વિનુ મરચંટ
(આ કાવ્યો મૂળ હિંદીમાં લખાયાં છે. મેં આ કાવ્યો “कविता कोश”ની સાઈટ પર વાંચ્યાં અને મને ખૂબ સ્પર્શી ગયા. આ સાઈટ પર કવિના નામ સાથેનો ફોટો જે અહીં શીર્ષક સાથે મૂકાયો છે, એના સિવાય, આ કવિ શ્રી અમિતાભ વિષે નેટ પર કે “कविता कोश”ની સાઈટ પર બીજી કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
આ બેઉ કવિતાઓ “कविता कोश ના સૌજન્યથી મળી છે અને મૂળ હિંદી કવિતાનો અહીં ભાવાનુવાદ કર્યો છે. અમે “कविता कोश”ના આભારી છીએ.)
૧. નયા ઘર – નવું ઘર
“એમણે બેઈમાનીથી કમાવ્યા થોડા પૈસા
અને ખરીદી લીધો એક ટુકડો જમીનનો
પછી કરીને બેઈમાની થોડી વધુ
અને બનાવી લીધું એક ઘર…!
વળી પાછી કરીને વધુ બેઈમાની
ઘરને એમના હિસાબે ‘લાયક’ બનાવ્યું રહેવા માટે…!
નસીબ આપતું રહ્યું સાથ
અને ખુલતાં ગયાં દ્વાર અપ્રામાણિકતાના…!
બસ, બાંધ્યું પાછું નવું, ‘મોર્ડન’ ઘર, જૂનાં ઘરને પાડી નાખીને..!
લાગે છે કે એમને નવી બેઈમાનીઓ કરવાનાં મળી ગયા છે રસ્તાઓ…
કારણ, ફરી એમનું હવે નવું ઘર બંધાઈ રહ્યું છે…!”
***
‘ધરતીનો છેડો ઘર’ છે એવું કહેવાય છે અને એટલે જ, દરેકના મનમાં, કાયમ એક જ વાતની ધૂન હોય છે કે ‘મારે પણ એક ઘર હોય!’ પણ, એ ઘર મેળવવા, આજના સમયે કેટકેટલું ઝૂઝવું પડે છે?
આજુબાજુ બધે જ જાણે કે એક પોતાનું કહેવાય એવા ઘર માટે એક અદ્રશ્ય હોડ લાગી છે. એમાં આગળ કે પાછળ જોયા વિના, બસ, સતત સહુ દોડતાં રહે છે!
આ હોડમાં પોતાનું કહેવાય એવું બસ, એક ઘર મળે એ માટે અપ્રામાણિકતા આચરવી પડે તોયે આપણાં મનની ‘આચારસંહિતા’ આપણને રોકી શકતી નથી! ત્યારે એમ જ થાય કે, બસ, ‘યેન કેન પ્રકારેણ’ એક ઘર મળી જાય પછી, ‘ઓલ ડન..!” પણ, એ ભૂલી જવાય છે કે “ભ્રષ્ટ થયું જરી તેનો શતમુખ વિનિપાત છે નિર્મેલો…!”
ધીમે ધીમે, જરૂરિયાત વધતી જાય છે અને માણસ બેઈમાની અને પોતાની જાત સાથેની ‘ધોખાદારી’ની ગર્તામાં લપસતો જાય છે. ઘરને સજાવવા, પછી નવું મોટું ઘર બનાવવા અને એનાથી પણ વધુ મોટું અને આલિશાન ઘર બનાવવાની લાલસા જીવન સમસ્તનો કબજો ક્યારે લઈ લે છે એની ખબર કદી પડતી નથી!
કાશ, માણસને પ્રામાણિકતાનું સાચું સરનામું મળી જાય જો જીવનની સફરમાં, તો ઘર, પછી વધુ મોટું ઘર અને પછી એથી વધુ મોટું ઘર… એમ લાલસાના વમળોમાં ડૂબવાથી બચી શકાત…! બરકત વિરાણી, ‘બેફામ”ની આ પંક્તિઓ અચાનક જ યાદ આવી ગઈ!
“તારું સરનામું મને આપ્યું નહિ, તો જો હવે,
વિશ્વમાં ભટકું છું ઘેરઘેર તારે કારણે.”
જો ભૂલેચૂકે આ બેઈમાની આચરવામાં કામિયાબ ન થવાયું, ત્યારે શું આપણે આવું કોઈ તારણ કાઢીને આપણે ઘર માટે કરેલી બેઈમાનીની વિફળતાને “Validate” – પુષ્ટિ આપીને કાયદેસર બનાવીએ છીએ અથવા “Justify” – એને વાજબી ઠેરવી લઈએ છીએ? આ એક સવાલનો જવાબ આપણે પોતા પાસેથી મેળવવા જેટલા પણ પ્રામાણિક થઈએ તોયે ઘણું…!
૨. નહીં મિલેંગે – નહીં મળે..
“બહુ બધાં ઘર ખાલી છે આમ તો..
પણ એમાંનાં થોડાં ઘર તો છે હિન્દુઓના
જે મુસલમાનોને નહીં મળે
એમાંથી ચમારોને
અને પાસવાનોને પણ નહીં મળે!
તો વળી એમાંના થોડાંક ઘરોને
શુદ્ધ શાકાહારીઓ માટે
રાહ જોવી પડશે..!
એમાંથી થોડાંક ઘરો, વળી ‘એડવાન્સ પેમેન્ટ’ના
ચક્રવ્યૂહમાં અટવાઈ જવાથી
કેટલાંક લોકોને નહીં મળે…!
બાકી કેટલાંક ઘરોને પંડિતો
પ્રેતાત્માઓથી છોડાવી લેશે…!”
***
સમાજમાં પ્રવર્તી રહેલા જાતપાત, ધરમ, ઊંચનીચ અને અંધશ્રદ્ધાને લીધે થતાં ભેદભાવ અને દુષણો પર કરેલો કટાક્ષ આ કાવ્યની પણછ દ્વારા છૂટેલું તીર બની સીધું હ્રદય સોંસરવું નીકળી જાય છે. આ કાવ્ય માટે એટલું જ કહેવું છે કે આ કાવ્યની સંવેદના પર શબ્દોનો ઢોળ ચડી જ ન જ શકે. આ કાવ્યને ફરીફરી વાંચીને એની અનુભૂતિ માત્ર આત્મસાત થઈ શકે, બસ!
ક્લોઝ-અપઃ
“ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા, વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે,
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર-ટોપીનોય-માથેથી ઊતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ, જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?”
~નિરંજન ભગત
Very good poems. Beautifully said.❤️