ગુજરાત ને મરાઠા, મા હિંદના સૂબા છે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની સ્થાપના તા. ૧ મે, ૧૯૬૦ના દિવસે થઈ હતી. ત્યારથી આ દિવસ ગુજરાત સ્થાપના દિવસ અને મહારાષ્ટ્ર દિવસ તરીકે ઉજવાય છે. ભાષાનું વૈવિધ્ય અને રાજકીય વહીવટ ધ્યાનમાં લઈને આપણે ત્યાં રાજ્યોની રચના કરવામાં આવી છે. ગુજરાતી અને મરાઠી ભગિની ભાષા છે.

ડૉ. ભૂમા વશીના મુક્તક સાથે જુદાગરો નહીં પણ એકાત્મકતા અનુભવીએ…
એક રેખા ખેંચવાથી હૈયા જુદાં થાય નહીં
એક હસ્તાક્ષર કરીને અલવિદા કહેવાય નહીં
હો મરાઠી કે હો ગુજરાતી પ્રજા આ દેશની
સ્નેહ-બંધન, ભાઈચારો એ કદી વિસરાય નહીં
કોર્પોરેટ જગતમાં વિવિધ કંપનીઓનું એકમેકમાં વિલીનીકરણ કરવાની કે મોટી કંપનીનું વિભાજન કરવાની પરંપરા હોય છે. એનો ઉદ્દેશ વહીવટી બાબતો સાથે આર્થિક સરવૈયું સાચવવાનો હોય છે. મરાઠી અને ગુજરાતીએ એકમેકને સાચવવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતીમાંથી મરાઠી અનુવાદોનું કામ ઉમાશંકર જોશીના ગંગોત્રી ટ્રસ્ટે સુપેરે કર્યું. એસએનડીટી મહિલા વિદ્યાપીઠના કાર્યકાળ દરમ્યાન સુરેશ દલાલે મરાઠીનું ઉત્તમ સાહિત્ય ગુજરાતીમાં લાવીને અકલ્પનીય પ્રદાન કર્યું. `તુકા કહે તુકા મ્હણે’ કાવ્યસંગ્રહમાં સુરેશભાઈએ તુકારામના પદોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો.

તેમાંથી એક અનુવાદ માણીએ…
પુણ્યવંત થઈએ લઈને | સંતજનોનાં નામ ||
વાણીને નહીં કંટાળો | મળે મહાલાભનાં દામ ||
સંતોને ચરણે ભાવ | એ તો વિશ્રાંતિનું ધામ ||
તુકા કહે, સંતનામ જાપથી | ટળે પાપ તમામ ||
આપણે ત્યાં ભગિની ભાષાના આદાનપ્રદાનની ભવ્ય પરંપરા રહી છે. કાકાસાહેબ કાલેલકર મરાઠી હોવા છતાં સવાયા ગુજરાતી તરીકે માતબર લેખન કર્યું. તેમના લલિત નિબંધો અને પ્રવાસવર્ણનો માઈલસ્ટોન ગણાય છે.
બીજી તરફ સ્વામી આનંદ ગુજરાતી હોવા છતાં મરાઠીમાં પણ નોંધનીય સર્જન કર્યું. તેઓ ત્રણ ચોપડી મરાઠી ભણેલા. સ્વામી આનંદની ભાષાશૈલીની કોપી કરવી એ પ્રેમિકાને હથેળીમાં ચાંદતારા બતાવવા જેવું અઘરું કામ છે.

સ્વામી આનંદ લખે છેઃ `મારી ભાષા કાઠિયાવાડી કે ગુજરાતી નથી પણ અડધો ડઝન પ્રાંતભાષાઓનો ખીચડો છે ને મુખ્યત્વે તેનું હાડ મરાઠીનું છે.’ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને ઔદ્યોગિક અને આર્થિક દૃષ્ટિએ પણ મહત્ત્વના રાજ્યો બની ચૂક્યા છે. તૃપ્તિ ભાટકર એને અવલોકે છે…
જાણે ખભા મિલાવી સંતાન બે ઊભા છે
ગુજરાત ને મરાઠા, મા હિંદના સૂબા છે
વિકાસની ડગર પર, સમૃદ્ધિના શિખર સર
બંને કરી રહ્યાં છે, બસ કાફલા જુદા છે
બંને રાજ્યોમાં ભાષા ઉપરાંત બોલીની સમૃદ્ધિ પણ ખાસ્સી છે. કાંદિવલીમાં રહેતા મૂળ ગુજરાતી પણ મરાઠીમાં વિશેષ કાર્યરત ડૉ. મોનિકા ઠક્કરે `માઝી બોલી માઝી ભાષા’ પુસ્તકનું સંકલન અને સંપાદન કર્યું છે જેમાં મહારાષ્ટ્રની ૫૭ બોલીની ૫૭ કથા સમાવિષ્ટ છે.

મૂળ ભાષા ઉપરાંત બોલીનું પોતાનું વિશેષ ભાવવિશ્વ અને નાદવિશ્વ હોય છે. એની લઢણ, એના કાકુ, એના સૂચિતાર્થની દુનિયા અલગ જ હોય. એમાં તમને જે-તે માટીનો ધબકાર સંભળાય. ગુજરાતીમાં પણ અનેક બોલી પ્રવર્તમાન છે. ડૉ. સેજલ દેસાઈ એનો વ્યાપ આવરે છે…
`ગુજજુ’ તો ઊર્મિઓના વાહક થઈ ગયા છે
જેના બધાયે દેશો ગ્રાહક થઈ ગયા છે
આખાય વિશ્વમાં જયાં, ગુજરાતી જાય ત્યાં ત્યાં
મધમીઠી બોલીના સૌ, ચાહક થઈ ગયા છે
ગુજરાતમાં સુરતી, પટણી, વાઘેરી, હાલારી, સોરઠી, ચારણી, ચરોતરી, આંબુડી, કોલ્ઘા, કુંકણા, ચૌધરી, ઢોલિયા, દહેવાણી, ગામીત, વસાવી, ટંડેલ, હળપતિ, મિર-મિરાતી, રાઠવી, ડુંગળી ગરાસિયા, બારોટી, બિલી, વણઝારી, સામઠી, ચારણી, વાદી, મોદી, મદારી, મેર-ખારવાની, કોળી-ચોરવાડી સહિત ૫૫ જેટલી બોલી બોલાય છે. વડોદરા અને સુરતમાં વસેલા ઘણા મરાઠીભાષી કવિઓ ગુજરાતીમાં લખે છે.
મકરંદ મુસળેએ સમર્થ સ્વામી રામદાસ રચિત `શ્રી મનાચે શ્લોક’નો સુંદર ગુજરાતી ભાવાનુવાદ કર્યો છે.

વડોદરાના સંજય રાવ પોતાના શહેરની પીઠ થાબડે એમાં કંઈ ખોટું નથી…
લાગે ગુજરાતીને મુંબઈ ઘરનાં જેવું, પોતીકું
ને વડોદરામાં મરાઠી અસ્મિતા છલકાય છે
લાસ્ટ લાઈન
કસ કાય? મઝેત! કેમ છો? મજામાં!
આપણી મજાઓ રાખે વાવટા ધજામાં!
તું ખાય વડાપાઉં, હું ખાઉં દાબેલી
તું થાય `વેડા-વેડા’, હું થાઉં ઘેલી ઘેલી
હું બનાવું વેઢમી, તું ખાય પૂરણપોળી
સાજુક તૂપ-શુધ્ધ ઘીમાં બોળી બોળી
ગુજરાત મોરી મોરી રે! ગુજરાત મહાન!
માઝા મહારાષ્ટ્ર! માઝા અભિમાન!
એક માના બે દીકરા, એક મગના ફાડિયા બે
એકબીજા વિના ચાલે નહીં, ડાબી જમણી અખિયાં બે
ખમણ-ઢોકળાં, ફાફડા-જલેબી મને તો બહુ ભાવે
થાલીપીઠ ને કાંદા પૌંઆ, પીઠલૂ-ભાત લલચાવે
હું ખાઉં સેવ ઉસળ, તું ખાય પાઉં મિસળ
હાફૂસ કેરી, કેસર કેરી, ખાઈએ રસ અનર્ગળ.
ઘુઘરા-કરંજી, સેવ, ચેવડો, ચકરી ને મઠિયાં
ખીર-પુરી, લાડુ, ભજિયાં, આપણે સ્વાદના રસિયા
ગણેશ ઉત્સવ ને મોદક તારી સોગાદ
રાસ ગરબાની રમઝટવાળી મારી નવરાત
પૈઠણી ને બાંધણી, મોંઘી પટોળાની ભાત
‘નથ ને હલદી-કંકુ’, પરંપરાઓ રળિયાત
તુઝ્યા કડે જ્ઞાનદેવ, રામદાસ, તુકારામ
મારી કને ગંગાસતી, નરસિંહ, દયારામ
સાવરકર ને શિવાજી, સરદાર ને ગાંધીજી
કેવા પનોતા પુત્રો, ભારતમાતા રાજી રાજી
અંબાજીને સિંહ સવારી, ગણેશને વ્હાલો ઉંદર
આપણી મૈત્રી, આપલી જોડી, કિતી છાન, કિતી સુંદર
તું આંખોને સપનાં આપે, હું સપનાંને પાંખો
ભારતવર્ષનો સૂરજ આપણે પડવા ન દઈએ ઝાંખો
જય શિવાજી, જય ભવાની, ચરણે પડીએ સૌ
વંદે ભારત નાદ કરીને આગળ વધીએ સૌ
~ રશ્મિ અગ્નિહોત્રી (અમદાવાદ)
બંને રાજ્યોની આગવી ઓળખ બની ગયેલી તમામ બાબતોનુંએકજ કાવ્યમાં અદ્ભૂત સમન્વય.. 👌
ખૂબ સારો લેખ. ખૂબ ખૂબ અભિનંદન.