પ્રકરણ: ૭ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી

પ્રિય વનલતા,

મજામાં? પરદેશના કંઈ સમાચાર? મારી વાત કરું તો મન ત્યાં છે.

જ્યારથી પીએચ. ડી.નો વિષય નક્કી થયો છે ત્યારથી ઈડર છોડવાની લાગણી જાગી છે. એમ થાય છે કે ઈડર છૂટી જશે? શું કારણ છે મમતા જાગવાનું? લલિતા જેવી બહેનપણી? કે શારદા જેવી શિક્ષિકા?

મારા નિરીક્ષણમાં રહેલી શાળાઓની સ્થિતિ વિશે વિચાર કરતાં ચકરાવા લેતો અસંતોષ જાગે છે. મારા અભિપ્રાય કાગળ પર રહી જાય છે. ક્યાંક શારદા જેવી શિક્ષિકા ઓછામાં ઓછી સગવડે પણ વધુમાં વધુ કામ કરતી દેખાય છે અને આશ્વાસન મળે છે. લલિતા- શારદાને ક્યારેક તારે ત્યાં લઈ આવીશ. દરમિયાન તું એકાદ વાર આ બાજુ આવી જા.

જાણે છે ઈડર એ એક પ્રાચીન સ્થળ છે? પુરાણોમાં ઈલ્વદુર્ગ નામે એના ઉલ્લેખો મળે છે. કહે છે કે પ્રાચીન કાળમાં આ પ્રદેશ સમૃદ્ધ હતો. અને સમૃદ્ધિ સાથે ઋષિમુનિઓને ઓછો અને અસુરોને વધુ સંબંધ રહેલો છે.

દ્વાપર યુગમાં વાતાપી અને ઈલ્વન નામના બે અસુરોએ ગામાત પાડાઓની જેમ અહીં ત્રાસ ગુજારેલો. અગસ્ત્ય ઋષિએ એમનો નાશ કરેલો. ભવિષ્યોત્તર પુરાણ ત્યાં કોઈક પુસ્તકાલયમાં હશે. જોઈ જવા ધારું છું.

વેણી વત્સરાજ નામના રાજાની કથા પણ અદ્ભુત છે. ગઢવાલ પ્રદેશમાં આવેલા શ્રીનગરના રાજાની રાણીને ગરજ નામનો પક્ષી ઉપાડીને છેક આ ઈડરના ડુંગરાઓમાં લઈ આવ્યો હતો! ક્યાં હિમાલય અને ક્યાં ઈડર! રાણીએ કુંવર વેણી વત્સરાજને આ ઈલ્વદુર્ગમાં જન્મ આપ્યો હતો. અહીં કેટલાંક વર્ષો સુધી એણે રાજ્ય કરેલું. પછી એની નાગપત્નીના આગ્રહથી એણે આ સ્થળ છોડેલું. તારંગા તો આપણે સાથે ગયેલાં યાદ છે? ત્યાં તારણ માતાની ગુફા છે. પાતાળમાં અદશ્ય થવાનો સંદર્ભ સમજાતો નથી. વાંચવું છે, જોવું છે. તું સાથ આપશે? અનુકૂળતા જણાવજે.

ઈ. સ. 1902 સુધી ઈડર રાજધાનીનું શહેર હતું. પછી સિંહાસન હિંમતનગર ગયું. હવે તો અહીં દોલતસિંહના વિલાસભવન અને રૂઠી રાણીના માળિયાનું કંઈક મહત્વ છે. ટેલિફોન ટાવરથી પણ ઉપર ડુંગરની ટોચ પર રાવ ભાણની કુપિતા રાણીનું ભવન મને વિચારવા પ્રેરે છે. જ્યારે સ્ત્રી પુરુષની સંપત્તિ ગણાતી -માત્ર લક્ષ્મી ગણાતી, સર્વક્ષેત્રે એને સમાન અધિકાર નહોતા ત્યારે પણ એક રાણી – એક માનિની નારી કુપિત થઈને શુંનું શું કરી શકતી?

જ્યારે પણ આ બાજુ ફરવા જાઉં છું, જૈન મંદિરથી રણમલ્લ ટેકરી જવાનું મન હોય છે, તોપણ કોણ જાણે કેમ એથી ઊલટી દિશામાં ચાલવા લાગું છું, પૂર્વ ભણી, અને રૂઠી રાણીના માળિયા પાસે આવીને ઊભી રહું છું. ત્યાંથી જોઉં છું નીચે ઉપવસ્ત્ર શી પાસવાન રાણીનો નાનકડો મહેલ, જે રાજાની સાથે ને સાથે રહેતી અને બીજી બધી રાણીઓ પર જોહુકમી ચલાવતી!

તને યાદ છે? ‘મળેલા જીવ’ની મેઘાણીએ લખેલી પ્રસ્તાવના આપણે સાથે વાંચેલી? એમાં મેઘાણીએ કાનજીને ઈડરિયા પથ્થરની ઉપમા આપેલી છે!

“અલ્યા નઘરોળ! નશરમા! પરને સોંપ્યા પછી પણ વિમુખ બનીને દગો દીધો? હાળા ઈડરિયા પથ્થર!”

— આ તો લખતાં લખાઈ ગયું. આને આધારે મારું મનોવિશ્લેષણ કરવા ન બેસતી. આ પત્ર તો તને આમંત્રણ આપવા લખ્યો છે.

બા-બાપુજીને પ્રણામ. પ્રેમલ ઘેર આવે છે?

સ્નેહાધીન,
લાવણ્ય

વળતી ટપાલે વનલતાનો પત્ર આવ્યો, પણ એમાં આમંત્રણનો ઉત્તર નહોતો. માગણી હતી. અને એ પણ કેવી મોટી જવાબદારી ઉપાડવાની?

પ્રિય લાવણ્ય,

તારા પત્રનું મનોવિશ્લેષણ કરવાનું મને જરૂર ગમત, પણ હું ક્યાં તારા જેટલી સંવેદનશીલ અને બુદ્ધિશાળી છું? દુનિયાદારીની જે તૈયાર સમજણ છે, સંસારરૂપી બજારમાં જે અપેક્ષિત ઉત્તરો મળે છે એની મદદથી હું મારા સવાલ હલ કરી લઉં છું. પણ હમણાં એક એવો સવાલ ઊભો થયો છે જેને હલ કરવામાં બા-બાપુજી પણ સફળ થયાં નથી.

પ્રેમલ એની આજ સુધીની બધી બચત રોકીને સાબરમતીનાં વાંઘાંમાં આવેલી જમીન ખરીદવા માગે છે. આ અંગે ઘરમાં બે પક્ષ પડી ગયા છે. મારી દશા કફોડી છે. હું કોઈની સાથે બગાડવા માગતી નથી. કોનો પક્ષ લઉં? તારા જેટલી હું બુદ્ધિશાળી હોત તો દલીલોના જોરે પ્રેમલને સમજાવી શકત. ખેર, તું જલદી આવ. જરૂર લાગે તો કપાત પગારે રજા મૂકીને આવ. લવાદી કરી જા.

હું તારી જેમ ‘સ્નેહાધીન’ લખી શકતી નથી. સ્નેહ એટલે શું એ જાણતી નથી અને જેને અધીન થવું ગમે એવો કોઈ મુરતિયો નજરે પડ્યો નથી. તેથી એટલું જ લખું છું –

તારી વિશ્વાસુ,
વનલતા

વનલતા મજાક તો ન કરે, પણ આ લાગે છે તો એવું જ. પ્રેમલ અને મધુકરભાઈ વચ્ચેના વિવાદમાં હું લવાદ? – લાવણ્યને એકવાર તો હસવું આવી ગયું. એકાંતમાં હાસ્યનો અવાજ સાંભળીને એ સાવધ થઈ ગઈ.

લવાદી કરવામાં હું સફળ થઈશ? બાપ-દીકરો બંને બુદ્ધિના સોહરાબ-રુસ્તમ છે. અને હું? એક શિક્ષણ-નિરીક્ષકની નોકરી કરતી ભાવુક યુવતી, મારા વિસ્તારની શાળાઓને નિયમિત કરવામાં, શિક્ષકો સાચી હાજરી પૂરે એમાં પણ સફળ થઈ શકતી નથી તો લવાદ તરીકે ચુકાદો આપીને મારી વાત એ બે બળિયાઓને ગળે ઉતારી શકીશ?

જઈશ તો ખરી પણ શરૂઆતમાં જ ચોખવટ કરી દઈશ, હું તો મળવા આવી છું. દળવા બેસાડવી હોય તો તમારી મરજી.

પ્રેમલ મોટો સ્ટુડિયો રાખે એ અંગે તો મતભેદ હતો જ નહીં. પણ ક્યાં? ત્યાં સાબરમતીનાં વાંઘાંમાં? જ્યાં અમારા જેવાં તો કદી જઈ શકે જ નહીં….

વનલતા કહે છે: પ્રેમલ હવે કંઈ નાનો નથી. ગુજરાત બહાર પણ એ ચિત્રકાર તરીકે જાણીતો થયો છે. એ દરરોજ કંઈ ને કંઈ કર્યા જ કરે છે. એ અનુભવે કરીને માને છે કે નિષ્ક્રિયતા નશાને નોતરે છે. તેથી અગાઉનાં ચિત્રો વેચાયાં ન હોય તોપણ એ નવાં ચિત્રો હાથમાં લે છે. ક્યારેક એક સાથે બેત્રણ ચિત્રો પર કામ કરે છે.

એને સ્ટુડિયો માટે મોટી જગા જોઈએ જ. પણ એ મોટી જગા વાંઘાંમાં હોય કે અમદાવાદ પાસેની કોઈ ટેકરી પર એટલું જ નક્કી કરવાનું છે. પૈસાનો પ્રશ્ન નથી. પ્રેમલનાં જે ચિત્રો વેચાયાં છે એમાંથી જ એ ઘણું કમાયો છે. પિતાજીએ મદદ કરવી નહીં પડે.

મધુકરભાઈને મદદ કરવા સામે વાંધો ન હતો. મધ્યમ વર્ગનાં માબાપોની મોટા ભાગની રકમ આજકાલ એમનાં ઉમ્મરલાયક સંતાનોને થાળે પાડવામાં ખર્ચાય છે. પોતે પણ એમ કરી શકે. એકનો એક દીકરો છે. અને વનલતાના લગ્નના ખર્ચની તૈયારી તો ત્રણેક વર્ષથી કરી રાખી છે. સગાઈ થાય એટલી વાર. સારી એવી બચત છે અને પેન્શન મળે છે. પ્રેમલને મદદ કરવાનું ગમે. પણ એ નક્કી કરી શકતા નથી કે પ્રેમલ પૈસા રોકી રહ્યો છે કે વેડફી રહ્યો છે.

એ એક એકર જેટલી જમીન પાંત્રીસ હજારમાં મળે છે તેથી દેખીતી રીતે તો સસ્તી લાગે પણ જાતે જોયા વિના કોઈને ખબર પડે તેમ નથી કે એ જમીન સસ્તી છે કે સાવ નકામી છે.

થોડીવાર રહીને મધુકરભાઈએ કહેલું: હવે રહી પ્રેમલની આગવી બચતની વાત. એનું બધું ખર્ચ હું આપતો ન હોત તો એ એની આવકમાંથી શું ધૂળ બચત કરવાનો હતો? વનલતા, તું જાતે તપાસ કરી આવીને કહે. આજે પ્રેમલ પાંત્રીસ હજાર રોકે છે. બે વરસ પછી વેચવા જશે તો પચીસ હજાર પણ પાછા આવશે? અને બીજાં જોખમો પણ ગણતરીમાં લેવાનાં કે નહીં? જ્યાં સલામતી નથી હોતી ત્યાં મૂડીરોકાણ એળે જાય છે. એનું વ્યાજ પણ —

મધુકરભાઈ દીકરીને સમજાવી રહ્યા હતા ત્યાં પ્રેમલ આવી પહોંચ્યો હતો. એણે છેલ્લું વાક્ય સાંભળ્યું હતું: ‘પપ્પા, તમે બેફિકર રહો. એ જમીન ખરીદીને સ્ટુડિયો બાંધ્યા પછી એના પાંત્રીસ લાખ રૂપિયા ઊપજતા હશે તો પણ હું નહીં વેચું. ત્યાં રહીશ. હું બજાર નથી શોધતો, વતન શોધું છું. મને અહીં ગૂંગળામણ થાય છે.’

‘તું એ બિહામણાં કોતરોમાં રહેશે?’

‘કોતરો? ક્યાં છે કોતરો? નજીકમાં એકાદ કોતર હોત તો મને વધુ ગમત. એ જમીન સપાટ છે. હા, એટલું ખરું કે બાજુના વિસ્તાર કરતાં પંદરવીસ ફૂટ નીચી છે. અને તેથી જ આટલી સસ્તી મળે છે. તમને નદીના પૂરનો ભય લાગે છે જ્યારે મને એનું આકર્ષણ છે. આ પાણીની અછતનાં વર્ષોમાં સાબરમતીમાં પૂર આવે અને મારાં બેચાર ચિત્રો તણાઈ જાય તો મને એની સામે જરાય વાંધો નથી.’

‘તું તારી માને તો એટલે સુધી કહેતો હતો કે તું જાતે તણાઈ જાય તોય તને વાંધો નથી.’

‘હાસ્તો, શો વાંધો? માણસો અકસ્માતમાં મરી જતા નથી? આપણામાંથી કોઈ અમર નથી.’

‘તેથી તો સાવધ રહેવાનું હોય છે —’

‘સાવધ રહેવું એટલે ગણતરીપૂર્વક જીવવું, તમારી જૂની પેઢીની જેમ.’

‘આંધળિયાં કરવાને બદલે સ્વજનોને સુખી અને સંપન્ન કરવા માટેની ગણતરી સારી. જો પ્રેમલ, મારી વાત સ્વસ્થ ચિત્તે સાંભળી લે અને રંગદર્શી થયા વિના વિવેકપૂર્વક નિર્ણય કર. હું તારી સાથે કજિયો કરવા માગતો નથી. મેં મારો અભિપ્રાય આપી દીઘો. હવે તારે જે કરવું હોય એ કર.’

‘મારે શું કરવું છે એ અંગે હું નિર્ણય લઈ ચૂક્યો છું. તેમ છતાં તમારા અને મમ્મીના સંતોષ ખાતર વનલતાના અભિપ્રાયને છેવટનો માનવા તૈયાર છું. એ જઈને જોઈ આવે. શરત એટલી જ છે કે તમારે કે મમ્મીએ એની સાથે જવું નહીં.’

‘એમાં પણ શરત? અવિશ્વાસ?’

‘તમારી ભાષામાં કહું તો સાવચેતી!’

— આ વિવાદ પછી વનલતાએ એ જગા જોઈ આવવા ઇચ્છા કરેલી. પણ એ સાથે જ વિચાર આવ્યો કે મારે અભિપ્રાય તો સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરવો જ પડશે. બંને પક્ષ સાચા છે એવું કહી નહીં શકાય. અને તેથી એક પક્ષ તો નારાજ થશે જ. શું એવો કોઈ ઉપાય નથી કે પ્રેમલ અને પપ્પા વચ્ચે સમાધાન થાય? કદાચ સમાધાન શક્ય નથી.

તે દિવસ પપ્પાએ બાતમી આપતાં કહેલું:‘એ જમીનનો માલિક પહેલાં શ્રીમંત હતો. એને ખરીદ્યા પછી દેવાદાર થતો ગયો ! એ સાંભળીને પ્રેમલ ઊકળી ઊઠેલો. ‘તમને ભવિષ્યમાં શ્રદ્ધા તો નથી જ, બીજા સામાન્ય માણસોની જેમ અંધશ્રદ્ધા પણ છે.’

— આવો વાદવિવાદ ચાલ્યા જ કરશે અને પોતે કશી નિર્ણાયક ભૂમિકા ભજવી નહીં શકે એની ખાતરી થતાં વનલતાએ લાવણ્યને યાદ કરી હતી. એવામાં એનો ઈડરથી પત્ર આવ્યો. તુરત તક ઝડપી લીધી. ઉકેલ આવી જશે. પ્રેમલના છેલ્લા ‘વન મૅન શો’ વખતે લાવણ્ય અહીં બે દિવસ રોકાઈ હતી. ચિત્રકાર મિત્રોની પાર્ટીમાં પણ એ પ્રેમલ સાથે ગઈ હતી અને છેક મોડી રાતે પ્રેમલને લઈને આવી હતી. વહેલી સવારે એ નીકળી જવાની હતી. જતાં જતાં વનલતાને જગાડીને એક સંદેશો પાઠવતી ગઈ હતી:

‘પ્રેમલને કહેજે: જે નશો આપણા સ્વમાનને ઓગાળી નાખે, ચાલવા માટે બીજાનો ટેકો લેવાની ફરજ પાડે, અને અજાણી યુવતીના ખભે માથું મૂકીને ઘોરવાની અસહાયતા જગવે એ નશાથી પ્રેમલ જેવા પ્રતિભાશાળી કલાકારે તો બચવું જ જોઈએ.

સાથે સાથે સ્પષ્ટતા પણ કરજે. મને એ બધા માટે સૂગ નથી. એમ હોત તો હું એ પાર્ટીમાં જાત જ નહીં. મેં ધારેલું કે રંગનાં છાંટણાં હશે, કૂંડાં નહીં. ખેર, પ્રેમલને ટેકો આપવા હું પાર્ટીમાંથી ઊભી થઈ ત્યારે જોયું કે બે કલાક પહેલાં પોતપોતાની સર્જનપ્રક્રિયાની વાતોથી મારા હૃદયમાં અહોભાવ જગવનારા સર્જકો થોડાક સંયમના અભાવે દયાપાત્ર બની ગયા છે.’

— લાવણ્યનો આ સંદેશ વનલતા પ્રેમલને પહોંચાડી શકી નહોતી. હવે એ આવે ને વાત નીકળે તો એ પોતે જ કહી શકે. પણ મુખ્ય કામ તો જમીન ખરીદવા અંગે સલાહ આપવાનું છે. લાવણ્યના અભિપ્રાયને પપ્પા-મમ્મી પણ સહજ ભાવે સ્વીકારી લેશે.

સાચે જ સ્વીકારી લેશે? કારણ?

કારણ કે એ બંનેને પુત્રવધૂની જરૂર છે. એવી પુત્રવધૂની જે દીકરાને ઘરમાં રહેતો કરે. જે બે પેઢી વચ્ચે સેતુ બને.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.