“કભી તો મિલેગી, કહીં તો મિલેગી, બહારોં કી મંઝીલ….!” ~ ડૉ. દક્ષા પટેલનો સેવા યજ્ઞ ~ જયશ્રી વિનુ મરચંટ

“નવેમ્બર ૩૦, ૨૦૧૬, આજે મારી ડાયરીમાં શું લખું અને કેટલું લખું, સમજ નથી પડતી. આજે એક એવી જિંદાદિલ અને નિઃસ્વાર્થ સેવાભાવી વ્યક્તિને, ભારતે ખોઈ છે. મને મારા મિત્રનો ફોન આવ્યો કે, “ડો. દક્ષાબેન ઈઝ નો મોર,” હું સૂન થઈ ગઈ છું. વિનુના ગયા પછી, જ્યારે ડો. દક્ષાબેન જેવાં નિસ્વાર્થ સેવા કરનારા ૭૦ ની વયે જતાં રહે ત્યારે, થાય છે, ઉમદા- નોબલ- માનવીઓને, આ ઈહલોકમાંથી, આટલે જલદી બોલાવી લઈને, ઈશ્વરને શું મળતું હશે, જો ખરેખર ઈશ્વર હોય તો…!” આટલું જ એ દિવસના પાના પર લખ્યું હતું.
દક્ષાબેનને, વિનુ અને હું આમ તો બે વાર જ મળ્યાં હતાં. એક વાર, કદાચ, ૮૯-૯૦ની સાલમાં અને બીજીવાર, ૯૫-૯૬માં, બેઉ વાર, મારા વ્હાલા નાનાભાઈ, ડોક્ટર રાકેશ અને નીલા કોહલીને ઘરે, ન્યુ જર્સીમાં મળવાનું થયું હતું. ડો. દક્ષાબેન, એમનાં સ્વજનો અને મિત્રોએ સ્થાપેલા, “ફ્રેન્ડ્સ ઓફ આર્ચ”ના ફંડ રેઝીંગ માટે અહીં આવ્યા હતાં પણ, માત્ર પૈસારુપી મદદ માટે નહીં, પણ લોકોમાં સંવેદના પેદા કરવાનો એમનો મુખ્ય ઉદ્દેશ હતો. પણ પોતાની સરળતા અને સાલસતાથી દક્ષાબેન તો પ્રોગ્રામમાં હાજર રહેલા બધાંનું મન જીતીને પાછા ગયાં હતાં. બે મુલાકાતોમાં, દક્ષાબેન એક અમીટ છાપ મારા અને વિનુના મન પર છોડી ગયા હતાં.
૨૦૧૭ની સાલમાં, ફેબ્રુઆરી ૨૦૧૭નો, “નવનીત-સમર્પણ”ના અંકમાં ભાઈશ્રી સુદર્શન આયંગરનો લેખ, “ડોક્ટર દક્ષા પટેલ, સમન્વયી ભાવબુદ્ધિની સેવાયાત્રા”નો લેખ વાંચતાં દક્ષાબેન સાથેની એ મુલાકાતો યાદ આવી ગઈ.

દક્ષાબેનને પહેલીવાર મળી અને એમના સેવા કાર્યો વિષે જાણ્યું ત્યારે, અહોભાવથી મેં કહ્યું હતું કે તમે ગુજરાતી મધર ટેરેસા છો, તો એમણે જે કહ્યું હતું એનો અક્ષરેઅક્ષર મને યાદ છે, “જયશ્રીબેન, મધર ટેરેસા થવા માટે પ્રાણી માત્ર માટે અપાર કરૂણા અને સમતા જોઈએ. મને નથી લાગતું કે હું એટલી કરૂણામય છું, હા, કર્મ કરતાં રહેવું અને મને આવડે એ ક્ષેત્રમાં લોકોની સેવા કરવાનું મને ખૂબ ગમે છે અને એ જ હું કરી રહી છું. આમાં કોઈ મોટો મીર હું નથી મારતી.”
અમેરિકાના લગભગ ચાર દાયકાના વસવાટ દરમિયાન, અનેક ભરતીય મૂળના તથાકથિત ડોક્ટરોને અને હેલ્થ પ્રોફેશનલોને મળી છું. અનેકના મોઢે, પાછા વતનમાં, ગામડાઓમાં જઈને સેવા કરવાની પ્રબળ ભાવના પણ સાંભળી છે પણ, આજીવન ભેખ ધરીને સેવા કરનાર જોયા તે હતાં, ડોક્ટર દક્ષાબેન અને એમના પતિ, ડો. અનિલભાઈ પટેલ.
દક્ષાબેનનો જન્મ મધ્યમ વર્ગીય જૈન કુટુંબમાં થયો હતો. નાનપણથી તીવ્ર બુદ્ધિમતા ધરાવનારા દક્ષાબેને સુરતની મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ. ની ડિગ્રી મેળવી.
દક્ષાબેનને મેં સવાલ પૂછેલો, “આપના ભાઈ-બહેનો અહીં છે તો આપને એવું ન થયું કે અમેરિકા જઈને મેડિસીનની પ્રેકટીસ કરું? ગુજરાતના એવા ગામોમાં જવાની ઝંઝટ કેમ કરું કે જ્યાં વિજળી નથી કે નથી સ્વચ્છ પાણી પીવાની સગવડ?”
એમણે ત્યારે જે કહ્યું હતું તે મને આજે પણ યાદ છે; “જયશ્રીબેન, મેં પણ વિચાર્યું હતું કે શહેરમાં મજાની પ્રેકટીસ કરીશું, કોઈ વેલ ટુ ડુ ડોક્ટરની સાથે લગ્ન કરીને, આશાએશની જિંદગી ગુજારીશું. પણ મેડિકલ કોલેજમાં ભણતી વખતે, જેમજેમ ગરીબી, બિમારી, સામાજિક સ્તરની અસમાનતા અને એથી પેદા થતાં અનેક કોમ્પલિકેટેડ પ્રશ્નો સમજાવવા માંડ્યા, ત્યારે થયું કે મારે અહીં, આપણા જ લોકોમાં રહેવું. એવામાં અનિલ અમારી કોલેજમાં રજિસ્ટ્રાર તરીકે જોડાયા હતા. એમને પ્રિવેન્ટિવ મેડિસનમાં ખૂબ જ રસ હતો. હું એમની પ્રત્યે આકર્ષાઈ. બસ, પછી મને મારું ધ્યેય મળી ગયું. અને સગવડો-તકલીફોનું સમીકરણ સોલ્વ કરવાની તકલીફ ન રહી.”
“તો, તમને ત્યારે ખાતરી થઈ ગઈ હતી કે આ કામ એ જ તમારું ‘કોલિંગ’ (અંતરનો અવાજ) છે?” મેં પૂછ્યું.
“એટલું બધું કંઈ વિચાર્યું નહોતું. મને અનિલના કામ પર ભરોસો હતો. અનિલે ગામડાઓમાં ફરીફરીને એટલું બધું કામ કર્યું છે આ પ્રિવેન્ટિવ કેર અને વેક્સીનેશનના ક્ષેત્રમાં, એ પણ ‘એકલો જાને રે’ ની જેમ! બસ, લગ્ન પછી, અમે આદિવાસીઓમાં જઈને કામ કરવાનું નક્કી કર્યું. પણ, સામાજિક આરોગ્ય–પબ્લિક હેલ્થ-ની સાયન્ટીફિક સમજણ વિના આવી કેર આપવી શક્ય નહોતી.”
“તમે આ શક્ય કઈ રીતે બનાવ્યું? મને ખરેખર તમારી આ અનોખી સફર વિષે જાણવું છે.”
“મેં દોઢ વરસ અને અનિલે કાયદેસર રીતે ચાર વરસ ‘લંડન સ્કૂલ ઓફ હાઈજિન અને ટ્રોપિકલ મેડિસિન’માં પબ્લિક હેલ્થનો અભ્યાસ કર્યો. બે-અઢી વરસ, મેં આજીવિકા માટે હોસ્પિટલમાં નોકરી કરી. અમે જ્યારે ૧૯૭૯માં પ્લાન પ્રમાણે ભારત આવ્યાં ત્યારે અમારો પુત્ર આકાશ એક વરસનો હતો. ગાંધી અને વિનોબાજીના ગ્રામ નવનિર્માણના કાર્યમાં ખૂંપી ગયેલા કેટલાક મિત્રોની સહાય મળી અને અમે રાજપીપળાથી કાર્ય શરૂ કર્યું. ૧૯૮૨માં, માંગરોળમાં એકશન રિસર્ચ એન્ડ કમ્યુનીટી હેલ્થ – આર્ચ-ની સ્થાપના થતાં આ કાર્યોને નવું બળ મળ્યું.”
“દક્ષાબેન, તમારી અને અનિલભાઈની આ તો સ્વભાવગત કરૂણા જ કહેવાયને?
“ના, બહેન. આ એક સામાજિક જાગરુકતાથી પ્રેરાયેલો નિર્ણય હતો, કરૂણાથી નહીં. આથી જ મને મધર ટેરેસા કહો તો મધર ટેરેસાની દરેક જીવ માટેની કરૂણાને અન્યાય થાય.” એમના આ જવાબમાં પોતે સમાજને માટે એક મિસાલ કાયમ કરી રહ્યા છે એની મોટપનો જરાયે ભાર તો નહોતો, પણ, મનમાં એક સ્ફટિક સમી સ્વચ્છ અને નિર્મળ સમજણ હતી.
અમે બીજીવાર, ‘૯૦ની શરૂઆતમાં, ફરી ડૉ. રાકેશ અને નીલા કોહલીને ઘેર જ દક્ષાબેનને મળ્યાં હતાં. ત્યારે તેમને ફ્રેન્ડ્સ ઓફ આર્ચમાં એમના કાર્યક્ષેત્ર, કાર્યપધ્ધતિ અને ભાવિ યોજનાઓની વિષે વાત કરતાં અને ફોટાનું આલબમ બતાવતાં સાંભળ્યાં. માઈન્ડ ઈટ, કે એ સમયે ન પાવર પોઈન્ટના ફેન્સી પ્રેઝન્ટેશન હતાં કે ન તો વિકસતી ટેકનોલોજી હતી. એવા સમયે સાદા પ્રોજેક્ટર અને રેગ્યુલર ફોટાથી કામ ચાલતું હતું.
એમણે અમને સૌને એક ફોટો બતાવ્યો જેમાં, પતરાના છાપરાવાળું ઘર હતું. જ્યારે તેમેણે કહ્યું કે એ એમનું ઘર છે, ત્યારે રૂમમાં એક સોપો પડી ગયો. પછી ક્લીનીકની રૂમો, જે સાવ સાદી પણ એની સ્વચ્છતા આંખે ઊડીને વળગે એવી હતી.
પછીનો ફોટો, નહિવત, મેલાંઘેલાં વસ્ત્રો પહેરેલી આદિવાસી સ્ત્રીનો હતો. એના માથે એક ટોપલામાં ઈંટોનો બોજો અને કેડમાં બાળક, કદાચ દોઢ બે વરસનું હતું, એટલું જ નહીં પણ એ સ્ત્રી સાત-આઠ માસ સગર્ભા હતી.
બીજો ફોટો હતો, જેમાં લેબ રિઝલ્ટ્સ હતા. હાજર રહેલામાં ઘણા ડોક્ટરો અનેક જુદાજુદા હેલ્થફિલ્ડ સાથે સંકળાયેલા હતા. એમણે મને પૂછ્યું, “જયશ્રીબેન, તમે ક્લીનિકલ લેબમાં ઘણું કામ કર્યું છે. આ લેબ રિઝલ્ટ્સ વિગતવાર વાંચતાં શું દેખાય છે?”
મેં કહ્યું, “આમાં તો લાલ રક્તકણો ઓછા છે, હિમોગ્લોબીન તો માત્ર 5.4 gms/dl and હિમેટોક્રીટ 16%, પ્લેટલેટ 110,000/mcL ? આ રીપોર્ટ કોનો છે? આ પેશન્ટને તો સિવિયર એનિમિયા છે! થેંક ગોડ કે વ્હાઈટ કાઉન્ટ નોર્મલ છે. નહીં તો ૩ સેલ લાઈન્સ ડિપ્રેસ્ડ, યુ નો, વોટ આઈ મીન!”
દક્ષાબેને એક સવાલ અમને સામો પૂછ્યો, “અહીં જો આવો રીપોર્ટ હોય તો ડોક્ટર શું કરે?”
હાજર રહેલા બધા ફિઝિશયનો કહે, “હોસ્પિટલાઈઝેશન અને બીજા ઈન્વેસ્ટીગેશનસ કરીએ, એ જોવા કે બ્લડ લોસ શેનાથી છે. પેશન્ટને બ્લડ ટ્રાન્સફ્યુઝન આપીને સંપૂર્ણ આરામ કરાવીએ.”
મેં પૂછ્યું, “પણ આ બ્લડ રિપોર્ટ છે કોનો?”
દક્ષાબેન બોલ્યા, “આ બ્લડ રિપોર્ટ પહેલા ફોટામાંની આદિવાસી સ્ત્રીનો છે, એ બ્લડટેસ્ટ માટે બ્લડ આપીને, તરત પાછી દાડિયે જતી રહી, પેટના બાળકને અને કેડના બાળકને લઈ, માથા પર ઈંટ-માટીના તગારાની મજૂરી કરવા, જેથી એનો દારૂડિયો ધણી અને છોકરું જમી શકે. એમાંથી જો કઈં બચે તો પછી એ પોતે જમી શકે! ધણી તો એની રોજની કમાઈ દારૂમાં ઊડાડે અને જ્યાફત કરવી હોય દારૂની, ત્યારે, પોતાની સ્ત્રીને પોલિસના અધિકારીઓ પાસે મોકલે!”
બધાં જ સ્તબ્ધ! સહુના શ્વાસોચ્છશ્વાસના અવાજો સ્પષ્ટ સંભળાતાં હતાં!
ત્યાં હાજર રહેલી એક મારી મિત્ર એના ત્રણેક વરસના બાળકને જમાવા આપતી હતી. દક્ષાબેનની વાત સાંભળી એનું ધ્યાન ચૂકી ગયું.એટલીવારમાં તો બાળકે થાળીને ધક્કો માર્યો ને આખી થાળી ઊંધી વળી ગઈ. એ મિત્ર બધું ખાવાનું ભેગું કરીને, ગારબેજમાં નાખવા ગઈ.
દક્ષાબેનનો ૧૦-૧૧નો પુત્ર ત્યાં હતો, એ અનાયસે બોલી ઊઠ્યો, “મમ્મી, આ જમીન પર ઢોળાયેલું ખાવાનું કચરામાં નાંખવાને બદલે, ભેગું કરીને મારા ક્લાસના ભીખા અને એનો ભાઈને, ખાવા મળ્યું હોત તો બેઉ કેટલા ખુશ થાત?”
આખા ઘરમાં માથાની હેરપીન પડે તોયે સંભળાય, એટલી શાંતિ છવાઈ ગઈ!
પણ, દક્ષાબેને દોર સંભાળી લીધો, “મારે બસ, જાણકારી આપવી હતી. અને, આટલું જ કહેવું હતું કે “ફ્રેન્ડ્સ ઓફ આર્ચને” કરાતી મદદનો એકેએક પૈસો પ્રિવેન્ટિવ કેર અને સગર્ભા સ્ત્રીઓ, માતાઓ તથા બાળકોને કુપોષણથી થતા રોગોની સારવાર અને સમજણમાં ખર્ચાય છે. અમે સારવાર આપીએ એ પહેલાં, પાણી ચોખ્ખું કેવી રીતે કરવું, નખ કેમ કપવાના, વાળ કેમ ધોવાના અને નહાવાનું શા માટે જરૂરી છે, વગેરેની સમજણ આપીએ છીએ. એટલું જ નહીં, આજુબાજુના ગામોમાં સાતમી કે એથી વધુ ભણેલાઓને હેલ્થકેરના પ્રાથમિક કામોની ટ્રેનિંગ આપીએ છીએ અને આમ રોજગારની સમસ્યામાં પણ આડકતરી રીતે મદદ કરીએ છીએ. અમે દાયણોને સુવાવડ કેવી રીતે કરવી જેથી સુવાવડ પછી થતાં દર્દો ન થાય અને બાળકો કે સ્ત્રીઓનું લાપરવાહીથી મૃત્યુ ન થાય એની પણ તાલિમ આપીએ છીએ. આ સાંભળ્યું તમે, એનો અર્થ એવો નથી કે મદદ કરવી જ જોઈએ. તમારે જ્યારે પણ તન, મન કે ધનથી સેવા આપવી હોય તો આપજો. ન આપી શકો તોયે કોઈ બોજો રાખતા નહીં.”
પછી દક્ષાબેન કહે કે, “નીલા, તું કહેતી હતી કે સહુ મિત્રો જૂના ગીતોના શોખીન છે. આપણે જમ્યા પછી અંતકડી રમીએ” અને, પોતે રસોડામાં નીલાને મદદ કરાવવા પહોંચી ગયા. અમારી સહુની સાથે એટલા ભળી ગયા કે કોઈને પણ એમની હાજરીમાં પોતે જે નથી, એ બતાવવાની જરૂર ન લાગી!
જમતી વખતે એક મિત્રએ પૂછ્યું, “તમને શું લાગે છે, આમ આટલા નાના સ્કેલ પર કામ કરીને દેશની ગરીબી, અજ્ઞાન અને બિમારીને નાથી શકાશે?”
એક ક્ષણ પણ વિચાર કરવામાં ન બગાડતાં, દક્ષાબેને કહ્યું, “ભાઈ, હું તો બહુ શોર્ટ ટર્મ ગોલ રાખું છું. છેલ્લા શ્વાસ સુધી મારાથી થાય એટલી દર્દીઓની સેવા કરી શકું. બાકી ક્યારે શું થશે, એ મેં સમય પર જ છોડી દીધું છે.”
મેં જ્યારે “નવનીત-સમર્પણ”ના લેખમાં વાંચ્યું કે ઓક્ટોબર, ૨૦૧૬માં, એમના લીવર કેન્સરનું નિદાન થયું, ત્યારે દક્ષાબેન અમેરિકામાં, એમના દિકરાને ઘરે હતાં. કેન્સર છેલ્લા સ્ટેજનું હતું. અહીંની તબીબી ટુકડીએ કહ્યું કે દક્ષાબેનની રજા હોય તો આક્રમક ઈલાજ કરીએ બાકી સારા થવાની સંભાવના ઓછી છે.
દક્ષાબેને સહજતાથી કહ્યું, “જો હું સાજી થઈને મારું કર્મ–દર્દીઓને તપાસીને, એમની સારવાર કરવાનું કામ-ન કરી શકવાની હોઉં, તો બહેતર એ છે કે હું શાંતિથી વિદાય લઉં. બાકીના દિવસો હું મારા દિકરાને ત્યાં, પેલિયેટિવ કેર- કેન્સરના દર્દીને દુઃખાવા રહિત રાખવાની આખરની સેવા- લઈને કાઢીશ” એમનો દેહવિલય ૩૦ નવેમ્બર, ૨૦૧૬ને રોજ થયો.
મને દક્ષાબેને એમની પહેલી મુલાકાતમાં મારા એક સવાલના જવાબમાં કહેલી વાત યાદ આવી ગઈ.
મેં એમને પ્રેઝન્ટેશન જોયા પછી કહ્યું, “દક્ષાબેન, તમે અને અનિલભાઈ ન હોત તો આ આદિવાસી વિસ્તારમાં આટલી આરોગ્ય માટેની અવેરનેસ આવી જ નહોત!”
એમણે સાવ સરળતાથી કહ્યું,“એવું છે ને જયશ્રીબેન, અનિલ અને હું નહોત ને, તો કોઈ બીજું આ કામ કરવા સામું આવત. મને કે અનિલને એક પળ માટેય એવો ભ્રમ નથી કે આપણે આ કામ ન ઊપાડ્યું હોત તો આ કામ થાત જ નહીં!”
ન જાણે, કેમ, પણ ત્યારે મને ‘ગાલિબ” નો આ શેર યાદ આવી ગયો હતો.
“ન થા કુછ તો ખુદા થા, કુછ ન હોતા તો ખુદા હોતા!
ડૂબોયા મુઝકો હોને ને, ન હોતા મૈં તો ક્યા હોતા?”
બસ!

(૨૦૦૫ ની સાલમાં ધરમપુર શહેરની પાસે નગારિયા ગામે જમીન વેચાણમાં મળી હતી. જમીન વધુ હતી તો દક્ષાબહેને સમવિચારના મિત્રોને બોલાવ્યા અને આમ, ‘આર્ચ ધરમપુર પરિસર’ના પાયા નખાયા અને તે વિકસ્યું. આજે ૨૩ વ્યક્તિગત જમીનમાલિકો સાથે આર્ચ, રક્ષા ટ્રસ્ટ અને કૈવલ્ય ટ્રસ્ટ એમ ત્રણ સંસ્થાઓ આ પરિસરમાં વસે છે અને કાર્યરત છે. દવાખાનાને લગતા મકાનોના બાંધકામ અને અંદરની વ્યવસ્થાનું કામ પર ડૉ. દક્ષાબહેન વ્યક્તિગત રીતે જહેમતથી કરતાં. એમના ભાઈ રશ્મિનો એમને ભરપૂર સાથ હતો. જોતજોતામાં ધરમપુરમાં શાળાના મકાનો, દવાખાનાને લગતા બાંધકામો અને તાલીમકેંદ્ર માટેના મકાનો સાથે ત્યાં કામ કરતાં સૌ માટે રહેઠાણોની વ્યવસ્થા વગેરેથી ધરમપુર ધમધમવા માંડ્યું છે. આજે ધરમપુરના આર્ચ દવાખાનાની સુવાસ “ઓછા ખર્ચે પણ સંપૂર્ણ સાજા થવાય” એમ, પ્રદેશ આખામાં પ્રસરી ગઈ છે. આજે ત્યાં દવાખાનામાં નવા તાલીમ પામેલાં કાર્યકરો હોસ્પિટલના વિવિધ વિભાગોમાં કાર્યરત છે. ત્યાંના દવાખાનાનો લાભ લેવા ગુજરાત અને મહારાષ્ટ્રના ગામોમાંથી અનેક લોકો આવે છે. ત્યાંના વિસ્તારમાં માતા અને બાળકોના સ્વાસ્થ્યના પ્રશ્ને અને સામાન્ય રોગોના નિદાન-સારવારની જરૂરિયાત પૂરી કરવા દક્ષાબહેને ૪૦ જેટલાં ગામોમાં ફરીને સારી અને સતત તાલીમ આપીને કાર્યકરો તૈયાર કર્યા હતાં. અને, આજે પણ વ્યવસ્થિત રીતે સામાન્ય આરોગ્ય અંગે લોકોને જાગૃત કરવાનું કામ આ જૂનાં અને નવાં તૈયાર થતાં કાર્યકરો કરતાં રહે છે.)
(ફોટો અને આંશિક માહિતીઃ “નવનીત~સમર્પણ”ના સૌજન્યથી)
ખૂબ સુંદર અને માહિતીસભર લેખ અભિનંદન હિતેનભાઈ.