ભવ્ય ન્યુશ્વાનસ્ટેન કેસલની મુલાકાતે ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:32 ~ ઉત્કર્ષ મઝુમદાર
સમય થઇ ગયો હતો ને અમારી ઈંગ્લીશ ટુરની જાહેરાત થતાં જ અમે બધા સીડી આગળ એકઠા થઇ ગયા. એક સારું હતું. વિવિધ ભાષાઓમાં આ ટુર યોજાતી હતી. કાશ હિન્દીમાં પણ આ ટુર યોજાતી હોત. આવશે આવશે એક દી હિન્દીનો વારો પણ આવશે. દુનિયાના દરેક દેશમાં આવા જોવાલાયક સ્થળોએ ઓડીઓ ગાઈડમાં હિન્દી પણ મુકાતી થઇ જશે.
દરેકને મોબાઈલ ફોન જેવું સાધન/યંત્ર આપવામાં આવ્યું. પહેલું કામ અમારે કરવાનું હતું અંગ્રેજી ભાષા સેટ કરવાનું. ગાઈડ એના ગળે લગાડેલા માઈક દ્વારા બોલવાની હતી. અમે બધું વ્યવસ્થિત કામ કરે છે કે નહિ એ તપાસી લીધું. જરૂરી વોલ્યૂમ સેટ કરી દીધું.
ગાઈડે આવકાર આપતા કહ્યું કે આ ટુરની અવધિ ત્રીસ મિનિટની છે ને આપણે શરૂઆત સૌથી ઉપલા માળેથી કરીશું. ફોટાઓ અને વિડિઓ રેકોર્ડિંગ કરવાની સખત મનાઈ છે એ પણ કહી દીધું.
આ સંભાળીને અમે નિરાશ થઇ ગયા. માત્ર અમે જ શું કામ અમારા જૂથમાંની દરેક વ્યક્તિ નિરાશ થઇ ગઈ, પણ દરેક જગ્યાના નિયમને માન આપવું જ રહ્યું. અમે ગોળ ફરતા દાદરા ચઢીને સૌથી ઉપલા માળે એટલે કે ચોથા માળે પહોંચી ગયા.
ગાઈડે માહિતી આપતા કહ્યું, “તમને થતું હશે કે ન્યુશ્વાનસ્ટેન કેસલ એટલે એનો અર્થ શું? તો જણાવી દઉં કે આ કેસલના નામનો અર્થ થાય છે ‘ન્યુ સ્વાન કેસલ’. સંગીતકાર રિચાર્ડ વાગનારના એક પાત્ર ‘ધ સ્વાન નાઈટ’ પરથી આ નામ રાખવામાં આવ્યું હતું.
![]()
આ પરીકથા સમા કેસલ પરથી પ્રેરિત થઈને તો ડિઝનીનો મેજિક કિંગડમ બન્યો છે. અહીંયા ઘણા જુદા જુદા મકાનો, ટાવરો, કિલ્લા પરના શોભા માટેના મિનારા, ગવાક્ષો ઇત્યાદિ આવેલા છે.
સંરક્ષણ માટે નહિ પરંતુ એક રોમેન્ટિક નોશન તરીકે આ મધ્યકાલીન યુગની યાદ અપાવતો આ કેસલ આલ્પ્સની મનોરમ તળેટીમાં બાંધવામાં આવ્યો હતો.
મધ્યકાલીન શૈલીમાં બનાવેલા આ 19મી સદીના કેસલમાં જો કે અંદરથી બધી સગવડો આધુનિક છે. બેટરી સંચાલિત ઘંટડીની રચના કરવામાં આવેલી ટેલિફોનની સગવડો પણ હતી. રસોઈઘરમાં ઉત્પન્ન થતી ગરમ હવા સમગ્ર કેસલને ગરમાવો પૂરો પડતી. બેઝીનમાં સતત ગરમ પાણીની અને ટોઇલેટ્સમાં ઓટોમેંટીક ફ્લેશની વ્યવસ્થા પણ હતી.
ટૂંકમાં મધ્યકાલીન શૈલીમાં બનાવેલા આ કેસલમાં સગવડો બધી આધુનિક હતી. આ ચોથા માળે અહીંનો સૌથી મોટો કક્ષ આવેલો છે નામ છે એનું ‘હોલ ઓફ સિંગર્સ’.

અહીં બોલરૂમ્સ પણ છે. રાજાને આ બે કક્ષ બહુ પ્રિય હતા. અહીં સૌ પ્રથમ જલસો 1933માં વાગનરની પચાસમી મૃત્યુતિથિએ રાખવામાં આવેલો.
અહીં તમને વાગનરના ઓપેરાના પાત્રો ચિત્રિત કરેલા દેખાશે. માત્ર અહીં જ નહિ અહીંના ઘણા ઓરડાઓમાં તમને એના ઓપેરાના પાત્રો ચીતરાયેલા મળી આવશે. સંપૂર્ણપણે કોઈ એક સંગીતકારના માનમાં તેની કૃતિના પાત્રો ચીતરાયેલા હોય એવો આખા વિશ્વમાં આ એક જ કેસલ છે. ચોથે અને ત્રીજે માળે છે થ્રોન રૂમ.

એક મુલાકાતીએ પ્રશ્ન પૂછ્યો, ‘પણ અહીં થ્રોન – રાજસિંહાસન તો છે નહિ!’ જવાબમાં ગાઈડે કહ્યું કે એ મુકાય એ પહેલા તો રાજાનું કરુણ અવસ્થામાં મૃત્યુ થયું. જોકે તમે એની જગ્યા જોઈ શકો છો,.
થોડી ઊંચાઈ પર બનાવેલ એ અર્ધગોળાકાર ભાગમાં ઉપર ચારે બાજુ ઈશુ ખ્રિસ્ત અને તેના બાર શિષ્યોના ચિત્રો આવેલા છે. સાથોસાથ સંત તરીકે સ્થાન પામેલા છ રાજાઓના ચિત્રો પણ છે. આ રાજાનો શયનકક્ષ છે. એક ભવ્ય રૂમમાં દાખલ થતા એક ખૂણે રાજાનો પલંગ દેખાતો હતો.

ગાઈડે અમને ખુલ્લી બારીઓમાંથી દેખાતા બહારના અનુપમ સૌંદર્યના ફોટાઓ લેવાની અનુમતિ જરૂર આપી. રૂમના ફોટાઓ લેવા ન મળ્યા પણ કહેવા દો કે દરેક ઓરડો ઉત્કૃષ્ટ કાષ્ટકોતરણી, ભવ્ય રાચરચીલા ને ઉત્તમ કલાકારીગરીથી યુક્ત હતો.
બહુ ઝડપથી અમારી આ ગાઇડેડ ટુર પતી ગઈ. અફસોસ એક જ હતો. ફોટાઓ ને વિડિઓ રેકોર્ડિંગ કરવા ન મળ્યું. હવે સંપૂર્ણ સંતોષ તો બહુ જવલ્લે જ મળવાનો ને.
બહાર આવીને અમે અહીં આવેલી રેસ્ટોરન્ટ તરફ વળ્યાં. ત્યાં અમે જોયું કે કેટલાક લોકો સામેથી ચાલીને આવતા હતા. અમને કુતુહલ થયું. એટલામાં એક બોર્ડ દેખાયું. નીચે જવાનો માર્ગ.
અમે વિચાર્યું બસ સુધી જવા પેલો ઢાળ હવે ચઢવાનો આવશે એના કરતાં અહીંથી ઉતરી જઇ એ તો શું ખોટું? કશુંક નવું પણ જોવા મળશે. મૂઆ વળતી વખતના બસના પૈસા ગયા તો ગયા.
અમારો નિર્ણય આ બહુ ફાયદેમંદ સાબિત થયો. અમે પેલી ઘોડાગાડીઓ પણ ઉપર આવતી જોઈ.. કેટલાક યુવાનિયાઓ બે લાકડીઓના સહારે ઉપર આવતા દેખાયા. મને નવાઈ લાગી કે લાકડી લઈને કેમ ચાલે છે યુવાન છે તો પણ? એ પણ પછી એક નહિ બબ્બે લાકડીઓ?
પછી અમારા કેપ્ટને સમજણ પાડી કે આ હાઈકિંગ માટેની સ્પેશ્યલ લાકડીઓ છે જેનાથી ચઢાણ ચઢવું બહુ આસાન થઇ જાય છે ને થાક પણ નહિવત લાગે. હાઇકિંગના શોખીનોએ આ લાકડીઓ વસાવવા જેવી ખરી હોં.
અમને ઘોડાઓની લાદની વાસ આવવા લાગી. થોડીવારે પેલી ઘોડાગાડીઓ પણ ઉપર આવતી જોઈ. સિમેન્ટનો મોટો રસ્તો બનાવેલો એટલે બધું આસાન થઇ જતું હતું. આસપાસ જંગલ જ હતું તે એની મઝા માણતા માણતા નીચે ઉતર્યા.
આ અનુભવથી હું તો યુવાનિયાઓને અને જે ચાલી શકતા હોય તેવા સૌને સૂચન કરું છું કે અહીં આવો તો બસને બદલે બંને વાર ચાલીને ચઢવા ઉતરવાનું જ રાખજો. પૈસા પણ બચશે, બસની લાઈનમાં ઊભા પણ નહિ રહેવું ને કુદરતનું સાનિધ્ય માણવાનો સરસ અવસર મળશે તે નફામાં.
અમે બસ સ્ટેન્ડે પાછા આવ્યા. વિચારવા લાગ્યા કે હોહેનશ્વાનગાઉ કેસલ જોવા ઘોડાગાડીમાં જઇએ કે ચાલતા? બસ જતી નહોતી. ઘોડાગાડીના ઉપર જવાના 4.50 યુરો ને વળતી વખતના 2 યુરો. એમાં જતા દસ મિનિટ લાગે જયારે ચાલતા વીસ મિનિટ લાગે.
તમે નહિ માનો પણ બધાનો એક નિર્ણય આવ્યો. પગપાળા જવાનો. સારો નિર્ણય લેવાઈ ગયોઃ કારણકે ચાલતા થાક નહિ લાગ્યો ને કુદરતી સૌંદર્ય માણતા માણતા જતા હતા. અમારી જેમ બીજા ઘણા ચાલીને ઉપર જતા હતા. બેસવા માટે બાંકડાઓ મૂક્યા હતા ને રાજવી પરિવારના ચિત્રો પણ થોડા થોડા અંતરે મૂકાયા હતા.
અમે પીળા રંગથી સુશોભિત એવા કેસલમાં દાખલ થયા. અહીં ઊડીને આંખે વળગે તેવી વાત હતી જુદા જુદા પ્રકારના ફુવારાઓ.

આ બધા ફુવારાને અહીંની વસ્તુ સાથે સંબંધ હતો. પલ્સ ગાર્ડનમાં ત્રણ ચાર ગોળાકાર છોડવાઓની વાડ ઊભી કરી હતી અને વચમાં કાળા રંગનો એક હંસ હતો ને તેની ચાંચમાંથી પાણી ઝરતું હતું. હંસ સ્થાનિક જગાનું અને નાઇટહૂડનું પ્રતીક હતો.
બીજો એક ફુવારો હતો જેની ચારેબાજુ સિંહની આકૃતિ ઊભી કરી હતી ને ચારેના મોઢામાંથી પાણી નીકળતું હતું. એ સ્પેનનું પ્રતિનિધિત્વ કરતો હતો. અલહ્મ્બ્રા પૌર્વાત્યનું પ્રતિનિધિત્વ કરતો હતો. સેન્ટ મેરી, ખ્રિસ્તી ધર્મનું જયારે માર્બલ રેડ બાથ પ્રાચીન સમયનું.
એક ફુવારામાં એક માણસ બે ‘ગુઝ’ને (હંસ અને બતક વચ્ચેનું પંખી) લઈને ઊભો છે ને બન્ને ગુઝની ચાંચમાંથી પાણી ફૂટે છે એ મધ્યયુગ દર્શાવે છે.
આ કેસલમા લુડવીંગ બીજાએ એનું બાળપણ વીતાવેલું એટલે એને આની સારી માયા હતી. રાજા અને રાણી મુખ્ય મહેલમાં રહેતા હતા ને બંને કુંવરો બાજુના મહેલમાં. રાજા મેકમિલનના મૃત્યુ બાદ લુડવીંગ ગાદીએ આવ્યો ને એના પિતાજીના કક્ષમાં રહેવા લાગ્યો, પણ એ અપરણિત જ રહ્યો હોવાથી એની મા જ્યાં રહેતી હતી ત્યાં જ રહેવાનું ચાલુ રહ્યું.
લુડવીંગને અહીં રહેવું પસંદ હતું જોકે એની માની ગેરહાજરીમાં જ. લુડવીંગના મરણ બાદ એની મા પોતાના મૃત્યુ સુધી અહીં જ રહી ને એના મૃત્યુ બાદ એનો દિયર લુઇતપોલ્ડ ઓફ બાવેરિયા, મહેલના ત્રીજા માળે રહેતો હતો.
રાજા લુડવીંગને રાજગાદીએથી ઉઠાડી દીધા બાદ લુઇતપોલ્ડ પ્રિન્સ રિજેન્ટ તરીકે રાજકારભાર ચલાવવા નિયુક્ત થયેલો અને ત્રીજા દિવસે એના થયેલા અકાળ અવસાન પછી એનો નાનો ભાઈ ઓટો રાજા બન્યો; પણ એની માનસિક હાલત બરોબર ન હોવાથી એણે ક્યારેય રાજ કર્યું નહિ.
એના કાકા લુઇતપોલ્ડ ઓફ બાવેરિયા પ્રિન્સ રેગેન્ટ તરીકે મૃત્યુ પર્યન્ત કારભાર કરતા રહ્યા ને એના પછી એનો પુત્ર લુડવિડ ત્રીજો પ્રિન્સ રિજેન્ટ તરીકે નિમાયો, પણ વરસની અંદર એ રાજા બની ગયો.
(ક્રમશ:)