દત્તનું મંદિર (મરાઠી વાર્તા) ~ લેખક: અનંત કાણેકર ~ અનુવાદ: સ્વાતિ મહેતા (સુરત)

મૂળ લેખક પદ્મશ્રી અનંત કાણેકરનો પરિચયઃ જીવનકાળ ડિસેમ્બર ૨, ૧૯૦૫ થી મે ૪, ૧૯૮૦). મરાઠીના કવિ, લઘુનિબંધકાર, નાટ્યકાર અને પત્રકાર. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1925માં બી.એ. થયા. 1930માં કાયદાની સ્નાતક પદવી પ્રાપ્ત કરી. તે પછી 3થી 4 વર્ષ સુધી મુંબઈની વડી અદાલતમાં વકીલાત કરી. 1941માં મુંબઈની ખાલસા કૉલેજમાં મરાઠીના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને છ વર્ષ પછી સિદ્ધાર્થ કૉલેજમાં નિવૃત્તિ સુધી શિક્ષણકાર્ય કર્યું. ત્યાં તે મરાઠી વિભાગના અધ્યક્ષ હતા. મરાઠી લઘુનિબંધના જનક ગણાતા સાહિત્યકારોમાં તેમની ગણના થાય છે. (સાભાર: વિશ્વકોશ)

(“દત્તનું મંદિર” ~ વાર્તાનો લેખનકાળ – ૨૭ ઓક્ટોબર ૧૯૩૫)
સંધ્યાકાળે સૂર્યના સોનેરી કિરણો આજુબાજુના ઊંચા વૃક્ષોના લીલા પાંદડા પરથી સફેદ સંગેમરમરના એ નાના અમસ્તા મંદિર પર પડતા હતા. એ દૃશ્ય ખૂબ જ રમણીય લાગતું હતું. તે શાંત અને એકાંત સ્થળ. નાનું અમસ્તુ દત્તનું મંદિર.
તે મંદિરની સામેના દરવાજાની કમાન પર કોતરાયેલા “કૈ.વા. સુંદરરાવ સ. સાવરકરના પુણ્યસ્મરણાર્થે” સોનેરી શબ્દો સંધ્યાકાળે સૂર્યપ્રકાશમાં ચમકતા ને સાથે જ કમ્પાઉન્ડમાં એક નાના સરખો બાગ. બાગના એક ખૂણામાં નાની સરખી બંગલી.
કોઈ કોઈ વાર ધીરગંભીર પગલે ફરતી સફેદ સાડી પહેરી શાંત ચહેરાવાળી મંદિરની માલકીન. આ બધી બાબતો સાંજના સમયે પહેલી વખત આ બાજુ ફરવા આવનાર કોઈ અજાણ્યો માણસ જુએ તો એને કોઈ ચિત્રકારે દોરેલું ચિત્ર જ એ જુએ છે એવો ભાસ ક્ષણભર થાય.
તે દિવસની સાંજનું દૃશ્ય એવું જ દેખાતું હતું. રોજની જેમ જ કમલ બંગલીના પગથિયા ઉતરી દર્શન કરવા મંદિર તરફ આવતી હતી. સાંજે ગળામાં રુદ્રાક્ષની માળા પહેરીને પંઢરપુરની જાત્રા કરીને આવી હોય તેવી એક ઘરડી ડોશી મંદિરના દરવાજા પાસે આવીને બેસતી.
‘જય ગુરુ દત્ત મા, જય ગુરુ દત્ત મા’ બોલતી ને પોતાના જૂના તૂટેલા એકતારા પર મધુર અવાજમાં ભજન ગાતી. ‘આવો બાઈસાહેબ’. જેવી કમલ નજીક આવી એટલે પોતાનું ગીત અટકાવી તે બોલી.
‘તમે આજે કેટલા સુંદર દેખાવો છો?’
‘છી તું ખરી છે કે!’ કમલ શરમાઈને જરા ગુસ્સો કરી બોલી તેના નિસ્તેજ અને ગોરા ચહેરા પર સાંજનો પ્રકાશ પ્રસરી ગયો હતો એટલે ખરેખર જ ખૂબ સરસ લાગતી હતી.
‘મને ગાતા શિખવશે કે માજી?’ વિષય બદલી કમલ એની સાથે વાત કરવા લાગી. ‘તું કેટલું મીઠું ગાય છે. મારો પણ સાંજનો સમય જતો નથી એટલે મંદિરમાં બેસીને કંઈ ગાવું જોઈએ એવું થાય પણ માજી, મને ગાતા આવડતું નથી.’
‘ઘરડી ડોશીની મશ્કરી કરો છો?’ ડોશી બોલી ‘હું મારી મેળે ચાર પાંચ પંકિત આમ તેમ જોડીને ગાઉં, તમારાં જેવા મોટા માણસને હું શું શીખવવાની?’
થોડીવાર ડોશી સાથે આમતેમ વાત કરી કમલ દર્શન કરવા મંદિરમાં ગઈ.
કમલ સાવરકરની ઉંમર ચોવીસ વર્ષની હતી. એકવીસ વર્ષની ઉંમરે તેના સુંદરરાવ સાવરકર સાથે લગ્ન થયેલા. બંનેનું જોડું લક્ષ્મીનારાયણનું જોડું હોય એવું સુંદર દેખાય છે એવું બધાં કહેતાં. બાવીસમાં વરસે તે વિધવા થઈ.
સાસરું અને પિયર બંને પક્ષના ઘરો ખૂબ શ્રીમંત હતાં. લગ્ન પછી ચાર છ મહિનામાં જ વડીલોપાર્જિત મિલકતમાંથી લાખ સવા લાખ રૂપિયા જેટલો પોતાનો ભાગ ઉઠાવી લઈ સુંદરરાવ છૂટા થઈ ગયા હતા.
મહાલક્ષ્મી બાજુ એક બંગલો ખરીદી પોતાની નવ વિવાહિત પત્ની જોડે સંસાર શરૂ કર્યો હતો. થોડા જ દિવસોમાં નવદિવસીયા (મુદતિયો) તાવમાં સપડાયા. ને તેમાં ને તેમાં જ મૃત્યુ પામ્યા.
કમલના પિતા રાવબહાદુર શેગાંવકરે એને તાબડતોડ પોતાને ત્યાં બોલાવી લીધી. થોડા દિવસ તે શાનભાન ગુમાવી બેઠી હતી. દુઃખથી લગભગ પાગલ જેવી થઈ ગઈ હતી. અન્નજળનો પણ ત્યાગ કરી દીધો હતો. પણ વૃદ્ધ માબાપના પ્રેમ અને આગ્રહને વશ થઈ ખાવા પીવાનું શરૂ કર્યું.
એક વર્ષ સુધી એણે ઘરની બહાર પગ નહોતો મૂક્યો. એક સરખી તે એવું બોલ્યા કરતી કે હું મુંબઈ બહાર કોઈ એકાંત જગ્યાએ ભગવાનનું ભજન કરીશ ને ત્યાં જ રહીશ. મારા પતિના સ્મરણાર્થે કોઈ જગ્યાએ દત્તમંદિર બાંધી ત્યાં જ રહીશ. એવી એની અત્યંત ઈચ્છા હતી.
છેવટે એની હઠ સામે આ માબાપે નમતું જોખ્યું ને રાવબહાદુરે તેનો મહાલક્ષ્મીનો બંગલો વેચી નાંખ્યો. મુંબઈથી થોડે જ દૂર જોગેશ્વરીમાં એક એકાંત સ્થળ શોધી કાઢીને એને સફેદ સંગેમરમરનું એક નાનું સરખું દત્તમંદિર તેને બાંધી આપ્યું. એની બાજુમાં જ એને રહેવા માટે એક નાની સરખી બંગલી બાંધી આપી.
રાવજી નામનો એક ઘરડો વિશ્વાસુ કારકૂન તેની તહેનાતમાં સાથે રાખ્યો. રાવજી રોજ સવારે અગિયાર વાગ્યે જોગેશ્વરી આવતો અને સાંજ પડે મુંબઈ પોતાના ઘરે પાછો ફરતો. બે નોકરાણી, એક માળી, અને એક પૂજારી કમલની સાથે હતાં. વચવચમાં કંટાળો આવે ત્યારે કમલ મા-બાપને મળવા મુંબઈ જઈ આવતી.
સુંદરરાવ લાકડાંની જે પાવડી (પાદુકા) ઘરમાં પહેરતા તે એણે જોગેશ્વરી જતી વખતે પોતાની સાથે લઈ લીધી હતી. પોતાના પલંગની બાજુમાં, માથા નજીક એક પાટિયા પર એણે મૂકી હતી. રોજ સવારે નાહીને બાગમાંથી ફૂલ લાવીને પાદુકા પર મૂકતી. હાથ જોડીને થોડીવાર સીધી ઊભી રહેતી. રાત્રે સુતી વખતે પણ ભક્તિપૂર્વક પાદુકાને નમસ્કાર કર્યા સિવાય તે ઊંઘવા જતી નહીં.
તે દિવસે પેલી યાત્રાળુ ડોશીને એણે “તું મને ગાતાં શિખવશે કે?” એમ મજાકમાં જ કહેલું એ વાત સાચી, પણ હમણાં હમણાં એને એવું લાગતું હતું કે થોડું ઘણું કંઈ ગાતાં આવડતું હોયતો સાંજના સમયે મંદિરમાં જઈને દત્ત ભગવાન સામે બેસીને કંઈ ભજન ગાઈ શકાય.
બીજે દિવસે સવારે રાવજી આવ્યા. એટલે એણે રાવજી આગળ જ વાત છેડી. ‘રાવજી ગાતા શિખવે એવું કોઈ ધ્યાનમાં છે કે તારા?’
‘પેલા સદાશિવ માસ્તર છે અમારી બાજુમાં’, પોતાના સફેદ ફેંટો સરખો કરતા કરતા રાવજી બોલ્યો.
‘છટ… પુરુષ નહીં બાઈ માણસ…’ ડોકું હલાવી એણે કહ્યું. ‘કોઈ બાઈ મળે તો સારું…’
‘મને કોઈ બાઈ વિશે કેવી રીતે જાણ હોય કમલાતાઈ? બાકી સદાશિવ સોનાલકર સારો માણસ છે, છોકરીઓની શાળામાં તે સંગીત શિક્ષક છે.’
‘સારું તો પછી તમે જ જુઓ!’ બધું જ રાવજીને સોંપી તે બોલી.
‘શું લેશે, કેટલા પૈસા, તે પણ એને પૂછીને જ નક્કી કરજો, તમે!’
તે દિવસે સાંજે રાવજીએ ઘરે જઈને સદાશિવ માસ્તર સાથે સંગીત શિખવવાની વાત કરી.
‘ના રે ભાઈ, મારે કોઈ સ્ત્રીને શિખવવું નથી ને તે પણ પાછી ગર્ભશ્રીમંત બાઈ! એ લોકોનો મિજાસ સહન કરતાં કરતાં નાકે મારા દમ આવી જાય! ને, પાછી જોગેશ્વરી સુધી દોડાદોડ પણ કરવાની!’
‘ઓહ, રોજ રોજ કંઈ જવાનું નથી.’ સવજી બોલવા લાગ્યો. ‘અઠવાડિયામાં ત્રણ દિવસ જવાનું. મહિને ત્રીસ રૂપિયા અને જોગેશ્વરી સુધીનો પાસ આ કંઈ ઓછું છે? તમારા જેવા લોકોને સામે ચાલીને આવતા પૈસા ખપતા જ નથી. મારા કમલાતાઈનો એવો મિજાસબીજાસ કંઈ નથી. એકદમ સાદી સીધી ભોળી છે બિચારી.
‘સારું તો આ પહેલી તારીખથી…’
સદાશિવ સોનાલકર માસ્તર રાવજીની બાજુની ખોલીમાં રહેતો હતો. સદાશિવને વાજાપેટી વગાડતા સારી રીતે આવડતું ને સાધારણ ગાતા પણ આવડતું હતું. બે ત્રણ છોકરીઓને તે શાળામાં ગાવાનો ને વાજાપેટી વગાડવાના તાસ-પિરિયડ- અઠવાડિયામાં લેતો હતો. મહિને દહાડે એને સાંઠથી સિત્તેર રૂપિયા મળી રહેતા.
એને નજીકનું કોઈ સગુંવહાલું ભાઈબંધ હતું નહીં. એની આશરે ત્રીસ વર્ષની ઉંમર હતી. તે શરીરે ઊંચો અને કદાવર હતો પણ સ્વભાવે ખૂબ શરમાળ હતો. કોઈને ત્યાં આવવું જવું નહીં. પોતે ભલોને પોતાનું કામ ભલું. કોઈ પંચાત નહી. રાવજીના ઘરના લોકો સાથે એને ઘરોબો હતો.
પહેલી તારીખે સવારે રાવજી સદાશિવને પોતાની સાથે જોગેશ્વરી લઈ ગયો. કમલની ગૌરવર્ણ, તેજસ્વી મૂર્તિ જોઈને સદાશિવ લગભગ ગભરાઈ ગયો હતો. બહાર દીવાનખાનામાં તે શિખવવા બેઠો. શિખવવાની શરૂઆત. ‘સા…સા…સા…સા…’ શરૂ થયું એટલે રાવજી પોતાનો ચોપડો લઈને બહારના ઓટલા પર જવા લાગ્યો.
‘બહાર શું કામ જાઓ છો? રાવજી?’ કમલાએ વિનંતી કરતા કહ્યું, ‘અહીં જ બેસોને તમારા ચોપડા લઈને..’ એ લોકો દીવાનખાનામાં હતા એટલે રાવજીને એણે કરેલો આગ્રહ જોઈ સદાશિવ એમ જ અસ્વસ્થ થઈ ગયો. આમ પણ એ એટલો અસ્વસ્થ હતો કે એને તેનો ખ્યાલ જ આવ્યો નહીં.
લગભગ એક કલાક સુધી શિખવવાનું ચાલુ રહ્યું પણ કમલના ચહેરા સિવાય દીવાનખાનાની સર્વ નાની મોટી વસ્તુઓ તરફ તે જોવા લાગ્યો. તેના ચહેરા તરફ જોવાની એની એકવાર પણ હિંમત ચાલી નહીં. શિખવવાનું પુરું કરી જ્યારે બંગલાની તે બહાર આવ્યો ત્યારે તેનો શ્વાસ હેઠો બેઠો ને એને જાણે હાશ છૂટ્યો એવું લાગ્યું!
દિવસો પર દિવસોને મહિના પછી મહિનાઓ વીતી ગયા. સદાશિવ માસ્તરને જોગેશ્વરીનું વાતાવરણ ફાવી ગયું. ચાર છ મહિનામાં એનો ગભરાટ પણ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. કમલ પણ એની સાથે મોકળા મને હળવા ભળવા લાગી.
ક્યારેક બંને વચ્ચે વાત બરાબર જામી જાય ને વાત કરવામાં બરાબર રંગત આવી જાય તો એના ઉજળો ચહેરો જોવામાં સદાશિવને આનંદ થતો, ત્યારે બંનેની નજર મળતી. કમલના કાનની બૂટ અને ચહેરો લાલ થઈ જતો.
આવો જ એક બનાવ આજે બન્યો. રોજની જેમ હસતી હસતી, તે પોતાના ભૂતકાળની વાત કરવામાં મગ્ન થઈ ગઈ, માસ્તર વચમાં વચમાં એના ચહેરા તરફ જોઈ લેતો હતો, એવી રીતે એને જોતો, ત્યારે કમલને એની આંખો રસથી ભરેલ, લચી પડેલી દ્રાક્ષ જેવી લાગતી.
એની આવી આંખો જોઈ કમલ મનમાં અસ્વસ્થ થઈ જતી. પણ એ ઉત્કટ આંખોને ચોરીછુપીથી જોવાનું અને વારંવાર મન થતું. બોલતાં બોલતાં એને કંઈ યાદ આવ્યું. અને તે એકાએક બોલીઃ ‘અરે..રે. રે. આજે પાદુકા પર ફૂલ ચઢાવવાનું ભૂલી ગઈ?’
‘કેવી પાદુકા?’ માસ્તરે ગભરાતા ગભરાતા પૂછ્યું.
‘મારા પતિની પાદુકા પર રોજ ફૂલ ચઢાવવાનો મારો નિયમ છે.’ એમ બોલતાં બોલતાં તેની નજર એક ક્ષણ માસ્તરની નજર સાથે મળી, કોઈક કારણસર ઈર્ષ્યાના ભાવથી માસ્તરનો ચહેરો જાણે કાળો પડીને ઉતરી ગયો હોય એવું એને લાગ્યું.
તે સહેજ ગભરાઈ અને તેની કાનની બૂટ, ડોક અને ગોરો ચહેરો જાણે તાંબા જેવો લાલ થઈ ગયો. એકાએક વિષય બદલીને તે બોલી, ‘જરા જઈને આવું.’ કહીને તે ઝડપથી અંદર ચાલી ગઈ.
એના આ શબ્દો અકારણ જ માસ્તરને ગમ્યા નહીં. આ વાતથી માસ્તર પણ થોડો થથરી ગયો હતો. થોડીવારમાં પોતે જ માસ્તર માટે ચા લઈને બહાર આવી. ચા આવી તે પહેલાની ઘટના બંનેએ જાણે ભૂલી જવાનું નક્કી જ કર્યું હતું.
ચા પીધા પછી જેમતેમ માસ્તરે ગાયન શિખવવાની શરૂઆત કરી. કમલનું આજે ગાયનમાં ખાસ ધ્યાન નહોતું. તે થોડી થોડી વારે માસ્તરના ચહેરા તરફ જોયા કરતી હતી. એટલામાં રાવજી પોતાનો ચોપડો લઈને દીવાનખાનામાં આવ્યો.
‘અમારા ‘સા સા રી રી’ થી તમને ત્રાસ લાગતો હશે નહીં રાવજી?’ રાવજી ત્યાં બેસવા જ જતો હતો ને કમલે કહ્યું, ‘તમે બહાર લખવા બેસો.’
કમલાતાઈની કાળજી બદલ એને સારું લાગ્યું. પોતાનું તે સમયે બેસવું પોતાની માલિકનને પસંદ નથી એ વૃદ્ધ રાવજીને ખ્યાલમાં આવી ગયું ને ચોપડો ઊંચકીને બહાર ગયો.
આમ જ છ મહિના વીતી ગયા. જગત ચાલતું હતું. સમય પસાર થતો હતો. કુદરત રોજ નવા નવા રૂપ ધારણ કરતી જતી હતી. કાલની કળીઓ આજે ખીલી ગઈ હતી. થોડા દિવસ પહેલાં એકદમ કોમળ દેખાતી લાલ કૂંપળ મોટી થઈને લીલીછમ પાન બની ગઈ હતી. કમલમાં પણ એવો જ ફેર પડ્યો હતો.
કુદરતના જુદાંજુદાં રૂપ જોઈને મનમાં ન સમજાય એવા ભાવ જાગતા હતા. પહેલાં તો શક્તિ બહારનાં કામ કરીને ચહેરા પર એક પ્રકારનો થાક વર્તાતો હતો. ચહેરો થોડો નિસ્તેજ લાગતો હતો. લોકો તેને સાત્વિક કાંતિ કહેતા હતા.
ખૂબ વિહાર કરીને, આંકાક્ષા પાર પાડવામાં જાણે એના હાલ થઈ ગયા હતાં. આંખો નિસ્તેજ થઈ ગઈ હતી. લોકો તેને વિરક્તિનું તેજ કહેતા હતા. એ નિસ્તેજતા કે સાત્વિકતાની જગાએ હવે એના ચહેરા પર એક લાલી દેખાતી હતી. વિરક્તિનું તેજ વિલાઈ ગયું હતું.
એની આંખમાં એક વિશિષ્ટ ચમક દેખાતી હતી. કિનારી વગરનાં સફેદ લૂગડાંને બદલે ઝાંખા રંગના રંગીન કિનારીવાળા વસ્ત્રો પહેરવા લાગી હતી.
સોનાલકર માસ્તર જે શાળામાં ભણાવવા જતા હતા, તે શાળાની છોકરીઓને પણ હમણાં હમણાં માસ્તરમાં આવેલા ફેરફારથી આશ્ચર્ય થતું હતું.
માસ્તરના કપડામાં બદલાવ આવ્યો હતો. પહેલાના સાદા શર્ટની જગ્યા એ રેશ્મી કપડાના શર્ટે લીધી હતી. ત્રણ બટનના જૂના કોટને બદલે બે બટનના કાશ્મીરી કાપડનો કોટ એ પહેરવા લાગ્યો હતો. એના ચશ્માં પણ બદલાઈ ગયા હતા. સોનેરી ફ્રેમને બદલે શિંગડામાંથી બનેલી કાળા રંગની ફ્રેમ પહેરવા માંડી હતી.
હમણાં હમણાંનો એ છોકરીઓ સાથે પણ મોકળશથી વાત કરતો હતો. એના સ્વભાવની ઉગ્રતા ઓછી થઈ હતી. તે થોડો ઉત્સાહિત લાગતો હતો. થોડો સુકાઈ ગયો હતો. પણ ચહેરો ચમકદાર લાગતો હતો.
છેલ્લા ત્રણ ચાર દિવસથી માસ્તર શિખવવા આવ્યો નહોતો. જેવો રાવજી મુંબઈથી આવ્યો તેવો તરત જ કમલે અધીરાઈથી એને પૂછ્યું: ‘રાવજી, માસ્તર કેમ આવતા નથી? એની તબિયત તો સારી છે ને?’
‘એને પુષ્કળ તાવ આવ્યો છે, છેલ્લા બે ચાર દિવસથી.’
‘તો પછી દવા-દાકતર બોલાવવાનું બધું કોણે કર્યું?’ કમલના અવાજમાં કંપ હતો.
‘અમારી બાજુમાં જ એક દાકતર છે તેને બોલાવેલો.’
‘અરેરેરે..! મોટા દાકતરને બોલાવો. આપણે એના પૈસા આપવા જોઈએ.’ કમલાએ રાવજી તરફ જોયા વગર જ કહ્યું. ‘બિચારા માસ્તર, કાલે હું એમને જોઈ આવીશ.’
માસ્તરનો તાવ નવ દિવસે ઉતર્યો. મોટા મોટા દાકતરોને રાવજી મારફત બોલાવી ખૂબ પૈસા કમલે ખર્ચ્યા. લગભગ રોજ જ એ માસ્તરની ખબર કાઢવા મુંબઈ આવતી.
માસ્તરની તબિયત બિલકુલ સારી થઈ ગઈ હતી. પણ હજી એક મહિના સુધી દાકતરે તેને આરામ કરવા કહ્યું હતું. એક બે દિવસને આંતરે કમલ એની ખબર કાઢવા આવતી જ હતી. રાવજીની પત્ની જોડે તે થોડીવાર બેસે પછી માસ્તર પાસે બેસે.
રોજની જેમ જ તે દિવસે સાંજે પાંચ વાગ્યે તે આવી.
માસ્તરના પલંગની બાજુની ખુરશી પર તે બેઠી હતી. હવાફેર માટે માસ્તરે માથેરાન-મહાબળેશ્વર કયા જવું જોઈએ તેની ચર્ચા બે જણ વચ્ચે થતી હતી. બંને જણા વાતમાં મગ્ન હતા.
‘મારા જેવા ગરીબ માણસને વળી શું હવાફેર માટે જવાનું?’ નિશ્વાસ સાથે માસ્તર બોલ્યો. ‘આવતીકાલથી હું મારા કામ પર લાગીશ.’
ધીમે ધીમે અંધારું થવા માંડ્યું હતું. માસ્તરનો ચહેરો ખિન્ન થઈ ગયો હતો. તે ઉદાસ નજરે એના તરફ જોતો હતો. બંનેની નજર મળી. હંમેશની જેમ આજે એણે પોતાની નજર બીજી દિશામાં ફેરવી લીધી નહીં. તે સ્થિર નજર એના તરફ જ હતી.
એની નજરમાં એક પ્રકારની ભીનાશ દેખાતી હતી. એના ખભા પર પોતાનો હાથ મૂકીને ગળગળા અવાજે બોલી, ‘એટલે? એટલે?’ તેનું ગળું રુંધાઈ ગયું.
એકદમ પલંગ પરથી ઊઠીને માસ્તરે બંને હાથમાં એના નાજુક હાથ દબાવી રાખ્યા. ઘાયલ હરણીની જેમ અસહાય એણે ડોક નીચી નમાવી. એ વિચલિત થઈ ગઈ. તેના ચહેરા તરફ ડોક લંબાવી, બંનેની આંખો બંધ હતી. એણે ધીમે રહીને પોતાનો હાથ ઉપર કર્યો એને પોતાના બાહુપાશમાં લઈ, એના કોમળ ગાલ પર પોતાના હોઠ દાબી રાખ્યા.
એના હોઠ પર ચુંબન કરવાનું એને મન ન થયું. તેના મનને ખૂબ શાંતિ થઈ. બંનેએ જ્યારે આંખ ખોલી ત્યારે ખૂબ અંધારું થઈ ગયું હતું.
‘અરે બાપ રે!’ પોતાના કપડાં સરખા કરતા તે બોલી. ‘કેટલું અંધારું થઈ ગયું! હવે હું જાઉં.’ એનું આખું શરીર ધ્રુજતું હતું.
‘થોભ જરા થોભ.’ એણે એકદમ ઊભા થઈ તેના બંને હાથ પોતાના હાથમાં લેતા કહ્યું.
‘ના ના, હું જાઉં, ખૂબ મોડું થઈ ગયું છે. તેના હાથમાંથી પોતાના હાથ છોડાવતા તે દરવાજા તરફ જવા લાગી.
‘કાલે આવશેને?’ એની સાથે સાથે દરવાજા તરફ જતા જતા એણે પૂછ્યું.
‘હા, હા.’ બોલતાં બોલતાં ઝડપથી તે બહાર નીકળી.
રાવજી પોતાની પત્ની સાથે વાત કરવા બેસે, ત્યારે એ માસ્તરને મળવા આવે છે એ વાત ન સમજે એટલું જગત બાઘું નહોતું. બધે એ લોકોની ગુસપુસ ચાલુ હતી. તરત જ બધા સગાંવહાલાં એનો વિરોધ કરવા લાગ્યાં. આ વાત એનાં પિતા સુધી પણ પહોંચી.
‘શરમ નથી લાગતી તને?’ દાંત કચકચાવીને એના પિતાએ એને પૂછ્યું.
‘તારા વરના નામ પર મંદિર બાંધી, વર્ષ – દોઢ વર્ષ સુધી સાધ્વી થઈને બેઠી હતી તેનું તને કંઈ લાગે છે કે નહીં?’
એના બાપાના શબ્દો સાંભળી તેની આંખ સામે એક ઝબકારો થઈ ગયો. તે લાલપીળી થઈ ગઈ. બાપાના આવા શબ્દો બદલ એને ખૂબ અણગમો થઈ ગયો. એમનો એકપણ શબ્દ સાંભળવો નથી એવું એને થયું. બીજે જ દિવસે એણે માસ્તર સાથે પુનઃલગ્ન કર્યું.
જોગેશ્વરી રહેવા આવ્યાને બંનેને સાત આઠ દિવસ થયા હતાં. સાંજના પાંચ-સાડા પાંચ વાગ્યાના હતા. બાગના બાંકડા પર બંને જણા બેઠેલા હતાં. ઊંચા ઊંચા ઝાડના પાંદડામાંથી ચળાઈને સૂર્યના સોનેરી કિરણો સંગેમરમરના નાના મંદિર પર પડતા હતા. મંદિરના દરવાજાની કમાનમાં વચ્ચે કોતરેલા હૈ. વા. સુંદરરાવ સ. સાવરકરના પુણ્ય સ્મર્ણાર્થેના સોનેરી અક્ષરો સાંજના પ્રકાશમાં ચમચમ ચમકતા હતા.
તેની નજર તે દૃશ્ય તરફ ગઈ. તેને એકદમ ગૂંગળામણ થઈ. જાણે સોનેરી અક્ષરો એક સાંકળ બની એના કાળજા સાથે કચકચાવીને વિંટળાયેલા હતા. તેણે એના તરફ જોયું તે પણ પેલા ચમચમ ચમકતા અક્ષરો તરફ જ જોતો હતો.
‘ચાલો, આપણે અંદર જઈને બેસીએ.’ તે એકાએક બોલી.
‘ચાલો.’ તે એકદમ ઊભો થઈ ગયો, પોતે પણ એ અક્ષરો તરફ જ જોતા હતો એ વાત એના ધ્યાનમાં ન આવે એટલે એણે નજર ફેરવી લીધી. બંને અંદર જઈને દીવાનખાનામાં બેઠાં.
‘આ એકાંત ઉજ્જડ જગ્યાએ બહુ સારું નથી લાગતું. આપણે મુંબઈમાં એક બંગલો લઈ રહેવું જોઈએ. તમને શું લાગે છે?’
‘ખરેખર જ.’ તે સ્વગત બોલ્યો.
તરત જ તેણે મુંબઈમાં એક બંગલો ખરીદ્યો. જોગેશ્વરીનો બંગલો ભાડે આપવાનું એ લોકોએ નક્કી કર્યું હતું.
મુંબઈ ન લઈ જવાનો સામાન રાખવા માટે એક ઓરડો એમણે પોતાના કબજામાં રાખ્યો હતો. ઘરના નોકરો સામાન બાંધવામાં પડ્યાં.
કમલના ઓરડાનો સામાન તેની કામવાળી બાંધતી હતી. સામાન આમ તેમ કરવામાં કામવાળીને એક ખૂણામાં ધૂળ ખાતી પડેલી પાદુકા મળી. એનું શું કરવું તે એને સમજ ન પડી. તેણે શેઠાણીને બોલાવી.
‘બાઈ આ પાદુકાનું શું કરવાનું?’ પાદુકા કમલને બતાવતા એણે પૂછ્યું કમલનો ચહેરો ફિક્કો પડી ગયો. એ એકદમ પરસેવે રેબઝેબ થઈ ગઈ એની છાતી ધકધક થવા લાગી.
‘તું બહાર જા.’ એણે નોકરાણી પર જોરમાં ઘાંટો પાડ્યો, ‘હું જ્યારે બૂમ પાડું ત્યારે જ આવજે.’
નોકરાણી બહાર ગઈ. કમલ મૂંઝાઈ ગઈ હતી. એણે આજુબાજુ જોયું. આગળો માર્યો એક ગુણ ખુલ્લી જ હતી. ઉતાવળે તે પાદુકા છેક ઊંડે દબાવી દીધી ને નોકરાણીને બૂમ પાડી.
‘આ ગુણ બરાબર બાંધ, પેલી ઓરડીમાં મુકી આવ જલ્દી કર.’ તે હુકમ કરવા લાગી.
એ બંને જણાં તે જ દિવસે મુંબઈ જવા નીકળી ગયાં. જોગેશ્વરી ફરી એ કોઈ દિવસ રહેવા આવી નહીં. દત્તનું મંદિર પણ જેવું છે તેવું જ છે.
શાંત અને એકાંત જગ્યા પર ઊભેલાં સફેદ સંગમરમરના નાના અમસ્તા મંદિર પર અસ્ત થતા સૂર્યના કિરણો સંતાકૂકડી રમતા હજી પણ એટલાં જ રમણીય લાગે છે. એ દૃશ્ય પહેલીવાર જોનાર કોઈ અજાણ્યો માણસ પ્રસન્ન થઈ મંદિર બનાવનારની દૃષ્ટિના વખાણ કરતો.
~ લેખક: અનંત કાણેકર
~ અનુવાદ: સ્વાતિ મહેતા (સુરત)
ખૂબ સુંદર વાર્તા છે..રસાળ અનુવાદ…