“દરિયો રણ પહાડ” – લેખક : વીનેશ અંતાણી ~ “દરિયો” વાંચીને થયેલી અનુભૂતિ ~ ગીની માલવિયા
“દરિયો રણ પહાડ”
લેખક : વીનેશ અંતાણી 
વિશિષ્ટ પરિવેશની ત્રણ લાંબી વાર્તાઓનું પુસ્તકમાંથી દીર્ઘ વાર્તા, “દરિયો…” વાંચીને થયેલી અનુભૂતિ ~ ગિની માલવિયા
(આ યુટ્યુબ ચેનલ પર શ્રી મહેન્દ્રસિંહ પરમારે કરેલું “દરિયો” વાર્તાનું પઠન સાંભળી શકાશે.)
દરિયો એ ૩૩ પાનાંનાં ફલક પર વિસ્તરેલી વાર્તા નથી કે નથી નાયક હરિની વાત.
મને દેખાય છે, મારી સામે વિસ્તરેલો અફાટ દરિયો. અનુભવું છું પાને પાને ઘૂઘવતા લાગણીનાં મોજાં…. ને, મને ઝીણી-મોટી શબ્દોની છીપલીઓ ગજવે ભરવાનું મન થાય છે.
જેનો બહુ પરિચય નથી એ કચ્છી પશ્ચાદ્ભૂમાં લખાયેલી ગુજરાતી ભાષા પણ ક્યાંય અવરોધ બનતી નથી. વાંચવાની ગોસ*** ચાલતી રહે છે, અવિરત. હાલક ડોલક થતાં વહાણમાં.
કોઈ પણ ક્ષણે લાંબો શ્વાસ લેવા પણ અટકવાનું મન થતું નથી. પાનાં ફેરવતા થતાં થરકાટનો પણ જરા અમથો વિક્ષેપ નથી. ટેબલેટમાં આંગળીનાં ટેરવે પાનાં ઉઘડતાં રહે છે.
ત્રણ પેઢીનો પ્રેમ, ગામની હવેલીઓ, સ્થિર વર્તમાન અને વહાણવટાંનો ભૂતકાળ મારા રુમની ઘૂઘવતી શાંતિમાં ચારેકોર હિલોળાય છે. અને દરિયાની ખારી સુગંધ, રેતીની સુંવાળપ અને પરિવારનો પ્રેમ બધું એકસાથે અનુભવાય છે.
દાદા-પૌત્રનો પ્રેમ, પૌત્રની મુગ્ધતા, દાદાની દરિયા માટેની અનહદ અનાસક્તિમાં ગૂંથાયેલી ઝીણવટ. એવું લાગે છે કે તમે દરેક પાત્રમાંથી પસાર થયાં છો.
હા, અટક્યા વગર વાંચ્યું પણ કોઈ કોઈ પાને અટકવું જ પડ્યું! કારણ કે, સંવેદના એટલી તો અસરકારક હતી કે કિનારે ઊભા રહીએ તોયે આપોઆપ ઊંડાણમાં ઊતરી જવાયું…. જેમકે, “કદાચ એવી રાતોમાં મેં મારા ગામનો સન્નાટો વધારે તીવ્રતાથી અનુભવ્યો હતો.”
આ સંવેદના મેં ઝીલી અને તળ સુધી પહોંચી પણ ખરી. પ્રિયજનને દુનિયાનાં બીજા ખૂણે મૂકીને આવ્યાં પછી એમનો આપણા વગરનો ખાલીપો અને આપણો એમનાં વગરનો ખાલીપો અનુભવી શકાય છે.
વર્તમાનકાળથી શરુ થયેલી પૌત્રની વાત તેનાં ભૂતકાળ સુધી લઈ જાય છે મને. જેમાં ખાલી પૌત્રની નજરે ઉછળતો દરિયો નહિ પણ દાદાની નજરે વલોવાતો દરિયો પણ છે.
આ ઉછળતા, વલોવાતા દરિયાની વચ્ચે દાદા-પૌત્રની ઉંમરની અસમાનતા જેટલું અંતર છે. અને તે છતાં ક્યાંક ઉછળતો, વલોવાતો દરિયો એક જ બની જાય છે.
મારું વાચકમન નાયકનાં ભૂતકાળમાં જ ડૂબેલું રહે છે, પણ ઉત્તરાર્ધ આવતાં મનોમન દાદા-પૌત્રનો મેળાપ તો વાંછી જ લે છે.
વીનેશભાઈ દરેક વાચકને ચાહે છે એટલે સુખદ અંતનો ભારોભાર દિલાસો છે, કે પૌત્રનો મોં મેળાપ તો થશે જ દાદા સાથે.
એક પાનાં પર લખાયું છે કે,
“એ એમનો કાંઠો હતો અને ન હતો. એ મારો કાંઠો ન હતો, છતાં જાણે હતો. અમે એક એવા દરિયા સામે ઊભા રહેતા, જે ક્યાંય ન હતો.”
ખરેખર દરિયો ક્યાંય ન હતો? કેમ નહિ? ત્યાં જ તો હતો. દાદા અને પૌત્રનાં માોજાંની જેમ ઉછળતાં લોહીમાં, તેમની રેતીનાં પટ પર ચણાયેલી મનોભૂમિનાં મેડીબંધ મકાનમાં, ખૂવો****ની જેમ અડીખમ રહેલી દાદા પૌત્રની સ્મૃતિમાં… ત્યાં જ તો છે દરિયો….
અને હું છેલ્લી લીટી વાંચું છું.
“એ રેતીની નીક બનાવીને દરિયાનું પાણી ઘર સુધી લાવે છે.”
તમારી આ ‘દરિયો’ વાર્તા, ૩૩ પાનાંની નીક બનાવીને આખો દરિયો, સઘળી વેદના, વહાણવટું કરતાં ગ્રામ્યજનો, ગામનો માહોલ અહીં જ મારી આસપાસ લઈ આવી છે.
હું કૂવાથંભને અઢેલીને બેઠી છું. અને મધદરિયે હાલકડોલક તરતા વહાણમાં, ખારી હવામાં ઊડતા મારા વાળને બાંધી લઉં છું.
~ ગીની માલવિયા
(*** ગોસઃ સઢની નાતહનું દોરડું, કૂજામાં બંધાતા ડોણાની સામેનોસઢનો છેડો, એ દોરડું છોડી, વહાણના સુકાનને જમણી બાજુ કરવું એ)
(*** ખૂવોઃ વહાણના વચલા ભાગમાં બંદુલથી જરા આગળ પારી ઉપર ઊભો કરવામાં આવતો મોટો, સીધો, મજબૂત થાંભલો.)