“શ્રેષ્ઠ ઉડીઆ વાર્તાઓ” ~ અનુવાદઃ ડૉ. રેણુકા સોની ~ પુસ્તક પરિચયઃ સંજય સ્વાતિ ભાવે
“શ્રેષ્ઠ ઉડીઆ વાર્તાઓ” સંગ્રહમાં રેણુકા શ્રીરામ સોનીએ મૂળ ભાષામાંથી કરેલા 49 વાર્તાઓના અનુવાદમાં વાચક કલિંગની કંગાલિયતની ઝાળ, ઉત્કલના પરિવેશની છાલક અને ગુજરાતી ભાષાની ભાવવાહિતા ત્રણેય અનુભવે છે.
ઉડીઆમાંથી સાહિત્યનાં અઢાર પુસ્તકો ગુજરાતીમાં લાવનાર રેણુકાબહેને પ્રસ્તુત સંગ્રહમાં ઉત્કલ-સાહિત્યનાં ગયાં દોઢસો વર્ષના દરેક તબક્કામાંથી વાર્તાઓ પસંદ કરી છે.
અહીં, આ સંગ્રહમાં, ઓગણીસમી સદીનાં પાછલાં વર્ષોના ફકીરમોહન સેનાપતિથી લઈને કોવિડ કાળમાં આદિવાસીઓની દુર્દશા પર ‘ઘરાક’ નામની વિદારક વાર્તા લખનાર સમકાલીન લેખક અનિલકુમાર પાઢી સુધીના સમયગાળાની વાર્તાઓ મળે છે.
‘આજની તારીખની વાર્તા’માં મ્યુનિસિપાલિટીના ભથ્થા વિતરણ કેન્દ્રની હરોળમાં એક નેત્રહીન ભિખારી હાથ વગરની સાથીની રાહ જોતાં બાઘા નામના વિકલાંગ દોસ્તને પૂછે છે: ‘દરિદ્રતાની સીમારેખા શી છે, તને ખબર છે?’
અત્યારના વાર્તાકાર ભીમ પૃષ્ટિની ઉપરોક્ત વાર્તાની જેમ રેણુકાબહેનના સંગ્રહની મોટા ભાગની વાર્તાઓ દરિદ્રતાની સીમારેખાની ઉપર, નીચે અને આસપાસ રહેતા લોકોના વીતકોનું બયાન છે.
સંગ્રહની પહેલી વાર્તા ‘રેવતી’ એ ‘ઉત્કલના વેદવ્યાસ’ ગણાતા ફકીરમોહનની છે, જે ‘ઉડીઆ ભાષામાં પહેલી ટૂંકી વાર્તા’ પણ છે. આ કથામાં કટક જિલ્લાના પાટપુર ગામના પરિવારનો ગરીબી તેમ જ કૉલેરાને કારણે કરુણ નાશ અને નાયિકાનો શિક્ષણ માટેનો તલસાટ જોવા મળે છે.
આ જ નામની બીજી વાર્તામાં તરુણકાન્તિ મિશ્રાએ કલાહાન્ડી જિલ્લાના સુરુગિવદર ગામનો ઘાતકી પિતા કુંટુંબની કંગાલિયતમાંથી બચવા સોળ વર્ષની દીકરીને કોલકાતામાં જઈને દેહવ્યવસાયમાં ધકેલી આવે છે તે વર્ણવ્યું છે.
ઉડીઆ નવલિકાના ત્રીજા તબક્કામાં લખનારાં શાંતિલતા મહાપાત્રની વાર્તામાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ભાડુઆતની શાળામાં ઇનામો મેળવનાર કુમળી વયની દીકરી સુશ્રી મકાનમાલિકને ત્યાં આવેલા કૃષ્ણ તરીકે પૂજાતા ‘મહારાજ’ની વાસનાનો ભોગ બનતા માંડ બચે છે.
આ જ તબક્કાના મનોજ દાસની વાર્તાઓનો સંગ્રહ રેણુકાબહેને આપ્યો છે. તેમની વાર્તામાં નિશાળમાં ભણતી ગરીબ ઘરની ભૂખી છોકરી લક્ષ્મીને મંદિરમાંથી બે કેળાંની ‘ચોરી’ માટે ગામ લોકો અપમાનિત કરે છે, જેના આઘાતથી તે મૃત્યુ પામે છે.
સમકાલીન કૈલાસ પટ્ટનાયકની વાર્તામાં ખૂબ કંગાળ ચાના ગલ્લાવાળો ગૌર એક મેળામાં, મા વિનાની તેની દીકરી હેમને ગુમાવે છે, તેને પાછી મેળવવા માંત્રિકે આપેલો નુસખો અજમાવતા માંદો પડે છે અને દીકરીની રાહમાં ‘કુદરતી દૃશ્ય’ જોવાની ભ્રમણામાં અસ્પતાલની પથારી પર સબડે છે.
પ્રતિભા રાયની ‘સજ્જન’ વાર્તામાં એક આદર્શ પણ ગરીબ શિક્ષકનું દેવાના બોજા તળે મોત થાય છે.
લેખિકાઓની નારીપ્રધાન કૃતિઓમાં બીણાપાણ મહાન્તિની ‘પાટદેઇ’માં એ જ નામની નાયિકાની અત્યંત પીડિત જિંદગી છે. આ વાર્તા જાણીતા અંગ્રેજી મહિલા માસિકમાં અંગ્રેજી અનુવાદ અને દૂરદર્શન પર નાટ્ય પ્રસ્તુતિનું સ્થાન પામી ચૂકી છે.
પુષ્પાંજલિ નાયકની ‘પુપૂન પાછો આવ્યો નથી’માં નીચલા મધ્યમવર્ગની હંગામી અધ્યાપક માધુરીના પોતાના કુટુંબને અને પાણીદાર છતાં બેરોજગાર ભાઈને સાચવવા માટેના સંઘર્ષની વાત છે.
‘કુરેઈફૂલ’માં પારમિતા શતપથી આંગણવાડી સંભાળતી આદિવાસી કન્યાની શહેરી યુવક દ્વારા છેતરપિંડીની વાત છે. વિકાસ ખાતર ગરીબોને આપવા પડતા ભોગનો સંદર્ભ પણ તેમાં છે.
અત્યારના ચિરશ્રી સિંહા ‘સાસરીનું ગામ’માં એક સમાજસેવિકાની કથા મુખરતા વિના માંડે છે. તેમણે બાળવિધવા બન્યા બાદ દક્ષિણ ઓડિશાના ગંજમ જિલ્લાના ડુંગરાળ હલદીપદર પંથકમાં ગાંધી-વિનોબાનું તેમણે આદિવાસીઓ માટે અનેક પડકારોની વચ્ચે કામ કર્યું હતું.
આદિવાસીઓની તાકાત, તેમના ભોળપણ અને તેમના શોષણની વાત સ્વાતંત્ર્યપૂર્વ કાળના ભગવતીચરણ પાણિગ્રાહીએ ‘ઇનામ’ વાર્તામાં કરી છે.
1973 માં જ્ઞાનપીઠ મેળવનાર પહેલા ઉડીઆ લેખક ગોપીનાથ મહાન્તિની ‘કીડીઓ’ વાર્તામાં,‘ખાલી હાડકાં, ચામડાં, આંખોની બખોલ’ દેખાતાં હોય તેવા કંધ જાતિના આદિવાસીઓની દુર્દશા જોઈને મહાત્ત્વાકાંક્ષી અધિકારી રમેશનું દિલ પીગળી જાય છે.
જ્ઞાનપીઠ સન્માનિત બીજા લેખક સચ્ચિદાનંદ રાઉતરાયે ‘સ્મશાનનું ફૂલ’ નામની વાર્તામાં ગામડામાં મડદાં બાળવાવાળા જગુતિઆડીનું અજુગતું પાત્ર હચમચાવી દે તેવી વિગતો સાથે સર્જ્યું છે.
બીજું એક વિશિષ્ટ અને મનોહર પાત્ર અત્યારના લેખક વિષ્ણુ સાહુએ નરિયેળીનાં વૃક્ષોના જાણતલ શ્રમિક ચિન્તો તરીકે પ્રથમ વ્યક્તિ એકવચનની કથનરીતથી આલેખ્યું છે.
એકંદરે ઓરિસ્સાના લેખકોએ પ્રયોગોને બદલે સમાજવાસ્તવના આલેખનને અગ્રતા આપી છે, એ નોંધનીય છે.
ઓડિશામાં ઉછેર અને શિક્ષણ પામેલાં ગુજરાતી તબીબ રેણુકાબહેને પસંદ કરેલી વાર્તાઓમાં મેળા, બજાર, ગામ તેમ જ રિવાજો, વેશ, વાનગીઓ ઇત્યાદિ કથનનો સાહજિક હિસ્સો છે. વૃક્ષ, વનસ્પતિ, ફળ, ફૂલ,પક્ષીઓના ઉલ્લેખો પણ આવે છે. તેને કારણે ઉત્કલના તળપદના જનજીવનનું રસપ્રદ ચિત્ર પણ મળે છે. જોકે, વિકાસના અણસાર કે અંચળા વિનાના અભાવગ્રસ્ત સમાજનું સાહિત્યકારોએ કરેલું પ્રામાણિક ચિત્રણ પ્રસ્તુત સંગ્રહની વિશેષતા છે.
અનુવાદઃ ડૉ. રેણુકા સોની
પુસ્તક પરિચયઃ સંજય સ્વાતિ ભાવે
પ્રાપ્તિસ્થાન: ગૂર્જર સાહિત્ય ભવન (અમદાવાદ)
079 22144663 | +91 92270 55777
+91 98252 68759
Email: goorjar@yahoo.com