ઝેપ્લીન મ્યુઝીયમનું અવનવું ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:29 ~ ઉત્કર્ષ મઝુમદાર

પ્રથમ વિશ્વયુદ્ધમાં મળેલી હારને લીધે ઝેપલિન કંપનીને મોટો ફટકો પડ્યો. જર્મનીની ડેલાગ (DELAG) વિશ્વની પહેલી કમર્શિયલ એરલાઇન્સ બની જયારે એણે 19 જૂન 1910ના રોજ ઝેપલિન દ્વારા પોતાની પહેલી ઉડાન ભરી.

undefined

1910થી લઈને 1914 સુધી એટલે કે પહેલું વિશ્વયુદ્ધ શરુ થયું ત્યાં સુધીમાં એણે 1500 જેટલી ઉડાનમાં 34000 જેટલા મુસાફરોનું વહન કર્યું. આમાંથી એકેયને નાની ઇજા સુદ્ધાં થઇ નહિ.

મોટાભાગના મુસાફરો મફતિયા હતા. જેમાં રાજઘરાનાના સભ્યો, લશ્કરી અધિકારીઓ, સરકારી અધિકારીઓ, મોટા વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ હતા. સાથે સાથે 10197 મુસાફરોએ પૈસા ખર્ચીને આ મુસાફરી માણેલી.

1917માં કાઉન્ટ ઝૅપ્લિનનું મૃત્યુ થયું.

undefined
Count Ferdinand von Zeppelin

આ ઓછું હોય તેમ વિશ્વયુદ્ધમાં જર્મનીને મળેલી હારથી ઝેપલિન અને તેની એરલાઇન્સ કંપનીને મોટો ફટકો પડ્યો. વરસેલીની સંધિ અન્વયે એમને પોતાના ઝૅપ્લાઈન્સ શરણે કરી દેવા પડ્યા અને સાથે સાથે જર્મનીને મોટા ઝેપલિન બનાવવાની પણ બંધી ફરમાવાઈ.

ટકી રહેવા કંપનીએ રસોઈઘર માટે એલ્યુમિનિયમના વાસણો બનાવવાનું શરુ કરવાની નોબત આવી. કંપની બંધ થઇ જાત જો એમને યુએસ નેવી માટે એક ઝેપલિન બનાવવાની વર્દી ન મળી હોત તો.

1926માં ઝૅપ્લિનના ઉત્પાદનમાં લગાવાયેલી બંધી ઉઠાવી લેવાઈ. નવું ગ્રાફ ઝેપલિન નામનું મોડેલ વિકસાવાયું ને કંપનીનું નસીબ પલટાયું.

Graf Zeppelin | airship | Britannica

12 ઓક્ટોબર 1928ના રોજ કેપ્ટાન હુગો એખેનેરની રાહબરી હેઠળ યુએસએ જવા ઉપડ્યું ને 5000 માઇલ્સનું અંતર 80 કલાકમાં કાપીને હેમખેમ અમેરિકા પહોંચ્યું અને ત્યાં ઉત્સવનું વાતાવરણ સર્જાઈ ગયું. યુએસએના પ્રમુખ કુલીજે કેપ્ટન અને તેના સાથીઓને બ્રેકફાસ્ટ માટે વ્હાઇટ હાઉસ આવવાનું નિમંત્રણ આપ્યું અને નવા ઝેપલિનને શાંતિ દૂત તરીકે વધાવ્યું.

ઓગસ્ટ 1929માં ગ્રાફ ઝેપલિન એક પડકારરૂપ ઉડાન ભરી. વિશ્વને ફરતે આંટો માર્યો. આ મહત્વાકાંક્ષી સાહસ માટે પૈસા જોઈએ. ઝૅપ્લીનની વધતી લોકપ્રિયતાને લીધે એખેનેર માટે પ્રાયોજક મેળવવાનું કામ સરળ થઇ ગયેલું. એમાંનો એક હતો અમેરિકાના અખબારી આલમનો દિગ્ગજ વિલ્લીમ હર્સ્ટ.

William Randolph Hearst

એણે વિનંતી કરી કે પ્રયાણ અમેરિકાના લેકહર્સ્ટ જગ્યાએથી કરવું. હર્સ્ટ ગ્રેસ હે નામની ખબરપત્રીને એમાં મોકલી ને એ વિશ્વની આકાશમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરનારી પહેલી મહિલા બની. કુલ્લે 49618 માઇલ્સની આ પ્રદક્ષિણા કરતા ઝેપલિનને એકવીસ દિવસ, પાંચ કલાક ને એકત્રીસ મિનિટ લાગી.

5 ઓક્ટોબર 1930ના રોજ ઝેપલિનને અકસ્માત થયો ને કંપનીએ નક્કી કર્યું કે હાઇડ્રોજન ભરેલું ઝેપલિન ઉડાન માટે જોખમકારક છે એટલે તેમણે એ ડિઝાઇન પડતી મૂકી ને હાઇડ્રોજનને બદલે હેલિયમથી ચાલે એવા ઝેપલિન બનાવવાનું નક્કી કર્યું.

1933માં નાઝી પક્ષ સત્ત્તા પર આવતા મહત્વના ફેરફારો થયા. ઝેપલિન પ્રચાર માટેનું સાધન બની ગયું. એની પૂંછડી પર સ્વસ્તિક ચિન્હ મુકાતું. કવાયત સંગીત ને પ્રચાર સંભાષણ મુકાવા લાગ્યા. પેલા હુગો એખેનેરને આ પસંદ ન હતું. એણે વિરોધ કર્યો તો ગોબલ્સે એનું નામ કાળી યાદીમાં મૂકી દીધું ને એનો ક્યાંય નામોલ્લેખ સુદ્ધા થતો નહિ. એની તસવીરો પણ પ્રકાશિત થઇ નહિ.

ચોથી માર્ચ 1936ના રોજ નવું ઝેપલિન જેને ભૂતપૂર્વ જર્મન પ્રમુખ પૉલ વોન હિંડનબર્ગના માનમાં ‘હિંડનબર્ગ’ નામ આપવામાં આવેલું તેણે પોતાની પહેલી સફર આદરી. અત્યાર સુધીનું આ મોટામાં મોટું ઝેપલિન હતું.

બિનજ્વલનશીલ હેલિયમથી ચાલનારું આ હવાઈજહાજ હતું પણ મુશ્કેલી ત્યાં સર્જાઈ જયારે આ વાયુનું નિયંત્રણ કરનાર અમેરિકાએ એ આપવાની ચોખ્ખી ના પાડી દીધી. એટલે કંપનીએ જ્વલનશીલ હાઇડ્રોજન ભરવાનું નક્કી કર્યું ને આની એટલી મોટી કિંમત ચૂકવવી પડી કે ઝેપલિન પર કાયમ માટે પડદો પડી ગયો.

6 થી મે 1937ના રોજ અમેરિકાના લેક હર્સ્ટ ખાતે ઉતરાણ કરતી વખતે એની પૂંછડીમાં આગ લાગી ને જોતજોતામાં આખું ઝેપલિન બળીને ખાખ થઇ ગયું. 97માંથી 35 મુસાફરો માર્યા ગયા.

Hindenburg disaster - Wikipedia

આ એક અકસ્માત હતો કે કાવતરું હતું એ ક્યારેય બહાર નહિ આવ્યું. આવું થયું હોવા છતાં 400 વ્યક્તિઓએ એમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદી. જોકે કંપનીએ એમને પૈસા પરત કર્યા ને ઝેપલિને કાયમી વિદાય લીધી.

અમે પ્રદર્શનીમાં ઝેપલિન હોલમાં પ્રવેશ્યા. આ સમગ્ર ઝેપલિન હોલ હિંડનબર્ગની વિવિધ વસ્તુઓથી સભર હતો. આ હિંડનબર્ગ કેવું અદભૂત હતું એનો ચિતાર આ પ્રદર્શનીમાં રખાયેલા તેના મોડેલ પરથી મળી આવે છે.

અમે એમાં દાખલ થયા ને રેસ્ટોરન્ટ લાઉન્જ, સૂવા માટેની કેબિન્સ ને અન્ય સગવડો જોઈને આભા બની ગયા. આવી સગવડ હજી સુધી એકે આધુનિક એરપ્લેનમાં આવી નથી.

32 Rare Historical Photos That Show Why Flying On The Hindenburg Zeppelin Was So Expensive

રેલવેના પ્રથમ વર્ગમાં મુસાફરોને એક કાળે જેવી સગવડો મળતી તેવી સગવડો… જેમ કે દરેક કેબિનમાં ઠંડુ અને ગરમ પાણી આવે એવું બેઝીન, કપડાં રાખવાનો એક કબાટ, એક ફોલ્ડિંગ ટેબલ, કેબિનમાં વીજળીની સગવડ અને ગરમ રહે તેવી વ્યવસ્થા ઇત્યાદિ ઘણી વસ્તુઓનો પ્રબંધ હતો. આ કારણે જ એ હવાઈ લકઝરી લાઈનર કહેવાતું.

અઢાર મુસાફરીઓ સલામત રીતે કર્યા પછી ઓગણીસમી ઉડાન તેની છેલ્લી ઉડાન બની ગઈ. હિંડનબર્ગે ઝડપ અને સગવડ માટે નવો કીર્તિમાન રચેલો. સૌથી ઝડપી સમુદ્રી જહાજને યુરોપથી અમેરિકા પહોંચતા 1930માં પાંચ દિવસ લાગતા જયારે હિંડનબર્ગ માત્ર 60 કલાકમાં આટલું અંતર કાપતું.

ઝેપલીને સાંસ્કૃતિક અસર પણ કરી. યુકેના એક બેન્ડે પોતાનું નામ લેડ ઝેપલિન રાખેલું. ‘ઇન્ડિયાના જોનસ એન્ડ લાસ્ટ ક્રુસેડ’માં હીરોને તેના પિતા ઝૅપ્લીનમાં બેસી જર્મનીમાંથી નાસી છૂટે છે એવું દર્શાવેલું.

Indiana Jones Crusade Junior & Senior WWII Zeppelin Lucasfilm Fine Art Giclée | eBay

આધુનિક સમયમાં ઝેપલીનને પાછા લાવવાના પ્રયાસો થયા છે. જેમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયૉગ કરી સલામતી બક્ષાઈ છે. એરપ્લેનને હવાઈજહાજ કેમ કહેતા એ ઝેપલીનના ઉદાહરણથી અમને સમજાયું.

આ મ્યુઝિયમમાં એક બીજું મહત્વનું પાસું છે કલાકૃતિઓ. ઘણી અદભુત કલાકૃતિઓ પ્રદર્શિત થઇ છે. અહીં જેમ દરેક મ્યુઝિયમમાં હોય છે તેમ છેલ્લે એમની દુકાન હતી જેમાં ઝેપલીનના મોડેલ્સ, પુસ્તકો, ડીવીડી. કેલેન્ડરસ ને અન્ય સોવેનિયર્સ વેચાણ માટે ઉપલબ્ધ હતા.

અમારા સૌને માટે આ મુલાકાત અવિસ્મરણીય બની ગઈ. મ્યુઝિયમની બાહર બાળકોને રમવા માટે ઝેપલીનના આકારની નિસરણી પણ હતી. અમે રેલવે સ્ટેશન અને જેટ્ટી પર પણ આંટો મારી આવ્યા.

હવે અમને કકડીને ભૂખ લાગી હતી એટલે રેસ્ટોરન્ટ શોધવાનું નક્કી કર્યું એ પરિસરમાં જ અનેક  રેસ્ટોરન્ટસ હતી. આ વખતે અમારે કૈક જુદું જ અજમાવવું હતું ને અમારી ઈચ્છા ફળીભૂત થઇ.

અમે ઇઝમીર કબાબ નામની ટર્કીશ રેસ્ટોરન્ટ જોઈને એમાં જમવાનું નક્કી કર્યું. કેપ્ટન દંપતી બીજે ગયા. અમારી વચ્ચે સારો તાલમેલ હતો એટલે એકને લીધે બીજાએ પરાણે સાથે જવું પડે એવું નહિ.

મેં વેગ ફલાફલનો ઓર્ડર આપ્યો. પીતા બ્રેડની અંદર ભરીને આપવાને બદલે એમણે એક પ્લેટમાં જુદું જુદું આપ્યું. સાથે ફ્રેન્ચ ફ્રાઈસ પણ સારી એવી આપી. એટલું બધું હતું કે મારા જેવો ખાઉધરો પણ માંડ માંડ એ પૂરું કરી શક્યો; પણ ખાવાની બહુ મઝા આવી એ વાત નક્કી.

ભોજન પતાવી અમે બહાર આવ્યા ને કેપ્ટન દંપતીને શોધવાનુ શરુ કર્યું. તેઓ એક પિત્ઝાની રેસ્ટોરન્ટમાં હતા. અમે હવે આગળની મુસાફરી શરુ કરી. અમારે જવાનું હતું ફુસ્સન.

ભારત આવ્યા પછી નકશો જોતા ખબર પડી કે ફ્રાઇડરીખશાંફેનમાં જ દસ મિનિટના અંતરે એક બીજું એરપ્લેન મ્યુઝિયમ હતું. જેને વિષે અમારી પાસે ત્યારે કશી જ માહિતી નહોતી. આવું થવું સ્વાભાવિક છે તમે ગમે તેટલું આયોજન કરો પણ કશુંક ને કશુંક તો તમારી નજરની બહાર જતું જ રહેવાનું.

આ ડોર્નિયર મ્યુઝિયમ હતું. અહીં ક્લોડ ડોર્નિયરની એરક્રાફ્ટની ડિઝાઈનસના પ્લેનના મોડેલ અને અન્ય વસ્તુઓ હતી. લાગે છે આ મ્યુઝિયમ એટલું જાણીતું નથી.

Dornier Museum Friedrichshafen

હવે અમારી ગાડી ફુસેનને રસ્તે પુરપાટ દોડી રહી હતી.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. ઉત્કર્ષભાઈનું પ્રવાસવર્ણન ઘણું જ રસપ્રદ હોય છે અને બને તેટલું શુદ્ધ ગુજરાતી લખવાની રીત વિશેષ ગમે છે. અમે ‘પ્રદર્શનીમાં’… ધન્યવાદ.
    સરયૂ પરીખ.