પદ્મશ્રી રઘુવીર ચૌધરીની નવલકથા ‘લાવણ્ય’નું હપ્તાવાર પ્રકાશન ~ ૧૮ માર્ચથી શરુ ~ દર સોમવારે
પદ્મશ્રી રઘુવીર ચૌધરીની નવલકથા ‘લાવણ્ય’ આપણું આંગણું બ્લૉગમાં તા. ૧૮ માર્ચથી દર સોમવારે હપ્તાવાર પ્રકાશિત થવા જઈ રહી છે.

એક લિવિંગ લિજેન્ડ સર્જકના શબ્દાશિષ મળવાની તકથી અમે આનંદિત પણ છીએ અને ચૌધરી પરિવારના ઋણી પણ છીએ. ૫૦થી વધુ દેશોમાં વિખરાયેલા બ્લૉગના વાચકો આ નવલકથા વાંચવાની તક નહિ ચૂકે એવી શ્રદ્ધા છે.
આમ તો રઘુવીરભાઈનો પરિચય આપવાનો ન હોય. એમનું નામ જ એક સીમાસ્તંભ છે. છતાં વિદેશમાં વિખરાયેલા સાહિત્યરસિકોની સુગમતા માટે ટૂંક પરિચય મુકીએ છીએ.
આવો…. ગુજરાતી સાહિત્યને પોંખવાની, ટકાવવાની, વિસ્તારવાની આરતીમાં એક વાચક, ભાવક કે સર્જક તરીકે જોડાઈ સફરના સાથી બનો.
રઘુવીર ચૌધરી: સર્જકતાની ભવ્યતા
![]()
માનવજીવનની અસલિયતના ઉપાસક – સર્જક છે શ્રી રઘુવીર ચૌધરી. એમને મન સર્જવું એટલે પણ જીવવું – સચ્ચાઈથી, સુંદરતાથી અને શ્રેયોભાવનાથી. પ્રત્યક્ષ જીવનની વચ્ચે રહીને રઘુવીર ચૌધરીએ શબ્દની અને એ દ્વારા સમાજની સેવા કરવાનો ઉપક્રમ જાળવ્યો છે.
બાપુપુરા (તા. માણસા, જિ. ગાંધીનગર)ના વતની રઘુવીર ચૌધરી કુટુંબીજનોના વહાલ અને પ્રકૃતિનું સૌંદર્ય પામતાં પામતાં જીવન પ્રત્યે વિઘેયક દૃષ્ટિ કેળવતા રહ્યા. હિન્દી ભાષાના એક તેજસ્વી વિદ્યાર્થી અને આદરપાત્ર અધ્યાપક તરીકે યશ પામ્યા અને કિશોર વયથી જ ગ્રામસેવા તથા પ્રૌઢશિક્ષણની પ્રવૃત્તિઓ આરંભી.
રઘુવીર ચૌધરીનો પ્રથમ પ્રેમ કવિતા જે ગદ્યમાં પણ સુપેરે પ્રગટી રહે છે. 1965માં પ્રકાશિત થયેલી અમૃતા ત્યારે પણ સાહિત્ય જગતની અપૂર્વ ઘટના ગણાઈ હતી. પ્રેમનો – સહઅસ્તિત્વનો અર્થ સમજવા, પારંપારિક મૂલ્યોને બાજુએ રાખી નીકળેલાં આ નવલકથાના મુખ્ય પાત્રો અમૃતા, ઉદયન અને અનિકેત સામે અસ્તિત્વ એટલે શું એ જ મુખ્ય પ્રશ્ન બની રહે છે. હિન્દી ભાષામાં પણ પાઠ્યપુસ્તક બનેલી આ નવલકથાની ગુજરાતી ભાષામાં અગિયાર આવૃત્તિઓ થઈ ચૂકી છે.

ડૉ. રઘુવીર ચૌધરી વાસ્તવ અને ભાવનાનો, ચિંતન અને લાગણીનો, સત્ય અને સૌંદર્યનો અનન્ય સમન્વય – યોગ કરી શક્યા છે. કાવ્ય, નવલકથા, નવલિકા, નિબંધ, નાટક, વિવેચન, ચિંતન, પ્રવાસ વર્ણન, રેખાચિત્ર, સંપાદન વગેરે મળીને દોઢસો પુસ્તકો દ્વારા સાહિત્ય-સર્જનના તમામ સ્વરૂપોનું સુપેરે ખેડાણ કરનાર રઘુવીર ચૌધરી રાષ્ટ્રીય સ્તરે પોંખાયેલા સર્જક છે.
ભારતીય સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ એવો ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ તેમને 2015માં એનાયત થયો હતો.

2013માં સાહિત્ય અકાદેમી, દિલ્હી દ્વારા સાહિત્ય ક્ષેત્રના સર્વોચ્ચ સન્માન સમી – ફેલોશીપ માટે તેઓ પસંદગી પામેલા. 2017માં તેમને ગોર્વધન સન્માન પ્રાપ્ત થયેલું. 1977માં ઉપરવાસ કથાત્રયી માટે સાહિત્ય અકાદેમી, દિલ્હીનો પુરસ્કાર મળ્યો હતો.

આ ઉપરાંત દર્શક એવોર્ડ, ઉત્તર પ્રદેશ તરફથી સૌહાર્દ પુરસ્કાર, હિન્દી સાહિત્ય અકાદમી તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર, ક. મા. મુનશી એવોર્ડ, રણજીતરામ સુવર્ણચંદ્રક, મહારાષ્ટ્ર સરકાર દ્વારા નર્મદ ચંદ્રક, કુમાર ચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ગુજરાત રાજ્ય દ્વારા 1965થી 1970 દરમ્યાન એનાયત થયેલા ઍવોર્ડ વગેરે અનેક પુરસ્કારોથી નવાજિત રઘુવીર ચૌધરી સાહિત્યની શિખર-સમૃદ્ધિ છે.

પોતાના ગામ બાપુપુરાના ખેતરોમાં કામ કરીને ભૂસત્ત્વ પ્રત્યે લગાવ અનુભવતા આ સર્જક ગુજરાતી સાહિત્ય પરિષદ, દર્શક ફાઉન્ડેશન, ગ્રામભારતી, લોકભારતી, મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન, આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ જેવી શૈક્ષણિક – સામાજિક સંસ્થાઓના ટ્રસ્ટીપદે કાર્યરત છે. તો ગુજરાતી સાહિત્ય પરિષદનું ભવન રઘુવીર ચૌધરીના અથાગ પ્રયત્નોના ફળસ્વરૂપ છે. એક મૂઠી ઊંચેરા સર્જક રઘુવીર ચૌધરીની સાહિત્ય શિક્ષણ અને સમાજ પરત્વેની કાર્યનિષ્ઠા અપ્રતિમ છે. એમની પ્રતિભાને અંત:કરણપૂર્વક વંદન.
***
આભારસહ આમંત્રણ સ્વીકાર..🙏🏼