હાથમાં લીલું પાન રાખું છું ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
શુક્રવાર ૮ માર્ચે વિશ્વ નારી દિવસ પસાર થયો. દિવસે ને દિવસે આ દિવસનું મહત્ત્વ વધતું જાય છે અને વધવું જ જોઈએ. નારી પ્રત્યેનું સન્માન આમ તો એક દિવસ પૂરતું સીમિત ન હોય, છતાં રબર સ્ટેમ્પ જેવો એક દિવસ હોવો જ જોઈએ જે ઊંઘતાને જાગતા કરી શકે.
આજે વિવિધ કવયિત્રીઓના શેર દ્વારા મહેફિલને માતબર કરીએ. પ્રજ્ઞા વશીની ફરિયાદમાં આક્રોશ કરતાં પીડા વધારે વર્તાશે…
તને ચાહ એવી કે પંડિત થવાનું
અહીં મારે અઘરું છે સ્થાપિત થવાનું
અહીં પ્રશ્ન ઊભો છે અસ્તિત્વનો, ને
ઉપરથી વળી મારે સાબિત થવાનું

તાજેતરમાં સાંનિધ્યે સંસ્થા આયોજિત ડૉ. ખેવના દેસાઈ લિખિત `સિંધુતાઈ સકપાલ’ એકોક્તિ મીનળ પટેલના લાજવાબ અભિનયમાં જોઈને આંખો ભીની થઈ ગઈ.

પુરુષપ્રધાન સમાજ કાયમ સ્ત્રીનું શોષણ કરતો આવ્યો છે અને હડધૂત પણ કરતો આવ્યો છે. વીસ વર્ષની ઉંમરે જેને ઘરેથી કાઢી મૂકવામાં આવી એ સિંધુતાઈ વિકટ પરિસ્થિતિ સામે હારી નહીં. ભીખની સ્થિતિને ભાવ સુધી વિસ્તારી અને સમાજ કલ્યાણની કેડી કંડારી. પદ્મશ્રી ઉપરાંત સાતસા જેટલા એવોર્ડ મેળવનાર આ `માઈ’એ પંદરસોથી વધુ અનાથ બાળકોની માતા બની માતૃત્વનો મહિમા કરી બતાવ્યો.

જિજ્ઞા ત્રિવેદીની પંક્તિમાં નારીની ખુમારી વર્તાશે…
ચર્ચા, દલીલનું નથી સ્પષ્ટીકરણ કર્ય઼ું
એના વિચારનું છતાં અમલીકરણ કર્ય઼ું
સોપાન પથ્થરોને ગણી ચાલતી રહી
એ રીતથી મેં જાતનું ઊર્ધ્વીકરણ કર્ય઼ું

બહુ અઘરું હોય છે જ્યારે નાની ઉંમરે ત્યજવામાં આવે. બાળકને તો બિચારાને શું ખબર પડવાની. પણ આ બાળક જ્યારે સમજણું થાય ત્યારે અનેક માનસિક સમસ્યાઓ ઘર કરી જાય. પ્રેમનો અભાવ નર્કની યાતનાથી ઓછો નહીં હોય. વાત યાતનાની નીકળે તો સંદેશખાલીમાં સ્ત્રીઓનું કારમું શોષણ થયું છે એ ઘટના એકવીસમી સદીમાં પણ મધ્યયુગની માનસિકતામાં દર્શાવે છે.

સંધ્યા ભટ્ટ સંયમિત અભિવ્યક્તિ કરે છે…
એક દરિયો આંખ સામે ઊછળે છે
એક દરિયો ભીતરે પણ વિસ્તરે છે
એક દરિયો આંખની અંદર હશે ને
આંસુ એમાંથી જ તો છૂટાં પડે છે
નારી સંવેદનાના દરિયામાં અનેક ઉતારચઢાવ આવતા રહેવાના. હજી પણ કેટલાયે સમાજોમાં દીકરીનો જન્મ અપશુકનિયાળ માનવામાં આવે છે. શિક્ષણના અધિકારથી વંચિત રાખી વંશ જણવાના મશીન તરીકે સ્ત્રીને જોવાની દૃષ્ટિથી સમાજ સંપૂર્ણપણે મુક્ત ક્યારે થશે એ સળગતો પ્રશ્ન છે.

મેટ્રો સિટીમાં રહેનારાઓને કદાચ આછો અણસાર આવે, પણ આઘાત નહીં સમજાય. શિકાર બની જતી બાળકીઓના સંદર્ભે પુષ્પા મહેતાની પંક્તિઓ સમજવા જેવી છે…
ના દિશાનું ભાન એને મંઝિલોથી બેખબર
કો અજાણ્યાં ગામ જેવી છોકરીની જિંદગી
હર ઘડી હર પળ ડરે બૂરી નજરના તીરથી
પારદર્શક કાચ જેવી છોકરીની જિંદગી
છોકરી વયમાં આવે ત્યારથી માબાપની ચિંતા વધી જાય. બોબી ફિલ્મમાં આનંદ બક્ષીનું એક ગીત હતું જેમાં અંતરાની પંક્તિ હતીઃ યે એક સાલ બચપન ઔર જવાની કે બીચ કા બડા બૂરા, હોતા હૈ યે એક સાલ.
મેલી નજરથી જાતને કાટ લાગતા અટકાવવાની હોય અને ધર્માંતરણના દુષણથી બચવાનું હોય. અવરોધોને પાર કરી સંસારસાગરમાં અરમાનોની નૌકા વહેતી કરવાની હોય. આ સફર સરસ ચાલે તો રમ્ય પણ થઈ શકે અને વેડફાય તો રોણું પણ થઈ શકે. ઘણી વાર મનને મારીને જીવનને સાચવવું પડે. લક્ષ્મી ડોબરિયાની પંક્તિમાં દબાયેલી હયાતી વાંચી શકાશે…
સાવ ખાલી થવાનું જાણું છું
કોઈના થઈ જવાનું જાણું છું
નામ ક્યાં સ્થાપવાનું જાણું છું
જાત વિસ્તારવાનું જાણું છું
અત્યાચારોનો અતિરેક અને બળાત્કારોના બાહુલ્ય જોઈને થાય કે નારીસન્માન મેળવવાનું યુદ્ધ આદિકાળથી ચાલતું આવ્યું છે અને ચાલતું રહેશે. કવિતા શાહ અતીત અને વર્તમાનને આવરે છે…
અત્તરની પૂર્વે સ્વપ્ન આ ફૂલો થયાં હતાં
અરમાન કેટલાંય તે ચૂરો થયાં હતાં
બુદ્ધો થયાં હતાં એ સમયના સમાજમાં
એ પણ સમય હતો કે જ્યાં યુદ્ધો થયાં હતાં

લાસ્ટ લાઈન
એટલું બસ હું ભાન રાખું છું
તું કહે ત્યાં જ ધ્યાન રાખું છું
નામથી નામનાથી તું પર છે
એટલે તારું માન રાખું છું
એ તો તલવારથી યે કાતિલ છે
જીભને એથી મ્યાન રાખું છું
જિંદગી પણ હરી-ભરી બનશે
હાથમાં લીલું પાન રાખું છું
જે દિશામાં મળે છે પડકારો
એ તરફ હું સુકાન રાખું છું
આભની છત, હવાની ભીંતો છે
એક એવું મકાન રાખું છું
ગર્વથી સહુ ઊભા રહે ત્યાં હું
ઝૂકવામાં ગુમાન રાખું છું
~ દિવ્યા રાજેશ મોદી
ખૂબ સરસ..