અશ્વ છે, મેદાન છે, અસવાર ક્યાં છે? ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
જિંદગીમાં કોઈ ને કોઈ શોધ નિરંતર ચાલુ હોય છે. ક્યાં છું, કેમ છું, શું કામ છું, કોના માટે છું જેવા અનેક પ્રશ્નો આપણી સામે અવારનવાર ઉભરતા રહે. જે એના પર ચિંતન-મનન કરે એને અર્થવૈભવ હાથ લાગી શકે. જે અવહેલના કરે એના ભાગે અફસોસ લખાયો હોય છે. અશોક જાની `આનંદ’ અસ્તિત્વનો અર્થ શોધે છે…
જાતને બસ વૃક્ષ કેવળ માનજે
તું જ મૂળ છે, તું જ થડ ને શાખ તું
ક્યાં કશું ઝાઝું પછી કરવું પડે?
સૌને માટે પ્રેમ મનમાં રાખ તું

પ્રેમને માત્ર સાંસારિક નજરોથી મૂલવવાની આપણને આદત છે પણ એની અનેક અર્થચ્છાયાઓ તારવી શકાય. એ વ્યક્તિ કે જીવ પૂરતો સીમિત નથી, એ વસ્તુમાં પણ હોઈ શકે અને વૈકુંઠમાં પણ હોઈ શકે. તમે મનોમન કોઈનું સારું ઇચ્છો એ પણ પ્રેમ છે. પ્રિયજન કે વડીલને તકલીફ ન પડે એની કાળજી રાખો એ પણ પ્રેમ છે. ડરી ગયેલા બિલાડીના બચ્ચાને પંપાળી સલામત જગ્યાએ મૂકો એ પણ પ્રેમ છે.

શુભકામના શબ્દ ઔપચારિક બની ગયો છે અન્યથા એનો અર્થ અસીમને આવરી લેવા સક્ષમ છે. ડૉ. કિશોર મોદી આ વ્યક્ત કરે છે…
વાતાવરણ સુરીલું વૃંદાવનનું સાંપડે
ગોકુળ મધ્યે મકાન મારે જોઇતું નથી
સૌની ભીતર અષાઢી ટહુકા બારમાસી હો
ક્યાંયે કોઇ ઉદાસ મારે જોઇતું નથી

પ્રકૃતિએ સુખ અને દુઃખ બંને વહેતા રાખ્યા છે. જો કે વધારે પ્રમાણ દુઃખનું જ જોવા મળે છે. કેટલાક કિસ્સામાં વાસ્તવકિતા હોય જ્યારે કેટલાક કિસ્સામાં પેટ ચોળીને શૂળ ઊભું કરવામાં આપણને આનંદ આવે છે. હર્ષ બ્રહ્મભટ્ટની ટકોર આકરી લાગે તોય સહર્ષ સ્વીકારવી પડશે…
એકબીજાને સૌ નિભાવે પણ
બોજ પોતાનો સૌ ઉપાડે છે
લાગણીઓ સમજણી ક્યાં થઇ છે
એ જ ઘર-ઘર હજુ રમાડે છે

આપણી જાતને સાચવવાની જવાબદારી પણ આપણી જ હોય છે. સામે પક્ષે અતિઆદર્શવાદને કારણે અન્યને સાચવવામાં પોતાની જાતને કોરાણે મૂકી દેવી પણ યોગ્ય નથી. સારપ એક ઉત્તમ જણસ છે પણ એ મૂર્ખતામાં ન ખપવી જોઈએ. અસમંજસ જો લંબાય તો અફસોસમાં પરિણમી શકે. જયવદન વશી વાસ્તવને આલેખે છે…
ન્યાય સઘળો ત્રાજવે તોળાય છે
કેટલા નિર્દોષ અહીં દંડાય છે
મન દ્વિધામાં હોય તો અઘરું ઘણું
ક્યાં કદી આદત પડી છોડાય છે
દ્વિધા કાર્યને લંબાવ્યા કરે, એનો ઉકેલ ન આપે. નિર્ણય લેતાં પહેલાંની ગણતરીઓ આવશ્યક છે. એ થઈ ગયા પછી પણ થતો પ્રલંબ વિલંબ નુકસાનકાર નીવડે. અગાઉની કૉન્ગ્રેસ સરકારમાં દેશને ખાસ્સું નુકશાન આ કારણે સહન કરવું પડ્યું. વર્તમાનમાં જોઈએ તો મુખ્યમંત્રીને સમય ન હોય એ કારણે બ્રિજનું ઉદ્ઘાટન અટકી, લટકી અને ભટકી જવાના દાખલા મળશે.

કાયદામાં આ અંગે પણ કોઈક સજા હોવી જોઈએ. ઉદયન ઠક્કર વ્યંગ સાથે મર્મને પણ જોડે છે…
એક સૂકા પાનની રેખામાં ઠેબાં ખાય છે
એ પવન બ્રહ્માંડભરનો ભોમિયો કહેવાય છે
ક્યાંક તો જાતો હશે એ, માનીને ચાલ્યો હતો
પણ હવે રસ્તો પૂછે છે, `ભાઈ, તું ક્યાં જાય છે?’

મનને મારીને કોઈ રસ્તા પર ચાલવું પડે ત્યારે અસંતોષ ઘેરી વળે. કેટલાય ક્ષેત્રમાં એવું જોવા મળે કે પ્રતિભાવંત વ્યક્તિને તક ન મળે અથવા એવું કામ મળે જેમાં એની પ્રતિભા વેડફાઈ જાય. આખરે થાકીહારીને એ નમતું મૂકે. પરિણામ સ્વરૂપે વ્યક્તિને અને એની શક્તિને પણ કાટ લાગવાનું શરૂ થઈ જાય. ઉત્સાહનું રૂપાંતર ઉદાસીમાં થતું જાય.

શ્યામ સાધુની પંક્તિ સાથે મહેફિલને વિરામ આપીએ…
ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે
ક્યાંક તારી યાદની મોસમ રડી છે
ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે?
લાસ્ટ લાઈન
યુદ્ધ છે, પડકાર છે, પ્રહાર ક્યાં છે?
લોહ છે, લુહાર છે, ઓજાર ક્યાં છે?
નભ ઘણું વિશાળ છે, આકાર ક્યાં છે?
કોઈ પણ સપનું અહીં સાકાર ક્યાં છે?
દર્શકો બિરદાવવા આતુર છે ત્યાં
અશ્વ છે, મેદાન છે, અસવાર ક્યાં છે?
હા, નગરના શ્વાસ મોડા જાગવાના
સૂર્ય છે, પ્રકાશ છે, સત્કાર ક્યાં છે?
પુણ્યશાળી પુણ્ય કરવા આવશે ને?
દાન છે, લેનાર છે, દાતાર ક્યાં છે?
છે અસલ જેવા જ ફૂલો કાગઝી પણ
ફૂલ છે, આકાર છે, નિખાર ક્યાં છે?
~ હરીશ જસદણવાળા
“છે અસલ જેવા જ ફૂલો કાગઝી પણ
ફૂલ છે, આકાર છે, નિખાર ક્યાં છે?”
આજના સમયની સચ્ચાઈ આનાથી વધુ સરસ રીતે કહી જ ન શકાય…! જીવનના દરેક ક્ષેત્રમાં અસલ જેવા જ લાગતા કાગઝી ફૂલોની બોલબોલા હોય ત્યાં, ‘આ ફૂલોમાં સુગંધનો તરતો દરિયો છે કે નહીં’ એની પરખ કરવા માટે કોઈ પળવાર પણ રોકાતું નથી…! આ કાગઝી ફૂલો પાછા ‘યેન કેન પ્રકારેણ’ એવું સાબિત કરવા, હવામાં તલવાર વીંઝતાં મેદાનમાં ઊતરે છે કે, સાચાં ફૂલોના અસલ પરિમલને મઘમઘવાનું એમણે જ શીખવાડ્યું છે! અને, માનો કે ન માનો, આજના આ ૨૦૨૪ના સમયમાં, આવું સાબિત કરી પણ જાય છે, કારણ એક જ, સાચા અને બનાવટી ફૂલોની કદર કરવા માટે ન લોકોને સમય છે કે ન તો રસ છે.!