ફ્રાઈબર્ગ ઈન બ્રેઈસગાઉ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:26 ~ ઉત્કર્ષ મઝુમદાર
હવે અમારી સવારી “ફ્રાઈબર્ગ ઈન બ્રેઈસગાઉ” તરફ જઈ રહી હતી. અમારી વચ્ચે થયેલી ગોઠવણ પ્રમાણે મારે આ શહેરની માહિતી આપવાની હતી. બંદા તૈયાર હતા.
૨૦૧૮ની વસ્તી ગણતરી પ્રમાણે “ફ્રાઈબર્ગ ઈન બ્રેઈસગાઉ”ની વસ્તી હતી ૨,૩૦,૦૦0. કેપ્ટન પત્નીએ ટકોર કરી, “આ બ્રેઈસગાઉનું પૂછડું કેમ જોડે છે?”

મેં કહ્યું “દુનિયામાં આ જ નામવાળા ત્રણ ચાર શહેરો છે. એમાંથી બીજું તો જર્મનીમાં જ છે. ગોટાળો ન થાય માટે એ શહેર જે પ્રદેશમાં આવ્યું હોય એ પ્રદેશનું નામ એની સાથે જોડી દેવામાં આવે. નહીંતર મોટી ગરબડ થઇ જાય.”
આપણા દેશની એક ઘટના જોઈએ. અખબારમાં આવેલા એક સમાચાર મુજબ કોવિડના આક્રમણ પછી ભયભીત બનેલા સ્થળાંતરિત મજદૂરો પાછા પોતાને વતન જવા નીકળ્યા એમાં મીઠાબાઈ કરીને એક મરાઠી સ્ત્રી પણ હતી.
તે મહારાષ્ટ્રના કોલેગર ગામે દૈનિક મજદૂર તરીકે કામ કરી રહી હતી. તેનું ગામ ઔરંગાબાદ ત્યાંથી 15 કિલોમીટર દૂર હતુ. તેને વતન પાછા ફરવું હતું. બસભાડાના પૈસા હતા નહિ એટલે પગપાળા જવાનું હતું, તેથી સંગાથ શોધી રહી હતી.
તેને એક બિહારી મજૂરોનું ટોળું મળી ગયું. એણે પૂછ્યું, “ક્યાં જાઓ છો?” પેલા લોકોએ કહ્યું, “ઔરંગાબાદ.” તેથી એમની સાથે જોડાઈ ગઈ ને ઔરંગાબાદ પહોંચી ગઈ, પણ એ બિહારનું ઔરંગાબાદ હતું ને એ 15 કિલોમીટરને બદલે માત્ર 1400 કિલોમીટર દૂર નીકળ્યું.
પછી કેવી રીતે એ પોતાને વતન પહોંચી એમાં આપણે નહીં પડીએ, પણ એક નામધારી બે શહેરો હોય તે પણ જુદા જુદા રાજ્યોમાં તો અમુક કિસ્સાઓમાં જુદા જુદા દેશોમાં તો કેવી મુશ્કેલી સર્જાઈ શકે એનો આ એક દાખલો છે. તેથી આ પૂંછડું લગાડવું જરૂરી થઇ પડે છે.
દ્રૈસેમ નદીની બંને બાજુએ ને શ્લોશબર્ગ એટલે કે કેસલ હિલની તળેટીમાં આ શહેર આવેલું છે. કોનરેડ અને બર્ટહોલ્ડ તૃતીય દ્વારા આ શહેરની 1120માં સ્થાપના થઇ. આ નામનો ગુજરાતીમાં અનુવાદ કરીએ તો થાય સ્વતંત્ર શહેર અથવા કિલ્લેબંધ શહેર.
એક રસપ્રદ વાત એ છે કે આ શહેર જર્મની નહિ પરંતુ ઓસ્ટ્રિયા રાજ્યનો ભાગ હતું.”
“એ કેવી રીતે ?” કેપ્ટને પૃછા કરી, “વળી બેઉ વચ્ચે કેટલું અંતર છે.”
“થયું એવું ને કે સન 1368માં અરસામાં કાઉન્ટ એનીઓ તૃતીયાએ પોતાનો અધિકાર જતાવવા રાતના સમયે શહેર કબજે કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે શહેરના છંછેડાયેલા નાગરિકોએ એનો ‘કેસલ હિલ’ પર આવેલો મહેલ ધ્વસ્ત કરી નાખ્યો.
પછી એના ત્રાસમાંથી છૂટવા વીસ હજાર ચાંદીના માર્ક આપીને પોતાની સ્વતંત્રતા એની પાસેથી ખરીદી લીધી ને રક્ષણ માટે ઓસ્ટ્રિયાના હબ્સબર્ગ શાસકો જોડે કરાર કરીને તેમનામાં ભળી ગયા ને બૃહદ ઓસ્ટ્રિયાનો ભાગ બન્યા. એટલું જ નહિ બૃહદ ઓસ્ટ્રિયાની રાજધાનીનું શહેર પણ બન્યું.
આ વ્યવસ્થા સન 1805 સુધી ચાલી એટલે જ જયારે જર્મનીમાં માર્ટિન લ્યુથરનો સુધારાવાદી પવન વાયો ત્યારે એની આસપાસના વિસ્તારે પ્રોટેસ્ટન્ટ ધર્મ અપનાવ્યો, પણ આ શહેરે ઓસ્ટ્રિયા કેથલિક સંપ્રદાયવાળું હતું તેથી એ જ સંપ્રદાયમાં રહ્યું. કેવા કેવા કારણોસર ધર્મ બદલાતા હોય છે કે નથી બદલાતા.

સમયના વિવિધ તબક્કે આ શહેર ઓસ્ટ્રિયન, ફ્રેન્ચ, સ્વિડીશ ને સ્પેનિશ સત્તા તળે આવ્યું.”
સન 1740 માં કિલ્લો તો તોડી પાડ્યો પણ આજે એ સ્થળ ફરવા માટે ખુલ્લું મુકાયું છે ને ત્યાં જવા માટે લોકપ્રિય થઇ ગયેલી ફનિકયુલર ટ્રેન છે જે તમને માત્ર ત્રણ મિનિટમાં ટોચ પર પહોંચાડી દે છે.
આ શહેરની ઓળખ સમાન આલ્બર્ટ લુડવીંગ યુનિવર્સિટી ઓફ ફ્રાઈબર્ગની સ્થાપના હસબર્ગ શાસકોએ 1457માં કરી. જર્મનીની આ જૂનામાં જૂની ને અગત્યની યુનિવર્સિટીમાંની એક છે.

દક્ષિણમાંથી બ્લેક ફોરેસ્ટ જવાનું આ પ્રવેશદ્વાર છે. સન ૧૯૪૫માં આ શહેર ફ્રેન્ચ લશ્કરના તાબા હેઠળ આવ્યું તે છેક ૧૯૯૧ સુધી રહ્યું.
પર્યાવરણના રક્ષણ કાજે નવી સ્થપાયેલી ગ્રીન પાર્ટીનું આ અગત્યનું શહેર હતું. એ પાર્ટીની રાજકીય શરૂઆત અહીંથી થઇ જયારે એનો ઉમેદવાર મેયર તરીકે સન ૨૦૦૨માં ચૂંટાઈને આવ્યો.”
લો… વાત પતતા પતતા સુધીમાં તો અમે શહેરની સરહદમાં દાખલ થઇ ગયા. થોડીવારમાં અમે જે હોટેલમાં રહેવાના હતા તે હોટેલ શીલાર પણ શોધી કાઢી. હોટેલ મુખ્ય રસ્તા પર હતી પણ આગળ એ જ નામની એમની રેસ્ટોરન્ટ હતી અને હોટેલનું પ્રવેશદ્વાર ગલીમાંથી હતું.
અમારા રૂમ્સ પહેલા માળે હતાં. ઓરડા ને બાથરૂમ વિશાળ હતા. હોટેલ ડ્રાઈસા નદીની (જે માત્ર 29 કિલોમીટર લાંબી છે) આ બાજુ હતી ને જૂનું શહેર નદીની પેલે પાર હતું.
નદી એટલે આપણા માટે તો નહેરથી મોટી નહિ. આ હોટેલ પણ સરસ હતી. નદી પર શ્વાબેન્ટોર નામનો જૂનો ઐતિહાસિક પુલ હતો.
રૂમમાં થોડીવારમાં તાજામાજા થઇ અમે પગપાળા શહેરમાં ભ્રમણ માટે નીકળ્યા. પુલ પાસે જ બે પ્રાચીન ટાવર હતા જેમનો ઉત્તરીય ટાવર નદીમાં આવતા પુરનું ધ્યાન રાખવા માટેનો હતો. બે પૂતળાં હતા જે તમને ભૂતકાળમાં લઇ જાય. એમાંનું એક પૂતળું હતું અભ્યાસુએ જેને મધ્યકાલીન યુગનો જર્મનીનો મહાન ફિલસૂફ ગણાવ્યો છે ને જેને રોમન ચર્ચે સંત તરીકે જાહેર કર્યો છે તે આલ્બર્ટ મેગ્નસનું.
પુલ પસાર કરી અમે શ્વેબેન્ટોર તરફ રસ્તે ચાલ્યા. અમારે જવું હતું મુન્સ્ટરપ્લાત્ઝ. દસ મિનિટ લાગે એ રસ્તા પર અમને અડધો કલાકથી વધારે થયો કારણ કે અમે તો આસપાસનું બધું નીરખતા નીરખતા જતા હતાં.
આ શહેરના જૂના શહેરની એક ખાસિયત છે કે મોટાભાગના રસ્તાઓ રાહદારીઓ માટે જ છે. વાહન વ્યવહારને અનુમતિ નથી, સિવાય કે ટ્રામ. ટ્રામ સેવા એટલી બધી સરસ છે કે વાત ન પૂછો. જ્યાં ટ્રામ ના જઈ શકતી હોય ત્યાં પૂરક સેવા ઉપલબ્ધ છે. તેથી કરીને તો આ શહેરની સિત્તેર ટકાથી વધુ વસ્તી ટ્રામ સ્ટોપથી પાંચસો મીટરની અંદર રહે છે.
દરેક વસાહતની નજીકમાં ટ્રામ સ્થાનક હોવાનું જ. નવાઈ તો અમને એ વાતની લાગી કે અહીં જયારે કોઈ સંગીતનો મોટો જલસો હોય કે રમતની કોઈ મોટી મેચ હોય તો તમે એની જે ટિકિટ લીધી હોય તેમાં ટ્રામની ટિકિટ આવી જાય. કેવું સગવડભર્યું!
ચાલતા ચાલતા અમે આવી પહોંચ્યા શ્વાબેન્ટોર. અંગ્રેજીમાં એને કહેવાય શ્વાબીયા ગેટ.

મૂળ એ 1250માં બંધાયેલો. પથ્થરની દીવાલ 1547માં બની. 1572માં મથિઆસ શેવારી નામના ચિત્રકારે અંદરની દીવાલ પર એક ઠેલણગાડી લઇ જતા વેપારીનું ચિત્ર દોર્યું.
19મી સદીમાં તો તેની આસપાસ એક કિંવદંતી ઊભી થઇ ગઈ કે સ્વાબીએ પ્રદેશથી આવેલા આ વેપારીને આ શહેર એટલું બધું ગમી ગયું કે એ બે કોથળા સોનું ભરીને આ શહેર ખરીદવા નીકળેલો. આ કારણે લોકોમાં એ હાંસીપાત્ર ઠર્યો ને ખાસ કરીને જયારે એ કોથળામાંથી સોના ને બદલે પથ્થર ને રેતી નીકળ્યા. એની સમજુ પત્નીએ આ અદ્દલાબદલી કરી નાખેલી. ત્યારથી આ દરવાજાનું નામ સ્વાભિયન ગેટ પડી ગયું. છે ને મજેદાર કથા!
અહીંથી આગળ વધીને અમે પહોંચ્યા મુન્સ્ટરપ્લાત્ઝ એટલેકે કથિડ્રલ સ્ક્વેર. અહીંનો આ વિશાળ સ્ક્વેર છે. અહીં આવેલું છે ફ્રાઈબર્ગ મિન્સ્ટર ચર્ચ જે સન 1200ની આસપાસ બાંધવાની શરુ થયું ને છેક 1330માં પૂરું થયું. ને નવાઈભર્યું છે કે નવેમ્બર 1944માં થયેલા બોમ્બમારાથી બચી ગયું.

આસપાસના બીજા મકાનો જમીનદોસ્ત થઇ ગયા આ ચર્ચ બચી ગયું કારણ એના પાયામાં સીસું રેડવામાં આવેલું. આ ચર્ચ એકદમ કલાત્મક છે. એની અંદર આવેલી સ્ટેન ગ્લાસની બારીઓ તો જોનારને સંમોહિત કરી મૂકે એવી છે.”
જિજ્ઞાસુ નિશ્ચિંતે પ્રશ્ન કર્યો “યુદ્ધ વખતે બોમ્બમારાથી ભલે ચર્ચ બચી ગયું પણ ધણધણાટીથી કાચ તો તૂટી જાય ને? એ કેમ ન તૂટ્યા?”
જવાબ આપતા મેં કહ્યું “બીજા વિશ્વયુદ્ધ વખતે સ્ટેન ગ્લાસની બારીઓ કાઢી નાખવામાં આવેલી એટલે બચી ગઈ”.
ચર્ચ ટાવરને 16 ઘંટ છે એમાં 1228ના સૌથી જૂના હોસન્ના ઘંટનું વજન છે 3290 કિલો માત્ર.
![]()
બંધાયાના ત્રણ વર્ષ સુધી એનો ટાવર વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચો હતો અને પોલા એવા આ ટાવરની નકશીકારી અદભુત છે.
(ક્રમશ:)