લીલા (વાર્તા) ~ જયશ્રી પટેલ (વડોદરા)
વસંતનું આગમન થાય ને પાનખર ઋતુ જાણે જાય, તેવી મનોસ્થિતિ લીલાની હતી. એનો જેઠ મુંબઈ કમાવા નીકળી પડ્યો હતો. લીલાના જીવને ટાઢક થઈ ગઈ હતી.
આજે તેની જેઠાણી જીવતી હોત તો? બિચારી દુઃખી દુઃખી થઈ ગઈ હોત. પોતાનું માણહ જ્યારે પાંહે ન હોય ત્યારે મન કેવું આળું આળું થઈ જાય!
“લીલા, ક્યાં ખોવાઈ ગઈ? દિવાસ્વપ્ન બહુ જ જોયા કરે છે તું અલી.” ચંચળ શેઠાણીએ બૂમ પાડી તો એ ઝબકી ગઈ.
“એ, આવી બુન” કરતીક લીલા ચંચળ શેઠાણી સામે હાજર થઈ.
ચંચળ શેઠાણી નામ પ્રમાણે ગુણ ધરાવે. બન્ને હમઉમ્ર એટલે સહિયરો જેવો ભાવ. બન્ને જણમાં મોટો ફર્ક એટલો કે ચંચળ ભણેલી હતી ને લીલા નહિ. ચંચળે તેને પાસે બેસાડી પૂછ્યું, “અલી, હવે તો શાંતિ થઈ ગઈને તને?”
“હા બુન, પણ તમે મને ક્યારે લખવા વાંચવાનું શીખવાડશો?”
ચંચળે તેને ગાલે ટપલી મારી કહ્યું, ”આજથી જ! પણ, તું રોજ બપોરે મારી પાસે એક કલાક બેસશે, ઘરે જવાની ઉતાવળ નહિ કરે તો જ શીખવાડીશ.”
જાણે સરસ્વતીનું આગમન ચંચળની જીવ્હા પર જ બેસી ગયું. બસ, લીલાની મા શારદા સાથે મુલાકાત સરસ મુર્હતમાં થઈ ગઈ.
લીલાએ ઘરે પોતાના વર શંકરને કહ્યું કે હું ચંચળ શેઠાણીને ત્યાં વધારે કામ કરું તો આપણને બે પૈસા વધારે મળશે. હવે જેઠજી તો છે નહિ તો મહેનત તો મારે જ કરવી રહીને? શંકર પોતાના બે તૂટલા પગ તરફ લાચારીથી જોતો રહ્યો.
ચંચળ શેઠાણીના પતિ પ્રોફેસર હતા. તેઓ એ જાણી ખુશ થયા કે ચંચળે અભણ લીલાને અક્ષરોની ઓળખ આપવી શરૂ કરી. બસ, તે પછી શેઠાણી ને બાઈ ગુરુ-,શિષ્યાના સંબંધોથી જોડાઈ ગયાં. લીલા હોશિયાર હતી અને અંદરથી તેને ભણવાની ધગશ પણ હતી. એ જોઈને ચંચળ શેઠાણીએ પણ ઉત્સાહથી લીલા સામે જ્ઞાનનો ખજાનો ખુલ્લો મૂકી દીધો.
એક દિવસ, લીલા જ્યારે એકલવ્યની કથા વાંચતી હતી ત્યારે એણે ચંચળ પાસે જઈને કહ્યું, “બેન,આ હિસાબે તો તમેય મારા ગુરૂ થયાં. તો મારેય તમને કંઈક ગુરૂદક્ષિણામાં દેવું રહ્યું ને?”
ચંચળબેન હસીને બોલ્યાં, “એની ચિંતા ન કર. સમય આવે હું તારી પાસેથી ગુરૂદક્ષિણા પણ માગી લઈશ.!” અને વ્હાલથી લીલાને માથે ટપલી મારી. લીલા પણ હસી પડી અને ચંચળબેનના પગ પાસે બેસીને કહ્યું, “બેન, મને પોષાય એવી દક્ષિણા માગજો હોં!”
ચંચળબેન મમતાથી લીલાને માથે હાથ ફેરવતાં કહે, “લીલા, તું માત્ર વાંચવા અને લખવાનું જ નથી શીખી રહી, પણ, એ સાથે, એને અમલમાં મૂકીને વિચારવાનું પણ શીખી રહી છે…! અને, જો તો..! મહેનતથી તું ભણી અને ગર્વ મને થાય છે…!”
લીલાની કુનેહની પહેલીવાર આટલી કોઈએ પ્રશંસા કરી હતી….! ચંચળબેનના પગ પર લીલાનાં આંસુઓનો અભિષેક થઈ રહ્યો હતો…!
**********
આમને આમ પાંચ વર્ષ વીતી ગયાં ને એક દિવસ સવારે ઘરઆંગણે એક રીક્ષા ઊભી રહી. તેમાંથી એક ન ઓળખાય તેવી વ્યક્તિ ઉતરી પેન્ટ – શર્ટમાં ને સાથે એક ફાંકડી યુવતી પણ. પુરુષે ઉતરીને શંકરને બેઠાં બેઠાં જ ગળે વળગાડ્યો ને “કેમ છે ભઈલા?” કહી ગાલે વહાલપની ટપલી મારી. ત્યારે શંકર ને લીલા ઓળખી શક્યા કે આ તો રામજી – શંકરનો ભાઈ ને લીલાનો જેઠ! સાથે આવેલી પેલી ફાંકડી યુવતી તે રસીલા- રામજીની નવી વહુ! નામ તેવા જ ગુણ, રસીલા રસીલી જ હતી.
થોડા દિવસ તો બન્નેનું આવવું ગમ્યું, લીલા અને શંકરને. પણ થોડાં દિવસ પછી લીલા ઝાંખી પડેલી દેખાતી. શંકર કારણ પૂછે તો ટાળી દેતી. જેઠાણી રસીલા, લીલા પર હુકમ ચલાવતી. લીલાને માથે કામનો બોજો વધતો ગયો. પોતાની પથારી પણ બહાર કરવી પડતી. એમ કહીએ તો ચાલે કે ઘરની વ્યવસ્થા જ ખોરવાઈ ગઈ. એકવાર શંકરે વાતવાતમાં રામજીભાઈને પૂછી લીધું, “ભાઈ, કામ પર ક્યારે પાછા જવાના?”
સવાલ રામજીને પૂછ્યો, પણ જવાબ રસીલાએ આપ્યો, “કેમ આ ઘર પર તો એમનોય હક્ક છે. તેથી અમે અહીં રહીએ તે પેટમાં દુખ્યું?” શંકરનું મોં ઝંખવાણું પડી ગયું.
બેત્રણ દિવસ પછી શાહુકાર પાસેથી પાછાં આવીને રામજી લાલપીળો થઈ બોલ્યો, “ઘરનાં કાગળિયાં ક્યાં છે? શાહુકાર પાસે ગિરવે મૂકેલું પણ એ તો છોડાવીને તેં કાગળિયા લઈ લીધાં છે એવું શાહુકારે કહ્યું!”
શંકરે કહ્યું, “બરાબર કહ્યું. તેં મારા નામે કરીને ગિરવે મૂકેલું ઘર લીલાએ દિવસ રાત કાળી મજૂરી કરીને છોડાવ્યું છે. તો કાગળિયાં તો અમારી પાસે જ હોય ને! કેમ તમારે શું કામ છે?”
રામજીએ કહ્યું, “ઘરમાં મારો પણ હક્ક ખરો ને? મને કાગળિયાં આપ. મારે મારો ભાગ એમાંથી લેવો છે.”
શંકર થોડામાં બધું સમજી ગયો કે ભાઈ હક્ક માંગવા આવ્યો છે ને રસીલા તેના પૈસા હડપવાં. જો તે કાગળિયા નહીં આપે તો વધુ તકરાર અને ઝઘડા થશે. શંકરે તે ઘડીએ તો પેપર્સ આપી દીધાં પણ પછી લીલાને વાત કરી. શંકરે લીલાને આ બાબતે ચંચળબેન સાથે વાત કરવા કહ્યું અને જરૂર પડે તો એમના પતિની સલાહ લેવાનું પણ કહ્યું.
બીજી બાજુ, લીલાને રસીલાની ઈર્ષા થઈ આવી હતી. યાદ આવી તે રાત… રામજી મુંબઈ જવાનો હતો ત્યારે તેણે કરેલી વાતો. કરગર્યો હતો તેની જોડે ભાગી જવા માટે. પછૂટી ગઈ…! રણીને આવી ત્યારે લીલા ખાલી દસ વરસની હતી. ત્યારે જેઠજી ખોળામાં બેસાડીને કેવાં અડપલાં કરતાં! લીલા જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેને પોતાના અપંગ પતિ પર ગુસ્સો પણ આવતો.
એની સાસુ સમજાવતાં કે, “વહુ બેટા, જે ભગવાને આપણને આપ્યું તેને સ્વીકારી લેવું.”
તો બીજી બાજુ, દિવસે દિવસે જેઠજીની માંગ વધતી જ ગઈ. એકવાર તો જેઠાણી જોઈ પણ ગઈ હતી! લીલાને થયું, એનો જેઠ તો સુધરવાનો નહોતો અને એનો પોતાનો છૂટકોય થવાનો નહોતો..! કોને ખબર કેમ, પણ, એની જેઠાણી અચાનક જ નાની માંદગી ભોગવીને બહુ જલ્દી ઉપડી ગઈ ભગવાનને ઘેર! એક રીતે તો જેઠાણી, બચાડી… છૂટી ગઈ! પણ, ત્યારથી જ સચેત થયેલી લીલા મોટી થઈ ગઈ. એણે જેઠજીને ટાળવા માંડ્યા.
રામજી સમજી ગયો કે હવે અહીં વધુ દાળ ગળવાની નથી. તેણે મુંબઈ તરફ પ્રયાણ કર્યુ. બસ, ત્યારથી લીલા, નિર્દોષ શંકરને દિલથી ચાહવા માંડી. છતાં પણ આજે, તેને રસીલાની ઈર્ષા થઈ આવી હતી…!
બીજે દિવસે એ કામ પર ગઈ ત્યારે એણે ચંચળનાં પગ આગળ બેસીને પેટછૂટી બધી વાત કરીને મન ખાલી કર્યું. ચંચળે એને સમજાવી કે, “આવું થાય, લીલા..! સ્ત્રીનું મન હોય કે પુરુષનું -પોતાની વ્યક્તિ ગણી હોય ક્યારેક, પછી તે કોઈ બીજાની બની જાય તો ઈર્ષા થાય…એ સહજ છે. પણ બધું ભૂલીને હવે તું શંકરને માટે કેટલું કરે છે!”
“પણ બેન, શંકરે તો કંઈ પણ વિચાર્યા વિના જ જેઠજીને કાગળો સોંપી દીધાં, એનું શું કરશું?”
“લીલા, શંકરે રામજીને કાગળ આપ્યાં એ એકરીતે તો સારું જ કર્યું. આ વાતનો હવે કાયમી નિવેડો પણ આવી જશે! હવે ઘેર જા અને ધ્યાન રાખજે. તારો જેઠ બધાં નવાં કાગળ બનાવડાવીને લાવે તો સરખું વાંચીને જ સહીસિક્કા કરજો. તું કાગળ વાંચીને જે સાચો નિર્ણય લઈશ એ જ છે તેં આપેલી ગુરૂદક્ષિણા. સમજી!”
આ સાંભળીને લીલાને જાણે જોમ આવી ગયું. લીલા એનાં ગુરુ, ચંચળ શેઠાણી પાસેથી આત્મવિશ્વાસ લઈને ઘેર આવી. જેઠજીએ જેવું શંકરને નવા કાગળિયાં પર અંગૂઠો લગાડવાનું કહ્યું, તો લીલાએ કહ્યું, કે, “મને કાગળ વાંચવા દો. બધું બરાબર હશે તે પછી જ શંકર અંગૂઠો લગાવશે.”
લીલાનો જેઠ વરવું હસીને બોલ્યો, “તું? આ સરકારી કાગળિયાં વાંચીશ? તો લે..અને વાંચ ત્યારે…!” પછી આંખ મીંચકારીને રસીલા સામે જોઈને કહે,”કાળો અક્ષર તો ભેંસ બરાબર.. અને પાછાં કાગળિયાં વાંચવા છે..! હું યે જોઉં કે.. કેવુંક વાંચે છે..!”
લીલાએ શંકરના હાથમાંથી કાગળ ઝૂંટવી લીધાં અને બરાબર પાનાં ગોઠવીને, મોટેથી વાંચવું ચાલુ કર્યું જેથી શંકર પણ સાંભળી શકે. આ દ્રશ્ય સાવ નવું અને સપનામાંયે ન ધારેલું હતું. શંકર, એનો ભાઈ અને રસીલા, ત્રણેય જણ ફાટી આંખે, સરકારી કાગળોને સડસડાટ વાંચતી લીલા સામે જોતાં રહ્યાં…!
કાગળો વાંચવાનું પૂરૂં થયું એ સાથે જ લીલા ફાટી પડી અને દોડીને ઘરની અંદર પડેલી વાંસની લાકડી લઈ આવી. લાકડી ઉગામીને હવે જેઠજી તરફ દોડી. અત્યાર સુધી અંદર જ ધરબી રાખેલો ધગધગતો લાવા હવે લીલાની જીભ પરથી વહેવા માંડ્યો…! એણે રાડ્ય નાંખી, “ફાટી મૂઆ.. આ કંઈ લીલાનું શરીર છે કે ચૂંથી નાંખવું છે? આ ઘરમાં મેં મારું લોહી સિંચ્યું છે! હવે શેનો આવી ગયો છે હક્ક માગવા? રહેતો હતો, ત્યારે તો ઘરને ગિરવે મૂક્યું હતું અને તે પણ શંકરના નામે કરીને! કાળી મહેનત કરીને છોડાવ્યું મેં… ને હવે બાપનો દલ્લો સમજી… ,શંકરને અપંગ સમજી… આવી પડ્યો, તારી આ રાં…ને લઈને!… હિંડતો થા અહીંથી! આ તારી વેજા લઈ જા હારે.., નહિ તો બેઉનું માથું ફોડી નાંખીશ!”
રામજી હજુ કંઈ કરે કે કહે એ પહેલાં તો રસીલા જ પોતાનો સામાન ભેગો કરીને ભાગી ઘરમાંથી, અને એની પાછળ રામજી પણ થેલો ઉપાડી નીકળી ગયો. આ બધું જે થયું એ એટલું તો અચાનક બન્યું હતું અને એની સમજની બહાર હતું! લીલા વાંચતાં-લખતાં શીખી ગઈ હતી, વચ્ચેનાં વર્ષેના ગાળામાં..! એણે આવું કદી વિચાર્યું પણ નહોતું…! એને લીલાની તીવ્ર બુદ્ધિ પર, ગુસ્સાને બદલે માન થયું. પોતે અપંગભાઈને માટે કંઈ ન કરી શક્યો, પણ આ જોગણીએ તેને પાંખમાં લઈને સુખી કરી દીધો. બે આંસુ નીકળ્યાં પસ્તાવાનાં. આભ સામે બે હાથ જોડી, મા-બાપની માફી માંગીને રામજી બસ સ્ટેન્ડ તરફ નીકળી પડ્યો.
લીલાએ શંકરની સામે જોયું. શંકરની નજરોમાંથી નીતરતાં આંસુ લીલા પર નિર્મળ પ્રેમ વરસાવી રહ્યાં હતાં. એણે કાંઈ ન પૂછ્યું; ફક્ત બે હાથ જોડી રહ્યો..! લીલા શંકરને બાઝી પડી હતી!
કદાચ, ભગવાન પણ વિચારતો હશે કે મેં સ્ત્રીને કેમ આવી પ્રેમાળુ ઘડી હશે!
~ જયશ્રી પટેલ (વડોદરા)