બ્લેક ફોરેસ્ટની મધ્યમાં ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:25 ~ ઉત્કર્ષ મઝુમદાર
અમારી સવારી બ્લેક ફોરેસ્ટમાં ઘૂમી રહી હતી. નિશ્ચિન્ત ખોવાયેલી લાગી એટલે મેં એને પૂછ્યું “ક્યાં ખોવાઈ ગઈ?”
જવાબમાં કહે, “ઈન માય ચાઇલ્ડહુડ મેમરીઝ. ગ્રીમ બ્રધર્સ ફેરીટેલ સ્ટોરીઝ વર માય ફેવરાઇટ્સ. ધ ફોરેસ્ટ ઈન ધેર સ્ટોરીઝ લાઈક ‘હાંસેલ એન્ડ ગ્રેટેલ’, ‘સ્નો વ્હ્યહિટ’ અને ‘રાપૂનઝેલ’ વર બેઝડ ઓન બ્લેક ફોરેસ્ટ. આઈ એમ થ્રિલ્ડ ધેટ આઈ એમ પાસિંગ થ્રુ થીસ ફોરેસ્ટ.”

સાચે જ આ જંગલ એક જાદુઈ અનુભવ કરાવે છે.

અહીંના જે વિખ્યાત ગામો કસ્બાઓ છે તેની માહિતી આપું. બાદન બાદન તો જઈ આવ્યા એટલે એને બાદ કરી આગળ વધીએ.
બાદન બાદન જેટલું તો લોકપ્રિય નહિ પરંતુ થોડુંક સસ્તું એવું બાથ વાઈલ્ડબાથ પણ લોકપ્રિય સ્પા માટેનું સ્થળ છે. બોગદાને લીધે એનો રસ્તો ચતરાઈ જાય છે ને એ અલાયદું પડી જાય છે
એન્ઝ નદીની ખીણનો અને અસીમિત પાઈન વૃક્ષોનો નઝારો માણવા લાયક છે. નજીક આવેલા સરોવર વાઇલ્ડ સીનું નૈસર્ગિક સૌંદર્ય પણ માણવા જેવું છે.
કાઈફ નામનું રૂપકડું ગામ તો હિન્દુસ્તાન સાથે સંબંધ ધરાવે છે. નવાઈ લાગી? જાણ્યા પછી નહિ લાગે.
અમેરિકન ફિલ્મ દિગ્દર્શક કોનરેડ હુકસે બહુ વર્ષો પહેલા શશી કપૂર અને સિમી ગરેવાલને ચમકાવતી અંગ્રેજી ફિલ્મ બનાવેલી જેનું શૂટિંગ ઋષિકેશ અને ઉત્તર ભારતના અન્ય સ્થળોએ થયું હતું. વાત હતી જિંદગીનો અર્થ શોધવા નીકળેલા એક ભારતીય યુવાનની. 1972માં પ્રદર્શિત થયેલી આ ફિલ્મનું નામ હતું “સિદ્ધાર્થ”.
![]()
આ ફિલ્મ ચર્ચાસ્પદ રહેલી એમાં આવેલા સિમીના નગ્ન દ્રશ્યને લીધે. અલબત્ત એ વખતે ભારતીય સેન્સર બોર્ડ ચુંબનને પણ રજુ કરવા દેતું ના હતું તો આવા દ્રશ્યને તો મંજૂરી ક્યાંથી આપે? ભારતમાં પ્રદશિત થયેલી આ ફિલ્મમાં આવા દ્રશ્યો પર સેન્સરે કાતર ફેરવી દીધેલી.
આ ફિલ્મ આ જ નામની 1922માં લખાયેલી એક નવલકથા પર આધારિત હતી. ને તે નવલકથાના લેખક હતા નોબેલ પ્રાઈઝ વિજેતા, જર્મનીના પ્રખ્યાત લેખક હર્મન હેસ.

આ લેખકનું જન્મસ્થળ તે આ કૈફ ગામ. અહીં એમનું એક શિલ્પ અને મ્યુઝિયમ પણ છે. અઢારમી સદીના બનેલા હાફ ટીમ્બરડ ઘરો જોવાલાયક છે.
નવ નાના નાના ગામોના સંકુલનું બનેલા બૈયરસબ્રોનની વિશેષતા છે અહીંની રેસ્ટોરન્ટ્સ. આટલા નાનકડા વિસ્તારમાં બે રેસ્ટોરન્ટ્સ ત્રણ મિચેલિન સ્ટાર્સ અને બે મિશેલિન સ્ટારવાળી એક રેસ્ટોરન્ટ ધરાવે છે એટલે ખાણીપીણી તો અહીંની ઉત્તમ છે જ; લટકામાં ગોલ્ફ કોર્સ અને સ્નો આચ્છાદિત ઢોળાવો ઉપર કરો સ્કિઇંગની મઝા. બાજુમાં જ છુપાઈને બેઠેલા છે બારમી સદીના મઠના ખંડેર.
બાદિશ વાઇનસ્ટરાશે એટલે કે વાઈન રસ્તો. બાદન બાદનથી ફ્રીબર્ગ જતા મુખ્ય કંટાળાજનક ધોરીમાર્ગ ન લેતા આ 1854માં બનાવેલો રસ્તો તમે જો લો તો તમે અહીંની વાઈન માટે જે દ્રાક્ષો ઉગાડાય છે તેની વાડીઓ જોતા પસાર થાવ. આ રસ્તો ઠેઠ સ્વિટ્ઝર્લૅન્ડની સરહદ નજીક જાય છે.
ટિટિસી લેક: ગ્લેસિયરથી બનેલું આ સરોવર અહીંનું લોકપ્રિય રિસોર્ટ છે. બે કિલોમીટર લાંબા અને એક કિલોમીટર પહોળા આ ટિટિસી સરોવરમાં પ્રવાસીઓના ટોળાના ટોળાં તરવા, વિન્ડસર્ફિંગ અને નૌકાની સહેલગાહ માણવા માટે ઉમટી પડે છે.

શિયાળામાં આ સરોવર થીજી જતાં અહીં લોકો આઈસ સ્કેટિંગ કરવા પણ આવે છે. અહીંની મુલાકાત પ્રવાસીને અલૌકિક અનુભવમાં તરબોળ કરી નાખે છે એ વાતમાં ના નહિ.
ટ્રીબર્ગ ધોધ: જર્મનીનો ઊંચામાં ઊંચે આવેલો આ 535 ફૂટનો ગુતઃ નદીનો ધોધ પર્વત પરથી ત્રિબેર્ગના ખીણ પ્રદેશમાં પડે છે. ટ્રાઈબર્ગ જે કકુ ક્લોક માટે જાણીતું છે તેના સિટી સેન્ટરથી તમે આ ધોધના પ્રવેશદ્વારે પહોંચી શકો છો. રાતે લાઇટ્સથી ચમકતા પાણીનો નઝારો નયનરમ્ય છે ને શિયાળાના દિવસોમાં ચારેબાજુ સ્નો અને એમાં આ પડતો ધોધ પણ ચિત્તાકર્ષક છે.

ટૂંકમાં બહુધા ગ્રામીણ પ્રદેશ ધરાવતો ને જૂજ શહેરો ધરાવતો આ પ્રદેશ નયનરમ્ય છે. અમે હાઇવે ન લેતા પ્રમાણમાં થોડો લાંબો કન્ટ્રી રોડ લીધો અને એનો ફાયદો પણ થયો.
રસ્તામાં એક મોતી સમું ગામ મળી ગયું નામે શીલતાક. સીજેની પારખું નજરે તરત જ પારખી લીધું કે આ ગામમાં દમ છે, અહીં થોડું ફરવા જેવું છે. એટલે અમે ચકરાવો મારીને ગામમાં પેઠા.
હાફ ટીમ્બરડ ઘરો ધરાવતું નાનું પણ રળિયામણું ગામ હતું. બાજુમાં નદી પણ વહેતી હતી. ગાડી એક જગ્યાએ પાર્ક કરી ટહેલતા નીકળ્યા. એક રેસ્ટોરન્ટ દેખાઈ તો સીજે કહે આપણે લંચ અહી જ લઇ લઈએ. અમે તો ફોલો ધ લીડર રમત રમતાં જ હતા તે એને અનુસર્યા. કહેવું પડે એને કોણ જાણે ક્યાંથી ખબર પડી જાય છે કે આ જગા સારી હશે.
રાબેતા મુજબ બિયરથી શરૂઆત કરી. જે સરસ નીકળ્યો, હીનાએ રાબેતા મુજબ વાઈન મંગાવ્યો એ પણ સરસ.. વેઈટ્રેસે કરેલી ભલામણ મુજબ ખાવાનું મંગાવ્યું એ પણ સ્વાદિષ્ટ નીકળ્યું. રેસ્ટૉરન્ટના ભાગ રૂપ જ પેસ્ટ્રી શોપ હતી. હીનાએ કશુંક લીધું એ પણ અતિસ્વાદિષ્ટ નીકળ્યું. ટૂંકમાં જામો પડી ગયો.
ભોજન કરીને ફરી પાછું થોડુંક ચાલ્યા અને પછી મુસાફરી આગળ વધારી. ટૂંકું પણ આલ્હાદક એવું આ રોકાણ મારે હૈયે કાયમ માટે જડાઈ ગયું છે. (પાછા આવીને સંશોધન કરતી વખતે આ ગામનો ઉલ્લેખ મેં વાંચ્યો કે આ ગામની મુલાકાત અવશ્ય લેજો ફેરો ફોગટ નહિ જાય. અનાયાસે અમને આ ગામ કેવું ભેટી ગયું? અચરજ અચરજ.)
તમે જયારે ચાલુ રસ્તો છોડીને ઉફરા રસ્તે ચાલો તો તમને અવનવા અનુભવો ચોક્કસ થવાના, જે પછી યાદગાર બની જતા હોય છે. શેલકિયેમ અનાયાસે અમને જડી ગયું એવું જ થોડેક દૂર ગયા કે અચાનક અમને અમારી જ બાજુ પર રસ્તા પર આઘે ચાર પાંચ ગાડીઓ ઊભેલી દેખાઈ. થોડાક લોકો રસ્તાની ધારે લાકડાના સ્ટેન્ડ પર કશાકને જોતા દેખાયા. અમે પણ ગાડી ઊભી રાખી. જોયું તો એક જુદા પ્રકારનું અચરજ.
સ્ટેન્ડ પર અસંખ્ય કોળા જુદા જુદા ઢગલાઓમાં મુકાયેલા દેખાયા. તમે કહેશો એમાં શું અચરજ જેવું. કોળા તો કોળા જ હોય.
આ જુદા પ્રકારના કોળા હતા. વિશાળકાય ને નાના, જુદા જુદા કદના ને રંગના ને વિવિધ આકૃતિઓ ધરાવતા. અગાઉ આવા કોળા જોયા જ નહોતા. અમે ઘડીકભર તો નવાઈ પામતા જોઈ જ રહ્યા. એ તો બહુ સાફ હતું કે આ વેચવા માટે મુકાયા હતા, પણ કોઈ દુકાનદાર નજરે ચઢતો ન હતો.
દરેક ઢગલાં પર એના ભાવ લખેલા પૂંઠ્ઠા પણ લગાડેલા હતા, પણ પૈસા આપવાના કોને? બાજુમાં ઊભેલા એક ભાઈએ જોઈતું કોળું પસંદ કર્યું ને પૈસા બાજુમાં મુકાયેલા એક ખુલ્લા ડબ્બામાં મૂકી ચાલતી પકડી. અમે તો અવાક થઈને તાકી રહ્યા. આ માળું નવતર. પછી સમજાયું કે અહીં લેબરની તંગી છે. વેચાણ માટે માણસ રાખવો પોસાય નહિ એટલે આવી રસમ બધે અપનાવાય છે. લોકો પણ પ્રામાણિક એટલે વેચવાવાળાને નુકસાન ભાગ્યે જ જાય. વિશ્વાસે વહાણ ચાલે તે આનું નામ.
સ્વાભાવિક છે અમને કોળા ખરીદવામાં રસ ન હતો પણ આ દ્રશ્ય માણી અમે મુસાફરી આગળ વધારી. થોડીવાર પછી નિશ્ચીન્તે કહ્યું એની આ બ્લેક ફોરેસ્ટમાં ચાલવાની ઈચ્છા છે. એટલે એક એવી જગ્યા આવી કે સીજેએ ગાડી બાજુમાં ઊભી રાખી. એક કાચો રસ્તો ઉપર અંદર જંગલમાં જતો હતો ત્યાં અમે ચાલવા લાગ્યા.

ઠંડું વાતાવરણ, તાજગી ભરી દે એવી ચોખ્ખી હવા ને આંખ ઠરે એવી વનરાજી. વીસેક મિનિટ જેટલું ચાલ્યા ને પછી રસ્તો સાંકડો ને ગાઢ થયે જતો હતો એટલે રોમાંચક લાગતું હતું, પણ પછી મોડું થઇ જશે એ વિચારી આગળ જવાની ઈચ્છા મારી અમે પાછા ફર્યા.
બ્લેક ફોરેસ્ટમાં હાઈક કરવાની ઈચ્છાને આમ આવી રીતે પૂરી કરી સંતોષ માણ્યો. આ અનુભવ પણ સંતર્પક રહ્યો. અમારી યાત્રા આગળ વધી.
(ક્રમશ:)