“હાડકાંની અદલાબદલી” ~ મૂળ લેખકઃ પાર લેજરવિસ્ક ~ આસ્વાદઃ ડો. બાબુ સુથાર
મૂળ સ્વીડીશ લેખક પાર લેજરવિસ્કનો પરિચયઃ
પાર લેજરવિસ્ક (૨૩ મે ૧૮૯૧ થી ૧૧ જુલાઈ ૧૯૭૪) એક સ્વીડીશ લેખક અને કવિ હતા. એમને ૧૯૫૧માં સાહિત્યના પ્રદાન બદલ નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું.

એમણે કવિતાઓ, નાટકો, નવલકથાઓ, ટૂંકી વાર્તા અને નિબંધો લખ્યાં છે. એમનાં સાહિત્યમાં સારા-નરસા એટલે કે Good and Evil – મુખ્યત્વે પાયાની વાત રહી છે.
તેઓનું શિક્ષણ પારંપારિક રીતે ધાર્મિક હતું પરંતુ એમના યુવાનીના પ્રારંભિક કાળમાં જ તેઓ ક્રિશ્ચયન માન્યતાઓથી પર થઈ ગયા હતા. પછીથી, આજીવન પોલિટિકલી એક સોશ્યલિસ્ટ રહ્યા અને કદી પણ “Religion is the opium of the people” – “ધર્મ એ માણસજાત માટે આવશ્યક અફીણ છે” – એ માન્યતાને પાળી-પોષી નહોતી.
બબ્બે વિશ્વયુદ્ધો અને અન્ય સતત ચાલતાં પ્રાદેશિક સંઘર્ષોની વેદનામાં તેઓ અંદરથી પીડાયા કરતા હતા. એમની કવિતાઓ અને લખાણોમાં યુદ્ધોમાં થતાં વિનાશ વચ્ચે માણસ કઈ રીતે એક અર્થપૂર્ણ જિંદગી જીવી શકે એની એક સતત ખોજ વર્તાય છે.
(આજની આ વાર્તા કદાચ ૧૯૪૫-૫૦ માં લખાઈ હશે, પણ સાંપ્રત સમયમાં – એટલે કે ફેબ્રુઆરી ૨૦૨૪માં આ વાર્તાનું મૂલ્ય ખૂબ વધી જાય છે.
“બારુદ કે એક ઢેર પર બૈઠી હૈ યે દુનિયા” – હિન્દી ભાષાના કવિશ્રી પ્રદીપજીએ એમના ગીતમાં લખ્યું હતું પચાસના દાયકામાં, એ આજની તારીખમાં કેટલું બંધબેસતું આવે છે!
ત્રીજા વિશ્વયુદ્ધના દુદુંભી ના અવાજો અનેક રાષ્ટ્રોના દરવાજા જોરશોરથી ઠોકી રહ્યા છે ત્યારે આ વાર્તાની પ્રાસંગિકતા ખૂબ વધી જાય છે. આ મૂળ વાર્તા તો જો કે માત્ર દોઢ જ પાનાંની છે, પણ, એનું છેલ્લું વાક્ય આજના સમસ્ત વિશ્વની પરિસ્થિતિના સંદર્ભમાં પણ કેટલું બંધબેસતું છે, એનો સહુ સહ્રદયી વાચકે વ્યક્તિગત રીતે વિચાર કરવો ઘટે છે.
આપણે માત્ર વ્યક્તિગત જ નહિ, આપણે રાષ્ટ્રીય સ્તર પર પણ, ધર્મના, જાતિના, વિસ્તારવાદ વગેરે જેવા અનેક નામે અનેક પ્રકારના યુદ્ધ અંદરોઅંદર લડતાં રહીએ છીએ. પણ ક્યાંય એકમેક પ્રત્યેના ધિક્કરને યુદ્ધ પછી પણ ભૂલી શકીએ છીએ ખરા?
આ સવાલનો જવાબ સાચા અર્થમાં તો માત્ર સવાલ બનીને જ આપણી સમક્ષ ઊભો રહી જાય છે, કારણ, આપણાંમાંથી કોઈ પાસે આજે એ સવાલનો કોઈ જવાબ નથી! તો ચાલો, આજની આ ટૂંકી પણ સુંદર કથા માણીએ.)
***
મહાભારતના કવિએ તો કહી દીધું કે યુદ્ધની કથા રમણીય હોય છે. પણ, ના. કાયમ એવું નથી હોતું. સ્વિડીશ લેખક પાર લેજરવિસ્કની ‘અદલાબદલી’ વાર્તા વાંચો તો તરત જ આ વાત સમજાઈ જશે.
માંડ દોઢ પાનાની આ વાર્તામાં લેખકે યુદ્ધના બિહામણા સ્વરૂપની જે વાત કરી છે એ કદાચ એક મહાકાવ્યમાં પણ ન કરી શકાઈ હોત.
આ વાર્તામાં કોઈ નાયક નથી. કોઈ નાયિકા નથી. વાર્તા શરૂ થાય છે બે દેશો વચ્ચે થયેલા યુદ્ધની. લેખક કહે છે: બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હતું. ક્યાં બે રાષ્ટ્રો વચ્ચે? લેખકે એ કહ્યું નથી. આ બે રાષ્ટ્રોનાં નામ ન આપીને લેખકે ઘણું બધું કહી દીધું છે. એ ગમે તે બે રાષ્ટ્રો હોઈ શકે. એમાંનું એક રાષ્ટ્ર કદાચ વાચકનું પણ હોઈ શકે.
યુદ્ધ પુરુ થયા પછી પણ હજી બન્ને રાષ્ટ્રોના લોકો એ યુદ્ધની વાત કરતા. અને જ્યારે પણ એ યુદ્ધની વાત કરતા ત્યારે સામેના દેશને ધિક્કારતા. આ રીતે એમની યુદ્ધની વાતો આખરે તો લાગણીની વાતો બની જતી. લેખક કહે છે કે એમાં પણ જે લોકોએ આ યુદ્ધમાં ભાગ લીધેલો અને યુદ્ધના અન્તે બચી ગયેલા એ લોકો તો ખૂબ જ ઝનૂનથી યુદ્ધની વાત કરતા.
યુદ્ધ પુરુ થયા પછી બન્ને દેશોએ પોતપોતાની યુદ્ધભૂમિ પર સૈનિકોનાં સ્મારકો બનાવેલાં. એમની સ્મૃતિમાં. કેમ કે એમણે દેશ માટે બલિદાન આપ્યું હતું. અને બન્ને દેશો એ બલિદાનને યાદ રાખવા માગતા હતા.
બન્ને રાષ્ટ્રોએ એ યુદ્ધમેદાનને પ્રવાસનું સ્થળ બનાવી દીધું હતું. બન્ને દેશના નાગરિકો ત્યાં જતા અને એમના બહાદૂર સૈનિકોને યાદ કરતા.
પણ, કોણ જાણે કેમ. થોડાક વખત પછી એ યુદ્ધમેદાનમાં કશુંક વિચિત્ર, કશુંક ન સમજાય એવું બનવા લાગ્યું. લોકો એની વાતો કરવા લાગ્યા.
એ કહેવા લાગ્યા કે બન્ને દેશના કેટલાક સૈનિકો રોજ રાતે કબરમાંથી બહાર નીકળે છે અને સીમા ઓળંગીને એકબીજાને મળવા જાય છે. એટલું જ નહીં, એ લોકો એકબીજા સાથે વાતો પણ કરતા હોય છે અને કશાકની આપ લે પણ કરતા હોય છે. લોકો એમ પણ કહેવા લાગ્યા કે એ સૈનિકો એકબીજાને ભેટ આપતા હોય છે.
દેખીતી રીતે જ, આવી અફવાઓને પગલે બન્ને દેશના નાગરિકો દુ:ખી થઈ ગયા. એમને થયું કે આપણે આપણા સૈનિકો માટે શું નથી કર્યું? આપણે એમનાં સ્મારકો બનાવ્યાં. એમનાં કુટુમ્બોની કાળજી લીધી. એમના નામનાં કાવ્યો રચ્યાં. બાળકોને એમના જીવનના પાઠ ભણાવ્યા. તો પણ આ સૈનિકો દુશ્મન દેશના સૈનિકોને મળવા જાય?
આખરે આ વાત સરકાર સુધી પહોંચી.
સરકાર પણ વિચારમાં પડી ગઈ: આવું તે કેમ બને?
પછી સરકારે પણ એક તપાસ પંચ નીમ્યું અને કહ્યું કે જાઓ, સત્ય શું છે એ શોધી કાઢો.
ત્યાર બાદ સત્યશોધક પંચ યુદ્ધમેદાનમાં જાય છે. એ પણ રાતે. એ લોકો એક ઝાડ પાસે બેસે છે. ત્યાં જ બન્ને દેશની યુદ્ધભૂમિમાંની કેટલીક કબરોમાંથી સૈનિકો બહાર આવે છે.
સત્યશોધક પંચ પોતાના દેશના સૈનિકોને રોકે છે અને કહે છે: “આ શું કરી રહ્યા છો? તમને શરમ નથી આવતી? અમે તમને આટલું બધું માન આપીએ છીએ અને તમે દુશ્મન દેશના સૈનિકોને મળવા જાઓ છો?”
સૈનિકો કહે છે: “અમારી દુશ્મનાવટ તો ચાલુ જ છે. અમે આજે પણ એકબીજાને એટલા જ ધિક્કારીએ છીએ. પણ, અમે તો રોજ રાતે અમારાં હાડકાંની અદલાબદલી કરીએ છીએ. બહુ મોટો ગોટાળો થઈ ગયો છે. યુદ્ધ પછી એમના સૈનિકોનાં હાડકાં આપણા સૈનિકોનાં હાડકાં ગણાઈને અહીં દાટવામાં આવ્યાં છે. આમાં અમારો વાંક ક્યાંથી આવ્યો?”
૧૯૫૧માં સાહિત્યનું નોબલ ઈનામ મેળવનાર પાર લેજરવિસ્કની (Pär Lagerkvist) આ વાર્તામાં એક બીજું પાસું પણ જોવા જેવું છે: મરણ પામેલા સૈનિકો પણ કબૂલ કરે છે કે એ હજી દુશ્મન દેશના સૈનિકોને એટલા જ ધિક્કારે છે!! વાર્તા અહીં સમાપ્ત થાય છે…!
(એવું કહેવાય છે કે પ્રેમની તાકાત, તિરસ્કાર અને ધિક્કારથી વધુ હોય છે. આપણે ઈચ્છીએ કે આ વાર્તાનું છેલ્લું વાક્ય કદાચ, આજના યુગની પરિસ્થિતિમાં, મૃત્યુ પછીની સચ્ચાઈ બનીને ન રહી જાય!)
***