અનેકોમાં એક: હેમરાજ શાહ ~ લેખક: કિશોર વ્યાસ ~ પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ
‘કુદરતે સર્જેલા તમામ માનવો પોતાની રીતે અનન્ય અને અજોડ વિશેષતાઓ ધરાવે છે પરંતુ દરેકનાં અસ્તિત્વનો ઉદ્દેશ અલગ અલગ હોય છે. દરેક માનવ પોતપોતાનાં કર્મો પ્રમાણે પોતાનું અસ્તિત્વ ઉજાગર કરે છે.
માણસનાં કાર્યોની છત્રી એવી હોવી જોઈએ અને એ રીતે ખુલવી જોઈએ કે, અન્ય લોકો પણ એ છત્રીનો આશ્રય લઈ શકે! જન્મ લીધા પછી જો, જીવનમાં કંઈ પણ વિશિષ્ટ કહી શકાય એવું ન બને તો, એ દુર્લભ જીવનનો કોઈ અર્થ નથી રહેતો! ઈન્દ્રિયો જાગૃત રાખીએ તો, સમાજમાં, તમને હેમરાજ શાહ જેવા ‘અષ્ટાવધાની’ પુરુષો જોવા મળશે, જેમનાં જીવન પ્રેરણાદાયી હોય છે.’ – લેખક: કિશોર વ્યાસ
‘જે વ્યક્તિમાં ગુણપૂર્ણતા, ઊંચું અને શ્રેષ્ઠ પદ, વિશિષ્ટ લક્ષણો, ઋજુ સ્વભાવ, આચરણ અને ઉત્કૃષ્ટતા, વિશેષ સ્વરૂપતા, સૌથી શ્રેષ્ઠ શક્તિ અને સામર્થ્યનાં દર્શન થાય છે તેવાં અષ્ટાવધાની વ્યક્તિ એટલે ‘અનેકોમાં એક: હેમરાજ શાહ.’
વરિષ્ઠ લેખક શ્રી કિશોર વ્યાસ દ્વારા લિખિત આ પુસ્તક સમાજનાયક, માતૃભાષાપ્રેમી, લેખક, પત્રકાર, અનેક સન્માનો તથા અનેક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરનાર લોકલાડીલા શ્રી હેમરાજ શાહ પર તેમણે લખેલાં તથા હલચલ-કલકત્તા અને કચ્છ-મિત્ર દૈનિકમાં છપાયેલા લેખોનો સંગ્રહ છે.
લેખક કિશોર વ્યાસે કવિ કલાપી અને તેમનાં પ્રિય પાત્ર મોંઘીનાં જીવન પર સંશોધન કરીને ગુજરાતી સાહિત્યને બે અણમોલ નવલકથાઓ આપી છે. ટૂંક સમયમાં તેમનાં બાર પુસ્તકો પ્રકાશિત થવાનાં છે.
પ્રસ્તાવનામાં લેખક લખે છે, ‘બગીચો બનાવવા માટે જમીન ફળદ્રુપ હોવી જોઈએ અથવા તો ફળદ્રુપ બનાવી જોઈએ, એ જ રીતે કોઈ વ્યક્તિ વિશે કાંઈ લખવા માટે શબ્દો ત્યારે જ પ્રગટે જ્યારે એ વ્યક્તિ સર્વાંગી રીતે ઉગેલા બાગની ધરતી જેવી હોય. એનાં કર્મનાં ફૂલોનો પમરાટ પ્રસરતો હોય.
બગીચામાં ચાલતા હોઈએ ત્યારે ફૂલોની સુગંધ સાથે ચાલતા હોઈએ તેવું લાગે. એ જ રીતે હેમરાજ શાહ સાથે ચાલતા હોઈએ ત્યારે તેમનાં અનેકવિધ સત્કર્મો અને ઢગલાબંધ ઉપલબ્ધિઓના પમરાટ સાથે ચાલતા હોઈએ તેવું જ લાગે.
આત્મીય સંબંધો ખીલી ઊઠે તેથી જ એમના વિશે લખતાં, શબ્દો પણ અનાયાસે ખીલતી પુષ્પ કળીની જેમ ખીલી ઊઠે. એ રીતે જ, એ જ ભાવથી તેમના વિશે લેખ લખાયા અને આજે એ ‘અનેકોમાં એક: હેમરાજ શાહ’ નામથી પ્રકાશિત થઈ રહેલા આ પુસ્તકમાં સમાઈ ગયા!’
સમાજસેવક ડૉ. હેમરાજ શાહ વિશે લખેલ વીસ લેખોમાં લેખકે હેમરાજ શાહનું સમગ્ર સામાજિક જીવન આવરી લીધું છે. કચ્છને વૈશ્વિક કક્ષાએ પહોંચાડનાર હેમરાજ શાહ કચ્છ-શક્તિ પુરસ્કાર દ્વારા અનેક કચ્છીઓને સન્માનિત કરી ચૂક્યા છે.
ગુજરાતી સાહિત્યની સેવા ઉપરાંત સાહિત્યની વિવિધ સ્પર્ધાઓ યોજીને માતબર ઈનામો આપીને ગુજરાતી ભાષાને જીવંત રાખવાનું પ્રેરણાદાયી કાર્ય તેઓ સતત કરી રહ્યાં છે.
હેમરાજ શાહ દ્વારા ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં લિખિત અને સંપાદિત કુલ પુસ્તકોની સંખ્યા તોંતેર જેટલી થવા જાય છે. કચ્છનો ભૂકંપ હોય કે દુકાળ જેવી કટોકટી – તેઓ હંમેશાં ખડેપગે રહેનાર, સમાજ પ્રત્યે હંમેશાં કરુણા રાખનાર, ગણી ન શકાય તેટલાં બધાં પુરસ્કારો અને સન્માનો તથા રેકોર્ડ સ્થાપિત કરનાર ઉપરાંત સ્મિત, સાલસતા, સહજતા રાખનાર હેમરાજ શાહનું વ્યક્તિત્વ આ પુસ્તકમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. પાને પાને દુર્લભ ફોટોગ્રાફ્સથી સજ્જ આ પુસ્તક સંગ્રહ કરવા યોગ્ય પણ છે.
ત્યાસી વર્ષની ઉંમરે પણ યુવાન જેવો તરવરાટ ધરાવતા હેમરાજ શાહ વિશે દરેક ગુજરાતીએ જરુરથી જાણવું જોઈએ.
પુસ્તક પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ
ફોન: ૦૨૨-૨૨૦૧ ૭૨૧૩, ૦૨૨-૨૨૦૮ ૫૫૯૩
કિંમત: ₹ ૪૦૦/-
પુસ્તક સમીક્ષા માટે સંપર્ક: ૯૬૦૧૬૫૯૬૫૫