પન્નાને…~ “વેલન્ટાઈન ડે, 2024” ~ સોનેટ ~ નટવર ગાંધી

“It is our annual tradition.  Every Valentine’s Day, Natwar Gandhi presents two dozen roses and a sonnet written especially for the occasion. He faithfully has kept the tradition this year as well! Here is the sonnet:- Panna Naik”

આજે, ફેબ્રુઆરી ૧૪, ૨૦૨૪ના વેલેન્ટાઈન ડે નિમિત્તે આપણા સહુના લાડીલા, માનીતા અને વ્હાલાં કવયિત્રી પન્નાબેન નાયકનો ઈમેલ મળ્યો અને સાથે એમના જીવનસાથી, આદરણીય શ્રી નટવરભાઈ ગાંધીનું, ખાસ પન્નાબેન  માટે લખેલું સોનેટ “વેલન્ટાઈન ડે, 2024″ પણ મળ્યું.

વાંચીને આંખો ભીની થઈ ગઈ. પન્નાબેન, આવું વહાલ તમારા અને નટવરભાઈના જીવનની પ્રત્યેક પળોમાં સદા ધબકતું રહે એવી જ આ વેલેન્ટાઈન ડે નિમિત્તે પ્રભુને પ્રાર્થના કરું છું.

જીવનના વર્ષો વધતા જાય, પણ એ સાથે પન્નાબેન અને નટવરભાઈ, આપનો પ્રેમ પણ સંવર્ધિત થતો જાય અને જીવનની આ જાદુઈ ક્ષણોનો ઉત્સવ ઉજવાતો રહે એવી શુભકામનાઓ.

જીવનના ઉત્તરાર્ધમાં થયેલી બેઉની મૈત્રી, વર્ષો પહેલાં પ્રેમમાં પરિવર્તિત થઈ અને વર્ષો સુધી રહી. ચારપાંચ વર્ષો પહેલાં પરિણયમાં પરિણમેલો એમનો અનેક વરસોનો પ્રેમ પણ “વિન્ટેજ વાઈન”ની જેમ, વધુ કેફી અને “અમલી” બનતો રહ્યો છે. આ સોનેટ એનો પ્રત્યક્ષ પુરાવો છે.

આદરણીય કવિ, લેખક અને પન્નાબેનના જીવનસાથી શ્રી નટવરભાઈએ, એમને અર્પણ કરેલા આ સોનેટ, “વેલન્ટાઈન ડે, 2024″માં છલકાતા સૌર્હાદપૂર્ણ પ્રેમ અને પ્રેમપૂર્ણ સૌર્હાદના પરોક્ષ સાક્ષી બનવાનો પરમ આનંદ, આનંદ..!

આ જગતમાં ઈર્ષા, હુંપણું, અને અને ‘સ્વ’ માટેની ‘મિથ્યા મીથ’ને લીધે થતા અણબનાવો ક્યારે સામે મોરચે માંડેલા યુદ્ધમાં પરિણમે છે, એની ખબર પણ નથી રહેતી. ધર્મ, રંગ, જાતિ, કીર્તિ અને ધનની લાલસાના નામે સતત થયા કરતી અથડામણો તો જાણે રોજિંદા જીવનની ઘટમાળ બની ગઈ છે. અનેકવાર ‘પર્સનલ’ અણગમો, અણબનાવ અને ઈર્ષામાંથી જન્મેલા આ યુદ્ધો વ્યક્તિગત મટીને, સામાજિક, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય બની જાય છે અને દરેક સ્તરે, સમસ્ત માનવજાત એનું નુકસાન ભોગવે છે.

આજના સમયમાં યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ, હમાસ અને ઈઝરાયેલનું યુદ્ધ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. સૂક્ષ્મ સ્તર પર, ચકાસણી કરતાં ખબર પડે છે કે અંતે તો વ્યક્તિગત ‘ઈગો’ અથવા ઈર્ષા જ આવી વિસ્ફોટક પરિસ્થિતિ માટે જવાબદાર હોય છે! માણસ એકમેક પ્રત્યે પ્રેમ, દોસ્તી, અને સમજદારીનો હાથ આગળ કરવાનો તો જાણે સાવ ભૂલી જ ગયો છે. આવા સમયમાં પ્રેમના આ તહેવાર, “વેલન્ટાઈન ડે”નું મહત્વ ખૂબ વધી જાય છે

વિશ્વમાં ચાલી રહેલી આટલી બધી ઉથલપાથલમાં શ્વસતી માનવજાત પર “વેલન્ટાઈન ડે, 2024″ જેવાં કાવ્યમાં રહેલા શાંત પણ કેફી પ્રેમનું વરસવું, તપતી બપોરમાં વરસી પડેલા મેહની જેમ ઠંડકનાં છાંટણાં કરી જાય છે.

આ કાવ્યથી એટલું ફરીથી પ્રતીત થાય છે કે પ્રેમની ઉત્કટતાને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. કોઈ પણ ઉંમરે પ્રેમ, એટલે પ્રેમ, એટલે પ્રેમ જ રહે છે.

આપની લાગણીના “માઈલસ્ટોન” સમા આ સોનેટને અમારી સાથે વહેંચવા બદલ, પન્નાબેન અને નટવરભાઈ, હું “આપણું આંગણું”ની સમસ્ત ટીમ અને વાચકો વતી આપનો આભાર માનું છું.

“પ્યાર કે પરચમ કા ન તો કોઈ દેશ હોતા હૈ, ન કોઈ જાતપાત, ન કોઈ મઝહબ.” – અમૃતા પ્રીતમ.

આપ સહુને હેપી વેલન્ટાઈન ડે, 2024″
***

પન્નાને  – “વેલન્ટાઈન ડે, 2024″
(પૃથ્વી)

અચૂક નિત નીસરું સમય નિશ્ચિતે ઓફિસે–
લગાવી સૂટ બૂટ સજ્જ થઈ, ટાઈ મેચિંગ ને
સફેદ વળી શર્ટ, ના કરચલી ય એકાદ વા,
નિહાળી અરીસે ફરી ફરી, ચકાસી ને ગોઠવી
સપાટ શિરપે રહ્યા ધવલ કેશ બે ચાર જે–
તપાસું પછી બ્રીફ ફાઈલની ફાઈલોથી ભરી,
હિસાબ લઉં લાખના, હુકમ કૈં કરું રૂષ્ટ થૈ,
રુઆબ જબરો ધરું, થરથરે બધા: શું થશે?

રૂટિન બસ આ જ, આમ વરસો વિત્યાં, જિંદગી
ગઈ અરધી વ્યર્થ, વ્યગ્ર, રસહીન, એકાકી, ત્યાં
અચાનક જ તું મળી, સખી, કહે: “તું રોમેન્ટિક!
રસિક, નથી શુષ્ક તું!” કવચ મારું ઉખેડીને
તું હાર્દ નીરખે રૂડું ધબકતું નર્યા પ્રેમથી!
ઉદાર ચરિતે સખી, પ્રથમ દિન એ પ્રેમનો!

~ નટવર ગાંધી

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. Janeeta Gandhi ni Janieety pratha- phool ne sonet noo 14mi February per varshik arpan. Wah bhai wah!

  2. હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐

  3. સરસ લાગણીસભર સોનેટ, અભિનંદન.