આ ડાળ ડાળ જાણે કે ~ કવિ: મનોજ ખંડેરિયા ~ સ્વરકાર-ગાયક: અમર ભટ્ટ
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતનાં.
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના!
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના!
મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના!
ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના!
ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના!
~ કવિ: મનોજ ખંડેરિયા
~ સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ
2008માં માર્ચ મહિનામાં રાસભાઈએ ‘સંગીતિ’ના ઉપક્રમે ‘ચતુ:અંગ વસંત’ એ નામે વસંતનો સાહિત્યિક અને સાંગીતિક વૈભવ વહેંચવાનો કાર્યક્રમ યોજેલો. એ નિમિત્તે આ રચના મેં ગાયેલી. દરેક શેરમાં વસંત ને હોળી સમયે ગવાતા રાગો કે રાગ વસંતના પ્રકાર ઉપયોગમાં લીધા છે.
પ્રથમ શેરમાં શુદ્ધ વસંત (વસંત રાગ છે તેમ શુદ્ધ વસંત રાગ પણ છે), બીજામાં માંજ ખમાજ અને બનારસી લોકઢાળ પર આધારિત દાદરા, ત્રીજામાં મધ્યમ(મ) સ્વરને ષડ્જ (સા) બનાવીને મારૂ બિહાગ, ચોથામાં લલિત બસંત, પાંચમામાં ફરીથી મારૂ બિહાગ અને છેલ્લે ફરીથી માંજખમાજ.
મનોજ ખંડેરિયાની આ ગઝલ વિના આપણી વસંત ઋતુ પસાર થઇ શકે ખરી?
~ અમર ભટ્ટ
સરસ રચના. “ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના!” વિશેષ ગમી.