પ્રકરણ:45 ~ કન્ટ્રોલ બોર્ડને વિદાય ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
જેવો “ક્લીન ઓડિટ” ઓપિનિયન મેળવવાની માથાકૂટ દર વરસે કરવાની, તેવી જ રીતે દરે વર્ષે ડિસ્ટ્રિકટનું લગભગ બારેક બિલિયન ડોલરનું બજેટ બેલેન્સ કરવાનો પ્રશ્ન હોય છે.
મેયરની પ્રાયોરિટી મુજબ બજેટ તૈયાર કરવાનું, પણ એમાં ડેફિસીટ ન હોય એ જોવાની જવાબદારી સીએફઓની. જેટલું રેવન્યુ આવવાનું હોય, તેટલો જ ખર્ચ કરી શકાય.

રેવન્યુ કેટલું થવાનું છે અને બજેટમાં જે ખર્ચ થવાનો છે તેને એસ્ટીમેટ કરવાની જવાબદારી પણ સીએફઓની જ. વરસને અંતે રેવન્યુ કરતાં ખર્ચો વધ્યો અને જો ડેફિસીટ થઈ તો એનો અડિયોદડિયો સીએફઓ માથે. એટલે આ એસ્ટીમેટ કરવામાં બહુ કાળજી કરવાની.
દર ત્રણ મહિને ચેક કરવાનું કે રેવન્યુ અને ખર્ચ એસ્ટીમેટ મુજબ થાય છે કે ઓછાવત્તા. જો રેવન્યુ ધાર્યા મુજબ ન આવતું હોય તો ખર્ચ ઉપર કાપ મૂકવાની જવાબદારી સીએફઓની જ.
આવો કાપ ન મૂકવો પડે તે માટે રેવન્યુ એસ્ટીમેટ કંઝરવેટિવ રાખવું જરૂરી. એમ કરવાથી ખર્ચો ઓછો થાય અને વરસને અંતે બજેટ સરપ્લસ દેખાય. ફંડ બેલેન્સ – સેવિંગ અકાઉન્ટ – વધે.
પણ મતદારોને ખુશ રાખવા માટે મેયરને નવા નવા પ્રોજેક્ટ કરવાના હોય. તેવું જ કાઉન્સિલનું. એમને તો ફરી ફરી ચૂંટાવું હોય. એમને માથે બજેટ બેલેન્સ કરવાની જવાબદારી નથી હોતી, એ તો સીએફઓને માથે.

કન્ટ્રોલ બોર્ડને રજા આપવી હોય, અને પૂર્ણ સ્વરાજ (હોમ રૂલ) મેળવવું હોય તો જે વર્ષે (2000) હું સીએફઓ થયો ત્યારે તો ખાસ બજેટ બેલેન્સ કરવાનું હતું.

ચાર વરસ ઉપરાઉપરી “ક્લીન ઓડિટ ઓપિનિયન” સાથે બજેટ બેલેન્સ કરવાની જે રિક્વાયરમેન્ટ હતી તેનું આ ચોથું વરસ હતું. આ રિક્વાયરમેન્ટને પૂરી કરવામાં અમે જો આ વરસે ચૂક્યા તો કંટ્રોલ બોર્ડ બીજાં ચાર વરસ ડિસ્ટ્રિકટને માથે ચડેલું રહે.
હું તો હજી હમણાં જ સીએફઓ થયો હતો. છતાં આ અત્યંત અગત્યની બે વસ્તુ – બેલેન્સ્ડ બજેટ અને “ક્લીન ઓડિટ ઓપિનિયન” – સિદ્ધ કરવાની જવાબદારી મારે માથે આવી હતી.
આમાં જો હું નિષ્ફળ થયો તો મને રજા મળશે એ તો દીવા જેવી ચોખ્ખી વાત હતી, પણ કન્ટ્રોલ બોર્ડ બીજા ચાર વરસ ડિસ્ટ્રિકટ ઉપર રાજ કરશે તેની નામોશી પણ મને લાગશે.
બારેક બિલિયન ડોલરના આ બજેટને બેલેન્સ કરવા મારી પાસે બહુ ઓછો સમય હતો. મેં મારા સિનિયર સ્ટાફની અરજન્ટ મિટિંગ બોલાવી અને સમજાવ્યું કે આ તો કરેંગે યા મરેંગે જેવો પ્રશ્ન છે. દરેક ડિપાર્ટમેન્ટની ઝીણી અને ઉગ્ર ઉલટતપાસ કરવા કહ્યું.
પરિણામે અમને ખબર પડી કે જો ડિસ્ટ્રિકટ અત્યારે જે રીતે ખર્ચો કરે છે તે ચાલુ રાખશે તો વરસને અંતે લગભગ 200 મિલિયન ડોલર્સની ડેફિસીટ ઊભી થશે.

મેયર, કાઉન્સિલ અને કંટ્રોલ બોર્ડ માટે અમે એક હાર્ડ હિટીંગ મેમોરન્ડમ તૈયાર કર્યું. ક્યાં ક્યાં બજેટ કરતાં વધુ ખર્ચ થયો છે, અને વરસને અંતે ડેફિસીટ ન જોઈતી હોય તો ક્યાં અને કેટલો કાપ મૂકવો પડશે તે સમજાવ્યું. સિટી હોલમાં આ બાબતનું બ્રીફિંગ કર્યું. ખળભળાટ મચી ગયો. છાપાઓમાં પણ છડેચોક આ બધું ડિટેલ્સ સાથે આવ્યું.

http://www.dcwatch.com/govern/cfo011019.htm
સાથે સાથે કોંગ્રેસમાં જઈને એ પણ સમજાવ્યું કે જો અમે અત્યારે આવડી મોટી ડેફિસીટ પૂરવા માટે બજેટ કાપીશું તો ગરીબ લોકોને અપાતી જરૂરી સર્વિસોમાં મોટાં કાપ મૂકવા પડશે. ફાયરમેન, પુલીસમેન, હેલ્થ ઓફિસર્સ, નર્સીસ વગેરેને રજા આપવી પડશે.
આનો એક રસ્તો છે. સિટીના રિઝર્વ ફંડમાં જે પૈસા પડ્યા છે તે અમને આ વર્ષે કામચલાઉ ઉપાડીને વાપરવાની છૂટ આપો. અમારો ભાર હળવો થાય.

કોંગ્રેસ પાસેથી એમ કરવાની રજા મળી અને અમે 123 મિલિયન ડોલર્સ રિઝર્વ ફંડમાંથી ઉપાડ્યા.
2001ના ફેબ્રુઆરીની પહેલી તારીખ ઝડપથી આવી રહી હતી અને અમારી સીએફઓની ઓફિસનું ટેન્શન વધી રહ્યું હતું.
આગળ જણાવ્યું તેમ એ દિવસે અમારે ગયા વરસના ઓડિટ માટે બહારના ઓડિટર પાસેથી એ “ક્લીન ઓડિટ ઓપિનિયન” મેળવવાનો હતો. જેથી વોલ સ્ટ્રીટ, ડિસ્ટ્રિકટ અને કોંગ્રેસમાં બધાને ખબર પડે કે અમારી નાણાંકીય વ્યવસ્થા અને વ્યવહાર સ્પષ્ટ અને ચોખ્ખા છે, કોઈ ગોલમાલ નથી, અને ડિસ્ટ્રિકટના બોન્ડ્સ લેવામાં વાંધો નથી.
વધુમાં સરપ્લસ, ડેફિસીટ, કેશ ફ્લો, એસેટ્સ, લાયબલિટી, બોરોઇંગ, લેન્ડીંગ, ફંડ બેલેન્સ, રિઝર્વ, વગેરે વિશેની આંકડાઓ સાથેની માહિતી વિશ્વાસપાત્ર છે.
આખરે એ દિવસ આવે એ પહેલાં અમે તૈયાર હતા. જાન્યુઆરીની 29મી તારીખે અમે પ્રેસ કોન્ફરન્સ રાખી. તેમાં મેં 241 મિલિયન ડોલર્સનું સરપ્લસ બતાડ્યું, બજેટ બેલેન્સ્ડ કર્યું છે એ જાહેર કર્યું, અને બહારની ઓડિટીંગ ફર્મે ડિસ્ટ્રિકટને “ક્લીન ઓડિટ ઓપિનિયન”નું પ્રમાણપત્ર આપ્યું છે તે પણ રજૂ થયું.
મેયર, કાઉન્સિલ અને બીજા પોલિટીશીયાનોને ખાતરી થઈ કે હવે કંટ્રોલ બોર્ડ જશે. ડિસ્ટ્રિકટને એની લોકશાહી (હોમરુલ) પાછી મળશે.
સિટી હોલમાં મોટો ઉત્સવ થયો. મેયર, કાઉન્સિલ અને બીજા પોલિટીશીયનો, કન્ટ્રોલ બોર્ડના મેમ્બર્સ, કોંગ્રેસમાં ડિસ્ટ્રિકટનું પ્રતિનિધિત્વ કરતા ડેલીગેટ, બિઝનેસ અને યુનિયનના લોકો, કમ્યુનિટીના અગ્રણીઓ, છાપાં અને ટીવીવાળાઓથી આખો હોલ ભરેલો હતો.
મેં સરપ્લસ, રિઝર્વ વગેરેના આંકડાઓ સમજાવ્યા. અને કહ્યું કે,
“We are prepared to take financial destiny of this great city into our own hands and never have the need for a control board to oversee our financial operations again.”
ડિસ્ટ્રિકટનું કોંગ્રેસમાં પ્રતિનિધિતવ કરતા ડેલીગેટ નોર્ટને કહ્યું, “Our worst financial crisis in 100 years is over. The control period is over.”
વોશિંગ્ટન પોસ્ટમાં પહેલે પાને ઉપર પાંચ કોલમમાં હેડલાઈન હતી,
“District Completes Its Fiscal Comeback, 2000 Surplus Marks Fourth Balanced Budget in Row, Spelling End to Control Board.”
બધેથી અભિનંદનના સંદેશાઓ આવવા મંડ્યા. મારા જીએઓના જૂના કલીગ્સ, પીટ્સબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસરો વગેરેના પત્રો, ટેલિફોનોનો વરસાદ થયો.
કમ્પ્ટ્રોલર જનરલ બાઉશરનું હસ્તલિખિત પોસ્ટ કાર્ડ આવ્યું:
Dear Nat: Congratulations on a great job. I am really proud of you, and the District owes you a big “Thank you.” Keep up the good work, and let’s keep in touch. Best regards. Chuck.
મારી પ્રોફેશનલ કેરિયરની આ મોટામાં મોટી સિદ્ધિ હતી. જો કે ડિસ્ટ્રિકટના નાણાંકીય પરિસ્થિતિના અનેક પ્રશ્નોનો નિકાલ કરવાનું હજી બાકી હતું. આ તો હજી પાશેરામાં પહેલી પૂણી હતી. કહો કે આ તો “work in progress” હતું. છતાં મારી કારકિર્દીનો આ એક મહત્ત્વનો સીમાસ્તંભ હતો.
ડિસ્ટ્રિકટ નાણાંકીય રીતે પોતાના પગભર ટકી શકે એના માટે જે મૂળભૂત ફેરફાર શા કરવા જોઈએ તેની વિચારણા કરવાની હતી. તે ઉપરાંત ડિસ્ટ્રિકટના કર્મચારીઓમાં જે શિસ્તનો અભાવ હતો તેનું શું કરવું, તેની નાણાંકીય બ્યુરોક્રસીમાં જે સડો હતો તેનો કેમ નિકાલ કરવો – આવા જટિલ પ્રશ્નો તો ઊભા જ હતા. પણ મને હવે થોડી શ્રદ્ધા બેઠી કે હું એ પ્રશ્નોનો ઉકેલ લાવી શકીશ.
ચાર વરસ ઉપરાઉપરી “ક્લીન ઓડિટ ઓપિનિયન” સાથે બજેટ બેલેન્સ કરવાની જે રિક્વાયરમેન્ટ હતી તે ડિસ્ટ્રીકટે પૂરી કરી અને કન્ટ્રોલ બોર્ડને રજા મળી. પરંતુ આનો અર્થ એ નથી કે કન્ટ્રોલ બોર્ડ સદાને માટે ગયું. કોંગ્રેસને એ તલવાર તો અમારે માથે સદા લટકતી રાખવી હતી.
ભવિષ્યમાં ડિસ્ટ્રિકટના પોલિટિશિયનોવળી પાછા જૂની રમત રમવા માંડે, જેમ તેમ પૈસા ઉડાડવા માંડે અને ડિસ્ટ્રિકટને ફરી પાછા ખાધને રસ્તે લઈ જાય તો કન્ટ્રોલ બોર્ડ પાછું ફટ દઈને હાજર થાય એવી વ્યવસ્થા કોંગ્રેસે કરી હતી.
એવી સ્પષ્ટતા કરી કે જો ડિસ્ટ્રિકટની નાણાંકીય વ્યવસ્થા કથળી ને એ એના કેટલાક કેશ ઓબ્લીગેશન્સ પૂરા ન કરે તો પ્રેસિડેન્ટ તુરત એના ઉપર કન્ટ્રોલ બોર્ડ લાદી શકે: જેમ કે ડિસ્ટ્રિકટ એના કર્મચારીઓને પગાર ન આપી શકે, કે એમનું પેન્શન ન ભરી શકે, અથવા તો એના બોન્ડ્સનું વ્યાજ ન ભરી શકે.
આવું જો કંઈ થયું તો કન્ટ્રોલ બોર્ડ હાજરાહજૂર છે એમ સમજવું. હવે જો આ કફોડી પરિસ્થિતિ ટાળવી હોય, ડિસ્ટ્રિકટે સદા માટે પોતાનું સ્વરાજ (હોમ રૂલ) જાળવવું હોય અને કન્ટ્રોલ બોર્ડના દર્શન ન કરવાં હોય તો એના પોલિટિશિયનોએ એને નાણાંકીય રીતે સદા સદ્ધર રાખવું જ જોઈએ. પણ એ એમનાથી શક્ય ખરું?
કન્ટ્રોલ બોર્ડની ગેરહાજરીમાં ડિસ્ટ્રિકટની ફાઈનાન્સિયલ ડિસીપ્લીન જાળવવા માટે બધાની નજર સીએફઓ ઉપર હતી.
કન્ટ્રોલ બોર્ડ દરમિયાન આ જ એક એવી ઑફિસ હતી કે જેની પાસે નાણાંકીય ક્ષેત્રે અસાધારણ સાધનસામગ્રી અને સત્તા હતાં. અને ડિસ્ટ્રિકટના પોલિટિશિયનોને એ કાબૂમાં રાખી શકતી હતી, એમના બેજવાબદાર વર્તનને અટકાવતી હતી.
કોંગ્રેસમાં અને ડિસ્ટ્રિકટની બિઝનેસ કમ્યુનિટીમાં એવી પણ વાત વહેતી થઇ કે હવે જ્યારે કંટ્રોલ બોર્ડ નથી ત્યારે આ ઑફિસને પરમેનન્ટ કેમ ન બનાવવી?
જો કે લોકશાહીના ચુસ્ત આગ્રહીઓનું એવું માનવું હતું કે સીએફઓ જેવા ન ચુંટાયેલા હોદ્દેદારને આટલી બધી સાધનસામગ્રી અને સત્તા આપવા એ યોગ્ય નથી. ડિસ્ટ્રિકટના હોમરુલની લોકશાહીમાં એને સ્થાન ન હોય.
ડિસ્ટ્રિકટમાં જેમ લગભગ હંમેશ બને છે તેમ આ ઈન્ડીપેન્ડન્ટ સીએફઓની વાત પર પણ રંગભેદના છાંટા ઊડ્યા હતા. કહેવાયું કે ડિસ્ટ્રિકટની નાણાંકીય સદ્ધરતા સાબિત થયા પછી પણ કોંગ્રેસને એની ઉપર કન્ટ્રોલ રાખવો છે. એટલે હવે કન્ટ્રોલ બોર્ડ નથી તો આ સીએફઓ છે. એ કોંગ્રેસનો એજન્ટ છે.
એ ભલે ડિસ્ટ્રિકટનો સીએફઓ હોય, પણ એ જવાબ આપશે કોંગ્રેસને, મેયર કે કાઉન્સિલને નહીં. ડિસ્ટ્રિકટમાં ગોરા લોકોની બહુમતિ હોત તો કોંગ્રેસની આવી દખલગીરી ન હોત.
આવી શંકા હોવા છતાં ડિસ્ટ્રિકટનો ખાધવાળો ઈતિહાસ જોતાં મેયર અને કાઉન્સિલને લાગ્યું કે પાવરફુલ સીએફઓની જરૂર છે. કાઉન્સિલને એવો ભય પણ હતો કે જો એ પોતાની મેળે આવી ઑફિસની વ્યવસ્થા નહીં કરે તો કોંગ્રેસ એ બાબતનો રીતસરનો કાયદો ઘડશે.
2001ના ઓક્ટોબરની પહેલી તારીખે કન્ટ્રોલ બોર્ડને ઓફિસીયલ વિદાય મળવાની હતી. એ સાથે ઈન્ડીપેન્ડન્ટ સીએફઓને પણ વિદાય ન મળે તે માટે કાઉન્સિલે જુલાઈમાં જ નવો કાયદો પાસ કરીને સીએફઓની ઓફિસને ચાલુ રાખી.
જે કામ કન્ટ્રોલ બોર્ડ કરતું હતું તે હવે મારે એકલે હાથે કરવાનું હતું! આમ સીએફઓ તરીકે હું વન મેન કંટ્રોલ બોર્ડ બની ગયો.

સત્તા અને જવાબદારી
કંટ્રોલ બોર્ડ પછીના સીએફઓની અસાધારણ સત્તા મારા હાથમાં ભલે આવી પણ મને બરાબર ભાન હતું કે આ સત્તા સાથે એવી જ અસાધારણ જવાબદારી પણ મારે માથે આવી હતી.
કન્ટ્રોલ બોર્ડના કોઈ માર્ગદર્શન વગર મારે ડિસ્ટ્રિકટના બારેક બિલિયન ડોલરના બજેટને કડક હાથે સંભાળવાનું હતું.
જોવાનું હતું કે એની નાણાંકીય પરિસ્થિતિ ક્યારેય ન કથળે; કોઈ પણ વરસે બજેટમાં ખાધ ન આવે; પે રોલ, પેન્શન અને બોન્ડનું વ્યાજ – એવા કેશ ઓબ્લીગેશન્સ પૂરા કરવામાં ક્યારેય ખામી ન આવે; અને વોલ સ્ટ્રીટમાં ડિસ્ટ્રિકટનું રેટિંગ ઉત્તરોઉત્તર વધતું જાય,ઓછામાં ઓછું ક્યારેય ઘટે નહીં।
મને એ પણ ખાતરી હતી કે આમાં હું જો ક્યારે ય કશું ચૂક્યો તો તુરત ગડગડિયું મળવાનું છે. કાઉન્સિલ, મેયર, કોંગ્રેસ, વોલ સ્ટ્રીટની રેટિંગ એજન્સીઓ, છાપાંઓ – આ બધાં મારા પર નજર ટાંપીને બેઠાં છે.

જેમ જેમ હું મારી જવાબદારી અદા કરતો ગયો, તેમ તેમ ડિસ્ટ્રિકટના પોલિટિશિયનોની ખર્ચ કરવાની યોજનાઓ ઉપર ઠંડું પાણી રેડવાનું અણગમતું કામ મારે માથે આવી પડ્યું. અને જેવું મેં એમને ના પાડવાનું શરૂ કર્યું કે તરત મારું નામ “ડો. નો!” પડી ગયું!
https://www.washingtonian.com/2005/09/01/dr-no-the-districts-natwar-gandhi/
ડિસ્ટ્રિકટના પોલિટિશિયનોનું વલણ ખર્ચ કરવા તરફ હતું. એમને તો દર વર્ષે ચૂંટણી જીતવી હતી. લોકોને ગમતી પ્રોજેક્ટ કરવી હતી ભલે ને પછી એમાં બેજવાબદાર ખર્ચ થાય. એમને ક્યાં બજેટ બેલેન્સ કરવાની ચિંતા હતી? એમના અવનવા પ્રોજેક્ટ્સ, પ્રપ્રોઝલ્સ અને યોજનાઓ સીએફઓના ખોળામાં આવ્યા જ કરે.
કોઈકને પોતાના વોર્ડમાં લાઈબ્રેરી બાંધવી હોય, કોઈકને રીક્રીએશન સેન્ટર શરૂ કરવું હોય, કોઈક ને નવી હોસ્પિટલ બાંધવી હોય, કોઈકને ટેક્સ રેટ ઘટાડવો હોય, કોઈકને વળી હોમલેસ કુટુંબો માટે નવાં ઘરો બાંધવા હોય – આમાં બધેય આખરે પ્રશ્ન તો પૈસાનો જ છે. અને જ્યાં જ્યાં પૈસાનો પ્રશ્ન હોય છે તે બધું સીએફઓ પાસે આવે.
કોક વાર પ્રશ્ન પૈસાનો નથી હોતો, પણ લિગાલીટીનો હોય છે. એક વાર એવી પણ પ્રપોઝલ આવી કે હોમોસેકસુઅલ મેરીડ કપલને ડિસ્ટ્રિકટમાં જોઈન્ટ ટેક્સ રિટર્ન ભરવાની છૂટ આપવી કે નહીં? અથવા ડિસ્ટ્રિકટમાં ઈન્ટરનેટ ગેમ્બ્લીન્ગ શરૂ કરવા દેવું કે નહીં?
આમાંના ઘણાં પ્રોજેક્ટ્સ અને યોજનાઓ પાછળ હેતુ સારો હોય છે અને કેટલાય તો આમપ્રજાને હિતકારી પણ નીવડી શકે એવી હોય છે, છતાં સીએફઓ તરીકે મારે માટે અગત્યનો પ્રશ્ન એ હતો કે આવું બધું કરવું ડિસ્ટ્રિકટને પોસાય ખરું?
તેવી જ રીતે ડિસ્ટ્રિકટના બિલ્ડરો અને ડેવલપરો ટેક્સપેયર્સના ખર્ચે નવા નવા પ્રોજેક્ટ્સ લઈ આવે. કહે કે દાયકાઓ પહેલા ડિસ્ટ્રિકટમાં સેનેટર્સ નામની બેઝબોલની ટીમ હતી તેને પાછી લાવવી હોય તો નવું સ્ટેડિયમ બાંધવું જરૂરી છે.
એવી જ રીતે બીજા ડેવલપરો એમ કહે કે ડિસ્ટ્રિકટની ટુરિઝમથી થતી આવક વધારવી હોય અને વધુ કન્વેન્શન લાવવા હોય તો નવું કન્વેન્શન સેન્ટર બાંધવું જોઈએ. અત્યારનું આપણું કન્વેન્શન સેન્ટર બહુ જૂનું છે.

આવા બધા પ્રોજેક્ટ્સ ડિસ્ટ્રિકટની ઈકોનોમીને સદ્ધર બનાવવા માટે આવશ્યક છે એવી દલીલ કરવામાં આવે. પણ આ પ્રોજેક્ટ્સમાં તો સેંકડો મિલિયન ડોલરનો ખર્ચ કરવાનો હોય છે. સીએફઓ તરીકે હું હા પાડું એ પહેલાં મારે એકેએક પ્રોજેક્ટ અને પ્રપોઝલને આર્થિક અને નાણાંકીય દૃષ્ટિએ ચકાસવાની.
ખાસ તો એ જોવાનું કે આવા ગંજાવર પ્રોજેક્ટ માટે વોલ સ્ટ્રીટમાં જઈને સેંકડો મિલિયન ડોલર બોરો કરવા પડશે, એને માટે બોન્ડ્સ ઇસ્યુ કરવા પડશે, એની ડિસ્ટ્રિકટના રેટિંગ પર કેવી અસર પડશે? આપણે એનું વ્યાજ દર છ મહિને ભરી શકીશું ખરા?
ડેવેલપરોને તો ગમે કે ડિસ્ટ્રિકટ વધુ ને વધુ બોરો કરે જેથી એમની પ્રોજેક્ટને ફંડિંગ મળે. પોલિટિશિયનોને પણ આવી મોટી પ્રોજેક્ટના ગ્રાઉન્ડ બ્રેકીંગ અને રિબન કટિંગના સમારંભોમાં મોટા ભા થઈને બેસવું ગમે.
પણ જે બોરોઈન્ગ કર્યું છે તે યોગ્ય થયું છે અને એનું વ્યાજ આપણે નિયમિત ભરી શકીશું તે જોવાની જવાબદારી સીએફઓની.
ડિસ્ટ્રિકટનું દેણું દર માથા દીઠા બીજાં શહેરો કરતાં વધુ હતું. એટલે મારી ઇચ્છા એવી કે બોરોઈન્ગ ઊપર કેપ મૂકાય – જેથી અમુક લિમિટથી વધુ દેવું ન વધે, અને એ બાબતનો કાયદો પસાર થાય. ડેવલપરો અને પોલિટિશિયનોને આવો કેપ કેમ ગમે? તરત કહેવામાં આવે કે સીએફઓ ડિસ્ટ્રિકટના ડેવલપમેન્ટનો વિરોધી છે અને એનો આર્થિક વિકાસ અટકાવે છે.
આવી બધી ટીકા વચ્ચે મારે તો એ નક્કી કરવાનું કે આવા પ્રોજેક્ટ્સ ડિસ્ટ્રિકટને પોસાય ખરા? એનાથી ડિસ્ટ્રિકટની નાણાંકીય સદ્ધરતા જોખમમાં તો નહીં મુકાય ને? એ કરવામાં કોઈ કાયદાઓનો ભંગ તો નથી થતો ને?

(ક્રમશ:)