આસ્વાદ શ્રેણી: સાત સમંદર પાર ~ ભાગ:૧ ~ બંદૂક: વિકી ફેવર ~ અનુવાદ-આસ્વાદ: ઉદયન ઠક્કર
સુંદરકાંડથી હત્યાકાંડ તરફ
બંદૂક
ઘરમાં લાવેલી બંદૂક
ઘર આખાને બદલી નાખે છે.
તમે મૂકો એને રસોડાની મેજ પર,
લંબાઈને પડી હોય, મરેલી જાણે:
પોલિશ કરેલો કરકરો હાથો,
મેજની બહાર નીકળી આવતો.
ધાતુનું લાંબું નાળચું,
હરિયાળા કપડા પર
રાખોડી પડછાયો પાડતું.
શરૂઆતમાં-મહાવરા માટે-
બગીચાના વૃક્ષો પરથી,
રાતી દોરીએ ઝૂલતાં
ડબલાંમાં કાણાં પાડવાં.
પછી સસલું
માથાસોંસરું વીંધવું.
પછી ફ્રિજ ઉભરાવા લાગે પ્રાણીઓથી,
જે કદી દોડ્યાં હતાં, ઊડ્યાં હતાં.
તમારા હાથ ગંધાય ગંધકથી
અને આંતરડાંથી. તમે કચડતાં ચાલો
રુંવાટીને અને પીંછાંને. તમારાં પગલાં
ઉતાવળાં ઊપડે, તમારી આંખો ચમકે
જાણે તાજા સંભોગ પછી.
બંદૂકથી ઘર જીવતું થઈ જાય છે.
હું જોડાઉં છું રાંધવામાં: છોલવામાં
અને છીણવામાં, સાંતળવામાં અને ચાખવામાં-
ઉત્તેજના વ્યાપી વળે છે મને, મહાકાળ
આવ્યો છે ઉજાણીએ, પગેરું દબાવતો શિયાળુ વગડામાંથી,
એના કાળા મુખમાંથી
ફણગાય છે સોનેરી જાસવંતી.
~ વિકી ફેવર (અંગ્રેજી)
~ અનુ. ઉદયન
વિકી ફેવર (જન્મ ૧૯૪૩) બ્રિટિશ કવયિત્રી છે.

યુરોપમાં અને અમેરિકામાં બંદૂકોની નવાઈ નથી. એક બંદૂકથી નિત્યક્રમ અને માનસિકતા શી રીતે બદલાય, તેની આ કવિતા છે.
બંદૂક ગલીપચી કરવા માટે વપરાતી નથી. એના આવતાવેંત મેજના હરિયાળા રંગ પર રાખોડી ઓળો પડે છે, જિંદગી પર મૃત્યુનો ડોળો ફરે છે. એને જોતાંવેંત મરણના અધ્યાસો જાગે છે, એ લાશની જેમ લંબાઈને પડી રહે છે. જે પદાર્થનું કાવ્ય કરવું હોય તેની બારીક વિગતો આપવી પડે- માટે હાથાનું અને નાળચાનું વર્ણન કરાયું છે.
બંદૂક ઉપાડીને પહેલે ધડાકે ખૂન ન કરાય, પહેલાં ટેવાવું પડે. પહેલાં તો રમત હોય એમ નિશાનબાજીના પ્રયોગો થાય છે. ડબલાંમાં છેદ પડતાં જાય તેમ આત્મવિશ્વાસ ધાંય ધાંય વધતો જાય છે. ડબલા પરથી ખોપરી પર આવતાં વાર લાગતી નથી.
કવયિત્રીએ વિંધાઈ જનાર પહેલા પ્રાણી તરીકે સસલું પસંદ કર્યું છે: નાનકડું, સુંવાળું અને ચંચળ હોવાથી તે વાચકના ચિત્તમાં (બંદૂકના રિકોઇલની જેમ) આઘાત ઉત્પન્ન કરે છે. શ્વેત રુંવાટી પર રેલાતા રક્તની છબી દ્રષ્ટિગોચર થાય છે.
ધીરે ધીરે સુંદરકાંડ ફેરવાય છે હત્યાકાંડમાં. કવયિત્રી હણાયેલાં પશુપંખીનાં નામો ગણાવતાં નથી, એનું મહત્ત્વ પણ નથી, માંસને નામ ન આપો તો ચાલે.
જીવન-મરણની સત્તા હાથમાં આવવાથી બંદૂકનો માલિક રાજાપાઠમાં આવે છે. જે અર્થ અભિપ્રેત હોય તેનાથી વિપરીત બોલવું એટલે અવળવાણી. કવયિત્રી કહે છે, ‘બંદૂકથી ઘર જીવતું થઈ જાય છે.’
ભડાકા ભાયડાએ કર્યા હશે. કવયિત્રી પણ માંસ ચાખવાની ઉત્તેજનાથી રાંધવા લાગે છે. આદિમાનવ શિકારી હોવાથી મૃગયાનો આનંદ આપણા રંગસૂત્રમાં હશે. કેન્ટકી ફ્રાઇડ ચિકનનું પેકેટ ખોલવું એક વાત છે અને પોતે ઠાર કરેલા વનપંખીનાં પીંછાં ખેંચી, ટુકડા કરી, રાંધવું બીજી વાત છે.
કવયિત્રી યમદેવ સાથે પંગતમાં બેઠા છે. કોઈએ ન નિહાળેલો મહાકાળ અહીં કલ્પનાથી ચિતરાયો છે: ડરામણું મુખ, દાંતમાં પીસેલાં સોનેરી ફૂલ. બંદૂકના કાળા નાળચામાંથી નીકળતી કારતૂસ સોનેરી હોય છે.
વનવાસમાં સીતા રામને ટોકે છે, ‘આપણે અહીં સંગ્રામ કરવા આવ્યા નથી, તમે શું કામ ધનુષ્ય-બાણ લઈને ફરો છો અને રાક્ષસોને સંહારો છો?’
આ ચિનગારીથી આખરે દાવાનળ પ્રકટ્યો. આજનું અમેરિકા જ જોઈ લો. ગમે તેને બંદૂક ખરીદવાની છૂટ. નિશાળોમાં પણ ગોળીબાર થાય છે.

ઘરે પિચકારી વસાવશો તો રંગનાં છાંટણાં થશે અને બંદૂક વસાવશો તો રક્તનાં.
~ ઉદયન ઠક્કર
હું બાળકોને બંદુક નામનુ રમકડુ આપવાની સખત વિરોધી છું 🌹મનવર્ષા 🌹