બાદન બાદન-સ્પામાં @૨ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:21 ~ ઉત્કર્ષ મઝુમદાર
વાત ચાલી રહી હતી બાદન બાદનમાં આવેલા પ્રખ્યાત સ્પા કેન્દ્રની. જિજ્ઞાસુ નિશ્ચિન્તે તરત પૃછા કરી, “આ મિનરલયુક્ત ગરમ પાણી અહીં આવે છે ક્યાંથી?” પત્નીએ સવાલ પૂછ્યો તો તેની જિજ્ઞાસાવૃત્તિ જરૂર સંતોષવી રહી.
બાદન બાદનની પાસે આવેલા ફ્લોરેન્ટાઇન પર્વતોમાંથી આ પાણી આવે છે. 1800 મીટરના ઊંડાણેથી જુદા જુદા બાર ઝરણાઓ વાટે 56 ડિગ્રીથી 68.8 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાને સોડિયમ ક્લોરાઇડવાળું બહાર આવે છે.
આ ઝરણાઓ 12000થી 17000 વર્ષ જૂના છે ને દિવસનું 800000 લિટર પાણી કાઢે છે જેમાં 2400 કિલો ક્ષાર (સોડિયમ ક્લોરાઇડ અને ફ્લોરાઈડ) હોય છે. આ ક્ષારને લીધે શરીર સ્ફૂર્તિમય, ચૈતન્યમય ને સક્રિય બને છે. સ્નાયુઓને શિથિલ કરે છે ને શરીર પરની તાણ ઓછી કરે છે. આ પ્રવાહી સોના સમાન પાણી, અતિગુણકારી કહેવાયું છે.”
અમે ઊડતી મુલાકાત લઈને નીકળી ગયા. આ ગુણકારી પાણીનો લ્હાવો લીધા વગર? હોય કંઈ? એ લ્હાવો અમે બીજી જગ્યાએ લીધો જેની વાત પછી. લોન્લી પ્લેનેટમાંથી મેં શોધી કાઢ્યું કે અહીં કશેક ડ્રિન્કીંગ ફાઉન્ટન છે. પછી બંદા ઝાલ્યા ઝલાય કે? ગમે તેમ કરીને એક ખૂણામાં લપાયેલા એને શોધી કાઢ્યું.
એ પાણી પીવા જાઉં એ પહેલા સીજે ને ખાસ કરીને નિશ્ચિન્તે મને પાણી પીતો રોક્યો ને મને નવજુવાન થતો અટકાવ્યો. બહાનું શું? તો કહે:જોને ફાઉન્ટન વપરાયા વગરનો પડ્યો છે. ફાયદા ને બદલે નુકસાન થશે. મારું મન રાખવા હું પાણી પીતો હોઉં એવો ફોટો પડાવવા દીધો. પાણી પીવા દીધું હોત તો હું નવયુવાન થઇ ગયો હોત એ નક્કી!
બાજુમાં 8 મિનિટના રસ્તે 1839થી 1842ના અરસામાં બનેલું ત્રિનકલ એટલે કે પમ્પ હાઉસ નામનું મકાન છે. અહીં સ્પાના મુલાકતીઓ એ પાણી પીવા આવી શકતા. ઉપર કમાનોવાળી સ્તંભમાળાવાળું ભવ્ય સ્થાપત્ય છે. સ્તંભો ગ્રીક કોરિન્થિયન શૈલીના છે. એની પરસાળમાં લટાર મારતા તમે પાછલી દીવાલ પર દોરાયેલા 14 ભીંતચિત્ર જોઈ શકો છો. આ ભીંતચિત્રોમાં પ્રદેશના દ્રશ્યો અને દંતકથાઓના ચિત્રો નિરૂપાયા છે.
પમ્પ હાઉસની બાજુમાં આવ્યું છે કુરહાઉસ એટલે યુરોપની ભવ્ય જુગારખાનું ધરાવતી હોટેલ. અહીં ધનાઢ્ય અને સત્તાધીશો લોકો જ જુગાર રમવા આવતા. 1824માં બનેલી આ સ્પા હોટેલ અને એનું જુગારખાનું આજની તારીખમાં પણ મશહુર છે ને રોજ સવારે એની ગાઇડેડ ટુર હોય છે એના પરથી જ એની જાહોજલાલીનો ખ્યાલ આવે.
પમ્પ હાઉસથી તમે ડાબી તરફ વળો એટલે પહેલા આવે ભારતીય રેસ્ટોરન્ટ તાજ તંદુરી ને એના પછી આવે 1998માં બંધાયેલું ફેસ્ટપીલહોસ એટલે કે ઓપેરા હાઉસ.
2500 બેઠકોની ક્ષમતા ધરાવતું જર્મનીનું આ મોટામાં મોટું ઓપેરા હાઉસ માત્ર જર્મનીમાં જ નહિ પરંતુ આખાય યુરોપમાં પ્રખ્યાત છે. અહીંયા યુરોપ, બ્રિટન અને યુએસએથી મોખરાના વાદ્યવૃંદો એમના કાર્યક્રમ રજુ કરવા આવતા રહે છે. સંગીતના રસિયાઓ માટે તો ઉત્તમ સગવડો ધરાવતું આ ઓપેરા હાઉસ બાદન બાદનનું આગવું આકર્ષણ છે.

સંગીતની વાત નીકળી છે તો પછી અહીંના એક મકાનની વાત કરી લઉ જેનું હવે મ્યુઝિયમમાં રૂપાંતર થઇ ગયુ છે. 19મી સદીનો જર્મનીનો વિશ્વ વિખ્યાત સંગીતકાર જોહાનેસ બ્રાહમ્સ 1865થી 1874 સુધી અહીં દર ઉનાળે રહેવા આવતો. અહીંયા રહીને એણે ઘણી રચનાઓનું સર્જન કર્યું.

એ જે ઘરમાં રહેતો હતો એ વખત જતા પડું પડું થઇ ગયું તો એનો મકાનમલિક એને પાડીને નવું બનાવવાનો વિચાર કરતો હતો હતો ત્યાં એના ચાહકોએ સ્થાપેલી બાદન બાદન બ્રાહમ્સ સોસાયટીએ આ ઘર વેચાતું લઇ એનું મ્યુઝિયમમાં રૂપાંતર કરી નાખ્યું. આપણે પોતાના સંસ્કાર વારસાનું જતન કેવી રીતે કરવું તે પશ્ચિમના દેશો પાસેથી શીખવા જેવું છે. સોસાયટી દર બે વર્ષે એના નામનો સંગીતનો જલસો ગોઠવે છે.
અમે પાછા ફર્યા ટાઉન હોલ પ્લાઝા તરફ જ્યાં હિના રોકાઈ ગઈ હતી. અમે જુદા રસ્તે ત્યાં પાછા ફર્યા. આ રસ્તો વધારે ચહલપહલવાળો નીકળ્યો એટલે ગમ્યું.
હિના સાથે અમે સીટી સેન્ટરના લિયોપોલ્ડ લાઝ આગળ આવી પહોંચ્યા ને ત્યાંથી એપાર્ટમેન્ટ તરફ આવવા પણ જુદો રસ્તો લીધો. આ તો મઝા છે સફરમાં નવા નવા રસ્તાઓ શોધવાની, ફરવાની. આ રસ્તો ગઈ કાલવાળી ચાઈનીઝ રેસ્ટૉરન્ટ આગળ થઈને નીકળ્યો.
થોડો આરામ કર્યો ન કર્યો ને ફરી પાછા બહાર જવા ઉપડ્યા. હવે જવાના હતા સ્પાનો અનુભવ લેવા.
હિના થાકી ગઈ હતી એટલે એણે આવવાની ના પાડી. નિશ્ચિન્ત કહે: હું આવીશ પણ મારે સ્પાનો અનુભવ લેવો નથી. અમે કહ્યું કે આપણે પેલા નિર્વસ્ત્ર સ્પા સેન્ટરમાં નથી જતા. વળી તું સ્વિમિંગ કોસ્ચુમ તો લાવી છે તો શું કામ ના પડે છે. વળી એ દોઢ કલાક તું કરશે શું?
જવાબમાં એ કહે, “તમે ચિંતા ના કરો. હું ત્યાં જ આમતેમ આંટા મારીશ અને જો બેસવાની જગ્યા હશે તો નિરાંત ત્યાં બેસીશ.”
આ વખતે ગાડી લઈને નીકળ્યા. જતી વખતે બીજો રૂટ લેવો પડ્યો કારણ કે પેલો તો વન વે હતો. અમે સ્પા સેન્ટરમાં તો પહોંચી ગયા પણ ત્યાંનું પાર્કિંગ ભરેલું હતું. ખરે ટાણે પાર્કિંગ શોધવા નીકળ્યા. સદનસીબે બાજુમાં જ એક પાર્કિંગ પ્લેસ મળી ગઈ તેથી ત્યાં ગાડી પાર્ક કરી અમે આવી ગયા કારકેલા સ્પામાં. આ એક વિશાળ આધુનિક સંકુલ છે.
અહીં ત્રણ વર્ષથી નાના બાળકોને પ્રવેશ નથી. કોઈ દંપતીનું બાળક ત્રણ વર્ષથી નાનું હોય તો તે દંપતી આ સ્પાનો લાભ ન ઉઠાવી શકે? હોય કંઈ? જરૂર ઉઠાવી શકે. સ્પાવાળાઓએ સંકુલની અંદર જ એક અલાયદો વિસ્તાર ખાસ આવા બાળકો માટે રાખ્યો છે જ્યાં આયાની સગવડો પણ રાખી છે જેથી તમે નિરાંતે સ્પાનો આનંદ ઉઠાવી શકો.
આ પણ આપણે શીખવા જેવું છે કોઈ પણ વ્યક્તિ વંચિત ન રહેવી જોઈએ. ગ્રાહકોનો સંતોષ એ અમારો મુદ્રાલેખ છે એ અહીં અમલમાં મુકાયું છે. અરે હા, મને અચાનક કેખુશરૂ કાબરાજી નામના મશહુર દિગ્દર્શકે કરેલો એક અખતરો યાદ આવી ગયો.
ક્રાફડ માર્કેટ પોલીસ સ્ટેશન જ્યાં છે તે જગ્યાએ એસ્પ્લેનેડ નામનું કામચલાઉ થિયેટર બાંધેલું ત્યાં હરિશ્ચંદ્ર નાટકના મશહુર લેખક રણછોડરાય ઉદાયરામનું નળ-દમયંતી નાટક ભજવેલું.

આ નાટકને અપાર સફળતા મળેલી. કાબરાજીએ જોયું કે આ નાટક જોવા હિંદુ સ્ત્રીઓ ખાસ આવતી, એમના નવજાત બાળકો સાથે. એમને અગવડ ન પડે એ માટે તેમણે થિયેટરના પ્રાંગણમાં ખાસ હિંચકા ઝોળીની વ્યવસ્થા કરેલી ને ખાસ રક્ષકો મુકેલા. એટલે બધી બચરવાળ સ્ત્રીઓ હોંશે હોંશે પોતાના બાળકો સાથે નાટક જોવા આવતી ને હિંચકા ઝોળીનો ફાયદો ઉઠાવતી. આ સગવડથી બધાને ફાયદો થયો.
1985માં બંધાયેલું આ સ્પા ભવ્ય છે ને બધી જરૂરિયાતો ધરાવતું છે. ભમરડાની જેમ ચકરાવો મારતું ને ગરમ પાણીની થપાટો મારતું પાણી પહેલી વાર સ્પાનો અનુભવ લેવા આવેલાઓને અચંબિત કરી નાખે છે.
આ સ્પાનું નામ રોમન એમ્પરર કારકલા પરથી પાડવામાં આવ્યું છે. એ ત્રીજી સદીમાં અહીં આ પાણીનો લાભ લેવા આવેલો. 900 સ્ક્વેર મીટર વિસ્તારમાં ફેલાયેલ આ નાહવાની જગામાં ઇન્ડોર અને આઉટડૉર પૂલ્સ ઉપરાંત સોના સ્ટીમ આને ટ્રીટમેન્ટ રૂમ્સ આવેલા છે.

(ક્રમશ:)