પ્રકરણ:43 ~ ડિસ્ટ્રીકટની તિજોરી ટેક્સથી છલકાવા મંડી~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
ટેક્સ કમિશ્નર તરીકેની મારી પહેલી કસોટી હતી ટેક્સ રિફન્ડની. અમેરિકામાં નોકરી કરતા બધા લોકોનો ટેક્સ દર પે ચેકમાંથી કપાય. દર બે અઠવાડિયે હાથમાં જે પગાર આવે તેમાંથી ટેક્સ લેવાઈ ગયો હોય. એવી જ રીતે જે ધંધો કરતા હોય અને જેમને નિયમિત પગાર ન મળતો હોય તેમણે તેમની આવક અનુસાર નિયમિત એસ્ટીમેટેડ ટેક્સ આગળથી ભરવાનો.
અમેરિકામાં બધાએ દર એપ્રિલની પંદરમીએ ટેક્સ રીટર્ન ફાઈલ કરવાનું હોય છે. ટેક્સ “વિથહોલ્ડિંગ”ને કારણે એપ્રિલમાં રીટર્ન ફાઈલિંગ સમયે લોકોને ખબર પડે કે એમને રિફન્ડ મળવાનું છે કે વધુ ટેક્સ ભરવાનો છે.

જે લોકોએ પોતાની જવાબદારી કરતાં વધુ ટેક્સ આપ્યો છે તેમને એમનું ટેક્સ રિફન્ડ ટાઈમસર મળશે કે નહીં એ એમની મોટી ચિંતા.
ડિસ્ટ્રીકટ ટેક્સ ડિપાર્ટમેન્ટનું મેનેજમેન્ટ એટલું રેઢિયાળ હતું અને કર્મચારીઓ એટલા બેદરકાર હતા કે ટેક્સ પેયર્સને રિફન્ડ મળતાં મહિનાઓ નીકળી જાય. એ બાબતની એમની ફરિયાદ કરતા ટેલિફોન પણ કોઈ ઉપાડે નહીં. મેં જોયું કે મારે જો ટેક્સ પેયર્સનો વિશ્વાસ મેળવવો હોય તો આ પરિસ્થિતિ સુધારવી જ પડે. લોકોને રિફન્ડ ટાઇમસર મળવું જ જોઈએ.
મેં અગત્યના કર્મચારીઓની એક મિટિંગ બોલાવીને કીધું કે ડિસ્ટ્રીકટમાં અને બીજે બધે ઠેકાણે લોકો આપણી હાંસી ઉડાડે છે. આપણે રિફન્ડ આપવાનું સાદું સીધું કામ પણ ટાઇમસર કરી શકતા નથી. આઈ.આર.એસ. અને બીજે બધે ઠેકાણે લોકોને બે કે ત્રણ અઠવાડિયાંમાં રિફન્ડ મળી જાય, તો આપણે એમ શા માટે ન કરી શકીએ?
હું એ બધાને આઈ.આર.એસ.ના બસો માઈલ દૂર ફિલાડેલ્ફીયામાં આવેલા સર્વિસ સેન્ટરમાં લઈ ગયો.

બતાડ્યું કે ત્યાંના કર્મચારીઓ કેવું વ્યવસ્થિત કામ કરે છે. જો એ લોકો કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ? અને પછી બોમ્બશેલ અનાઉન્સમેન્ટ કર્યું કે ટીવી અને છાપાંવાળાઓને તો મેં ક્યારનુંય કહી દીધું છે કે આ વર્ષે ડિસ્ટ્રીકટના ટેક્સ રિફન્ડ બેથી ત્રણ અઠવાડિયાંમાં ઇસ્યુ થશે!
કર્મચારીઓમાં હો હા થઈ ગઈ. એ લોકો કહે આપણાથી એ ન બને. મેં કહ્યું શા માટે નહીં? આપણે ગોરા નથી એ માટે? આપણા માટે આ સ્વાભિમાનનો પ્રશ્ન હોવો જોઈએ કે અમે પણ એ કરી શકીએ છીએ.
ટીવીવાળા તો ફાયલિંગ સિઝનમાં કેમેરા સાથે આવીને ઊભા રહેશે. ટેક્સ પેયર્સને પૂછશે, તમને તમારું ડિસ્ટ્રીકટનું રિફંડ મેળવતા કેટલો સમય થયો? કોઈ તમારો ટેલિફોન ઉપાડતું હતું? વિનય અને વિવેકથી જવાબ આપતું હતું?
મેં સ્વાભિમાનની વાત કરી અને આપણું એક પ્રજા તરીકેનું ગૌરવ ઘવાશે એમ સમજાવ્યું ત્યારે ટેક્સના કર્મચારીઓને જાણે કે ચીમકી લાગી ગઈ. આખી એજન્સી જાગૃત થઈ ગઈ.
એપ્રિલની પંદરમી આવી. લોકોએ પોતાના ટેક્સ રિટર્ન્સ કાયદેસર ભર્યા. અમારા કર્મચારીઓ મારી ચેલેન્જનો જાણે કે જવાબ આપતા હોય તેમ સવાયું કામ કરીને બે જ અઠવાડિયાંમાં રિફન્ડ ઇસ્યુ કરવા માંડ્યા. ટીવી-છાપાંવાળા આવી પહોંચ્યા.
વોશિંગ્ટન પોસ્ટના બિઝનેસ સેક્શનના પહેલા પાને ફોટા સાથે સમાચાર આવ્યા.
વર્ષો પછી પહેલી જ વાર ડિસ્ટ્રીકટના ટેક્સ ડિપાર્ટમેન્ટ માટે કંઈક સારું કહેવાયું. વિલિયમ્સ ખુશ, ખુશ! અમારા બધા માટે લડાઈની આ પહેલી જીત હતી. ડિસ્ટ્રીકટના લોકો માટે આ ન માનવા જેવી વાત હતી. સાબિત થયું કે ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સુધારાવધારા થઇ રહ્યા છે. મારા જીવમાં જીવ આવ્યો! જો કે જંગ જીતવાનો હજી બાકી હતો.
ટાઈમસર રિફન્ડ મોકલવા જેટલી જ અગત્યની વાત હતી “ક્લિન ઓડિટ”ની. ડિસ્ટ્રીકટના સીએફઓની જવાબદારી હતી કે એણે દર વરસે નફાતોટાનો હિસાબ કરતો, જેને પ્રાઈવેટ સેક્ટરમાં ઇન્કમ સ્ટેટમેન્ટ અને બેલેન્સ શીટ કહે, તેવો એન્યુઅલ રીપોર્ટ પછીના વરસની ફેબ્રુઆરીની પહેલી તારીખે પબ્લીશ કરવો. એટલું જ નહીં, પણ બહારના ઓડિટર પાસેથી એ રીપોર્ટ પર “ક્લિન ઓડિટ”નો ઓપિનિયન મેળવવો.

એનો અર્થ એ કે અમારા એકાઉન્ટ્સ બધા સાચા અને ચોખ્ખા છે, એમાં કોઈ ગડબડ નથી, અને અમે કશું છુપાવતા નથી. 1996ના ઓડિટમાં ડિસ્ટ્રીકટને એના ટેક્સ ડિપાર્ટમેન્ટની અંધાધૂંધીને કારણે આવો “ક્લિન ઓડિટ” ઓપિનિયન નહોતો મળ્યો.
આ ઓપિનિયન ન હોય તો વોલ સ્ટ્રીટમાં બોન્ડ વેચવા બહુ મુશ્કેલ. વિલિયમ્સે જાહેર કર્યું હતું કે ડિસ્ટ્રીકટને આવતા વરસે “ક્લિન ઓડિટ” નહીં મળે તો પોતે રાજીનામું આપશે! અમારા બધાના છક્કા છૂટી ગયા!
મને ખબર હતી કે ટેક્સ ડિપાર્ટમેન્ટની કેવી દશા હતી. માત્ર ટેક્સ રિટર્ન્સનો ખડકલો જોઈને કોઈ પણ ઓડિટર અમને “ક્લિન ઓપિનિયન” આપવાની ના પાડે.
હવે એ બધું વ્યવસ્થિત કરવાનું મારે માથે આવ્યું. હું ટેક્સ ડિપાર્ટમેન્ટનો વડો હતો. આ બાબતમાં પણ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને મેં ચેલેન્જ આપી.
કહ્યું કે આપણી આજુબાજુની બધી સ્ટેટ ગવર્નમેન્ટને દર વરસે “ક્લિન ઓડિટ” ઓપિનિયન મળે છે તો આપણને કેમ નહીં? આપણે એવા બોઘા અને ગમાર છીએ? વધુમાં જો ડિસ્ટ્રીકટને “ક્લિન ઓડિટ” ઓપિનિયન નહીં મળે અને વિલિયમ્સ રાજીનામું આપશે તો આપણે બધાએ ચાલતી પકડવી પડશે!
વળી પાછા અમે બધા “કરેંગે યા મરેંગે”ના હિસાબે કામે લાગી ગયા. ટેક્સ રિટર્ન્સનો ખડકલો હતો ત્યાં અમે એક “વોર રૂમ” ગોઠવ્યો. બધા રિટર્ન્સ ઉઘાડ્યા, તેમને બરાબર ફાઈલ કર્યા, જ્યાં ટેક્સ ઓડિટ કરવાની જરૂર હતી ત્યાં ઓડિટ કર્યું. એન્યુઅલ રિપોર્ટનું ઓડિટ પૂરું થયું. કેપીએમજી નામની ઇન્ટરનેશનલ એકાઉન્ટીન્ગ ફર્મે અમને “ક્લિન ઓડિટ” સર્ટિફિકેટ આપ્યું.
![]()
અમે બધા રાજી રાજી. મારી શ્રદ્ધા વધી. થયું કે હું અહીં ટકી જઈશ. ટાઈમસર રિફન્ડ અને “ક્લિન ઓડિટ” ઓપિનિયન – આ બે વાતે ડિસ્ટ્રીકટમાં મારી ટેક્સ કમિશ્નર તરીકેની પ્રતિષ્ઠા સાબૂત કરી. છાપાં અને ટીવી પર મારું નામ ચમક્યું.
આ નવી પ્રતિષ્ઠાનો લાભ લઈ મેં જાહેર કર્યું કે ડિસ્ટ્રીકટ ગવર્નમેન્ટ હવે જે ટેક્સ પેયર્સ ટેક્સ ભરતા નથી તેમની પાછળ પડશે. એમને કોર્ટમાં લઈ જશે. જેલમાં મોકલશે. જે લોકો આઈ.આર.એસ.નો ટેક્સ ભરતા હતા, પણ ડિસ્ટ્રીકટનો નહીં તેમનાં નામ અમે આઈ.આર.એસ.માંથી મેળવ્યાં. એમને પકડ્યા, અને એમની પાસેથી પેનલ્ટી સાથે ટેક્સ ઉઘરાવ્યો. “There is a new sheriff in town!” એવી એક આબોહવા ઊભી કરી.
![Joy Church | There is a New Sheriff in Town (Colossians 2:15) [Part 2]](https://i0.wp.com/joychurch.net/wp-content/uploads/2013/07/newsheriff.jpg?resize=255%2C191&ssl=1)
સ્પેશ્યલ ક્રિમિનલ એન્ફોર્સમેન્ટની જાહેરાત કરી. સ્પેશ્યલ ટેક્સ ડિટેક્ટીવ રિક્રુટ કર્યા. જે લોકોએ ટેક્સ ભર્યા નથી. તેમને માટે ટેક્સ એમનેસ્ટી જાહેર કરી. કહ્યું કે જો એ પોતાની મેળે આવીને હજી સુધી નહીં ભરેલો ટેક્સ ભરી જશે તો એમની પેનલ્ટી માફ. જો એ લોકો એક સાથે બધો ટેક્સ ભરી શકે એમ ન હોય તો એમને માટે અમે ઇન્સ્ટોલમેન્ટ પ્લાનમાં ટેક્સ ભરવાની વ્યવસ્થા કરીશું.
અમારી બોટમલાઇન એ હતી કે જો લોકો એમ માનતા હોય કે ડિસ્ટ્રીકટનો ટેક્સ ન ભરીએ તો ચાલે, એ દિવસો ગયા. આ અગ્રેસીવ ટેક્સ કલેક્શનની વાતો મેં જ્યાં જ્યાં તક મળી ત્યાં કરી – રેડિયો, ટીવી, છાપાં, કમ્યુનિટી મિટિંગ્સ નેબરહૂડ અસોશિએશન્સમાં.
જ્યાં જ્યાં શક્ય હતું ત્યાં હું પોતે હાજર રહ્યો. લોકોની ફરિયાદો સાંભળી, એમનો ઉકેલ કેમ આવશે તેની વાત કરી, પણ આખરે ટેક્સ તો કલેક્ટ થશે એ સ્પષ્ટતા કરી.

ટેક્સ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને પણ હવે ખબર પડી કે એમણે એમનું કામ ધગશથી કરવું પડશે. લાંચ રુશ્વત, ટેક્સ પેયર્સની અવગણના વગેરે નહીં ચલાવી લેવાય. એમાં જે પકડાશે તેમને અમે સીધી પકડાવશું. જે થોડા પકડાય તેમને તરત જ રજા આપવામાં આવી.
આ બધી પ્રવૃત્તિઓનું મુખ્ય પરિણામ એ આવ્યું કે લોકો ડિસ્ટ્રીકટનો ટેક્સ ભરવા મંડ્યા. ડિસ્ટ્રીકટની તિજોરી ટેક્સથી છલકાવા મંડી. વ્યક્તિગત ટેક્સ પેયર્સ ઉપરાંત વોશિંગ્ટનમાં જે અનેક ટેક્સ એક્જ્મ્પટ એસોશિએશન હતાં તેમની પર પણ ડિસ્ટ્રીકટના ટેક્સ ભરવાનું દબાણ મેં શરૂ કર્યું.
આના પરિણામે અહીંનું મોટા નેશનલ એજ્યુકેશન એસોશિએશને સામેથી કહ્યું કે અમે અમારા વાર્ષિક ટેક્સના $1.1 મિલિયન ડોલરનો ચેક મોકલીએ છીએ.

વર્ષો પછી પહેલી જ વાર ડિસ્ટ્રીકટના બજેટમાં ડેફીસીટ નહીં, પણ સરપ્લસ દેખાયું! આ સરપ્લસમાં જેટલું અગ્રેસીવ ટેક્સ કલેક્શન જવાબદાર હતું, તેટલું જ મહત્ત્વ હતું બજેટ કટ્સનું.
વિલિયમ્સે આગળથી જ સ્પષ્ટ કરેલું કે જેટલી આવક તેટલો જ ખર્ચો. અને જો આવક ધાર્યા કરતાં વધુ થઈ તો એ વધારો સરપ્લસમાં ઉમેરાય. આમ ઉપરાઉપરી દર વરસે બજેટમાં સરપ્લસ થતા ગયા.
ડિસ્ટ્રીકટની બેલેન્સ શીટમાં જ્યાં 1995માં 535 મિલિયન ડોલરની વર્ષોથી ભેગી થયેલી ખાધ હતી ત્યાં હવે નેટ સરપ્લસ થયું. વોલ સ્ટ્રીટમાં અમારું બોન્ડ રેટિંગ જે તળિયે જઈને બેઠેલું તે ઉપર ચડશે એવી શક્યતા ઊભી થઈ.
વિલિયમ્સની વાહ, વાહ થઇ ગઈ. વોશિંગ્ટન પોસ્ટના પહેલે પાને વિલિયમ્સે વોશિંગ્ટનને કેવી રીતે નાણાકીય ખાધમાંથી ઉગાર્યું તેવી હેડ લાઈન સાથે ન્યૂસ રીપોર્ટ આવ્યો. એ ન્યૂસ રીપોર્ટની શરૂઆત ડિસ્ટ્રીકટના ટેક્સ ડિપાર્ટમેન્ટમાં મેં જે સુધારાવધારા કર્યા તેનાથી થઈ.
મારા કામની ખાસ નોંધ લેવાઈ. દેશમાં પણ આની નોંધ લેવાવાની શરૂઆત થઈ. એ ઉપરાંત અમેરિકાનાં ભારતીય છાપાંઓમાં પણ ડિસ્ટ્રીકટના નાણાંકીય ઉધ્ધારમાં મેં જે ભાગ ભજવ્યો તેના વિષે લખાવા માંડ્યું.
1998માં બેરીની મેયર તરીકેની ચોથી ટર્મ પૂરી થઇ. વોશિંગ્ટનના સ્થાનિક રાજકારણમાં ત્યારે એક જ વાત ચર્ચાતી હતી. બેરી વળી પાછો પાંચમી વાર મેયર તરીકે ઊભો રહેશે કે નહીં? એ જો વળી પાછો ચૂંટણીમાં ઊભો રહે તો ચૂંટાશે કે નહીં?

શહેરના કાળા અને ગોરા ભદ્ર સમાજમાં, બિઝનેસ કમ્યુનિટીમાં અને કોંગ્રેસમાં એવી ઈચ્છા ખરી કે બેરી ફરી વાર મેયરની ચૂંટણીમાં ન ઊભો રહે. અને નવી પેઢીને શહેરનું નેતૃત્વ લેવાની તક આપે.
એ બધા લોકોએ “ડ્રાફ્ટ વિલિયમ્સ”ની ઝુંબેશ શરૂ કરી. વિલિયમ્સને ચારે બાજુથી વિનંતિ કરવામાં આવી કે તમારે મેયરની ચૂંટણી લડવી. ચૂંટણી લડવા માટે જે પૈસા અને સ્વયંસેવકોની જરૂર પડશે તે અમે સંભાળશું.
વધુમાં જો બેરી વળી પાછો મેયર થયો તો સીએફઓ તરીકે તમે ડિસ્ટ્રીકટની જે નાણાંકીય પરિસ્થિતિ સુધારી, જે સરપ્લસ બનાવ્યું અને બોન્ડ રેટિંગ વધાર્યું તે બધું રોળાઈ જશે.
છેલ્લાં થોડાં વર્ષોમાં ડિસ્ટ્રીકટની જે પ્રગતિ થઈ છે તે થંભી જશે. શહેર વળી પાછું આડે રસ્તે ચડી જશે, ખાધમાં પડશે. વિલિયમ્સ માની ગયા. એમણે રાજીનામું આપ્યું. સીએફઓની પોઝિશન છોડીને મેયરની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી.
બેરી હવે મુંઝાયો. પહેલાં જેટલી એની પોપ્યુલારિટી નહોતી રહી, છતાં શહેરના ખાસ કરીને ગરીબ કાળા વિસ્તારમાં એ હજી પોપ્યુલર હતો.
રેસ કાર્ડનો ઉપયોગ કરીને કદાચ એ બાજી જીતી પણ જાય એવો ભય હતો. પણ બેરીને પોતાને જ ગંધ આવી ગઈ હતી કે પોતે ફરી વાર ચૂંટણી લડશે તો જીતશે જ એવી ખાત્રી ન હતી. ઊલટાનું હારવાની શક્યતા હતી. એ જોઈ શકતો હતો કે શહેરની બહુમતિ કાળી અને ગોરી પ્રજા નવી પેઢીના નેતૃત્વ માટે તૈયાર હતી.
ડિસ્ટ્રીકટના નાણાંકીય ઉદ્ધારક તરીકે વિલિયમ્સની પ્રતિષ્ઠા બંધાઈ ચૂકી હતી. એની પોપ્યુલારિટી પણ ઘણી હતી. વિલિયમ્સને બિઝનેસ કમ્યુનિટીનો ટેકો હતો. આ બધું જોતાં બેરીએ નક્કી કર્યું કે પોતે મેયરની ચૂંટણી નહીં લડે.
જેવી આ ખબર છાપે ચડી કે તુરત જ ત્રણ કાઉન્સિલ મેમ્બર્સે પોતાની ઉમેદવારી નોંધાવી અને મેયર થવા માટે જોરદાર ઝુંબેશ શરૂ કરી.
એમનું કહેવું એમ હતું કે છેલ્લાં થોડાં વર્ષોમાં શહેરની જે પ્રગતિ થઈ છે તે એમને કારણે થઈ છે! વિલિયમ્સ તો માત્ર મહેતાજી – સીએફઓ – હતા. એમને તો જે કહેવામાં આવ્યું તે એક એકાઉન્ટન્ટની ફરજ પ્રમાણે કર્યું. એ કાંઈ પોલિટીશીયન થોડા છે? એ ડિસ્ટ્રીકટનું કોમ્પ્લેક્સ રાજકારણ નહીં ચલાવી શકે.
લોકો શહેરના પોલિટીશીયનોથી એવા તો કંટાળી ગયા હતા કે આવી કોઈ દલીલબાજી ચાલી નહીં. વિલિયમ્સ ભારે બહુમતિથી ચૂંટાયા, અને ડિસ્ટ્રીકટનો બેરી યુગ પૂરો થયો.
(ક્રમશ:)