કાળનાં ચક્રો ફર્યાં વરસો પછી ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

૨૨ જાન્યુઆરીનો દિવસ યુગપ્રવર્તક લેખાશે એમાં કોઈ શંકા નથી. પાંચસો વર્ષની લાંબી મજલ પછી રામલલ્લાના આગમનને વધાવવા અયોધ્યા નગરી નવપલ્લવિત બની ગઈ.

જય સુરેશભાઈ દાવડાની પંક્તિ સાથે ઇતિહાસમાં અમર બની ગયેલા આ ભાવવિશ્વને અનુભવીએ…
જે રામ કાલ સુધી બસ ટેન્ટમાં રહ્યા’તા
મંદિરમાં એ કેવા, દેખાય છે એ જોવા
અતૃપ્ત થઈ ઊગી’તી ને તૃપ્ત થઈ ઢળી છે
બાવીસ જાન્યુઆરી ને બે હજાર ચોવીસ
આ કટાર માટે અવારનવાર ગઝલ શિબિરાર્થી મિત્રો પાસે નવા-નવા વિષય પર નવું-નવું લખાવીએ છીએ. એ માટે આપણું આંગણું બ્લૉગના આભાર સાથે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં અને પછી લખાયેલા શેરવિશ્વમાં તરબોળ થઈએ.

પ્રાણપ્રતિષ્ઠામાં પ્રત્યક્ષ હાજર રહેવાનું સૌભાગ્ય જેમને પ્રાપ્ત થયું છે તેઓ તૃપ્તિ ભાટકરની આ પંક્તિનો હર્ષ વિશેષ મહેસૂસ કરશે…
છે શક્તિ, ભક્તિમાં બહુ, પરચા મળી રહ્યા છે
શ્રી રામનાં અવધમાં પગલાં પડી રહ્યાં છે
મૂર્તિને જન્મસ્થાને, સંકલ્પ સ્થાપવાનો
આજે પધારી ઈશ્વર, પૂરો કરી રહ્યા છે
ઈશ્વરને આવકારવા માટે પણ ઈશ્વરઇચ્છા જોઈએ. સર્વોચ્ચ અદાલતે અતિશય સંવેદનશીલ વાતનો નિવેડો આણ્યો પછી જે ત્વરિત ગતિએ કામ થયું છે એ રામકૃપા વગર સંભવ નથી. લોખંડ અને સ્ટીલના ઉપયોગ વગર પથ્થરકારીથી હજારેક વર્ષ ટકે એવું મંદિર સર્જવાનો પડકાર ઝીલવામાં આવ્યો.

વડા પ્રધાને મંદિરના નિર્માણમાં સહભાગી થનારા કારીગરોની કારીગરીને ફૂલોથી વધાવી.

સત્તાધીશોએ સારપ નિભાવવાની પણ હોય અને પોંખવાની પણ હોય. કમલેશ શુક્લ અવલોકન કરે છે…
વાણી અને વિચારો જીવનમાં કામ આવે
યાત્રા વગર ચરણમાં ચારેય ધામ આવે
દિલમાં છુપાઈ બેઠો રાવણ નજરમાં આવે
મારી શકું દશાનન, ભીતર જો રામ આવે

યાત્રા કરવાનો આનંદ કંઈ ઑર જ હોય છે. ઇન્ટરનેટ પર જે-તે સ્થળની તસવીરો મળી જાય, પણ એનાં વાઇબ્રેશન્સ ન મળે. એ માટે પ્રત્યક્ષ જવું પડે. થોડાંક વર્ષોથી સરકારે યાત્રાસ્થાનોનું નવનિર્માણ શરૂ કર્યું છે. આ કારણે દેવસ્થાન એટલે ગંદગી અને ભીડ જ હોય એવી વ્યાખ્યા બદલાઈ રહી છે. ઉજ્જૈન મહાકાલેશ્વરની મુલાકાત જેમણે લીધી હશે તેમને દિવ્યતાની સાથે ભવ્યતાનો અનુભવ પણ ચોક્કસ થયો હશે.

શ્રદ્ધા સાથે જો કલાને સાંકળવામાં આવે તો આંખ અને હૈયું બન્ને ઠરે. કાશી, ઉજ્જૈન, અયોધ્યા પછી હજી અનેક તીર્થનગરીઓ કાયાપલટની પ્રતીક્ષામાં છે. ભારતી ગડા પ્રતીક્ષાનો પર્યાય બની ગયેલા પાત્રની વાત કરે છે…
આંગણે શ્રીરામનો સંભવ જુએ
વાટ એની એટલે હરભવ જુએ
સાધના, શ્રદ્ધા છે શબરીની અટલ
બોરની મીઠાશમાં રાઘવ જુએ
![]()
કલાની દૃષ્ટિએ ૨૨ જાન્યુઆરીએ એક મીઠી ઘટના એ બની કે ગાયક કલાકાર રાઘવ દવે અને મુદ્રા પ્રશાંતનાં લગ્ન આ જ દિવસે થયાં. સુગમ સંગીત અને સાહિત્ય સાથે નિસબતથી સંકળાયેલી યુવા પેઢીને જોઈ વિશેષ આનંદ થાય.

રામ-સીતાનું દામ્પત્ય આપણા માટે હંમેશાં આરાધ્ય રહ્યું છે. અનેક ઉતાર-ચડાવ આવે છતાં પ્રેમ ટકવો જોઈએ. રામ ભલે સર્વત્ર છે, પણ રામત્વ સર્વત્ર નથી. દરેક જણે પોતપોતાની રીતે સમજવાનો અને પામવાનો પ્રયાસ કરવાનો છે. રશ્મિ જાગીરદાર પ્રભુના આગમનને વધાવવાની સાથે એક સવાલ પણ કરે છે…
મારાં બધાં જ કાર્યો લોકોને કામ આવે
એવું કરું કશું કે, મારામાં રામ આવે?
વર્ષો થયાં સૂનાં છે, મંદિર ને હૈયાં સૌનાં
હરખો હવે બધાયે, નિજ ધામે રામ આવે
આપણું ઘર આપણા અસ્તિત્વ સાથે જોડાયેલું હોય છે. ગમે એટલી વૈભવી જગ્યાઓમાં ફરીએ – વિહરીએ, સુકૂન તો આપણા ઘરમાં જ મળતું હોય છે. રામલલ્લા હવે પોતાના ઘરમાં આવી ગયા છે.

પ્રાણપ્રતિષ્ઠાની વિધિ સમયે ભગવાનનું બાળસ્વરૂપ ઉજાગર થયું ત્યારે દેશ-પરદેશમાં વિખરાયેલા રામભક્તોની આંખો સજળ થઈ. આ આંસુમાં સદીઓ પ્રતિબિંબિત થઈ છે.

સજળતા સાથે સંવેદન અને સમજણ પણ સંકળાયેલાં છે. કોકિલા ગડા એને શબ્દસ્થ કરે છે…
ભરત જો થશે તું, તને રામ મળશે
સુદામા થશે તો, તને શ્યામ મળશે
ચરણપાદુકા મૂક સિંહાસને તું
જગતમાં પછીથી, તને નામ મળશે
લાસ્ટ લાઇન
રાહ જોતી શબરીના એ રામજી
નિજ ગૃહે પાછા ફર્યા વરસો પછી
ઢૂંકડી રળિયામણી આવી ઘડી
સરયૂ કાંઠા ઝગમગ્યા વરસો પછી
જીત આખર થઈ સનાતન ધર્મની
કાળનાં ચક્રો ફર્યાં વરસો પછી
આજ યુગયુગની પ્રતીક્ષા થઈ પૂરી
રામલલ્લા નીરખ્યા વરસો પછી
જાનકીના નાથ તારાં દર્શને
ધામ ચારેય ઊમટ્યા વરસો પછી
બાળરૂપ તુજ મુખડું જોયું અને
આંસુઓ હરખે સર્યાં વરસો પછી
~ નિશિ સિંહ સોલંકી