પ્રકરણ:42 ~ હું ડિસ્ટ્રીકટનો ટેક્સ કમિશ્નર થયો ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી

કન્ટ્રોલ બોર્ડના મેમ્બર્સ પાંચ, શહેરના અગ્રગણ્ય નાગરિકો, અને પોતાના ક્ષેત્રમાં ખ્યાતનામ, શક્તિશાળી માણસો હતા. આમાં જેવા તેવાનું કામ નહોતું. એમને તો બેરીની સામે ઝઝૂમવાનું હતું.

એમને ખબર હતી કે બેરીના હાથમાંથી એની બધી સત્તાઓ ઝુંટવાઈ ગઈ છે તે એને માન્ય નથી. એ તો લડવાનો છે. કન્ટ્રોલ બોર્ડના મેમ્બર્સ તો વોલન્ટીયર તરીકે પોતાની સેવા આપતા હતા.

દેશભક્તિ અને પોતાની નાગરિક ફરજ સમજીને એમણે આ કપરું કામ હાથમાં લીધું હતું, પણ  એમને પોતાના કામધંધા હતા. એમાંથી સમય ફાળવીને કંટ્રોલ બોર્ડમાં પોતાની ફરજ બજાવવાની હતી.

શહેરના ત્યારના બારેક બિલિયન ડોલરના બજેટની રોજબરોજની નાણાંકીય વ્યવસ્થા કરવા માટે ન’તો તેમની પાસે ટાઈમ કે ન’તો સ્ટાફ. એ રોજબરોજનું કામ કરવા માટે કન્ટ્રોલ બોર્ડના હાથ નીચે કોંગ્રેસે એક નવો હોદ્દો સ્થાપ્યો – ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર – CFOનો.

What is a Chief Financial Officer? - Top Accounting Degrees

કન્ટ્રોલ બોર્ડના મેમ્બર્સ દર અઠવાડિયે  સીએફઓ અને એના સિનિયર સ્ટાફને મળે અને ડિસ્ટ્રીકટનો નાણાંકીય વ્યવહાર કેમ કરવો એનું માર્ગદર્શન આપે. મેયર અને કાઉન્સિલના  હાથમાં જે નાણાંકીય સત્તા અને જવાબદારી હતાં તે હવે  સીએફઓને સોંપાયાં.

ડિસ્ટ્રીકટમાં નાણાંકીય ક્ષેત્રે જે લગભગ બારસો જેટલા કર્મચારીઓ કામ કરતા હતા તે બધા હવે સીએફઓના હાથ નીચે આવી ગયા. મેયર કે કાઉન્સિલની એ સ્ટાફ પર કોઈ હોદ્દેદારી નહીં. સાથે સાથે ડિસ્ટ્રીકટનું રેવન્યુ એસ્ટીમેશન, ટેક્સ કલેક્શન, બજેટ, એકાઉન્ટીન્ગ અને કમ્પટ્રોલરશીપ, ટ્રેઝરી અને બોરોઈંગ, લોટરી, વગેરે બધું સીએફઓના હાથ નીચે આવી ગયું.

કોઈ પણ પ્રોજેક્ટ, પછી એ સેંકડો મિલિયન્સનું સ્ટેડીયમ બનાવવાની વાત હોય કે સાવ સામાન્ય રોડ રીપેરની વાત હોય, તે બધામાં સીએફઓની હા જોઈએ. કાઉન્સિલના એકેએક નાણાંકીય કાયદામાં પણ સીએફઓની હા હોય તો જ એ માન્ય થાય. આમ સીએફઓ ડિસ્ટ્રીકટનો ફાઈનાન્સિયલ ઝાર બની ગયો.

સીએફઓને આવા અસાધારણ પાવર્સ આપવા સાથે એને માથે એટલી જ અસાધારણ જવાબદારી નખાઈ હતી. એની જવાબદારી એ હતી કે હવે પછી ડિસ્ટ્રીકટ ક્યારેય ફડચામાં ન પડે. એને એ જોવાનું કે કયારેય પણ ડિસ્ટ્રીકટની આવક કરતા એનો ખર્ચો ન વધે. એ માટે જે કાંઈ કાપ મૂકવાના હોય તે કહેવાના.

શરૂઆતનાં વર્ષોમાં શહેરના ખર્ચમાં ખૂબ કાપકૂપ થઇ. હજારો લોકોના જોબ ગયા. કેટલાય પ્રોજેક્ટ્સ રદ થયા. અને જો સિટી વ્યવસ્થિત રીતે વ્યાજ સાથે પૈસા પાછા આપી શકે એમ હોય તો જ બોરો થાય. આ કામ ખૂબ આકરું હતું.

જે પોલિટીશિયન્સને ગમતું તે બધી બાબતમાં સીએફઓની જવાબદારી ના પાડવાની હતી. હું જ્યારે (2000-2014) ડિસ્ટ્રીકટનો સીએફઓ હતો, ત્યારે ડો. નો તરીકે વગોવાતો!

સીએફઓનું આ ના પાડવાનું કામ પોલિટીશિયન્સને ગમવાનું નથી અને મેયર અને કાઉન્સિલ યેન કેન પ્રકારેણ સીએફઓને વગોવીને એને કાઢવા પ્રયત્ન કરશે તેમ ધારીને કોંગ્રેસે સીએફઓને કેટલીક બાહેંધરી આપી. એક તો એને પાંચ વર્ષની ફિક્સ્ડ ટર્મ આપી. બારસોએક માણસોનો સ્ટાફ આપ્યો.

એ સ્ટાફ સીએફઓના નિયમો અને માર્ગદર્શનને અનુસરીને વ્યવસ્થિત કામ કરે તે માટે એમને હાયર-ફાયર કરવાના, પ્રમોટ ડીમોટ કરવાના વગેરે અગત્યના પર્સોનેલ ડિસીશન સીએફઓને આપ્યા. નાણાંકીય બાબતના જે કોઈ કોન્ટ્રેકટ આપવા પડે તે પણ સીએફઓના હાથમાં મૂકાયા.

ટૂંકમાં મેયર, કાઉન્સિલ કે બીજું કોઈ સીએફઓને દખલ ન કરે તેવી વ્યવસ્થા કરી આપી. જો કે સીએફઓની નિમણૂક ભલે મેયર કરે અને કાઉન્સિલ એને કન્ફર્મ કરે, પણ એક વાર એની નિમણૂક થયા પછી એને હોદ્દા ઉપરથી કાઢવો ખૂબ મુશ્કેલ. એને જો એને કાઢવો હોય તો એનો પ્રોસિજર કોમ્પ્લીકેટેડ હતો અને એ બાબતમાં કોંગ્રેસની અનુમતિની પણ જરૂરી.

ભલે એની સત્તા અને જવાબદારી કોંગ્રેસે ઝૂંટવી લીઘી છતાં બેરી હજી ઑફિસિયલી મેયર હતો. સીએફઓની નિમણૂક કરવાનો એનો હક્ક હતો. એને નબળો સીએફઓ નીમવો હતો જેથી એ તેને પોતાના હાથ નીચે દબાવી શકે.

ઘણા કેન્ડીડેટ્સ ચકાસ્યા પછી એણે એક ઓછાબોલા, થોડા શરમાળ, શાંત અને બુકીશ લોયર એન્થની વિલિયમ્સની ડિસ્ટ્રીકટના પહેલા સીએફઓ તરીકે નિમણૂક કરી.

UVA Black Leadership
Anthony Williams

કાઉન્સિલે એમને કન્ફર્મ કર્યા. જો કે વિલિયમ્સ પોતે અકાઉન્ટન્ટ ન હતા, પણ એની અપોઈન્ટમેન્ટ થઈ ત્યારે ફેડરલ ગવર્નમેન્ટના વિશાળ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં એ સીએફઓ હતા. વધુમાં યેલ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ડીગ્રીઓ મેળવેલી. બોસ્ટન અને સેન્ટ લુઇસ સિટીઓમાં લોકલ ગવર્નમેન્ટનો એમણે અનુભવ મેળવેલો.

એમને પહેલી વાર મળતા એવી છાપ પડે કે બેરી આ માણસને સહેલાઈથી બનાવી જશે. બેરીને એમ હતું કે વિલિયમ્સ જેવો નબળો માણસ સીએફઓ હોય તો પોતે હજી પણ પોતાનું ધાર્યું કરી શકે. પણ હકીકતમાં થયું એવું કે વિલિયમ્સ જેવા દેખાયા તેના કરતાં સાવ જુદા જ નીકળ્યા. એની પાસે સીએફઓના મિશનની સ્પષ્ટ સમજ હતી અને સીએફઓની જવાબદારીનું ભાન હતું.

બેરી અને બીજા ડિસ્ટ્રીકટના લાંચ રુશ્વતથી કામ કરતા પોલિટીશીયન સામે ઝઝૂમવાની જે તૈયારી અને નીડરતાની જરૂર હતી તે વિલિયમ્સે શરૂઆતથી જ દેખાડી.

આશ્ચર્યની વાત તો એ હતી કે એક કુશળ પોલિટીશીયનની સૂઝ અને સમજથી વિલિયમ્સે શહેરના જુદા જુદા વિસ્તારોમાં જવાનું શરૂ કર્યું.

ટાઉન હોલ મિટિંગ્સ ભરી લોકોને ડિસ્ટ્રીકટનું અર્થકારણ કેમ ચાલે છે તે સમજાવ્યું. તેમાં શું શું ફેરફાર કરવા જોઈએ અને એ નાગરિકોને કેવી રીતે ઉપયોગી નીવડશે તેની ચર્ચાવિચારણા કરવાનું શરૂ કર્યું. ખાસ તો ડિસ્ટ્રીકટની નાણાંકીય પરિસ્થિતિ કેટલી કથળેલી છે, અને એને સુધારવા માટે કેવાં આકરાં પગલાં લેવા પડશે એ બાબતની સ્પષ્ટતા કરી.

લોકોને એવી શ્રદ્ધા બેઠી કે આ નવા ડોક્ટરની કડવી દવા લેશું તો જ આપણી સ્થિતિ સુધરશે. વિલિયમ્સની વાત સાદી સીધી અને તરત સમજી શકાય એવી હતી.

એણે કહ્યું કે ડિસ્ટ્રીકટની નાણાંકીય પરિસ્થિતિ સુધારવા માટે પહેલું કામ તો એની આવક અને જાવકને બેલેન્સમાં લાવવી પડશે. આના આ બે જ રસ્તા છે. એક તો એ કે આવક વધારવી પડશે, અને બીજું એ કે બજેટમાં- જાવકમાં- કાપ મૂકવા પડશે.

જે વસ્તુ એના હાથમાં હતી, તેને તો એણે અમલમાં મૂકવાનું તરત જ શરુ કર્યું. વિલિયમ્સે કંટ્રોલ બોર્ડને અને કોંગ્રેસને સમજાવ્યું કે ડિસ્ટ્રીકટની સરકારી બ્યુરોક્રસીમાં થથેરો ઘણો છે.

મેયર બેરીએ જરૂર હોય કે નહીં પણ હજારોની સંખ્યામાં પોતાના મિત્રો, સગાંવહાલાંઓ, ટેકેદારો વગેરેને સિટીમાં જોબ્સ આપ્યા હતાં. થોડાક અપવાદ સિવાય આ બધા કાળાઓ જ હતા.

વિલિયમ્સે જ્યારે આ કર્મચારીઓને રજા આપવાની વાત કરી ત્યારે ખાસ કરીને કાળી પ્રજામાં ઊહાપોહ થઇ ગયો. પણ વિલિયમ્સ મક્કમ રહ્યા.

એણે સ્પષ્ટ કહ્યું કે ડિસ્ટ્રીકટ ગવર્નમેન્ટનો પેરોલ ઘટાડવો પડશે. ગવર્ન્મેન્ટની સાઈઝ ઓછી કરવી પડશે. ડિસ્ટ્રીકટના ખર્ચાળ બજેટમાં જો કાપ નહીં મૂકાય તો ખાધ ચાલુ રહેશે. ડિસ્ટ્રીકટના સીએફઓ તરીકે આવી ડેફિસીટ એ ન ચલાવી શકે.

Budget Deficit - Image of the words budget deficit written across USD100 bills

એટલું જ નહીં, પણ ડિસ્ટ્રીકટના નાણાંકીય વ્યવહારમાં જે ગેરવ્યવસ્થા હતી ત્યાં પણ એમણે ધરખમ ફેરફાર કરવા માંડ્યા. એમણે જોયું કે જેમ બજેટમાં કાપ મૂકવાની જરૂર છે તેમ જ ડિસ્ટ્રીકટની કરવેરાની આવક વધારવાની ખાસ જરૂર છે.

આ અગત્યના કામ માટે ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સુધારાવધારા કરવાની જરૂર હતી. જે કર્મચારીઓ વ્યવસ્થિત કામ કરતા નથી અથવા તો લાંચ રુશ્વત લઈને શહેરનો ટેક્સ જવા દે છે, તેમને રજા આપવી જોઈએ. ખાસ તો સિટીની રીઅલ એસ્ટેટ પ્રોપર્ટીનું અસેસમેન્ટ અને ટેક્સ કલેક્શન બરાબર થવું જોઈએ.

શહેરના લોકો ટેક્સ ડિપાર્ટમેન્ટની બેદરકારીથી અને એના કર્મચારીઓના ગેરવર્તનથી એટલા તો કંટાળી ગયા હતા કે એમણે ટેક્સ ભરવાનું જ બંધ કર્યું! સિટીનું રીઅલ પ્રોપર્ટી ટેક્સ કલેક્શન ખૂબ ઘટી ગયું.

આ બધાથી કંટાળીને વિલિયમ્સે એક દિવસે એ ડિપાર્ટમેન્ટના 100 જેટલા કર્મચારીઓને એક સાથે રજા આપી દીધી! આમાં મોટા ભાગના કર્મચારીઓ કાળા હતા.

ડિસ્ટ્રીકટના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું ન હતું. બેરીના રાજ્યમાં કાળાઓને જોબ આપવાની વાત હતી, રજા આપવાની નહીં! શહેરમાં ઊહાપોહ થઇ ગયો.

આ બાબતમાં બેરી કે કાઉન્સિલ કંઈ કરી શકે તેમ નહોતા કારણ કે ડિસ્ટ્રીકટના નાણાંકીય ક્ષેત્રમાં કામ કરતા લગભગ 1200 જેટલા લોકો હવે વિલિયમ્સના હાથ નીચે હતા.

એણે આ બધા કર્મચારીઓ પર પોતાનો કંટ્રોલ બેસાડ્યો. એમને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ડિસ્ટ્રીકટની ડેફિસીટ નાબૂદ કરવાની એમની ફરજ છે. હવે એમને મેયર કે કાઉન્સિલને નહીં પણ સીએફઓને રીપોર્ટ કરવાનું છે.

Reasons to Outsource a Part-Time CFO for Your Business - proCFO

ટેક્સ ડિપાર્ટમેન્ટના આ સામૂહિક ફાયરીંગથી બીજા બધા કર્મચારીઓ ચેતી ગયા કે ડિસ્ટ્રીકટની રમત હવે સાવ બદલાઈ ગઈ છે. જૈસે થે એ ફિલોસોફી હવે ચાલવાની નથી. પોતાનો નોકરી ટકાવી રાખવી હોય તો હવે વ્યવસ્થિત કામ કરવું પડશે, લાંચ રુશ્વતનું તો નામ જ નહીં લેવાય. વધુમાં શહેરમાં, બિઝનેસ કમ્યુનિટીમાં, કંટ્રોલ બોર્ડમાં, અને કોંગ્રેસમાં વિલિયમ્સની એક “નો નોનસેન્સ સીએફઓ” તરીકેની શાખ બંધાઈ.

શરૂઆતમાં જ બેરીને ખબર પડી ગઈ કે વિલિયમ્સ એની સામે માથું ઊંચકી રહ્યા છે. તરત એણે કંટ્રોલ બોર્ડ અને વિલિયમ્સ સામે ઝુંબેશ શરુ કરી. કહ્યું કે મેયર અને કાઉન્સિલ તો બહુમતીથી ચુંટાયેલા આમ જનતાના પ્રતિનિધિઓ છે, જયારે કંટ્રોલ બોર્ડ અને વિલિયમ્સ તો કોંગ્રેસે બળજબરીથી ડિસ્ટ્રીકટ ઉપર ઠોકી બેસાડેલા કર્મચારીઓ છે.  ભલે એ કાળા હોય પણ આખરે તો એ ધોળી પ્રજાના ઢીંગલાંઓ છે! એમને ડિસ્ટ્રીકટની બહુમતી કાળી પ્રજાના હિતની કંઈ પડી નથી.

બેરીનું આ રેસ કાર્ડ હવે ચાલે તેમ ન હતું. એણે જે રીતે ડિસ્ટ્રીકટની નાણાંકીય ગેરવ્યવસ્થા કરી હતી, એને ફડચામાં નાખ્યું હતું, સરકારમાં જે અંધાધૂંધી ફેલાવી, અને ખાસ કરીને લાંચરુશ્વતના વ્યવહારથી દેશની રાજધાનીને દુનિયા આખીમાં બદનામ કરી હતી, તે બધું લોકોની આંખ સામે તરતું હતું.

માત્ર નાણાંકીય વ્યવહારની વાત કરીએ તો 1995માં ડિસ્ટ્રીકટની તિજોરી તો સાવ ખાલી હતી, પણ ઉપરથી 550 મિલિયન ડોલરની ખાધ હતી. વોલ સ્ટ્રીટમાં ડિસ્ટ્રીકટની આબરૂના કાંકરા ઊડતા હતા.

સીએફઓ વિલિયમ્સને બરાબર ખબર હતી કે ડિસ્ટ્રીકટની વર્ષોથી ચાલુ આવતી ડેફિસીટનાં બે પાસાં હતા. જેટલી બજેટ અને ખર્ચામાં કાપ મૂકવાની જરૂર હતી તેટલી જ ટેક્સની આવક વધારવાની જરૂર હતી. એક હાથે તાળી નહીં પડે.

આગળ લખ્યું તેમ ડિસ્ટ્રીકટનો ટેક્સ ડિપાર્ટમેન્ટ ખોરંભે પડ્યો હતો. કેટલાક લોકોએ ડિસ્ટ્રીકટનો ટેક્સ ભરવાનો જ બંધ કર્યો હતો, જો કે એ જ લોકો ફેડરલ ગવર્નમેન્ટનો ટેક્સ આઈ.આર.એસ.ને જરૂર ભરે!

ટેક્સ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ એટલા તો બેદરકાર અને ઇનએફિસીયન્ટ હતા કે તેમને એ બાબતની ખબર પણ ન હતી. અને ખબર પડે તો પણ ટેક્સ ઉઘરાવવાની એમની પાસે કોઈ સાધનસામગ્રી પૂરતા પ્રમાણમાં ન હતી. કમ્યુટર, ડેટા બેઝ જેવા અદ્યતન સાધનો ન હતાં.[1]

[1] : “Tax Office Losing Millions Annually, Is Losing Big to Cheaters, Processing System Weak, Officials Say,” The Washington Post, January 1, 1999.

બેરીએ ડિસ્ટ્રીકટ ગવર્નમેન્ટનું એડમિનિસ્ટ્રેશન બગાડી નાખેલું એનાથી ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જે હાનિ થઇ તે અક્ષમ્ય હતી. જો પૂરતો ટેક્સ ન ઉઘરાવાય તો સરકાર કેમ ચાલે?

ટેક્સ ડિપાર્ટમેન્ટને સુધારવા માટે, એના કર્મચારીઓ સરખું કામ કરે અને સિટીનો ટેક્સ પૂરો ઉઘરાવે તે માટે વિલિયમ્સ કોઈ અનુભવી અને નિષ્ણાત ટેક્સ કમિશ્નરની પહેલેથી જ શોધમાં હતા. ડિસ્ટ્રીકટ અને ખાસ કરીને ટેક્સ ડિપાર્ટમેન્ટની મથરાવટી જ એટલી મેલી કે કોઈ પણ જાણીતું માણસ ડિસ્ટ્રીકટનું નામ સાંભળતા જ ભડકે અને તરત જ ના  પાડી દે.

આગળ જણાવ્યા મુજબ જીએઓમાં મને જે પ્રમોશન જોઈતું હતું, અને જેને માટે મારી પાસે પૂરી સજ્જતા અને યોગ્યતા હતી, તે ન મળતાં હું જીએઓ છોડવાનો વિચાર કરતો હતો, તેવામાં મને વિલિયમ્સને મળવાનું નિમંત્રણ આવ્યું.

About GAO - YouTube

જીએઓના મારા કામને લીધે વોશિંગ્ટનના ટેક્સ વર્તુળમાં મારી પ્રતિષ્ઠા બંધાઈ હતી. એમાંથી કોઈએ મારું નામ વિલિયમ્સને સૂચવેલું. વિલિયમ્સ સાથેની મારી મિટિંગ બહુ સારી ગઈ. એણે એ પહેલી જ મિટિંગમાં મને ડિસ્ટ્રીકટમાં ટેક્સ કમિશ્નર થવાની ઓફર કરી!

આ ઓફર આકર્ષક હતી પણ મેં તરત હા ન કહી.  જીએઓ છોડવાનો નિર્ણય આટલી જલદીથી લેવો પડશે એવું મેં ધાર્યું ન હતું. વળી ડિસ્ટ્રીકટમાં પડવું એ પણ જોખમનું કામ હતું.

જીએઓની મારી ઊંચી પોઝિશનને કારણે મને ઘણાં પ્રતિષ્ઠા અને માનસમ્માન મળેલાં. આવો સારો અને સિક્યોર્ડ જોબ એમને એમ કેમ છોડી દેવાય અને તે પણ ડિસ્ટ્રીકટ માટે?

જીએઓમાં અને બહાર મેં મારા હિતેચ્છુઓને આ બાબતની વાત કરી. બધાએ મને જીએઓ છોડવાની અને ડિસ્ટ્રીકટનો જોબ લેવાની ના પાડી. અને છતાં મેં એ જ કર્યું! આ બાબતની દેશમાં પણ નોંધ લેવાઈ.[2]  એ લેખમાં મારી સામે જે ચેલેન્જ પડી હતી તેની વિગતવાર વાત હતી.

[2] “In for Capital Punishment?” Economic Times, New Delhi, Sunday, April, 1997.

મને કહેવામાં આવ્યું કે હું છ મહિના પણ ડિસ્ટ્રીકટમાં ટકું તો ઘણું ઘણું. 1997ના ફેબ્રુઆરીમાં મેં જ્યારે ટેક્સ ડિપાર્ટમેન્ટનાં સૂત્રો હાથમાં લીધાં ત્યારે મને પોતાને જ થયું કે અહીં છ મહિના શું છ અઠવાડિયાં પણ ટકું તો સારું!

પહેલું તો એ કે એના છસો જેટલા કર્મચારીઓ વિલિયમ્સ પ્રત્યે શંકાભરી દૃષ્ટિએ જોતા હતા. હજી થોડા જ વખત પહેલાં એણે એમના સોએક સાથીઓને રજા આપી હતી. વિલિયમ્સે મને નીમ્યો હતો એટલે એમને એમ હતું કે એના એજન્ટ તરીકે હું પણ વધુ લોકોને રજા આપવાનો છું.

વિલિયમ્સ પ્રત્યે એમને જે અવિશ્વાસ અને ગુસ્સો હતો તે બધો મારા પર ઠલવાયો.  ઑફિસમાં જ્યાં પણ જાઉં ત્યાં મને હોસ્ટિલિટી જોવા મળી. શરૂઆતમાં જે હું કાંઈ નવા પગલાં ભરું તેવા તરત તે સેબોટેજ કરવા લોકો તૈયાર હતા. મને થયું કે આવા વાતાવરણમાં, કર્મચારીઓના સહકાર વગર ડિપાર્ટમેન્ટમાં સુધારાવધારા કેમ થઈ શકે?

વધુમાં મારો પોતાનો ટેક્સ ડિપાર્ટમેન્ટ ચલાવવાનો અનુભવ પણ નહિવત્ હતો. હા, હું જીએઓમાં હતો ત્યારે અહીંની તોતિંગ ફેડરલ ટેક્સ એજન્સી આઈ.આર.એસ.નાં વિવિધ પાસાંનું ઓડિટ જરૂર કરતો. તે બાબતમાં રિપોર્ટ્સ લખતો. એ વિષે કોંગ્રેસમાં જુબાની પણ આપતો. પરંતુ એ તો કાંઠે ઊભેલો ક્રિટિકની જેમ કોમેન્ટરી આપે તેવું થયું.

એનો અર્થ એવો થોડો થયો કે એને મઝધારમાં તરતાં આવડે છે? હું જયારે ડિસ્ટ્રીકટનો ટેક્સ કમિશ્નર થયો ત્યારે આઈ.આર.એસ.ના મારા મિત્રોએ મને હસતાં હસતાં કહ્યું પણ ખરું કે હવે જોઈએ કે તમે ટેક્સ ડિપાર્ટમેન્ટ કેમ ચલાવો છો, અને તમારા જીએઓના રેકમ્ન્ડેશન્સને કેવી રીતે અમલમાં મૂકો છો.

મારે હવે એવા માણસોની જરૂર હતી કે જે ટેક્સ ડિપાર્ટમેન્ટ ચલાવવામાં નિષ્ણાત હોય. આવા માણસોને ક્યાંથી શોધવા? અને જો મળે તો એમને ડિસ્ટ્રીકટમાં કામ કરવા કેમ મનાવવા?

દુનિયાભરની ટેક્સ એજન્સીઓમાં આઈ.આર.એસ. શ્રેષ્ઠ ગણાય. ટેક્સ ડિપાર્ટમેન્ટ કેમ ચલાવવો એ શીખવા માટે દેશપરદેશથી ટેક્સ પ્રોફેશનલ્સ ત્યાં આવે. મને થયું કે મારે પણ આઈ.આર.એસ.માં જઈને મદદ લેવી જોઈએ.

સદ્ભાગ્યે હું આઈ.આર.એસ. કમિશ્નર અને એના ઘણા ઉચ્ચ અધિકારીઓને સારી રીતે ઓળખતો હતો. ત્યાં જઈને મેં ધા નાખી. કમિશ્નરે બધી જ મદદ કરવાની તૈયારી બતાવી. વધુમાં એના એક ઉચ્ચ અધિકારીને મારી સાથે કામ કરવા મોકલ્યો.

એ ઉપરાંત એ સમયે આઈ.આર.એસ.માંથી જે અધિકારીઓ નિવૃત્ત થતા હતા, તેમને રીક્રુટ કરવા મને કહ્યું. એ સૂચન મને ગમ્યું.

હું આવી રીતે કેટલાક ટેક્સ નિષ્ણાતોને ડિસ્ટ્રીકટમાં લઈ આવ્યો. જો કે આ નિષ્ણાતો બધા ગોરા હતા, જયારે અમારો ટેક્સ સ્ટાફ મુખ્યત્વે કાળો હતો. આ રંગભેદને કારણે સ્ટાફની મારા માટે જે હોસ્ટીલિટી તે વધી, પણ મારે તો ટેક્સ ડિપાર્ટમેન્ટ ચલાવવો હતો. આ નિષ્ણાતોની ખૂબ જરૂર હતી.

આગળ જણાવ્યું તેમ ડિપાર્ટમેન્ટમાં કમ્પ્યુટર્સ ન મળે, ડેટા બેઝ ન મળે. અરે, કર્મચારીઓ ટેક્સ રિટર્ન્સ ફાઈલ કરવાને બદલે એક રૂમમાં એનો ખડકલો કરે. રિટર્ન સાથે ટેક્સના જે ચેક આવ્યા હોય તે પણ બેન્કમાં ટાઈમસર જમા ન કરે!

કોઈ પણ ટેક્સ એજન્સી ટેક્સ રિટર્ન જેવા અત્યંત અગત્યના ડોક્યુમેન્ટને ફાઈલ ન કરે, એની જાળવણી ન કરે, અને રદ્દી પેપરની જેમ ખૂણામાં ફેંકી દે એ કોઈ કેમ માનશે?

મેં રદ્દીની જેમ ફેંકાયેલા રીટર્નના ઢગલાઓનો ફોટો પાડ્યો. અને લોકોને બતાડ્યું કે એજન્સી કેવી રેઢિયાળ દશામાં છે. એ બધું ફોટા સાથે છાપાઓમાં પણ આવ્યું.[3]

[3] “Many Unhappy Returns, District Addresses Income Tax Chaos,” Washington Business Journal, October 3-10, 1997, p. 68, “Dysfunction in the District, The Washington Times, October 24, 1997.

મેં વિલિયમ્સને કહ્યું કે ડિપાર્ટમેન્ટની દશા ધાર્યા કરતાં વધુ વણસેલી છે. અદ્યતન ટેક્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ વગર અહીં ચાલશે નહીં. આવી સિસ્ટમ માટે મિલિયન્સ ઓફ ડોલર્સનો ખર્ચ કરવો પડશે. કમ્પ્યુટર્સની જાણકારીવાળા અને ભણેલા નવા લોકોને હાયર કરવા પડશે, જૂના કર્મચારીઓને આ સિસ્ટમ્સમાં ટ્રેનીંગ આપવી પડશે. ટેક્સ ડિપાર્ટમેન્ટને ટેક્સ પેયર ફ્રેન્ડલી બનાવવા માટે પહેલાં તો કર્મચારીઓનું માનસ બદલવું પડશે.

આ બધું કરતા ઓછામાં ઓછા ચારથી પાંચ વરસ નીકળી જશે. વિલિયમ્સ મારી સામે જે આકરું કામ પડ્યું હતું તે સમજી શક્યા. જે કાંઈ ખર્ચ થાય તે કરવા તૈયાર થયા.

અમે કર્મચારીઓની ટ્રેનીંગ શરૂ કરી. આ બાબતમાં મને આઈ.આર. એસ.ની મદદ મળી. નવી ટેક્સ ઇન્ફોર્મેશન સિસ્ટમનો મલ્ટી મિલિયન ડોલરનો કોન્ટ્રેકટ પણ અપાયો.

How Do I File Taxes For A Previous Tax Year In The USA?

આમ અમારું ગાડું ચાલ્યું, પણ આ જગન્નાથની રથયાત્રા તીર્થ સ્થાને પહોંચશે કે નહીં એ ચિંતાએ મારી ઊંઘ ઉડાડી દીધી!

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.