હાઈડલબર્ગ કેસલની મુલાકાત ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:19 ~ ઉત્કર્ષ મઝુમદાર
વાત ચાલી રહી હતી કાર્લ થિયોદર બ્રિજની. અહીં ધ્યાન ખેંચતું શિલ્પ એક હાથમાં આરસી પકડેલા વાનરનું છે.

નવ વર્ષ ચાલેલાં યુદ્ધમાં ટાવર અને શિલ્પ બંનેનો નાશ થઇ ગયેલો. આરસી મૂક્વા પાછળનું રહસ્ય એ હતું કે લોકો સ્વને જોઈ આત્મમંથન કરે.
1977માં અહીંના લોકોની ઈચ્છાને માન આપી ગેરમોત રામપફે કાંસાનું વાનરશિલ્પ બનાવ્યું. આજે આ વાનરનું શિલ્પ પ્રવાસીઓને આકર્ષતું થઇ ગયું છે.
એક એવી માન્યતા છે કે જો તમે એના હાથમાં રહેલી આરસીને સ્પર્શો તો તમે ધનવાન બનો. આધુનિક જમાનો માર્કેટિંગનો છે. આ વાનરના બે પ્રકારના રમકડાં અહીંની દુકાનોમાં જુદા જુદા કદમાં મળે છે.”
“નદીની પેલે પાર હરિયાળું છે તે શું છે ?” બાજુમાંથી કોઈ ટહુક્યું.
“ઓહ! એ 2.5 કિલોમીટર લાંબી ‘ફિલસૂફની કેડી’ છે.”

“એટલે અહી ફિલોસોફરો ચાલતા?” સીજે બરક્યો.
મેં આગળ વધાર્યું, “મૂળ આ યુનિવર્સિટી નગરી ખરીને.. એટલે પ્રોફેસસરો ને વિદ્યાર્થીઓ અહીં ચાલવા આવતા, ટહેલવા આવતા. મૂળમાં તો વિદ્યાર્થીઓને પ્રેમાલાપ કરવાની ઉપયુક્ત જગા હતી”
વળી કોઈએ પ્રશ્ન કર્યો, “તો પછી એનું નામ ફિલસૂફ પગદંડી શું કામ રાખવામાં આવ્યું?”
“પ્રશ્ન એકદમ સહી છે. મને પણ એ પ્રશ્ન થયો હતો પણ ઇન્ટરનેટમાં વધારે સંશોધન કરતા ખબર પડી કે એ સમયમાં વિદ્યાર્થી ને શરૂઆતના વર્ષમાં ફરજીયાત ફિલસૂફી ભણવાની આવતી. તેથી એવું નામ પડ્યું.
પગદંડીની શરૂઆતમાં જ બેસવા માટેની બેન્ચ રાખવામાં આવી છે. આજ ઠેકાણે અહીં આવીને પ્રેરણાના પિયુષ પીનારા અધ્યાપકોના અર્ધબાવલા ને સ્મારકો આવેલા છે.
રસ્તામાં અમુક મઠના ભગ્ન અવશેષો પણ છે એમાના કેટલાક તો હજાર વર્ષ જૂના છે. અહીં સેલ્ટિક હિલ ફોર્ટ પણ આવેલો છે જે ઈ.સ. ચોથી સદી પહેલાનો છે. નાઝી થિયેટર પણ આવેલું છે. તમે તૈયાર હો તો આપણે ત્યાં ચાલી આવીએ.”
એકીસૂરમાં બધાની ના આવી મારી સીખ્ખે. હાશ બચી ગયો. (ચાલવાની બાબતમાં હું આમ બહુ કાયર).
“ચાલો અહીંનું જોવાનું પતી ગયું હોય તો બીજું જોવા ચાલીએ?”
“હા હા, ચાલો” એકીઅવાજે ત્રણે જણાએ હોંકારો પુરાવ્યો. આમ અમે કેસલના બીજા ખંડેરો જોવા પ્રસ્થાન કર્યું.
અહીંનું જૂનામાં જૂનું મકાન એ જૂની લાઇબ્રેરીનું છે. મુલાકાતી 14મી અને 15મી સદીની ગોથિક શૈલીમાં બનેલી બારીઓ જોઈ શકે છે. આંગણામાં કૂવો પણ છે.
સોળમી અને સત્તરમી સદીમાં બીજા બે મહેલો બંધાયા ને આખું સંકુલ કિલ્લેબંધ કરવામાં આવ્યું. આગળથી આકરા સીધા ખડકો ને પાછળના ભાગમાં ઊંચી દીવાલો અને સૂકી ખાઈને લીધે આ કિલ્લો અભેદ્ય ગણાતો.
વીજળી પડવાથી નવેસરથી પુનરુત્થાનનું કામ બાજુએ મૂકી દેવાયું. આજે 1934માં બંધાયેલા કિંગ્સ હોલમાં ડિનર મિજબાનીઓ, નૃત્ય, નાટક, ઈત્યાદીના પ્રયોગો થાય છે. ઉનાળામાં અહીં નિયમિત રીતે સંગીત, ઓપેરા અને નાટકના કાર્યક્રમોના ઉત્સવો થાય છે.

એના પછી અમે જોવા ગયા ‘હેડલબર્ગ ટુન’ એટલે કે વિશ્વનું મોટામાં મોટું વાઈન બેરલ. 1751માં પ્રિન્સ એલેકટોર કાર્લ થિઓડોરે એના રાજ્યના વાઈન બનાવનારાઓ પાસેથી ટેક્સ રૂપે મળતા વાઈનને સંઘરવા બનાવેલું.
એકસો ને વીસ ઓક વૃક્ષોના લાકડામાંથી બનેલા આ સાત મીટર ઊંચા અને સાડા આઠ મીટર પહોળા તોતિંગ પીપડામાં બે લાખ વીસ હજાર લીટર વાઈન ભરી શકાતું. આ રાક્ષસી કદનું બેરલ જોવા જેવું છે.

એના ઉપર નૃત્યખંડ બાંધવામાં આવ્યો છે. આનું ધ્યાન રાખવા પેરકેઓ નામના ઠીંગુજીને જે દરબારી વિદુષક હતો એને રાખવામાં આવેલો. અહીંથી પાઈપ્સનું જાળું આખા મહેલમાં બધે પહોંચતું ને વાઈનનો પુરવઠો અટક્યા વગર મળતો રહેતો. થોડા દસકાઓ પછી એમાં તડ પડી ગઈ એટલે વાઈન ભરવાનું બંધ કરવામાં આવ્યું.
આજે આ પીપડું અજાયબ ચીજ તરીકે પ્રદર્શનની વસ્તુ તરીકે રાખવામાં આવ્યું છે. એને જોવા માટે તમારે લાકડાની સીડી ચઢવી પડે છે. ઉતરવાનું સહેજ અઘરું છે કારણ કે એને માટે જુદી સીડી છે જેના લાકડાના પગથિયાં એકદમ વળાંકિયા ને નાના છે.

નીચે ઉતર્યા કે જમણી બાજુ એક ઠીંગુજીનું હાથમાં વાઈન ગ્લાસ ઝાલેલું પૂતળું બેસણી પર ઊભેલું દેખાય ને ત્યાં લખ્યું છે પેરકીઓ.
“આવું તે કેવું નામ?” હિનાએ પ્રશ્ન પૂછ્યો.
જવાબમાં મેં કહ્યું, “આગળ આપણે જેના વિષે જાણ્યું તે જ આ વિદુષક. કહેવાય છે કે એ રોજના પાંચથી આઠ ગેલન વાઈન પી જતો. કોઈ એને પૂછે કે તું હજી એક વાઈનનો ગ્લાસ લઈશ તો જવાબમાં એ કહેતો પાર્ક નો? એનો અર્થ થાય શું કામ નહિ. તેથી તેનું આવું નામ પડી ગયું.

એક કિંવદંતી પ્રમાણે એણે જીવનમાં વાઈન સિવાય બીજું કોઈ પીણું પીધું નહોતું. એટલે જયારે એ માંદો પડ્યો ત્યારે નગરના ડોક્ટરે એને એંસીમાં વર્ષે પાણી પીવડાવ્યું ને એ બિચારો મૃત્યુ પામ્યો. પાણી પીવાથી મરનારી કદાચ એ પહેલી ને છેલ્લી વ્યક્તિ. છે ને અજીબોગરીબ કહાની!”
આના પછી અમે બીજું એક અવનવું મ્યુઝિયમ જોયું. ‘ઔષધિ મ્યુઝિયમ.’ નવાઈ લાગીને નામ સાંભળતાં જ? વાઈન બેરલના બાજુના જ ઓટો હેન્રીખ મકાનના બેઝમેન્ટમાં આ આવેલું છે. એને માટે જુદી ટિકિટ લેવી પડતી નથી. કેસલની ટિકિટમાં જ એનો સમાવેશ થઇ જાય છે.
એની સ્થાપત્યકલા જ બેનમુન છે ને એમાં આવેલી વસ્તુઓ તો જાણે બોનસ. મુલાકાતીઓને એ કાળમાં ઔષધિશાળા ને વૈદકીય સારવાર કેવી રીતે થતી તેનો ચિતાર મળે છે.

અહીં ઔષધિકારની ઓફિસ, લેબોરેટરી, ઔષધિઓની યાદી ને તેની માહિતી આપતા ગ્રંથો, હસ્તપ્રતો, વિવિધ પ્રકારના દવા રાખવાના, બનાવવાના પાત્રો, ખાંડણીઓ અને 17મી થી 19મી સદીની હજાર ઉપરાંતની કાચી દવાઓ પ્રદર્શિત થયેલી જોવા મળે છે. 12 અજોડ ખંડોમાં વીસ હજારથી વધુ ચીજ વસ્તુઓના નમૂનાવાળું સૌથી વિશાળ આ મ્યુઝિયમ બેમિસાલ છે એ વાતમાં શંકા નથી.
બહાર આવીને અમે નેપ્ચ્યુનના પૂતળાવાળો એક સરસ ફુવારો પણ જોયો.

કેસલની ફરતે બગીચો આવેલો છે. જ્યાં પ્રખ્યાત કવિ ગટે પણ આ નગરના રોકાણ દરમયાન લટાર મારવા આવતા. આ બગીચો પણ નિરાંત જોવા જેવો છે. આ જોવાની કોઈ ટિકિટ નથી.
દર ઉનાળે ત્રણ વાર જૂન અને સપ્ટેમ્બરના પહેલા શનિવારે અને જુલાઈના બીજા શનિવારે આ કેસલમાં અદભુત રોશની ને આતશબાજી થાય છે. તારીખવાર આ લખું છું કારણ કે એ વખતે તમે હાઈડલબર્ગની આસપાસ હો તો આ જોવાનો લ્હાવો લઇ શકો. ત્રણ વાર કરવાનું કારણ શું છે તપાસ કરતાં ખબર પડી કે 1689, 1691 ને 1764માં આ કેસલ ભડકે બળેલો.
પહેલી બે વાર ફ્રેન્ચ સાથેના યુદ્ધને લીધે અને ત્રીજી વાર વીજળી ત્રાટકવાને લીધે. કેસલ ‘બળવાની’ ક્રિયા પૂરી થયા બાદ પેલા જૂના પુલ પરથી પંદર મિનિટ માટે આતશબાજી થાય છે.

અરે હા એક વાત કહેવાની તો રહી ગઈ. આવી અદભૂત પશ્ચાદભૂમિ ધરાવતી જગ્યા પર લગન કરવા મળે તો જલસો થઇ જાય એવું ડેસ્ટિએશન વેડિંગની જગા શોધતા આયોજકોને, યુગલોને માટે એક ખુશખબર છે. આ જગ્યા લગ્ન માટે ઉપલબ્ધ છે. તો રાહ શેની જુઓ છો સત્વરે અહીં નોંધણી કરાવી નાખો.
હવે અમે ભૂખ્યા થયા હતા. અહી જ આવેલી કેન્ટીનમાં બહાર બેસી અમે રસમ મુજબ બિયર સાથે ભોજન લીધું અને ફનિકયુલર ટ્રેનમાં બેસી શિખર સુધી જવા પ્રયાણ કર્યું. આ વખતે ટ્રેન જૂની લાકડાની હતી. ઉપર સુધી પહોંચતા નવ મિનિટ થઇ.
ઉપર બાજપક્ષી સંવર્ધન પ્રકલ્પ, પરીકથા સમો ભૂલકાઓ માટેનો બગીચો, રેસ્ટોરન્ટ અને ટીવી ટાવર આવેલા છે તે બધે ઝડપથી ફરી, નગરનું વિહંગદર્શન કરી નીચે જવા સ્ટેશન પર આવી ગયા. અહીં ટ્રેન આવવાને વાર હતી.
કેસલ સુધી જવાની ટ્રેન દર દસ મિનિટે, પણ અહીંની જૂની ટ્રેન દર વીસ મિનિટે ટ્રેન આવતી હોય છે. રાહ જોવાની હતી તેનો ફાયદો ઉઠાવ્યો. અહીં સ્ટેશનના જ એક ખંડમાં મ્યુઝિયમ જેવું ઊભું કરેલું ને કાચના કબાટોમાં ફનિકયુલર ટ્રેનના જૂના મોડેલ્સ ને તવારીખ મુકેલી એ જોયું ત્યાં સુધીમાં ટ્રેન આવી ગઈ ને અમે તળિયે કોર્ન માર્કેટમાં પાછા ફર્યા.

બિસ્માર્ક પ્લાત્ઝ જવા એ જ રસ્તે દડમજલ કરતા પાછા ગયા. કાર પાર્ક શોધવામાં મુશ્કેલી ન પડી. અમે અહીં રહેવાના ન હતા તેથી બાદન બાદન જવા નીકળી પડ્યા.
હા જેઓ અહીં એક બે દિવસ રહેવા માંગતા હોય તેમને માટે જાણકારી. અહીં હાઈડલબર્ગ પાસ મળે છે એકથી ચાર દિવસ માટે. જે પ્રવાસીઓને અહીંની પ્રખ્યાત વસ્તુઓ બહુ ઓછા પૈસે જોવાની સગવડ આપે છે. અમુક તદ્દન મફત હોય છે તો અમુક પર ભારે છૂટ મળે છે.

આ પાસનો ફાયદો એ છે કે બસ ને ટ્રામની મફત મુસાફરી એમાં આવી જાય છે. કેસલની ટિકિટ પણ તેમાં આવી જાય છે રેસ્ટોરન્ટ અને દુકાનોમાં પણ ભારે છૂટ આપતી કુપનની બુકલેટ મળે છે. સીટી ગાઈડ ને મેગેઝીનેય મળે છે. ને હા કુટુંબ સાથે ગયા હો તો ફેમિલી પાસ પણ મળે છે. તો અવશ્ય એનો ફાયદો ઉઠાવજો. ચાલો ત્યારે હવે પાછા મુસાફરી ચાલુ રાખીએ…
(ક્રમશ:)