હાઈડલબર્ગ શહેરમાં ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:18 ~ ઉત્કર્ષ મઝુમદાર
થોડુંક આગળ ચાલીને અમે પહોંચી ગયા અહીંના પ્રસિદ્ધ ચર્ચ ઓફ ઓફ હાઈડલબર્ગ. ધ ચર્ચ ઓફ ધ હોલી સ્પિરિટ. માર્કેટ પ્લેસની વચમાં આવેલું છે.

ચર્ચની ઉપર આવેલો અણિયાળો મિનારો શહેર પર છવાઈ જાય છે. આને બંધાતા દોઢસો વર્ષ લાગેલા.
પ્રખ્યાત પેલેટીન પુસ્તકાલયના પુસ્તકો આ ચર્ચમાં જ રાખવામાં આવેલા કારણ કે અહીં હવાઉજાસ પૂરતા પ્રમાણમાં હતા તેથી વાંચવામાં સરળતા રહે.
પ્રખ્યાત ત્રીસ વર્ષનું યુદ્ધ જે ૧૬૧૮ થી ૧૬૪૮ સુધી ચાલેલું તે વખતે બાવેરિયા પ્રાંતનો એલેકટોર મેક્સમિલિઅન પહેલો અહીંની બધી હસ્તપ્રતો અને કેટલાક છપાયેલા પુસ્તકો લૂંટી લઈને પોપને આપી આવ્યો.

સારું થયું બીજા હુમલાખોરોની જેમ પુસ્તકોનો ખજાનો બાળી ન નાખ્યો. આપણી તક્ષિલા યુનિવર્સિટીનું અદ્ભુત પુસ્તકાલય પૂર્ણપણે બાળી જ નંખાયેલું. લગભગ ૫૦૦૦ જેટલા પુસ્તકો ને ૩૫૨૪ જેટલી હસ્તપ્રતોમાંથી બસ્સો વર્ષ પછી માત્ર ૮૮૫ જેટલા પુસ્તકો જ પાછા આવ્યા.

યુદ્ધમાં જીતનાર દેશ આવો બહુમૂલ્ય ખજાનો પચાવી પાડે છે ને પછી પરત કરવાનું જાણતા નથી. બાકીના પુસ્તકો આજે વેટીકન પુસ્તકાલયના પેલેટીન લાઇબ્રરી વિભાગમાં પ્રદર્શિત છે.
આપણા કેટલા બધા શિલ્પો, ચિત્રો, હીરા, મોતી ને અન્ય કલાનો ખજાનો અંગ્રેજો હિન્દુસ્તાનથી ઉઠાવી લઇ ગયા ને હવે પાછા આપવાનું નામ લેતા નથી. ટૂંકમાં જીતનારનું પલડું હંમેશ ભારે.

યુનિવર્સિટીની જયંતિ ઉજવાઈ ત્યારે થોડો વખત માટે એમના ઘણા પુસ્તકો હાઈડલબર્ગ શહેરમાં પ્રદર્શન માટે મોકલેલા જે પછી પાછા રોમ પહોંચી ગયા.
આ ચર્ચનું મને એક મહત્વની પાસું કહેવા દો. કેથલિક્સ અને પ્રોટેસ્ટન્ટ બંને ફિરકાઓએ આ ચર્ચ પોતાની ધાર્મિક વિધિઓ માટે વાપરેલું, એ પણ સાથેસાથે. છે ને અજબ વાત. સન ૧૭૦૬માં એક આડશ ઊભી કરવામાં આવી જેથી બંને જૂથના ધાર્મિક કાર્યક્રમો એક બીજાને ખલેલ પડ્યા વગર કરી શકાતા.
મહત્વની વાત એ હતી કે શહેરની પ્રજા પ્રોટેસ્ટન્ટપંથી હતી અને રાજા કેથલિક. આથી ૧૭૨૦માં પેલેટીનેનો એલેકટોર કાર્લ ફિલિપ શહેરના રહીશો સાથે ઘર્ષણમાં આવ્યોઃ અને પેલી આડશ હટાવીને સુવાંગ ચર્ચ કેથલિક્સ માટે અનામત કરી નાખ્યું. જોકે પછી બહારના અન્ય દેશો તરફથી દબાણ આવતા પાછી આડશ મૂકી દીધી.
બાજી પછી પલટો મારે છે ને ૧૯૩૬માં. આ ચર્ચ સુવાંગ પ્રોટેસ્ટન્ટની માલિકીનું થઇ ગયું. ધાર્મિક સ્થળની માલિકી માટે કેવી હુંસાતુસી.
બીજી મહત્વની વાત. વીસમી સદીના સિત્તેરના દાયકામાં ચર્ચના પાછળના ભાગમાં આવેલા પગથિયાં પર હિપ્પીઓએ અડ્ડો જમાવી દીધો ને પ્રવાસીઓ માટે જોણું બની ગયું. ૧૯૭૨માં ચર્ચની અંદર એક રોક કોન્સર્ટનું આયોજન પણ થયેલું બોલો! જેમાં હિપ્પી અને વિદ્યાર્થીઓથી પરિસર ભરાઈ ગયેલો.
ચર્ચ પછી આવે માર્કેટ સ્ક્વેર.

એક બાજુ ચર્ચ અને બીજી બાજુ ટાઉન હૉલ આવેલો છે. અહીં ડાકણો ઘોષિત થયેલી સ્ત્રીઓ અને પાખંડી ઠરવાયેલા લોકોને જીવતા બાળવામાં આવતા. કમકમાટી છૂટી જાય છે આ વાંચીને? તમે જો એ વખતે ત્યાં હાજર હોત તો શું નું શું થઇ જાત. નાના નાના ગુનાસર પકડાયેલા નાગરિકોને સજારૂપે અહીં પિંજરામાં આખું ગામ દેખે એમ પૂરવામાં આવી પ્રદર્શિત કરાતા. કેવી ક્રૂરતા.
થોડુંક આગળ ચાલો એટલે સામેની તરફ આવે બોઇસરી પેલેસ. બોઇસરી બે ભાઈઓ. અહીં નવેક વર્ષ ઠાઠમાઠથી રહેલા. એમણે સંગ્રહ કરેલા અલભ્ય જૂના જર્મન અને ડચ ચિત્રો સાથે. પ્રખ્યાત જર્મન કવિ જોહન ગોતે પણ આને લીધે બે વાર અહીંની મુલાકાતે આવી ગયેલો.
આગળ જતા આ સંગ્રહ મ્યુનિખના જૂના પીના કોઠેક મ્યુઝિયમનો મુખ્ય સંગ્રહ બની ગયો. આ પેલેસમાં હવે યુનિવર્સિટીનો જર્મન સાહિત્ય વિભાગ આવેલો છે.
આ પેલેસની આગળ એક સુંદર બગીચો આવેલો છે જેનું નામ બાદનના ગ્રાન્ડ ડ્યુક પરથી કાર્લ્સ પ્લાત્ઝ રાખવામાં આવ્યું. અહીંથી પેલા કેસલનું દર્શન સરળતાથી થાય છે.

આ કાર્લ પ્લાત્ઝ અને ટાઊનહોલની વચ્ચે આવેલું છે કોર્ન માર્કેટ. નામ પ્રમાણે અહીં અનાજનો વેપાર થતો. અહીં મેડોનાનું બાવલું છે.
૧૭૧૮માં કેટલાક પાદરીઓએ અહીં આ પૂતળું ઊભું કર્યું એ આશાએ કે આ નગરના લોકો કેથલીક ધર્મમાં પાછા ફરે.
ઠેઠ ૧૬૩૫થી કાઉન્ટ એલેકટોર ભગીરથ પ્રયાસ કરતો હતો કે એના પ્રજાજનો પાછા એના ધર્મમાં ફરે. આ માટે પાદરીઓએ ઘણા પ્રયત્નો કર્યા. ફરફરિયા વહેંચ્યા, ધાર્મિક યાત્રાઓનું આયોજન કર્યું, વર્જીન મેરીના બીજા પૂતળાંઓ મૂક્યા જેથી રૂખ બદલાય; પણ કોઈ લાલચ કે કારી ફાવી નહિ. દબાણ બહુ વધ્યું તો ઘણા લોકો બીજે સ્થળાંતર કરી ગયા પણ પોતાનો ધર્મ ન છોડ્યો.
આજે આ પૂતળું એ જ જગ્યાએ ઊભું છે, પણ ધાર્મિક મહત્તા કરતા એની કલાકારી લોકોને વધુ આકર્ષે છે.

તમે થોડુંક ઉપર ચાલો એટલે આવે બર્ગ સ્ટેશન જ્યાંથી કેસલ જવા માટે ફનિકયુલર ટ્રેન મળી રહે. અમે ઉપર ટોચ સુધી જવાની રિટર્ન ટિકિટ્સ લીધી. ઉપર સુધી જવાના ચાર રસ્તા છે. 1: કાર -2: સાયકલ 3: ચાલતા 4:ફનિકયુલર ટ્રેન.
અત્યંત સ્વાભાવિક છે કે અમે ચોથો વિકલ્પ પસંદ કર્યો જેથી નવો અનુભવ મળે. આ ટ્રેન પ્રવાસીઓમાં અત્યંત લોકપ્રિય છે. દર વર્ષે દસ લાખ કરતા વધુ લોકો આમાં મુસાફરી કરે છે. તમને શહેરનું અને નેકાર નદીનું સરસ દર્શન થાય.
![]()
આ ટ્રેન બે ભાગમાં વહેંચાયેલી છે. નવી ટ્રેન કોર્નમાર્કેટથી મોલકેન્કુર સુધી જાય અને જૂની ટ્રેન ત્યાંથી કૉનીગ્સતુહલ એટલે કે ટોચ સુધી જાય. સમગ્ર જર્મનીમાં હૈદલબર્ગની આ ટ્રેન જુદી તરી આવે છે કારણ કે જૂની અને નવી બંને કાર્યરત છે. કુલ્લે ત્રણ સ્ટેશન્સ છે: કેસલ, મોલકેન્કુર જ્યાં રેસ્ટોરન્ટ અને અને ગેસ્ર્ટ હાઉસ છે અને કીનિગતૂહલ.
અમારામાંથી કોઈ કે પૂછ્યું, “આને ફનિકયુલર ટ્રેન કેમ કહેવાય અને એ બીજી ટ્રેનથી કેવી રીતે જુદી પડે?”
જવાબ આપતા મેં કહ્યું, “ડિનર લેતા વખતે કહું તો ચાલશે?કારણ વાત થોડી લાંબી છે.”
ટ્રેન આવી ગઈ એટલે અમે બધા એમાં ચઢી ગયા. આ ટ્રેન આપણી સામાન્ય ટ્રેન કરતાં જુદી જાતની હોય. એમાં પ્લેટફોર્મ સપાટ ન હોય, પરંતુ દાદરાવાળું હોય ને ટ્રેનનો આકાર પણ દાદર જેવો હોય.
એક ઈયળ ઢોળાવ ચઢતી હોય એવા આકારમાં આ ટ્રેન હોય. તમારે પગથિયાં પર ઊભા રહી ટ્રેનની રાહ જોવાની ને ટ્રેન આવે કે તમે તમારી સામે આવેલી કેબિનમાં બેસો. કેબિનના બારણા ઓટોમેટીક બંધ થઇ જાય પછી ટ્રેન ઉપાડે ને તમે એક્સલેટેરની જેમ ચાલવાને બદલે બેઠા બેઠા ઉપર જતા જાવ.
![]()
પાંચ મિનિટમાં તો અમારું ઉતરવાનું સ્ટેશન આવી ગયું. બહાર નીકળીને થોડું ચાલો એટલે આવે ભગ્નાવેશમાં ઊભેલો કેસલ. તાજી હવા ને ઠંડો પવન શરીરને મઝાની તાજગી આપી રહ્યા. ચાલવાનો બધો થાક ઉતરી ગયો.
આ કેસલના પરિસરમાં જુદી જુદી શૈલી અને જુદા જુદા સમયે બંધાયેલા અનેક મકાનો છે. આ કેસલનો ઇતિહાસ પણ શહેર જેટલો જ જૂનો છે. પ્રથમ ભાગ 1300ની આસપાસ બંધાયો પણ રાજવી રહેઠાણ તરીકે વાપરવાનું તો પ્રિન્સ એલેકટોર રૂપરેક્ટ ત્રીજાના કાળથી (1398-1410) શરુ થયું તે 1764માં વીજળી પડવાથી બધું બળી ગયું ત્યાં સુધી ચાલુ રહ્યું.
લોકો અહીંના પથ્થરો પોતાના ઘરો બાંધવા લઇ જવા મંડ્યા તે છેક સન 1800માં કાઉન્ટ ચાર્લ્સ ગરૈમબર્ગે ખંડેરની સંભાળ લેવાનું મુશ્કેલ કામ શરુ કર્યું ત્યારે આ બધું અટક્યું.
અમે અંદર દાખલ થઈને ડાબી તરફ વળ્યાં ને એક ભવ્ય ખંડેર દેખાયું. એને પાર કરી અંદર દાખલ થયા તો નાનું ચોગાન જેવું હતું. એને છેડે દીવાલ હતી જ્યાંથી નીચે આવેલા શહેરનો નઝારો દેખાતો હતો.
નીચેથી ઉપર આવેલ આ ખંડેરો જેટલા ભવ્ય લાગે છે તેટલું જ ઉપરથી નીચે આવેલા શહેરનું દ્રશ્ય અદભુત લાગે છે. ગ્રેટ ટેરેસ યા બગીચામાંથી હાઈડલબર્ગ શહેર, નેકાર નદી ને નેકાર ખીણપ્રદેશ દ્રષ્ટિગોચર થાય છે. ઉપરથી અમને પેલું ચર્ચ અને કાર્લ થેઓડોર બ્રીજ પણ દેખાયો.
નિશ્ચિંતે પેલો બ્રીજ જોતા લાગલું જ પૂછ્યું, ”વો બ્રિજ જ કુચ અનુઠા લગ રહા હૈ. કૌનસા બ્રીજ હૈ વો?” મેં એ પુલ વિષે માહિતી આપવાની શરુ કરી.
“આ કાર્લ થિયોદર બ્રિજ જૂના બ્રિજ તરીકે પણ જાણીતો છે. કમાન આકારનો આ પુલ નેકર નદીના બંને કાંઠાને જોડે છે. અગાઉ બંધાયેલા બીજા આઠ પુલ કાળક્રમે નાશ પામ્યા હોવાથી 1788માં ઈલેક્ટોર ચાર્લ્સ થીઓડોરે બંધાવેલો આ નવમો પુલ છે જેને એના બંધાવનારનું નામ આપવામાં આવ્યું છે.
શહેરનું આ અગત્યનું પ્રવાસી સ્થળ છે. આગળ આઠ પુલ વસંતમાં નદીમાં આવતા હિમખંડને લીધે તૂટી જતા. બસ્સો બસ્સો વર્ષથી આ પુલ ટક્યો કારણ કે તે સંપૂર્ણ પથ્થરથી બન્યો છે.
અહીં બે શિલ્પો મુકવામાં આવ્યા છે. એક આના બંધાવનાર ચાર્લ્સનું જે કળા, વિજ્ઞાનમાં રસ લેતો અને બીજું શિલ્પ ડહાપણની રોમન દેવી મિનરવાનું છે.


આ બંને પ્રતિકૃતિઓ છે. મૂળ શિલ્પો મ્યુઝિયમમાં મુકાયા છે. અહીં આવેલા બે ટાવરોના ભોયરામાં આવેલી અંધારકોટડીમાં ગુનેગારોને રાખવામાં આવતાં.
(ક્રમશ:)