પન્નાને – નેવુમા જન્મદિને સોનેટ – (શિખરિણી) – નટવર ગાંધી
“આપણું આંગણું”નું આ સૌભાગ્ય છે કે આ સોનેટ અમને આજે જ મૂકવાની તક મળી છે. પ્રેમની આવી અભિવ્યક્તિ અને સતત સાથ માણવાના આનંદ-નવનીતને ઉંમરના આ પડાવના ઝૂલા પર ઝૂલતાં ઝૂલતાં માણવાનું સૌભાગ્ય બહુ જ ઓછાંને નસીબે હોય છે.
સાધારણ રીતે તો આ સોનેટ મૂકીને ખસી જવાનું જ કામ સંપાદકનું હોય છે, પણ, પન્નાબેન અને નટવરભાઈ- બેઉ સાથે હ્રદયનો સંબંધ છે. આથી જ આ સોનેટ સાથે આટલું લખવાનો મોહ જતો નથી કરી શકતી કે પન્નાબેન, તમે અને નટવરભાઈ, સતત આરોગ્યમય અને આનંદમય જીવનની ઉજવણી કરતાં રહો, એવી જ શુભેચ્છા સાથે શતશત પ્રણામ.
જયશ્રી વિનુ મરચંટ અને “આપણું આંગણું”ની ટીમ.


પન્નાબેન અને નટવરભાઈ બેઉ બહારગામ જાય એ પહેલાં મેં હકથી માંગણી કરી હતી, કે, નટવરભાઈ દર વરસે એક સોનેટ પન્નાબેનને એમનાં જન્મદિને ભેટ આપે છે તો આજના આ ખાસ, નેવુંમા જન્મદિનની આ ભેટ મળે તો મને મોકલજો, જેથી હું “આપણું આંગણું” પર મૂકી શકું. અને પન્નાબેને એમનું વચન પાળ્યું.
આજે વહેલી સવારે એમનો મેસેજ આવી પણ ગયો, જે સોનેટ સાથે જ મૂકું છું. પન્નાબેન, મને સમજાતું નથી કે તમારો આભાર પણ કઈ રીતે માનું? બસ, આ સોનેટ વાંચીને હું આપના અને નટવરભાઈના સાયુજ્ય માટે સતત મંગલકામના, આનંદના આંસુના અભિષેક સાથે કરું છું.

“In keeping with an annual tradition, Natwar Gandhi gave me an Accountant’s Gift on this 90th birthday while cruising the Eastern Caribbean!”– Panna.
પન્નાને – નેવુમા જન્મદિને
સોનેટ – (શિખરિણી)
હવે ઝાઝા છે ના દિવસ સખી મેં એમ કહ્યુ’તું,
પછી તેને યે કૈં દિન વીતી ગયા, એમ જ ગયા,
હવે આજે મોટી જનમતિથિ તારી ઉજવતા
ન માનું કે સાચ્ચે વય વરસ નેવુની થઈ તું!
કહું સાચું? મારે મન હજી, સખી, એની જ તું એ,
નિહાળી’તી જ્યારે, પ્રથમ નજરે પ્રીત પ્રગટી
બધું ભૂલી ત્યારે તવ હૃદયમાં વાસ કરવા
અને તારી સાથે જીવન જીવવા તત્પર થયો.
ઘણું જાણું છું કે ક્રમ નિયતિનો છે અફર, ને
લખાવી ના આવી અમરપટ તું, સજ્જ થઈને
કિનારે બેઠી છો, સુરસરિત યાને વિહરવા,
મને મૂકી ચાલી જઈશ, જીવ મારો ફફડતો:
પછી એકાકી આ જીવન ક્યમ, શાને જીવીશ હું?
મને સાથે લેજે, વિનતી કરતો, ના ભૂલતી કે!
– નટવર ગાંધી
સીધા સાદા સરળ શબ્દો છે પણ અંત:કરણની ઉત્કટ લાગણીની સચ્ચાઈ આ કવિતાને બળ આપે છે.
જન્મદિવસ ની શુભેચ્છા
સપના
નેવુમાં જન્મદિવસે સો ટોચના સોના જેવું સોનેટ. જાણે છંદોબદ્ધ સહજીવનની સંજીવની. સાનંદ શુભકામનાઓ. ‘સો’ મા જન્મદિવસનું સોનેટ આમ જ સૌમાં સહજ વહેંચાય એવી સ્નેહભરી પ્રતિક્ષા.