પ્રકરણ:39 ~ ઈમિગ્રેશન વિષયક પ્રવૃત્તિઓ ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
વોશિંગ્ટન આવ્યા પછી અમે કૈંક ઠરીઠામ થયાં. એક તો મને વોશિંગ્ટન શહેર ગમતું હતું. આગળ જણાવ્યા મુજબ કાર લીધી ત્યારે પહેલી ટ્રીપ મેં વોશિંગ્ટનની કરેલી. મારી જેમ જેને વર્તમાન રાજકારણમાં અને પબ્લિક અફેર્સમાં જીવંત રસ હોય તેમને માટે આ શહેર સ્વર્ગ સમાન હતું.

વધુમાં વોશિંગ્ટનના જીએઓના જોબને કારણે હું પીટ્સબર્ગ યુનિવર્સીટીનું ‘પબ્લીશ ઓર પેરીશ’નું ત્રાસદાયક વાતાવરણ છોડી શક્યો.
હવે પીટ્સબર્ગ કે બીજે ક્યાંય એવે ઠેકાણે જવાની વાત નહોતી. ક્લાસરૂમમાં ભણાવવાનું જે મને ગમતું હતું તે ગયું તેનો મને રંજ રહ્યો, પણ મેં એનો ઉપાય અહીંની અમેરિકન યુનિવર્સિટીમાં સાંજના પાર્ટ ટાઈમ ટીચિંગની વ્યવસ્થા કરીને કાઢ્યો.
આગળ જણાવ્યા મુજબ મારી ક્લાસરૂમની ટીચિંગ પોપ્યુલારીટી કારણે અમેરિકન યુનિવર્સિટીના ડીન તો મને ફુલ ટાઈમ જોબ આપવા પણ તૈયાર હતા!
1997માં જીએઓનો જોબ છોડીને હું વોશિંગ્ટન ડી.સી.નો ટેક્સ કમિશ્નર અને પછી ચીફ ફાઇનન્સિઅલ ઓફિસર બન્યો.

એ ઉચ્ચ કક્ષાની પોઝિશનના હોદ્દેદારોને શહેરમાં રહેવું પડતું. અમારું સ્ટોનગેટનું ઘર તો સિલ્વર સ્પ્રિંગ નામના મેરીલેન્ડ સ્ટેટના પરામાં હતું. એ ઘર એમ ને એમ રાખીને મેં શહેરમાં એક નાનું એફિસિઅન્સિ – એક રૂમનું કોન્ડોમિનિયમ લીધું. સોમથી શુક્ર હું ત્યાં એકલો રહેતો અને શનિ – રવિએ સ્ટોનગેટના ઘરે જતો.
અમેરિકા એ ઈમિગ્રન્ટસથી વસાવાયેલો દેશ છે. આખી દુનિયામાંથી દુભાયેલા, દાઝેલા અને દુઃખિયા માણસો પોતાના દેશમાંથી ભાગીને અહીં આવે છે, ભલે ને પછી એ ધર્માંધ પાદરીઓના, ક્રૂર રાજાઓના કે કોઈ ત્રાસદાયીના જુલમમાંથી ભાગીને આવેલા હોય.
ગરીબ લોકો પોતાની ગરીબીમાંથી છૂટવા આવતા હોય છે તો મહત્ત્વાકાંક્ષી લોકો પોતાનાં સપનાંઓને સાકાર કરવા આવતા હોય છે. આ દેશનો ઈતિહાસ એવો છે કે એણે આવા ભાગીને આવેલા લોકોને આશરો આપ્યો છે.
ન્યૂ યોર્કના બારામાં સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીમાં સ્વતંત્રતા દેવી મશાલ ઊંચી કરીને બધાને આવકારે છે. એ ભવ્ય મોન્યુમેન્ટમાં કોતરાયેલા એમા લેઝરસના સુંદર સૉનેટની આ પંક્તિઓ જગવિખ્યાત છે: “Give me your tired, your poor, Your huddled masses yearning to breathe free.”

અમેરિકન ઇમિગ્રેશનના ઇતિહાસમાં 1965ના હાર્ટ સેલર એક્ટનું સ્થાન અત્યંત મહત્વનું છે. એ કાયદાથી અમેરિકન ઈમિગ્રેશનમાં ધરખમ ફેરફાર થયા.

એ પહેલાં જે ઈમિગ્રેશન થતું તે અહીંની વસતી મુજબ નેશનલ ક્વોટા સિસ્ટમ પ્રમાણે થતું.
એ સમયે અમેરિકાની બહુમતી વસતી યુરોપથી આવેલા ગોરા લોકો અને તેમના વંશજોની હતી, મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર યુરોપના લોકોની. એ લોકોની બહુમતી જાળવવા જે દેશોમાંથી એ આવ્યા ત્યાંથી વધુ લોકોને આવવા દેવાનું વલણ હતું.
હાર્ટ સેલર ઈમિગ્રેશન એક્ટ દ્વારા નેશનલ ક્વોટા રદ કરવામાં આવ્યા. અમેરિકાના આર્થિક વિકાસમાં જે સ્કીલ્સ જરૂરી છે તે ધ્યાનમાં રાખીને દુનિયાના કોઈ પણ દેશમાંથી લોકોને આવવાની રજા મળી, જો એમની પાસે અમેરિકાના વિકાસને જરૂરી સ્કીલ્સ – જાણકારી અને આવડત – હોય તો.
એ સમયે અમેરિકામાં એન્જીનિયરો અને ડોક્ટરોની બહુ જરૂર હતી. આ નવી ઈમીગ્રેશનની પોલીસીનો લાભ લઈ હજારોની સંખ્યામાં ઇન્ડિયન એન્જીનિયરો અને ડોક્ટરો આવ્યા.
હાર્ટ સેલર એક્ટનું બીજું એક પ્રોવિઝન એ હતું કે અહીં જે ઈમિગ્રન્ટ આવી ગયા છે તેમના સગાંસંબંધીઓને અમેરિકામાં આવવામાં પ્રેફરન્સ આપવો. આ પ્રોવિઝનનો આશય તો ગોરા યુરોપિયનોની જ સંખ્યા વધારવાનો હતો. પણ થયું એવું કે સ્કીલ્સ પ્રોવિઝનને આધારે જે લાખો બિનયુરોપિયનો – મુખ્યત્વે એશિયનો – આવ્યા તે હવે સગાં વહાલાંઓને – ખાસ કરીને ભાઈ, બહેન અને માબાપને બોલાવવા લાગ્યા. આને કારણે અમેરિકાના રંગરોગાન બદલાવા લાગ્યા.
1960માં જો ગોરા યુરોપિયનો મોટી સંખ્યામાં (87%) અમેરિકામાં આવતા હતા, તો 2010માં આવનારાઓમાં યુરોપિયનોની સંખ્યા ઘટીને માત્ર દસ ટકા જેટલી થઈ ગઈ હતી.
હવે આવનારાઓમાં નોન યુરોપિયનોની, ખાસ કરીને એશિયન, આફ્રિકન અને લેટિન અને સેન્ટ્રલ અમેરિકનોની સંખ્યા વધીને 90% ટકા થઈ છે! આ નવા ઈમિગ્રન્ટોમાં અડધોઅડધ લેટિન અને સેન્ટ્રલ અમેરિકામાંથી હતા, ખાસ કરીને મેક્સિકોમાંથી.
આ તો કાયદેસર થતા ઈમિગ્રેશનની વાત છે. લેટીન અને સેન્ટ્રલ અમેરિકામાંથી, ખાસ કરીને મેક્સિકોમાંથી મોટી સંખ્યામાં બિનકાયદેસર ઈમીગ્રન્ટો નિયમિત આવે છે.
કહેવાય છે કે અમેરિકામાં અત્યારે લગભગ 11 મિલિયન આવા ઈલીગલ ઇમિગ્રન્ટ વસે છે.

અહીં જે પ્રમાણે હિસ્પાનીક પ્રજાની વસતી વધે છે તેને આધારે આવતા પચાસ વરસમાં અમેરિકા એક હિસ્પાનીક દેશ થઇ જશે તે નક્કી છે.
કાયદેસર અને ગેરકાયદેસર થઇ રહેલા આ ઇમિગ્રેશનના પેટર્નથી ચેતીને નવી પોલીસી તૈયાર કરવા એક બાય-પાર્ટીસન કમિશન નિમાયું છે. એની સલાહ અને સૂચનોને અનુસરીને નવો ઈમિગ્રેશન એક્ટ ઘડાવાનો હતો.
દેશની બિનગોરી લઘુમતિઓને સ્વાભાવિક જ થયું કે પોતાનું હિત જળવાઈ રહે તે માટે કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ કરવું જોઈએ. આ લઘુમતીઓએ, ખાસ કરીને હિસ્પાનીકોએ આ બાબતમાં ચળવળ શરુ કરી.
બધાની જેમ ઇન્ડિયન અને બીજી એશિયન ઇમિગ્રન્ટ પ્રજાને પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો હતો. અમે થોડા મિત્રોએ ભેગા મળીને નક્કી કર્યું કે કોંગ્રેસમાં આપણું મંતવ્ય રજુ થવું જોઈએ. સંઘ: શક્તિ કલિ યુગે – આ વાત જો કોઈ ઠેકાણે બરાબર લાગુ પડતી હોય તે અમેરિકામાં.
આ દેશમાં વ્યક્તિગત સફળતા મેળવવા માટે ઇનિશિયેટીવ અને હાર્ડ વર્ક અગત્યના છે. પણ રાજકીય અને સામાજિક સફળતા પ્રાપ્ત કરવા માટે સામૂહિક સંગઠનનું મહત્ત્વ છે. ખાસ કરીને લઘુમતી પ્રજાને જો પોતાના હક્ક જોઈતા હોય તો એને સંગઠિત થયા સિવાય છૂટકો નથી.
આ ન્યાયે વોશિંગ્ટન આવ્યા પછી અમેરિકામાં વસતા ઇન્ડિયનોને ઓર્ગેનાઈઝ કરવાના પ્રયત્નોમાં હું જોડાયો.
ઇસ્ટ કોસ્ટના, ખાસ કરીને ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીના કેટલાક એક્ટીવિસ્ટ ઇન્ડિયનોના સહકારથી અમે એસોશીએશન ઑફ ઇન્ડિયન્સ ઇન અમેરિકા એવું એક મંડળ ઊભું કર્યું. જુદાં જુદાં શહેરોમાં એના ચેપ્ટર્સ ખોલ્યાં.

મારી ઈમિગ્રેશન વિષેની પ્રવૃત્તિઓ – ખાસ કરીને સેનેટ અને વ્હાઈટ હાઉસની ટેસ્ટીમનીઓ – આ એસોસિએશનોને આશ્રયે થઈ હતી.
વાયોમીંગ સ્ટેટના સેનેટર સિમ્પસન એ બાબતના હિયરીંગ ચેર કરવાના હતા. એની ટેસ્ટીમની તૈયાર કરવાનું મને સોંપવામાં આવ્યું. તે ઉપરાંત વ્હાઈટ હાઉસમાં એક ડેલિગેશન લઈ જવાનું હતું. ત્યારે પણ જે સ્ટેટમેન્ટ રજૂ કરવાનું હતું તે મેં તૈયાર કર્યું અને પ્રેસિડેન્ટ રેગનના નેશનલ સિક્યુરીટી એડવાઈઝર જજ કલાર્કની હાજરીમાં વ્હાઈટ હાઉસમાં રજૂ કર્યું.
આ બન્ને સ્ટેટમેન્ટમાં મેં બે વસ્તુ પર ભાર મુક્યો. એક તો એ કે ફેમિલી યુનિફીકેશન અને પ્રેફરન્સની વર્તમાન પ્રોવીઝન યોગ્ય છે અને તેમાં ફેરફાર ન કરવા જોઈએ કારણ કે અમેરિકન પ્રજાએ કૌટુંબિક મૂલ્યોનો હંમેશ મહિમા કર્યો છે. વધુમાં એ પ્રોવીઝન અમને અમારા ભાઈભાંડુઓ અને માબાપ સાથે અમેરિકામાં રહેવાની તક આપે છે.

અહીંની ઈમિગ્રેશન પોલીસીમાં પારકા લોકોને સ્વીકારવાની અને પોતાના કરવાની અમેરિકનોની ઉદારતા વ્યક્ત થાય છે. સાથે સાથે એ પોલીસીમાં એમની વ્યવહારુતા પણ પ્રગટ થાય છે.
સમાજના મોવડીઓને ખબર છે કે આ દેશનો વિકાસ જાળવી રાખવો હોય તો ઈમિગ્રન્ટ પ્રજા ખૂબ ઉપયોગી નીવડવાની છે. આ વાત જેટલી ભણેલા ગણેલા, સ્કીલ્ડ ઈમિગ્રન્ટસ માટે સાચી છે તેટલી અનસ્કીલ્ડ ઈમિગ્રન્ટસ માટે પણ સાચી છે. જો યુનિવર્સિટીઓ, હોસ્પિટલો, હાઈ ટેક કંપનીઓમાં પ્રોફેસરો, ડોકટરો, અને એંજિનિયરોનું કામ કરતા સ્કીલ્ડ ઈમિગ્રન્ટસની જરૂર છે, તો અહીંના ખેતરો, ફેકટરીઓ અને ઘરોમાં કામ કરવા માટે અનસ્કીલ્ડ ઈમિગ્રન્ટસની પણ એટલી જ જરૂર છે.
અમેરિકાની કાળી કે ધોળી પ્રજાને જે કામ હવે કરવું નથી એ “હલકું” કામ બહુધા આ અનસ્કીલ્ડ ઈમિગ્રન્ટસ, ખાસ કરીને હિસ્પાનીક પ્રજા કરે છે.
કેલિફોર્નિયાના ખેતરોમાં, દેશભરનાં રેસ્ટોરાંમાં કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં જે કમરતોડ કામ કરવું પડે છે ત્યાં મોટે ભાગે હિસ્પાનીક પ્રજા જોવા મળે છે. વધુમાં ઘરે ઘરે મૈડ, બેબી સીટીંગ કે હેન્ડીમેનનું કામ પણ હિસ્પાનીક ઈમિગ્રન્ટો જ કરે છે.
દુનિયાભરથી આવી ચડતા ભાતભાતના ઈમિગ્રન્ટો આ દેશને પેઢીએ પેઢીએ નવું લોહી અને નવું જોમ આપે છે. દેશને યુવાન રાખે છે.
વધતા જતા વૃદ્ધ લોકો અને તેમની સંભાળ લેવાનો જે બહુ મોટો પ્રશ્ન યુરોપ કે જાપાનનો છે તે આ હિસ્પાનીક ઈમિગ્રેશનને કારણે અમેરિકાને નથી. એ દૃષ્ટિએ અમેરિકામાં થતું ઇન્ડિયન ઈમિગ્રેશન દેશને ખુબ ફાયદાકારક નીવડ્યું છે.
ભણેલગણેલ અને અનેક પ્રકારની સ્કીલ્સ ધરાવતા ભારતીય ઈમિગ્રન્ટો આવીને તરત કામે લાગી જાય છે અને દેશના આર્થિક વિકાસમાં મોટો ફાળો આપે છે.

જે ઇન્ડિયનો અહીં મેડિસીન કે એન્જીનિયરીંગ જેવી પ્રોફેશનલ ટ્રેનીંગ વગર આવે છે તે પણ પોતાના વ્યાપારકૌશલ્ય અને ખંતથી અનેક પ્રકારના ધંધારોજગારે લાગી જાય છે. એવી રીતે જે ભણેલગણેલ નથી અને કોઈ પ્રકારની પ્રોફેશનલ સ્કીલ્સ નથી ધરાવતી એવી હિસ્પાનીક પ્રજાનું પણ આ દેશના આર્થિક વિકાસમાં અગત્યનું પ્રદાન છે.
અગત્યની વાત તો એ છે કે અમેરિકાની વસતી હવે ઉંમરમાં વધતી જાય છે. 1940 અને 1950ના દાયકાઓમાં જે “બેબી બૂમ”માં મોટી સંખ્યામાં બાળકો જન્મ્યાં હતાં તે હવે નિવૃત્ત થવાની તૈયારીમાં છે.

અમેરિકન હેલ્થ કેર સિસ્ટમને કારણે તે લાબું જીવવાનાં છે. એમની વૃદ્ધાવસ્થામાં સરકારે એમની સંભાળ લેવી પડશે. એમને લાંબો સમય સુધી સોશિયલ સિક્યુરીટી, મેડીકેર, અને મેડીકેડ જેવી સર્વીસ આપવી પડશે. આ કારણે ફેડરલ બજેટમાં મોટો ખર્ચો થવાનો છે.
એ ફાઈનાન્સ કરવા માટે ટેક્સપેયર્સની જે જરૂર છે તે આ હિસ્પાનીક ઈમિગ્રન્ટો પૂરા પાડશે. હિસ્પાનીક ઈમિગ્રેશન બહુધા બાળકો અને જુવાનોનું છે. તેમના કુટુંબો મોટા હોવાથી દેશને નવા નવા ટેક્સ પેયર્સ મળ્યા કરે છે.
જ્યારે જ્યારે પણ મને આ વિષય ઉપર બોલવા લખવાની તક મળે છે તે હું જવા દેતો નથી.
સોવિયેટ યુનિયનની અસર વધતી અટકાવવા માટે જેની “કંટેઇન્મેન્ટ” પોલીસી અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ પછીના પચાસ વર્ષ સુધી અપનાવેલી તે વિદેશનીતિના અગત્યના મુત્સદ્દી વિચારક જ્યોર્જ કેનને એમની આત્મકથામાં જ્યારે એવું વિધાન કર્યું હતું કે બિનગોરાઓનું ઈમિગ્રેશન થઈ રહ્યું છે તે દેશ માટે સારું નથી; ત્યારે મેં એમને જવાબ આપતો એક ઓપ-એડ આર્ટીકલ વોશિંગ્ટન પોસ્ટ માટે લખેલો.
સારાંશમાં મારું કહેવાનું એ હતું કે અગાઉ ઉપર જે રીતે ગોરા ઈમિગ્રેશનથી દેશ સમૃદ્ધ થયો હતો તે મુજબ અત્યારે થઈ રહેલ બિનગોરા ઈમિગ્રેશનથી પણ દેશની સમૃદ્ધિ વધી રહી છે.
(ક્રમશ:)