સેન્ટ ગોરથી પ્રસ્થાન અને સવારી નીકળી હૈડલબર્ગ ભણી ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:17 ~ ઉત્કર્ષ મઝુમદાર
સવારે ઉઠીને સેન્ટ ગોરની હોટેલમાં છેલ્લી વારનો સરસ મઝાનો નાસ્તો કરી ચેક આઉટ કરવાની પ્રક્રિયા આરંભી. બિલ ચૂકવતી વખતે એક નાનકી સમસ્યા આવીને ઊભી રહી. હોટલ પાસે ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવાની સુવિધા નહોતી, તેથી સીજે વિચલિત થઇ ગયો.
“હોટલ ક્રેડિટ કાર્ડ સ્વીકારે નહિ એવું તે કેવું? ત્રીજા વિશ્વનો કોઈ દેશ હોય તો સમજ્યા કે નાની એવી રેસ્ટોરન્ટ હોય તોય સમજાય, પણ આ તો વિકસિત રાષ્ટ્રની એક હોટેલ છે જ્યાં દેશ પરદેશથી પ્રવાસીઓ આવતા હોય છે.”
એને ટાઢો પાડતા મેં કહ્યું, “હોય એવું. તું શું કામ ચિંતા કરે છે છે? આપણી પાસે રોકડા છે. બિલ તો ચૂકવાઈ જશે.”
નીકળતા પહેલા સીજેએ અમને કહ્યું હતું, “રોકડા લેવાની જરૂર નથી. વિદેશ પ્રવાસમાં જોખમ શું કામ રાખવું. મારી પાસે ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ છે.”
એ ભૂલી ગયો કે યુએસએ જ એકમાત્ર એવો દેશ હશે જ્યાં ક્રેડિટ કાર્ડ બધે ચાલે છે. આગળ જતા ઘણી જગ્યાએ રોકડા પૈસા જ ચૂકવવાના થતા હતાં. એટલે અમારી પાસેના રોકડા યુરો ઘણા કામ લાગ્યા. પરદેશ જનારે આ વાતનો ખ્યાલ રાખવો.
૨૦૧૮માં અમે દીકરીને મળવા ઓસ્ટ્રેલિયા ગયા હતા. અમે એને જણાવ્યું કે પ્રિપેઇડ કેશ કાર્ડ લઈને આવીશું, તો એણે ખાસ ભારપૂર્વક કહ્યું,”તમે રોકડા ઓસ્ટ્રેલિયન ડોલર્સ પણ સાથે લાવજો કારણ કે અહીં ઘણી જગ્યાએ તમે એકલા ફરવાના છો. ઘણી બધી જગ્યાએ તેઓ રોકડા પૈસા જ માગશે. રોકડા હશે તો વાંધો નહિ આવે.”
અમને નવાઈ લાગી કે ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં આવા કાર્ડ સ્વીકારાય નહિ એ બહુ કહેવાય, પણ એ સાચી પૂરવાર ઠરી. એ ઓસ્ટ્રેલિયન અનુભવ અમને કામ આવ્યો ને જર્મની ટુર માટે અમે રોકડ રકમ પણ લીધેલી. મારી માના શબ્દોમાં કહીએ તો રોકડા ડોલર્સ વ્હાલા હિમ જેવા લાગ્યા.
પાર્કિંગ લોટમાંથી સીજે ગાડી લઇ આવ્યો. ત્યાં પણ રોકડા જ ચૂકવવા પડ્યા. સામાન ડિકીમાં મુકાઈ ગયો ને અમારી સવારી ઉપાડી હૈડલબર્ગ ભણી. એ ગઈ કાલે જે મેઇન્ઝ નામના શહેરમાં ગયા હતા એની આગળ દક્ષિણ બાજુ જ આવેલું છે તેથી અમે ગઈકાલવાળો રૂટ જ લીધો. સેન્ટ ગોરથી હાઈડલબર્ગ વચ્ચેનું અંતર ૧૪૪ કિલોમીટર, તેથી અંદાજે બે કલાક લાગવા જોઈએ પહોંચતા.
થોડીવાર પછી સીજે કહે, “ઉત્કર્ષ તારી પરીક્ષા શરુ થાય છે.” ઘડીકભર માટે તો હું મૂંઝાઈ ગયો. શાની પરીક્ષા? પછી બત્તી થઈ ને મેં ગંભીર થઈને મૌખિક પરીક્ષા આપવાની શરુ કરી.
“મિત્રો આપણી વચ્ચે થયેલી ગોઠવણ મુજબ જ્યાં જઈ રહ્યા છીએ એ શહેરનો ઇતિહાસ ટૂંકમાં જણાવું.”

સીજે વચમાં ટહુક્યો, “ઈર્શાદ ઈર્શાદ”. સીજે મૂળે સર્જન એટલે ઘસરકા મારવાની એની આદત જાય નહિ. ૨૦૧૬માં થયેલી વસ્તી ગણતરી મુજબ નેકાર નદીને કિનારે વસેલા હાઈડલબર્ગની વસ્તી એક લાખ ઓગણસાઠ હજાર નવસોને ચૌદ હતી. જેમાંથી લગભગ પચીસ ટકા વસ્તી વિદ્યાર્થીઓની.”
“વિદ્યાર્થીઓની?” હિનાએ પૂછ્યું. ‘
“હા કારણ કે હાઈડલબર્ગ એ યુનિવર્સિટી ટાઉન છે. સન ૧૩૮૬માં પેલેટીન રાજ્યના ઈલેક્ટોર (જેને હોલી રોમન એમ્પરર ચૂંટવાનો અધિકાર છે તેવો રાજકુમાર) રુપર્ટ પ્રથમ દ્વારા સ્થપાયેલી આ યુનિવર્સિટી જર્મનીની જૂનામાં જૂની યુનિવર્સિટી છે ને યુરોપખંડની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક.

જર્મનીનું આ વિજ્ઞાનનું કેન્દ્ર છે. ઘણી બધી વૈજ્ઞાનિક સંશોધન કરનારી સંસ્થાઓ અહીં આવી છે. સદીઓથી સાહિત્યના કેન્દ્ર તરીકે પણ એટલું જ જાણીતું છે. તેથી તો યુનેસ્કોએ એને ‘સાહિત્યનું શહેર’ કહી નવાજ્યું છે. સન ૧૪૨૧માં સ્થપાયેલી યુનિવર્સિટીનું પુસ્તકાલય જર્મનીનું જૂનામાં જૂનું પુસ્તકાલય છે.
૬૦૦૦૦૦૦ થી ૨૦૦૦૦૦ વર્ષ અગાઉના એક માણસનું જડબાનું હાડકું અહીંથી નજીક ૧૯૦૭માં મળી આવેલું જેને ‘હાઈડલબર્ગ મેન’ નામ આપવામાં આવેલું. વૈજ્ઞાનિકોના અનુસાર યુરોપમાં માનવીય વસવાટનો આ જૂનામાં જૂનો પુરાવો છે.

પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની સ્થાપના કરનાર માર્ટિન લ્યુથરે એના ૯૫ થીસિસ લખ્યા એના થોડા સમય બાદ એપ્રિલ ૧૫૧૮માં એને અહીં આવકારવામાં આવેલો ને પોતાની બાજુ રજૂ કરવાની તક આપવામાં આવેલી.”
સીજે કહે “બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આ શહેર પર તો અચૂક બોમ્બમારો કરાઈ શહેરનો નાશ કરવામાં આવ્યો હશે?” મારા નકારથી બધા ચકિત થઇ ગયા. “બધે બોમ્બમારો થાય ને આ શહેરમાં જ ન થાય એવું કડી બનતું હશે?”
મેં કારણ આપતા કહ્યું “પહેલી વાત તો એ કે આ શહેર ઔદ્યોગિક કેન્દ્રનું આવાગમનનું કેન્દ્ર નહોતું. એટલે આ શહેરથી અમેરિકાને કોઈ ખતરો નહતો. ને બીજું, યુદ્ધ પછી અમેરિકાને અહીં પોતાનું “લશ્કરી થાણું નાખવું હતું.”
અમે અહીંના મશહૂર કિલ્લાને જોવા આવ્યા હતા, અહીં રોકવાના ન હતા. અહીં થોડા કલાકો ગાળી અમે આગળ જવાના હતા. લો ત્યારે રસ્તો ક્યાં કપાઈ ગયો તે ખબર પણ ન પડી ને અમે પહોંચી ગયા અલસ્તાત એટકે પુરાના શહેરમાં.
સિટી સેન્ટરમાં તો આવી ગયા. હવે પાર્કિંગ માટે જગ્યા શોધવાની હતી. સદનસીબે એ પણ જલ્દી મળી ગઈ. નજીકમાં જ એક કાર પાર્કિંગ મળી ગયું. તેની અંદર ગાડી પાર્ક કરી. ક્યાં પાર્ક કરી છે તેનો ફોટો પાડ્યો. બહાર આવીને સ્થળનો બહારથી ફોટો પણ પાડી લીધો જેથી પાછા આવીયે ત્યારે આ જગા શોધવા ડાફોળીયા ન મારવા પડે.
નિશ્ચિન્ત અને મને આનો ખરાબ અનુભવ મુંબઈમાં થઇ ગયો હતો. એક વાર અમે અમારી મિત્રને મળવા ગયા. ગાડી એના સંકુલના વિશાળ બેઝમેન્ટમાં પાર્ક કરી. મળીને નીચે ઉતર્યા. અહીંથી અમારે બીજે જવાનું હતું. જોયું તો ગાડી દેખાય નહિ. ગાડી ક્યાં મૂકી હતી તે વિસરી ગયા. ગાડી શોધતા શોધતા પસીનો છૂટી ગયોઃ ત્યારથી નક્કી કરેલું કે આવું થાય તો મોબાઈલ તો હાથવગો હોય છે એટલે ચોક્કસ ક્યાં પાર્ક કરી છે તેની એંધાણી આપતું સ્થળ નોંધી લેવાનું એટલે પછી મુશ્કેલી ન સર્જાય.
અમે અહીંના ટ્રામના મુખ્ય જંક્શન બિસ્માર્ક પ્લાઝા પાસે હતા. અમારે કેસલ જવાની ફનિકયુલર ટ્રેન કોર્ન માર્કેટથી લેવાની હતી. સીજે એ અહીંથી કોર્ન માર્કેટ જવાનો રસ્તો એના ફોનના જીપીએસથી ખોલી કાઢ્યો. ટેક્સી કે ટ્રામ નહોતી કરવી કારણ અમારે તો ચાલીને શહેરદર્શન પણ કરવું હતું.
અહીંથી ત્યાં જ પહોંચવાનું અંતર ૧.૪ કિલોમીટર જેટલું હતું આથી ચાલવાનો વાંધો આવે તેમ નહોતું. અમે તો હોપ્સ્સ્રાત્ર પર એટલે કે હોપ સ્ટ્રીટ પર ચાલવા માંડ્યું.

સારી વાત એ હતી કે આ સ્ટ્રીટ માત્ર રાહદારીઓ માટે જ હતી. વાહનોને આવવા જવાની મનાઈ હતી. સામાન્ય રીતે અઢાર મિનિટ લાગે, અમને અડધો કલાક થયો કારણકે અમે તો આસપાસ બધે નીરખતા નીરખતા ચાલી રહ્યા હતા. રસ્તામાં અમે યુનિવર્સિટી ને બીજા અગત્યના મકાનો પણ જોયા.
ચાલીને જવાથી અમને ઘણું બધું જોવાની ને જાણવાનું મળ્યું. યુરોપની રેસ્ટોરટસની એક નોંધનીય બાબત એ છે કે ફૂટપાથ પર ટેબલ ખુરસી રાખ્યા હોય ને લોકો ત્યાં બેસીને નિરાંત વાતચીતો કરતાં પીણાં પીએ ને ભોજન કરે. અંદર કરતા બહાર બેસવાનું વધારે પસંદ કરે. અહીંયા પણ અમે આવું જોયું.

૧૮૭૦માં બંધાયેલું ઈલેક્ટોરલ પલાટીનેટ મ્યુઝિયમ પણ રસ્તામાં જ આવ્યું. અહીં સ્થાનિક તંત્રએ કલાકાર ને કલા ઇતિહાસકાર એવા ચાર્લ્સ ગ્રાઈમ્બેરનો સંપૂર્ણં સંગ્રહ જોવા માટે રાખ્યો છે.

એક મિનિટ આગળ ચાલ્યા ને જમણી બાજુ અંદર ગલીમાં છે નાટ્યથિયેટર, જ્યાં દર વર્ષે નાટ્યમહોત્સવ અને ઉભરાતા નાટયલેખકો માટેની સ્પર્ધા પણ યોજાય છે.

કેસલમાં યોજાતા નાટ્યમહોત્સવનું આયોજન પણ અહીંથી જ થાય છે. બહાર આવી પાછા સડક પાર ચાલો એટલે ડાબી બાજુએ આવે ઘડિયાળવાળું બેલ ટાવર જે સત્તરમી સદીમાં બંધાયેલા પ્રોવિડેન્સ કેથોલિક ચર્ચના ભાગરૂપ છે.
આ આવ્યું યુનિવર્સિટીનું મકાન. સાંભળીને આંચકો લાગશે એવી વાત છે. “વિદ્યાર્થીઓ માટેની જેલ પણ અહીં છે.”
“શું વાત કરે છે?” બધા બોલી ઉઠ્યા. પછી સીજે કહે, “પણ એ ન્યાયાલયનું કામ છે. ખાનગી સંસ્થાને એવો હક્ક હોતો નથી – વિદ્યાર્થીઓને સજા કરી જેલમાં મોકલવાનો.”
“વાત સાચી પણ આ યુનિવર્સિટીને એવો હક્ક મળેલો એની સ્થાપનાકાળથી. વિદ્યાર્થીઓમાં અશિસ્ત ન પ્રસરે એ માટે એવું વર્તન કરનારાઓને સજા કરાતી. જેમને સજા બે દિવસથી લઈને ચાર અઠવાડિયાની રહેતી એમને આ ઓરડીમાં મુકવામાં આવતા.
“તેમના ભણવાનું પછી શું?” નિશ્ચિન્ત પૂછી બેઠી.
અલબત્ત ક્લાસ ભરવાની છૂટ હતી, પણ વિદ્યાર્થીઓ આનો લાભ ઉઠાવતા ને ક્લાસિસમાંથી ગુલ્લી મારતા. એમને મન આ સજા નહિ પણ મઝા હતી ને ઘણીવાર જાણી જોઈને મસ્તી કરતા જેથી અહીં રહેવા મળે. અહીંયા આરામદાયક વ્યવસ્થા હતી. વિદ્યાર્થીઓ દીવાલોને પોતાની કલાકૃતિઓથી તેમ હાથ લખાણોથી શણગારતા ને અમર થઇ જવાનો લ્હાવો લેતા. જોકે આજે આ જેલ બંધ કરી દેવાઈ છે પણ એને વ્યવસ્થિત રખાઈ છે, એક ઐતિહાસિક સંભારણા તરીકે. મુલાકાત માટે એ ખુલ્લી રખાય છે.”

“ગજબ કહેવાય ગજબ.” હીનાએ આશ્ચર્ય પામી કહ્યું.
(ક્રમશ:)