છ કાવ્યો – વિરાફ કાપડિયા
૧. દાદાનું ઘડિયાળ
દાદાનું ઘડિયાળ,
ભીંત પર જડેલું
ધીમું ધીમું વગડતું
સતત ધ્રૂજતું ઢોલક,
લોલક લોલક
લોલક લોલક !
દાદાનું ઘડિયાળ,
વરાળ થઈ ઊડેલા સમયની એંધાણી !
ખટકતું ખાંસતું કણસતું
ડાયલમાં દરદ વણસતું;
દુરસ્ત કરનાર હવે ક્યાં રહ્યા કોઈ જૂના જાણકાર
આ આધુનિક શહેરમાં
ખખડતાં ખોખાં ને કળોના પુરાણી ?
બારી પર ચડીને ધ્રૂજતા દાદા,
ચાવી પકડીને ઝૂઝતા દાદા,
દાદાનું ઘડિયાળ, ઘડિયાળના દાદા,
ચરર ચિરિક ફેરવતા ચાવી,
ખચકતી વિરમતી
લોલક-ગતિને ચાલુ રાખવા,
સમયને દવાનું પ્યાલું આપવા !
- વિરાફ કાપડિયા
૨. પહેલી મુલાકાત
આજે સવારે સમયના દૂરબીનમાંથી
મેં તને પહેલી મુલાકાતમાં દીઠી —
નાનપણમાં પૂર્વના પહાડ પર
વાંસના સોનેરી પવનવનમાં
દુર્ગ મેં બનાવ્યો’તો,
દુર્ગની દીવાલો પર સપનાની તસવીરોનું
અજાયબઘર રચ્યું’તું.
ઊંચી નસ્લના અલબેલા અશ્વ પર
સવારી હું કરતો’તો,
અશ્વથી ઊતરીને જરીની જૂતી પહેરી
જાંબુ ને ફણસનાં ઝાડ
ને કમલસરથી સજેલ તળેટીમાં વિચરતો’તો.
મકાઈના ખેતરની વાડ પર
સૂડાનું ઝુંડ ઊડી આવ્યું’તું.
લેંઘો ઊંચો કરી
ગોફણ પર નેમ ધરી
માંચડા પર ખડી ખડી
જોઈ તને, અટક્યું મન.
સ્પર્શીને દેહ તારો
વાતો પરિમલ પવન.
અશ્વ પર બેસાડી તને દુર્ગમાં લાવ્યો’તો.
ઊડણ તોખાર પર આગળ તું બેઠી’તી,
પવને કેશકલાપ પાછળ લહેરાવ્યો’તો.
કેશોને તારા, મેં મુખ પરથી હટાવી
નામ જ્યારે પૂછ્યું’તું,
મંદ મૃદુ સ્વરમાં તેં
કવિતા બતાવ્યું’તું.
વાંસના પવનવનમાં વાગી’તી વાંસળી!
આજે સવારે સમયના દૂરબીનમાંથી
મેં તને પહેલી મુલાકાતમાં દીઠી!
- વિરાફ કાપડિયા
૩. એક પારસીની દોઢસોમી વરસગાંઠ
સાચ્ચા સાધુ ‘આયુસમાન ભવ’ એવું કહી ગયેલા, મતલબ કે
(બાજુના મોલ્લાના) ‘આય ઉસમાન જેવા થજો ’,
જે ઘનું જીવેલા.
મારાં દોરસો વરસની સવારે જાગીને જોઉં છ તો
કોઈ મને હિસ્ટ્રીની એકાદ મિસ્ટરી પૂછવા કે
વર્લ્ડ પૉલીસી પર મારી સલાહ લેવા આવેલું જનાયું નહીં.
(ધારો કે 1857ના જમાનાનો કોઈ માનસ મલી જાય
તો તો હું એને સું સું નહીં પૂછું?)
અગિયાર વાગે મારા નેવું વરસના ગ્રાન્ડસનને
એ લોકો બેબીસીટિંગ સારુ મૂકી ગિયા—
આય આપરા લોકોની આડટો…
આપરે કહીએ બી સું ને નહીં કહીએ બી સું?
સાંજે વરસગાંઠની ઉજવનીમાં
ફૂંક મારીને મીનબત્તીઓ બૂઝવતાં
હું સાત વખત ઢલી પરિયો.
પેલા ચિનુ મોદી બોલી પરિયા:
એક પછી એક પછી એક પછી એક
કાપિયા કરસે, ખાધા કરસે બર્થડેની કેક? *
કેટલી વખત, કેટલી વખત, … ?
પછી એવનનો અવાજ મીનબત્તીની માફક જ બુઝઈ ગિયો;
ખાલી વરાલની માફક ગનગનાટ રયો: કેટ..લી… કેટ..લી.
બબ્બે લીટીઓ બોલીને
એવનને તો હવે ઝોકું આવી જાય છ !
આપરે જવાબ આપીએ તો બી સું,
ને નહીં આપીએ તો બી સું?
રાતે સવાસો વરસની છોકરીની સાથે લવ કીધો;
(ચાંડનીમાં સાથે ફરવા જવાની મુરાદ … જતી કીધી.)
કૂતરા સીઝરે ખૂનામાં બેસીને જોયા કીધું.
લેવ, દિવસ બી વીતિયો, ને લેવ, રાત બી ગઈ.
- વિરાફ કાપડિયા
***
(* એક પછી એક પછી… – કવિ ચિનુ મોદીની એવી જ કાવ્યપંક્તિઓનો સંદર્ભ છે.)***
(ચિત્રમાં દેખાય છે મ્યાન્મારનું ઇન્લે લેક, જ્યાં સંધ્યા સમયે શ્યામલ વાદળ છવાયેલાં હતાં, પણ પરોઢ પ્રેમોજ્જ્વલ હતું.)
૪. નવા વર્ષનું નાવિક-ગીત
મત્સ્યદેશથી આવ્યો છું હું !
છાયાં જ્યાં વાદળ-દળ સાંજે,
અમલ ઉષા ત્યાં જલ-દરવાજે,
ચિત્ર ધરી ઉર ઝિલમિલ સરનું નવી શુભેચ્છા લાવ્યો છું હું !
મત્સ્યદેશથી આવ્યો છું હું !
નાવ ઉતારું હું સરવરમાં,
લખું તરંગના હસ્તાક્ષરમાં,
ઉદય-વિલયની ચડતી-પડતીનાં શણગાર્યાં કાવ્યો છું હું !
મત્સ્યદેશથી આવ્યો છું હું !
સપાટી પર શું તરવું, બંદે,
મહા મીન તો ઊંડે ઊંડે,
ઉપરથી સાદો શરમાતો, અંદર ભેદ ભરાવ્યો છું હું !
મત્સ્યદેશથી આવ્યો છું હું !
****
– વિરાફ કાપડિયા
૫. સ્પૃહાવિહોણા દોહા–સયાના
સ્પૃહા-સ્પૃહાથી ઘણી હોહા-હોહા થાય,
તે સુખિયો જે ચેનથી બેસી દોહા ગાય.
સુખિયા ઘણા કબીરજી, સહજ સરલ આ જ્ઞાન,
વડ નીચે બેસી ધરે મનમાં ચિંતન-ધ્યાન.
કબીર બૈઠે તરુ તલે, દોહે દિયે રચાય,
તાલ મિલાકે ડાલ સે કૌઆ-કૌઆ ગાય.
પંખીને પણ સંતની કિંમતી લાગે વાણ;
તે પંખી, પંખાળમાં જે છે ચતુરસુજાણ.
સૂર પૂરતાં એ પછી આવ્યાં અન્ય વિહંગ,
વિસ્મયનો આ ખેલ તે જોતાં લોકો દંગ.
કબીર બૈઠે તરુ તલે, ઉપર પંછી પાંત,
પંક્તિ એક કબીર કહત, દૂજી દ્વિજગણ ગાત.
ઊઠે સરગમ ઓમની, સોહં સોડમ વાય;
અનન્ય અનુભવ જન ઝીલે, કલબલ કીર્તન થાય.
ધીરે ધીરે લોક પણ ગાવા લાગ્યાં સાથ,
ઊડતી ઊડતી એમ ગૈ દરિયા પારે વાત.
નામ ઔ’ કામ સંત કા વર્ણિત હુઆ વિદેશ,
સહાયક કવિ અમેરિકી, રોબર્ટ બ્લાય* વિશેષ.
કણ કણ વાણી કબીરની વીણી, અરપી ઝાંય,
અનૂદિત ઉદિત કરી હવે હરખે રોબર્ટ રાય.
કબીર પૂર્વે પૂર્વના, પ્હોત્યા પશ્ચિમમાંય,
પંખીઓથી શરૂ કરી યેન્કીઓ પણ ગાય.
સ્પૃહા-સ્પૃહાથી ઘણી હોહા-હોહા થાય,
બડભાગી જે પ્રેમથી ગવડાવે ને ગાય.
– વિરાફ કાપડિયા
* રોબર્ટ બ્લાય નામના અમેરિકન કવિએ કબીરનાં કાવ્યોનો બખૂબી અંગ્રેજી અનુવાદ કરી પુસ્તકો પ્રકાશિત કર્યાં છે, કાવ્યોને સંગીત સાથે સ્વર પણ આપ્યો છે.
***
૬.. તે હવે ગઈ ચાલી
(એક શિયાળા દરમ્યાન સફેદીથી આંખ આંજી નાખતા હિમના અતિરેકની
અને પછીથી તે શમી જતાં અનુભવેલા હાશકારાની યાદમાં)
આજ સવારે સ્લીપર ઘાલી બોલ્યા ડેડી નજરું બહારે ઢાળી—
શીતલ પાતલ કાતિલ હંટર લઈ આવી’તી ધોળી થાપણવાળી,
તે હવે ગઈ ચાલી.
સફેદ રસ્તા, સફેદ બગીચા, સફેદ ધાબાં, સફેદ દરીચા,
સફેદ કંકર, સફેદ પથ્થર, સફેદ દરમાં સફેદ ઉંદર,
સફેદ ઋક્ષી*, સફેદ વૃક્ષો, સફેદ પક્ષી, સફેદ નકશો, (*ઋક્ષી = માદા રીંછ)
સફેદ વહાણું, સફેદ રાત્રિ, સફેદ પથ પર સફેદ યાત્રી,
સફેદ બ્રિજો, સફેદ ચર્ચો, સફેદ વરણો અભેદ પરચો !
સફેદની આ હડફટમાંથી ઊંચી ઊભી સીધી લાંબી ત્રાંસી
બચવા માટે, અથવા મનને રસવા માટે, ખૂબ જ જઈને ત્રાસી
છેવટ મેં તો કાળી બિલ્લી પાળી,
તે હવે ગઈ ચાલી.
શીતલ પાતલ કાતિલ હંટર લઈ આવી’તી ધોળી થાપણવાળી,
તે હવે ગઈ ચાલી.
કાઢ્યો પાવડો, આણ્યો પાવડો, તાક્યો પાવડો, નાખ્યો પાવડો,
ભરિયો પાવડો, ઠલવ્યો પાવડો, ઠોક્યો પાવડો, ચોખ્ખો પાવડો,
પાછો પાવડો, ઠાલો પાવડો, નાખો પાવડો, આખો પાવડો,
દિવસ પાવડો, સાંજ પાવડો, આજ પાવડો, કાલ પાવડો,
અહો આવડો દુર્ગ ઇડરિયો, સામે ધરિયો નર્યો પાવડો !
પાવડાની આ તેજ તેગ મેં નથી હજારો વાર આટલી તાણી,
ખૂબ લડી મર્દાની એ પણ સામે ભારે પાણીવાળી રાણી;
અડી રહી’તી ચોગમ ઘેરા ઘાલી,
તે હવે ગઈ ચાલી.
શીતલ પાતલ કાતિલ હંટર લઈ આવી’તી ધોળી થાપણવાળી,
તે હવે ગઈ ચાલી—
બોલ્યા ડેડી આજ સવારે, સ્લીપર પાયે, નજરું બહારે ઢાળી.
***
– વિરાફ કાપડિયા