હું જીન થઈ ગયો છું ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
કેટલીય વાર ન કરવાના કામો થઈ જાય અને કરવા જેવા કામો પેન્ડિંગ રહી જાય. કામોની પ્રાથમિકતાની યાદી બનાવીને કામ કરીએ તો પાર પાડવામાં સરળતા રહે.

કાગળ પર યોજના વિચારી હોય, પણ એને મૂર્તિમંત કરવામાં આમૂલ ફેરફારો કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. ક્યારેક આપણા અનુમાનો ખોટા પડે તો ક્યારે સંજોગો અવરોધો ઊભા કરે. બધું સુનિયોજિત વિચાર્યું હોય છતાં છેલ્લી ઘડીએ એવી કોઈ આપદા આવી પડે જે આપણી સમજની બહાર હોય. અનિલ ચાવડા એનો નિર્દેશ કરે છે…
તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે
કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે
પી ગયો છું સાત દરિયાનેય નીચોવીને હું
કૈક એવું લાવ જે મારી તરસની બ્હાર છે
તરસ છીપાઈને પાછી ઊભી થાય છે. તરસ માત્ર પાણીની નથી હોતી, પૈસાની અને પ્રતિષ્ઠાની પણ હોય છે. પચાસ હજાર કમાતો હોય એ લાખ કમાવાનું વિચારે, લાખો કમાતો હોય એ કરોડનું વિચારે, કરોડોવાળા અબજનું વિચારે; એમ વિસ્તારવાદ ચાલ્યા કરે. અચાનક ત્રણ-ચાર દાયકા પછી બત્તી થાય કે આમાં પ્રતિષ્ઠા ક્યાં કમાયા?
એટલે એ મેળવવાના ધમપછાડા શરૂ થાય. શૌનક જોશી સાર તારવે છે…
વર્ષોની સાધનાનું આ ફળ મને મળ્યું છે
હું ફૂલ થઇ ગયો છું, ઝાકળ મને મળ્યું છે
રણમાં હું દોડી દોડી હાંફી ગયો ને અંતે
આંખોમાં આ તમારી મૃગજળ મને મળ્યું છે
કોઈ એક ક્ષેત્રમાં નેત્રદીપક કામ કરવા ઘણાં વર્ષો આપવા પડે. ઊંડા ઉતરો તો મોતી હાથ લાગે.

સપાટી પરનું કામ બહુ બહુ તો આજુબાજુવાળાને સ્પર્શે. સમય નામનો એમ્પાયર નિષ્કર્ષ આપતાં પહેલાં બધું ઝીણવટપૂર્વક જુએ છે. કમનસીબે આપણે આપણા એમ્પાયર બની શકવાની ખેલદિલી ધરાવતા નથી. જો ધરાવીએ તો પરશુરામ ચૌહાણ કહે છે એવું કોઈ અવલોકન હાથ લાગે…
કદી જીતી ગયો છું તો કદી હારી ગયો
સતત હું જાતની સાથે જ સ્પર્ધામાં રહ્યો
છતાં ભટકી ગયો સાચું પગેરું શોધવા
કદી કાશી અને ક્યારેક મક્કામાં રહ્યો
આમ જુઓ તો કાશી અને મક્કા આપણી આસપાસ જ હોય છે. માણસના વેશમાં ફરિશ્તાઓ ઈશ્વરનું રૂપ છે. એનાથી વિપરીત માણસના રૂપમાં શેતાનો ધરતીને નર્ક જેવી બનાવે છે.

ઘણી વાર મૂંઝવણ થાય કે એક તરફ આટલી બધી સગવડો અને સુવિધાઓ છે છતાં માણસ હતાશા કેમ અનુભવે છે. સુવિધાઓ અગવડ દૂર કરી શકે. એકલતા કે હતાશા દૂર કરવા સ્નેહ જોઈએ. શ્વાસ જીવવા માટે છે અને સ્નેહ ટકવા માટે છે. ચિંતન શેલતનું ચિંતન આપણું ધ્યાન ખેંચે છે…
નખ છું, ઉઝરડા છે આ મારી આસપાસ
રાતા અભરખા છે આ મારી આસપાસ
પહોંચી ગયો છું ક્યારનો આ દેશમાં
હું છું, અરીસા છે આ મારી આસપાસ

અરીસો પ્રતિબિંબ ઝીલે છે. આપણે આપણી સામે છે જે એને સમજી નથી શકતા અને દૂરતાને ઉકેલવાનો પ્રયાસ કરીએ છીએ. આખરે બાવાના બેય બગડે છે. પાસેનું હાથમાંથી સરી જાય અને દૂરનું હાથમાં ન આવે. અશોક ચાવડા બેદિલ અફસોસ વ્યક્ત કરે છે…
હતું જે એય ગયું ફેરફાર કરવામાં
દીવો બુઝાઈ ગયો અંધકાર કરવામાં
ફરક પડે ન અરીસાને શી રીતે બેદિલ
તૂટી ગયો છું હું ટુકડા હજાર કરવામાં

વિખરાયેલા ટુકડા કાચના હોય તો પ્રતિબિંબ ઉઝરડાય છે. ટુકડા કાગળના હોય તો અક્ષરો તરડાય છે. ટુકડા કપડાંના હોય તો થીગડાં લેખાય છે. કોની પાસે જઈને ખુલાસો મેળવવો એ જ સમજાય નહીં. મનોજ ખંડેરિયા પર્યાયો આપે છે…
ઉંબરને – બારણાંને – કે ના ટોડલાને પૂછ
ઘરમાં ઉદાસી કેમ છે? ખાલીપણાને પૂછ
નીકળી ગયો છું કેમ તે ના પૂછ તું મને
ખાલી પડી છે કેમ જગા? કાફલાને પૂછ

લાસ્ટ લાઈન
તૂટવાથી તો વધારે સંગીન થઈ ગયો છું
ખુદ મારી જાત પર હું આફ્રીન થઈ ગયો છું
અવતાર લેવાને જ્યાં – અવતાર ના વિચારે
એ જગમાં જીવવાનો શોખીન થઈ ગયો છું
ઈશ્વરથી થઈ ગયો છું એ ક્ષણથી બસ વિખૂટો
જે ક્ષણથી આઈનાને આધીન થઈ ગયો છું
ખખડાવી બારણાંને થાકી પરત ફર્યા એ
જેના ખ્યાલમાં હું તલ્લીન થઈ ગયો છું
સહુને લળી લળીને સિજદા કરી કરીને
ખુદ મારા માટે આજે તૌહીન થઈ ગયો છું
હિંમત ગણો તો હિંમત, અચરજ ગણો તો અચરજ
અંધાર સાથે જીવી રંગીન થઈ ગયો છું
ક્યાં આપમેળે સાહિલ કૈં પણ કરી શકું છું
બોટલમાં બંધ જાણે હું જીન થઈ ગયો છું
~ સાહિલ
Very beautiful platform for artists