એની ઉદાસ આંખે શમણાં વધી ગયાં છે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
દુનિયાની વસતી સતત વધી રહી છે. વિશ્વનું તાપમાન પણ વધી રહ્યું છે. દવાઓને કારણે માણસની સરાસરી ઉંમર પણ વધી ગઈ છે. સ્કૂલની ફીમાં તો તોસ્તાન વધારો થયો છે. અનેક દેશો વચ્ચેની વધતી દુશ્મનાવટ યુદ્ધમાં પરિણમી રહી છે. મોંઘવારીનો તો સ્વભાવ જ વધવાનો છે.
![]()
સરકાર ફ્રી રાશન આપે એ ગરીબીની વ્યાખ્યામાં બેસતી પ્રજા માટે રાહતની વાત છે. અન્યથા મધ્યમ વર્ગની લડાઈ કેવી હોય છે એની વાત કિરીટ ગોસ્વામીની પંક્તિઓમાં વર્તાશે…
હર-વખત હા-નાથી આગળ મન વધી શકતું નથી
હર-વખતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે
જે મળે એને જ મિલકત માનશું મોંઘી હવે
છત-અછતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે

આજની તારીખમાં સિત્તેરનું આયુષ્ય વટાવી ચૂકેલા ઘણા ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકો સ્ટ્રીટલાઇટના અજવાળે ભણ્યા છે.

અછત જોયા પછીની છતનું મહત્ત્વ અનેકગણું વધી જાય. પાંચ રૂપિયા પણ ખોટા વપરાતા જોઈને વડીલો નવી પેઢીને ટોકતા જોવા મળે છે, કારણ કે તેમણે અભાવ જોયો છે. શ્વાસ આથમવાની રાહ જોતા વયસ્કોની સલાહ ગણો કે અવગણો એ જુદી વાત છે, પણ સાંભળવી તો જોઈએ. મરીઝ અવસ્થાને ઓજસ આપે છે…
ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ
બિંદુની મધ્યમાં છું, હું તેથી અનંત છું

પ્રત્યેક જણે પોતાની હદ ઓળખતાં શીખવું પડે. પોતાની આવડત અને સંસાધનોનો ક્યાસ કાઢતાં આવડે તો નિરાશા ઓછી વ્યાપે. કોઈની ક્ષમતા માંડ ઊભા રહેવાની હોય, કોઈની કૂદકો મારવાની હોય તો કોઈની છલાંગ મારવાની.

જેની બુદ્ધિ શૅરબજારમાં વિશેષ ચાલતી હોય તેને કલાના ક્ષેત્રમાં ઠોકી-બજાવીને ન બેસાડાય. એ જ રીતે પ્રતિભાવંત કલાકારને જો બૅન્કના કૅશિયર તરીકે જિંદગી કાઢવાની આવે તો એમાં નિરાશા કરતાં દયાનો ભાવ વિશેષ વ્યાપક લાગે. જે કરવાની ક્ષમતા હોય એ કરવા ન મળે તો જીવ સોસવાયા કરે.
જેઓ દુન્વયી જગતની મોહમાયાને સમજી ગયા છે એ લોકોના વિચાર તદ્દન જુદા હોય છે. હિરેન ગઢવી એ સમજાવે છે…
દેખાતું કંઈ નથી પણ મહેસૂસ થઈ રહ્યું છે
અણકથ, અભેદ ખૂણે મસ્તી વધી રહી છે
ફેલાય ચોતરફ તો એ પૂર્ણ રૂપ પામે
અંતરના એક ખૂણે મસ્તી વધી રહી છે

મસ્તીનો અર્થ ઉડાઉપણું કે આછકલાપણું નથી. સમજ્યા વગરના ખડખડાટ હાસ્ય કરતાં સમજ્યા પછીનું નાનું સ્મિત વધારે મૂલ્યવાન હોય છે. કોઈ પ્રગતિમાં પ્રસન્નતા પામે છે તો કોઈ સ્થગતિમાં સાર્થકતા અનુભવે.
સંઘર્ષ તો જીવનમાં ચાલુ જ રહેવાનો. જોવાનું એ છે કે કયો સંઘર્ષ સહજ રીતે આવે છે અને કયો સંઘર્ષ આપણે પેટ ચોળીને ઊભો કરીએ છીએ. પ્રવીણ જાદવ સંજોગવત કે અવસ્થાગત પરિણામની વાત કરે છે…
હદથી આગળ વધી શકાયું નહિ
શ્વાસ સાથે લડી શકાયું નહિ
તું તળેટીમાં આવ, મારાથી
ટોચ સુધી ચડી શકાયું નહિ

તાજેતરમાં અકાદમી દ્વારા વિશ્વ પર્વત દિવસે મહારાષ્ટ્રના સૌથી ઊંચા કળસુબાઈ શિખરના પ્રવાસ સાથે ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહિત્યને ટકાવવું હોય તો રૂઢિગત માળખા ઉપરાંત આવા વિશેષ પ્રયાસો જરૂરી લાગે છે.

પ્રારંભમાં સંખ્યા કરતાં વિશેષ મહત્ત્વ સંકલ્પનું છે. મુંબઈ જેવાં શહેરોમાં પુસ્તકોની વાત તો જવા દો, અખબારોના વાંચનમાં પણ ઓટ આવી છે.
એક અત્યંત પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારને ટકી રહેવાનાં ફાંફાં પડી રહ્યા છે ત્યારે સ્થાનિક ભાષાનાં અખબારો માટે કેવાં કપરાં ચઢાણ હશે એનો ખ્યાલ આવે છે. એક કામમાં દાયકાઓ આપ્યા હોય પછી લાઇન બદલવાનું કામ સહેલું નથી. પરશુરામ ચૌહાણ એવી જ કોઈ કસોટીની વાત છેડે છે…
આવી કઠોર તારી કસોટી ગમી નહીં
સામે જ તું હતો અને આંખો ખૂલી નહીં
આવી દયા ઘણી મને મારા સ્વભાવ પર
દુનિયાથી દિલ્લગી છે વધી પણ ઘટી નહીં
લાસ્ટ લાઇન
પહેલાં કશું નહોતું, હમણાં વધી ગયાં છે
એની ઉદાસ આંખે, શમણાં વધી ગયાં છે
એનાં વધી જવાની, સીમા નથી રહી કંઈ
કાલે હતાં નજીવાં, બમણાં વધી ગયાં છે
એવાં વધી ગયા છે, પૂછો ન વાત કોઈ
નખ એમના ગુલાબી, નમણા વધી ગયા છે
લાગે છે રાત આખી, રડતો રહ્યો છે પર્વત
ચારે તરફ ધરા પર ઝરણાં વધી ગયાં છે
ફફડાટ એકધારો લઈને જીવી રહ્યા છે
માણસ બહુ છે ઓછા, હરણાં વધી ગયાં છે
~ સ્નેહલ જોષી
~ ગઝલસંગ્રહ : વમળ વચ્ચે