ભવની ભવાઈ ~ ધીરુબહેન પટેલ ~ પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ
આપણાં સૌનાં હૃદયસ્થ સાહિત્યકાર સ્વ. ધીરુબહેન પટેલે અનેક ભાવુક કૃતિઓની રચના કરી છે. તેમની કલમને સાહિત્યનાં અનેક પુરસ્કારો દ્વારા પોંખવામાં આવી છે. પરંતુ ધીરુબહેનનાં મનમાં જે વસવસો હંમેશાં રહ્યો કે તેમની એક રચનાને કેવી રીતે એક દિગ્દર્શકે તેની પોતાની રચના છે, તેમ કહ્યું.
ધીરુબહેનની કલમ દ્વારા તેણે પોતાની વાહવાહી મેળવી લીધી. ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારની ઘટનાથી ધીરુબહેન અને ગુજરાતી વાચકો તથા ભાવકો પણ ખૂબ વિચલિત થયાં હતાં.

એ રચના જેણે દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી, અનેક પુરસ્કારો અંકે કર્યાં, તે ગુજરાતી ભાષામાં ધીરુબહેન પટેલ દ્વારા રચિત, ‘ભવની ભવાઈ‘.

પોતાની પહેલી ફિલ્મ બનાવવા માટે જ્યારે શ્રી કેતન મહેતા, પોતાનાં પરિવાર સાથે ગાઢ સંબંધ ધરાવતાં ધીરુબહેન પટેલને મળ્યાં.

ધીરુબહેને, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરાનાં પ્રાચ્યવિદ્યામંદિર તરફથી શ્રી સયાજી સાહિત્યમાળાના પુષ્પ ૩૩૮ તરીકે ‘ભવાઈના વેશની વાર્તાઓ’નું પુસ્તક ૧૯૬૪માં બહાર પડેલું તેમાંથી કર્તા શ્રી ભરતરામ ભા. મહેતાનાં પુસ્તકનાં ૬૫માં પાના પર હરિજનની જે ભવાઈની વાર્તા છે, તેનાં છ પાનાંમાંથી આ વાર્તાનાં લગભગ બે પાનાં જેટલા ભાગનો આધાર લઈને ચલચિત્ર માટે આધુનિક સંદર્ભ સાથેની વાર્તાનું નિર્માણ કર્યું. સાથે સાથે આ વાર્તામાં સંવાદો અને ગીતો પણ તેમણે જ રચ્યાં.
અસ્પૃશ્યતા જેવાં સંવેદનશીલ વિષય પર આધારિત આ ચલચિત્ર માટે ધીરુબહેનને વળતર રૂપે ફક્ત રૂપિયા પાંચસો આપવામાં આવ્યાં.
જ્યારે આ ચલચિત્રએ ખૂબ ખ્યાતિપ્રાપ્ત કરી ત્યારબાદ ધીરુબહેનની જાણ બહાર આ ચલચિત્રનાં સંવાદોનું એક અંગ્રેજી પુસ્તક તૈયાર કરવામાં આવ્યું તથા તેમાં લેખક તરીકે ચલચિત્રનાં દિગ્દર્શકે પોતાનું નામ લખીને સંપૂર્ણ શ્રેય મેળવી લીધું.

આવો અન્યાય અને છેતરપિંડી જ્યારે પોતાનાં જ ઓળખીતા દ્વારા કરવામાં આવી ત્યારે ધીરુબહેન ખૂબ વ્યથિત થઈ ગયાં હતાં.
આ બધી વાતોથી વ્યથિત ધીરુબહેન પટેલે વર્ષ ૧૯૮૮માં ‘ભવની ભવાઈ’ની સાચી સ્ક્રીપ્ટ જાહેર કરવાનો નિર્ણય કર્યો અને પ્રસ્તાવનામાં તેમણે ગુજરાતી સાહિત્યનાં વાચકોને આ સત્યથી સુપરિચિત કરાવ્યાં.
‘ભવની ભવાઈ’ પુસ્તકમાં ધીરુબહેનની કલમનો જાદુ ભાવકો પર છવાઈ જાય છે. ભવાઈ માટે જરૂરી રંગલો, રંગલીનાં પાત્રો, ભવાઈને ઉંચાઈ બક્ષતાં સુંદર ગીતોની રચના દ્વારા આ ભવાઈ આજે પણ ભાવકોનાં હૃદયમાં અંકિત થયેલ છે.
પુસ્તકની પ્રસ્તાવનામાં ધીરુબહેન પોતાનું નિવેદન લખે છે,
‘મને કેટલાં રૂપિયા મળ્યાં એનો ઊહાપોહ કરવા સારુ આ નિવેદન નથી લખતી, વાત આ ફિલ્મની છે, આ પુસ્તકની છે, જેનું શીર્ષક મેં પોતે ઘણી હોંશથી પાડયું હતું – ભવની ભવાઈ.
તે વખતે મને ખબર નહોતી કે લેખકનાં ભવની ભવાઈ થવાની છે. આ ફિલ્મનાં સંવાદો માટે મને ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ સંવાદલેખક તરીકેનો ૧૯૮૦-૮૧નો પુરસ્કાર પણ મળ્યો છે.
હરિજનોને થતાં અન્યાય તરફ ધ્યાન ખેંચવા જે લખ્યું હતું તે આજે લેખકોને થતાં અન્યાય તરફ ધ્યાન ખેંચવા પ્રસિદ્ધ કરું છું. ભલે મારી માતૃભાષા અંગ્રેજી જેટલી વિશાળ કે વિશ્વવ્યાપી ન હોય, મને એ વહાલી છે. એમાં મેં જે લખ્યું છે તે તમારી સમક્ષ મૂકું છું, મારા કર્તૃત્વના દાવા સાથે – સત્ય ભલે પ્રકાશમાં આવે, એ હેતુથી!
આ પુસ્તક અન્યાય સામેનો મારો મારી રીતનો પ્રતિકાર છે, જેઓ સમજે તેમને માટે એક પડકાર છે – છતાં જેઓ આ બધી ઝંઝટમાં પડવા ન માગતા હોય તેમને માટે પણ એક સુવાચ્ય કૃતિ તો છે જ એવું હું માનું છું.’
પદ્મશ્રી સાહિત્યકાર અને કવિ શ્રી ચં.ચી. મહેતા પોતાનો રાજીપો વ્યક્ત કરતાં લખે છે,
‘પ્રસ્તુત સંશોધિત ભવાઈમાં લેખિકાએ ઉચિત પ્રકારનાં ગીતો લખી એને વધારે નાટ્યક્ષમ બનાવી છે. ગીતો સરળ છે, લોકઢાળમાં ઢાળેલા છે અને ક્યાંક સંઘગાન પણ પ્રસ્તુત છે.
અમને આશા છે કે સિનેમાનું માધ્યમ જે હોય તે, પણ રંગભૂમિ એટલે કે ભવાઈનું ચોગાન આ કૃતિને માફક આવે એ દેખીતું છે. અને ભારતની પ્રજામાં આજ વર્ષોથી થતો રહેલો એક અન્યાય દૂર કરવામાં આ કૃતિ લોકસમાજના વિચારમાં સુધારો કરવાનો બહુ મોટો ફાળો આપશે જ.
અલબત્ત, એના અંત માટે કરુણ અંત યોજવો કે સુખદ અંત યોજી છોકરાને જીવતો રાખી પાછો એને ગાદી પર બેસાડવાની આજે ભુલાઈ જતી પ્રથાને સજીવન કરવી કે કેમ એ દિગ્દર્શક યા ભજવનારાઓના મકસદ પર આધાર રાખે છે. ત્યાં આજના જમાનાને જોતાં જે દેશમાં વંશપરંપરાગત ઘાટને હજી પ્રજા છાનીછપની રીતે યા કંઈક જાહેર રીતે યા નવી રચાયેલી રાજ્યવ્યવસ્થામાં એ પ્રથા હજી મહત્વની ગણાય છે ત્યાં રાજાય બચે અને કુંવર ગાદીએ બેસે એ અંત વિચારવા જેવો તો ગણાશે. પણ એ નાની બાબત છે.
ઘાટ, લખાવટ, આયોજન એની ભાષા વગેરે જોતાં ભવાઈ-સાહિત્યમાં આ એક સુંદર ઉમેરણ ગણાશે.’
રાજાનાં હરિજનો પર થતાં અત્યાચાર ઉપરાંત સંતાનપ્રાપ્તિ માટે વલખાં મારતો રાજા ચક્રસેન, જ્યારે તેને સંતાન પ્રાપ્તિ થાય છે, ત્યારે પણ તે સંતાનસુખથી વંચિત જ રહે છે. રાજાનાં તે સંતાનને એક હરિજન ઉછેરીને મોટો કરે છે અને છેવટે રાજાની સંતાનપ્રાપ્તિની મહેચ્છામાં તે તેનાં પોતાનાં કુંવરનો ભોગ લે છે.
આ ભવાઈનો સુખાંત કે દુઃખદ અંત માન્ય રાખવો તે ધીરુબહેને બે અંત લખીને વાચકો પર છોડયો છે. અસાઈત ઠાકરથી આગળ વધેલી આપણી આ ગુજરાતી લોકપરંપરાને ધીરુબહેનને આ ચલચિત્ર અને પુસ્તક દ્વારા આગળ વધારી છે.
હૃદયસ્થ સાહિત્યકાર ધીરુબહેનની આ સાહિત્યરુપી નદી આપણાં અંતરમનમાં હંમેશાં ખળખળ વહેતી રહેશે.
ખળખળ વહેતી સઘળું સહેતી
નદી વહેતી જાય
પળપળ કહેતી જાય
કાળમીંઢ આ ખડક મહીં જો
પંથ નવા કોરાય!
નદી વહેતી જાય
પળપળ કહેતી જાય
નદી વહેતી જાય
ખળખળ વહેતી જાય.
***
~ ભવની ભવાઈ: ધીરુબહેન પટેલ
~ પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ
મોબાઈલ: 9601659655
ઈમેલ: rippleparikh2@gmail.com
ખૂબ સરસ અને યથાયોગ્યપણે કરેલ સમીક્ષા. અભિનંદન રિપલકુમાર.